બાળકો માટે રમકડાં પસંદ કરતી વખતે શું ધ્યાનમાં રાખશો?

બાળક માટે જે પણ રમકડાં લો તે તેની ઉંમર, વિકાસના સ્તર અને શારીરિક ક્ષમતાના આધારે પસંદ કરો.

રમકડાં સલામત હોવાં જોઈએ; તે બાળકના સ્વાસ્થ્યને હાનિ કરે કે શારીરિક ઈજા પેદા કરે તેવાં ન હોવાં જાઈએ.

બાળકનાં રમકડાં ખર્ચાળ જ હોવાં જોઇએ તેવું જરૂરી નથી. સસ્તાં, પણ તેની રુચિ અને રસને પોષી શકે તેવાં રમકડાં પર પસંદગી ઉતારવી જોઈએ. ઘણી વાર તો એવું જોવા મળે છે કે બાળક માટે ખરીદેલાં મોંઘાંદાટ રમકડાંને તે અડકતું પણ નથી, અને તે ઘરવપરાશ અને રસોડાનાં વાસણોથી રમવાનું વધારે પસંદ કરે છે.

રમકડાં કેવળ બાળકના શૈક્ષણિક અને વિકાસના હેતુસર જ હોવાં જોઇએ એવું નથી; તે બાળકના આનંદ, રુચિ અને નવરાશના સમયને ભરવામાં ઉપયોગિતા ધરાવતાં અને મુક્ત, હેતુવિહીન પ્રવૃત્તિ આપી શકે તેવાં પણ હોવાં જોઈએ.

બાળકનાં રમકડાં પર્યાવરણ માટે હાનિકારક ન હોવાં જોઈએ.

પોલીવિનાઇલ ક્લોરાઇડ (પી.વી.સી.)ના પ્લાસ્ટિકથી બનેલાં રમકડાં બાળકના સ્વાસ્થ્ય તેમ જ પર્યાવરણ માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થયેલાં છે.

રમકડાં ખૂબ અવાજ કરે તેવાં પણ ન હોવાં જોઈએ.

રમકડાંમાં સલામતીનો મુદ્દો:

ખૂબ નાના નાના ભાગો ધરાવતાં રમકડાં નાનાં બાળકોને રમવા આપવામાં સલામતી નથી. મણકા અને બટન જેવી નાની ચીજો રમત—રમતમાં બાળક મોંમાં નાખે અને અકસ્માત ગળી જાય કે તે શ્વાસનળીમાં ઊતરી જાય તો તેનાથી ગંભીર દુર્ઘટના પેદા થઈ શકે છે.

અણીદાર ચીજોથી શરીરે, આંખમાં અને કાનમાં બાળકને ઈજા થઈ શકે છે. પ્લાસ્ટિકની ઝીણી ગોળીઓ ધરાવતી બંદૂક કે રમકડાંના તીરકામઠાં બાળકને રમવા આપવાં જોખમી છે.

અણીદાર સળિયા કે સળી ધરાવતાં રમકડાંથી પણ બાળકની આંખ ગઇ હોય તેવાં ઉદાહરણો બનતાં હોય છે.

બાળકનાં રમકડાંમાં કાચનો ઉપયોગ ન હોવો જોઈએ.

નાનાં બાળકો રમતી વખતે રમકડાંને મોંમાં નાખતાં હોય છે. જો રમકડાં પરનો રંગ કાચો હોય તો તે તેમના પેટમાં જવાનો સંભવ રહે છે. આનાથી બાળકો રંગોની બનાવટમાં વપરાતા સીસાના ઝેરનો ભોગ બની શકે છે.

પ્લાસ્ટિકનાં રમકડાંને નરમ—પોચાં બનાવવા માટે તેમાં પોલીવિનાઇલ ક્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ દ્રવ્ય બાળકના સ્વાસ્થ્યને લાંબા ગાળાનું નુકસાન કરતું હોય છે. પર્યાવરણ માટે પણ તે હાનિકારક સાબિત થયેલું છે. બજારમાં મળતી બાર્બીની ઢીંગલીમાં તેનો ઉપયોગ થતો હોય છે. રમકડાંની પસંદગીમાં જાગૃત માબાપે પર્યાવરણ—મિત્રતા (ઇકો—ફ્રેન્ડલિ)નો ખ્યાલ ધ્યાનમાં રાખવો જોઇએ.

ફટાકડા અને પતંગ—દોરાથી બાળકો અને તરુણો અકસ્માત, ઈજા અને અપમૃત્યુનો શિકાર થતાં હોય છે એ સતત ધ્યાનમાં રાખજો.

એક વર્ષની ઉંમરનાં બાળકોને ચાલતાં શીખવાડવા માટે આધુનિક ચાલણગાડીઓ (baby walkers)મળે છે તે બાળકના શારીરિક અને હલનચલનના વિકાસ માટે અવરોધક છે અને ગંભીર ઈજાનું કારણ પણ બનતી હોય છે.

રમકડાં રમતા બાળકને એકલું મૂકીને આઘાપાછા ન થશો. નાની ઉંમરનાં બાળકો પલકવારમાં ગંભીર ઈજા અને જીવલેણ દુર્ઘટનાનો ભોગ બની જતાં હોય છે.

યાંત્રિક ગતિ ધરાવતા ભાગોવાળાં રમકડાં બાળકની ઈજાનું કારણ બની શકે છે.

રમકડાં રમતી વખતે બાળકને તેની ઉંમર અને વિકાસના સ્તરને ધ્યાનમાં રાખીને સલામતી અને સ્વરક્ષણના ઉપાયો ખાસ શીખવજો.

બાળક જેનાથી ઈજાનો ભોગ બની શકે તેવાં રમકડાં અને સાધનો હંમેશાં ધ્યાનમાં રાખજો. ઉદાહરણ તરીકે, તીર—કામઠું, ગોફણ, એરગન, ડાર્ટ (darts), કાચ, છરી—ચપ્પુ, કાતર, પેન—પેન્સિલ, સોય, કાંટાચમચી, કંપાસની અણી, ખીલી, લાકડાની ફાંસ, ફટાકડા, પતંગનો દોરો, રબરની ગોફણ વડે ઊંચે ઉડાડી શકાય તેવા હવાઇ રમકડાં અને દિવાસળી.