Vision
બાળ શિક્ષણના આદ્ય પ્રણેતા “ગિજુભાઈ બધેકા”
જન્મ :15-November-1885 નિધન 23-June-1939
“મૂછાળી માં” ગિજુભાઈનો જન્મ વલભીપુરમાં થયો. ગિજુભાઈનો બાલ શિક્ષણમાં પ્રવેશ તેમના પુત્ર નરેન્દ્રભાઈના કેળવણી અંગેના પ્રશ્નોને લઈને થયો. દરબાર ગોપાલદાસ પાસેથી બાળશિક્ષણનો પ્રથમ પરિચય મેળવ્યો. ૧૯૨૦માં દક્ષિણામૂર્તિ ભાવનગર ખાતે પ્રથમ બાલમંદિરની સ્થાપના કરી. આના દ્વારા તેમણે સિદ્ધ કરી બતાવ્યું કે બાળ કેળવણી એ મનુષ્ય જીવનનો પાયો છે અને યોગ્ય બાળકેળવણીથી જ આદર્શ સમાજ ઊભો થઈ શકે છે.
બાળકેળવણી વિષયક વિચારોમાં મુખ્યત્વે બાળકને સ્વતંત્ર વ્યક્તિત્વ છે, બાળ સન્માન, સ્વાધીનતા અને સ્વાવલંબન, સ્વાતંત્ર્ય, સ્વ નિયમન, બાળકની અભિવ્યક્તિ છે. તેમની બાળશિક્ષણની પદ્ધતિ નૂતન શિક્ષણ પદ્ધતિના નામે પ્રચલિત બની. બાળ કેળવણીના પ્રચાર અને પ્રસાર અર્થે તેમણે વિવિધ જગ્યાએ પ્રવચનો આપ્યાં, મા-બાપનું પણ શિક્ષણ શરૂ કર્યું, અધ્યાપન મંદિર શરૂ કર્યા, સભાને સરઘસો કાઢ્યા. ગિજુભાઈની સાહિત્ય ધારા ત્રીપંગથા હતી. (બાળકના માતા-પિતા અને શિક્ષક) બાળકો માટે 108 પુસ્તકો, વાલીઓ માટે માં-બાપ થવું આકરું છે, , માં-બાપોને, જેવા પુસ્તકો અને શિક્ષકો માટે કલા કારીગરીનો શિક્ષણ, પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષણ અને પુસ્તકો લખ્યા 1930-31ની લડત દરમિયાન બાળકોની વાનર સેના અને નાના બાળકોની માંજર સેના પ્રવૃત્તિઓ પણ ચલાવી . બાળક્રીડાંગણ યોજના દ્વારા બાળકોના શરીર અને મનને ખીલવવાની યોજના બનાવી. તેમનું સ્વપ્ન હતું કે શહેરે-શહેરે અને ગામડે-ગામડે ક્રીડાંગણ ઊભા થાય.
ગિજુભાઈએ જીવંત વ્યક્તિઓ રૂપે સુંદર પ્રદાન કર્યું. તારાબેન મોડક, મોંઘીબેન બધેકા, મનુભાઈ ભટ્ટ, નર્મદાબેન રાવળ જેવા કેટલાય વ્યક્તિઓને બાળ શિક્ષણના રંગેરંગી નાખ્યા. બાળકોના વકીલ ગિજુભાઈનું કાર્ય બાળ શિક્ષણમાં અમર બની રહેશે.
મારિયા મોન્ટેસરી – પ્રથમ સ્ત્રી કેળવણીકાર
જન્મ: 31-August-1870 નિધન: 6-May-1952
હે પરમ દેવ!
બાલ દેવના હૈયામાં ઉતરી તેમના જીવનને સાચી રીતે સમજવાની શક્ત્રી આપો કે જેથી અમે આપના દૈવી સંકેત અને એટલ ન્યાયની દ્રષ્ટીથી એમને સમજી શકીએ, ચાહી શકીએ અને એમની સેવા કરી શકીએ.
યુરોપના સમર્થ કેળવણીકારો પૈકી પ્રથમ સ્ત્રી કેળવણીર ડોક્ટર મોન્ટેસોરીનો જન્મ ઈટાલીમાં ચીરાવેલી ગામમાં થયો હતો. તેમને સેગુઈન અને ઇટાડૅની પદ્ધતિનો અભ્યાસ કરી એ પદ્ધતિ દ્વારા મંદબુદ્ધિના બાળકોની કેળવણી આપવા માંડી. ધીમે-ધીમે સતત સંશોધન, પ્રયોગો, ઊંડા અભ્યાસ તેમજ બાળકો સાથે કેળવણીના અનુભવોને આધારે પોતાની આગવી પદ્ધતિ વિકસાવી. જે મોન્ટેસરી પદ્ધતિના નામે પ્રચલિત બની. અને બધા જ કેળવણીકારો દ્વારા આ પદ્ધતિને પ્રતિપાદન મળ્યું. મારિયા મોન્ટેસરીના બાળ શિક્ષણ વિષયક વિચારો ખૂબ ઊંચા હતા. તેઓ કહેતા ઘરમાં અને શાળામાં બાળકનું મન પ્રફુલ્લિત રહે તેવું પ્રસન્ન, મુક્ત ,સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બાળકને આપવું.મોન્ટેસરી બાળકને સમજવા માટે જગતને એક નવી દ્રષ્ટિ આપી જે આ પ્રમાણે છે.
- બાળકોને પોતાનું સ્વમાન અને વ્યક્તિત્વ હોય છે, તેમને ધમકાવવા કે મારવાને બદલે તેમની સાથે પ્રેમ , વ્હાલ અને હૂફ આપી વર્તવું જોઈએ.
- ઝઘડાળુ વાતાવરણમાં બાળક મુંજાય છે, તેની સાથે હંમેશા પફૂલલિત રહીએ.
- બાળક જિજ્ઞાસુ હોય છે, તેના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીએ. બાળક હંમેશા જુદા જુદા પ્રકારની પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરવા ઝંખતુ હોય છે તેની આ ભૂખને કામ આપીને સંતોષીએ.
- બાળકના સ્નાયુઓ ના યોગ્ય વિકાસ માટે અને તેમને સ્વાવલંબી બનાવવા માટે જાતે કામ કરવા દઈએ.
- રમત બાળકોનો પ્રાણ છે તેથી તેને રમવા કૂદવા માટે તેની ઉંમરના બાળકો મિત્રો સાથે જવા દઈએ.
ગરીબો ના મોન્ટેસરી – તારાબેન મોડક
જન્મ: 19-April-1892 નિધન: 31-August-1973
તારાબેન મોડકનો જન્મ ઈન્દોરમાં થયો. પ્રાથમિક શિક્ષણ ઈન્દોરમાં થયું અને સ્નાતકનું શિક્ષણ મુંબઈમાં કર્યું. બાર્ટન ફીમેલ ટ્રેનિંગ કોલેજના આચાર્ય પદેથી રાજીનામું આપી ગિજુભાઈ પાસે પોતાની ત્રણ વર્ષની પુત્રીના શિક્ષણ માટે દક્ષિણામૂર્તિમાં જોડાયા. બાલ અધ્યાપન ક્ષેત્રમાં લગભગ ૧૭ વર્ષ કામ કર્યું અને નૂતન બાળશિક્ષણની ગિજુભાઈની સાથે રહીને સ્થાપના કરી. મુંબઈમાં દાદર ખાતે શિશુવિહાર કેન્દ્ર શરૂ કર્યું.
ત્યારબાદ સત્યાગ્રહ સંગ્રામ પછી હરિજન સેવાનું કાર્ય હાથ ધર્યું. ગાંધીજી સાથેની મુલાકાત પછી ગાંધીજીના સૂચન અનુસાર ગામડામાં જઇ પૂર્વ પ્રાથમિક શિક્ષણના પ્રચારનું કામ શરૂ કર્યું. બોરડીમાં તારાબેન અને તેમની મંડળી સંશોધન કરી આંગણવાડીનું કામ શરૂ કર્યું. લોક સહકાર ઓછો, પ્રજામાં અંધશ્રદ્ધા, ભરપૂર વહેમ આ બધા સાથે અથાક પરિશ્રમ, અડગ નિષ્ઠા અને શ્રદ્ધાથી ગરીબ બાળકોની કેળવણીમાં તારાબેન અને તેમના મિત્રો રચ્યાંપચ્યાં રહ્યાં અને તારાબેન ગરીબોના મોન્ટેસરી બન્યા.
ગિજુભાઈએ ભાવનગરમાં બાલમંદિર ચલાવ્યું, જુગતરામ કાકાએ બાલવાડી શરૂ કરી અને તારાબેને આંગણવાડી શરૂ કરી બોરડીમાં બાળ શિક્ષા કેન્દ્ર નામની સંસ્થા તારાબેને શરૂ કરી. સાતેક વર્ષના આંગણવાડીના અનુભવમાંથી પ્રેરણા લઇ તારાબેને એક વિસ્તૃત યોજના શરૂ કરી અને આ યોજનાને ૧૯૫૬માં મહારાષ્ટ્ર રાજ્યની સરકાર મારફત ભારત સરકાર પાસે રજૂ કરી ૧૯૫૭માં વિકાસવાડીની યોજના મંજૂર થઈ ગઈ અને બોરડીથી ખસીને એકદમ પછાત વિસ્તારમાંની કોસબાડ ટેકરી પર તારાબેન અને અનુતાઈ વાઘે કુરણ શાળા, ઉદ્યોગ શાળા જેવા કેળવણીના અવનવા પ્રયોગો હાથ ધર્યા.
ગાંધીજીની આજ્ઞા અનુસાર બોરડીમાં ગ્રામ બાળ શિક્ષા કેન્દ્રની સ્થાપના કર્યા પછી બોરડીથી ચાર માઈલ દૂરની ટેકરીઓ પર તદ્દન પછાત અને આદિવાસી વિસ્તારમાં વિકાસવાડી શરૂ કરી. ૧૯૬૨માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મભૂષણ નો ખિતાબ એનાયત કરવામાં આવ્યો.
બાળ વિકાસ અને બાળ શિક્ષણ ના કર્યો નો પાયો નાખનાર – આજીવન પ્રચારક – જયંત શુક્લ
જન્મ: 06-October-1926 નિધન: 16- August-2017
બાળદેવના આરાધ્ય જયંત શુક્લ એટલે જયંત શુક્લ ! પદ્મવિભૂષિત તારાબેન મોડકના જયંતભાઈ વિદ્યાર્થી. બાળ શિક્ષણની દીક્ષા તેમણે તારાબેન પાસેથી મેળવેલી, દીપાવેલી. ગ્રામપ્રજામાં બાળ શિક્ષણ પહોંચાડવાના સ્વપ્નને સાકાર કરવામાં જયંતભાઈ અને દીનાબેન શુક્લનો ફાળો અદભૂત. આંગણવાડી શબ્દતો પછીથી આવ્યો પણ એ શબ્દોને સાકાર કરનારી પ્રવૃત્તિઓના આદ્ય પ્રસારકોમાંના એક જયંતભાઈ બાળ શિક્ષણના મંત્ર અને તંત્ર બંનેના રહસ્યોને આત્મસાત કરીને ૧૯૭૩માં નૂતન બાલ શિક્ષણ સંઘ, વડોદરાની શરૂઆત કરી.
તેના થકી “મૂછાળી મા” ગિજુભાઈ અને તારાબેન મોડકનું કાર્ય પડકારો ઝીલીને પણ આગળ ધપાવતા ગયા. બાળશિક્ષણના પ્રચાર અને પ્રસાર અર્થે સતત મનોમંથન કરતા રહેનારા જયંતભાઈ અને દીનાબેન કંઈક નવા આયોજનો કરતા રહેતા. બાળકોના આનંદમય બાળપણ માટે બાળમેળા, બાળસભા, પુસ્તકાલય, વાંચનાલયો, સમરકેમ્પ જેવી કેટલીય પ્રવૃત્તિઓ હાથ ધરી. બાળકો માટે થઈને જોડકણા અને બાળગીતો રચી બાળકવિ પણ બન્યા. બાળગીતો, અભિનય ગીતોની રમઝટમાં જયંતભાઈ અને દીનાબેનની જુગલ જોડીને માણવી એ અદભૂત લાહવો રહેતો.
ગાંધી વિચારને વરેલા સત્યના પડકારને ઝીલવામાં સત્યાગ્રહ કરવામાંથી પણ પાછા પડ્યા ન હતા. એવા જયંતભાઈ 1993થી જીવનના અંતિમ ઘડી સુધી બાલ મૂર્તિના સંપાદક રહી બાલ મૂર્તિ સામાયિક ને જીવંત રાખ્યું. જિંદગીભર બાલદેવોની આરાધના કરીને બાલદેવો ભવ ગિજુભાઈના સૂત્રને ચરિતાર્થ કર્યું.