હરીફાઈ (માત્ર એક માપદંડ)
જો તે તમને પડકાર નહીં આપે
તો તે તમને બદલશે નહીં.
મારી દીકરી જયારે સ્કુલ માં ભણતી હતી ત્યારે દોડવાની હરીફાઈ માં ભાગ લેવા હંમેશા આનાકાની કરતી. કહેતી કે, મમ્મી હું તો છેલ્લે થી બીજી આવું છું. ત્યારે હું હસીને કહેતી કે દોડ્યા વગર કેવી રીતે નક્કી થાય? કદાચ તું આ વખતે છેલ્લે થી ત્રીજી પણ આવે. એમારી ઉપર ગુસ્સે થતી કે તું મારો મજાક કેમ ઉડાવે છે? અને મારી જવાબ હતો કે મારા માટે તું ભાગ લે એ મહત્ત્વનું છે. તું પ્રયત્ન કરે એમાં જ હું ખુશ છું. કારણ કે તું ધીરે નથી ભાગતી, પણ બીજાં ઘણાં તારા કરતાં ઝડપ થી ભાગે છે. પણ તારા વર્ગ માં પચાસ બાળકો છે અને વીસ જ દોડ માં ભાગ લે છે અને તું એમાંની એક છે એનો મને આનંદ અને ગૌરવ છે.
અને મારા આજ હકારાત્મક અભિગમ ને એણે આજ સુધી કદી પણ પ્રયત્ન કરવાનો, મહેનત કરવાની નથી છોડી. અને એ જીવનનાં દરેક ક્ષેત્ર માં એનાથી આગળ ગયેલાં ને આંબવાનો પ્રયત્ન કરતી રહી. અને ઘણાં બધા અંશે એમાં સફળ પણ થઈ.
બાળશિક્ષણનાં નિષ્ણાતો એવું માને છે કે બાળક ને હરીફાઈ માં નંબર નાં આપવો જોઈએ. બધાંજ બાળકો ઇનામનાં હકદાર છે. ખુબ જ સાચી વાત છે. કારણ પ્રયત્ન દરેક બાળક કરે છે, ભાગ દરેક બાળક લે છે. તો પછી બધાંજ વિજેતા છે. ખૂબ જ સુંદર વિચાર છે. કારણ બાળક જયારે કોઈ પણ હરીફાઈ માં ભાગ લે છે ત્યારે એનો ઉત્સાહ એની અપેક્ષાઓ ખૂબ જ હોય છે. એટલે એણે પ્રોત્સાહનની, પુરસ્કારની આશા હોય છે. બાળક હરીફાઈ માં ભાગ લેવાની હિંમત તો કરે જ છે. અને સ્ટેજ નો ડર પણ ઓછો કરવા માટે બાળપણ એ સૌથી સારો સમય છે.
પરંતુ આજની પરિસ્થિતિમાં વધતી જતી વસ્તી ને કારણે દરેક ક્ષેત્રમાં ઉમેદવારી વધું અને જગ્યા મર્યાદિત હોય છે. સ્કુલ માં નાનાં વર્ગનાં એડમિશનમાં જુઓ કે પછી હાઇસ્કુલ કે કોલેજમાં દાખલ થતી વખતે. અને પ્રવેશ મેળવતી વખતે એક ગુણ ઉપર ચાર કે પાંચ વિદ્યાર્થી જોવા મળે છે, હમેશા કોના કેટલાં ગુણ આવ્યા એ એક હરીફાઈ જ છે ને? અને પ્રવેશ નહી મેળવનાર ઘણી વાર ખૂબ જ હતાશ થઈ કોઈ ખોટું પગલું પણ ભરે છે.
આવી વ્યક્તિ હમેશા હાર થી ડરે છે. પરંતુ દરેક વ્યક્તિ આવો કદમ નથી ઉઠાવતો. ઘણાં સ્વીકારીને ફરી પ્રયત્ન કરવામાં લાગી જાય છે. તો ફર્ક ક્યાં છે? આપણે બાળપણ થી જ બાળક ઉપર સારો દેખાવ કરવાનો એટલો બધો બોજ નાખીએ છે કે બાળક એના ભાર તણે ગુંગળામણ અનુભવે છે.
દરેક બાળકની ક્ષમતા, ગ્રહણ કરવાની શક્તિ અને સમજણ અલગ અલગ હોય છે. એક વર્ગમાં ૫૦ બાળક હોય તો પહેલું અને કોક ૫૦ મું જરૂર હોય. પણ નંબર તો બધાને જ મળે છે.
બાળકને એ સમજાવો કે કોઈ સારો દેખાવ કરે એટલે તમારો દેખાવ ખરાબ નથી થઈ જતો, પરંતુ સામેવાળી વ્યક્તિ કરતા આપણો પ્રયત્ન કદાચ ઓછો પડે છે. વધુ સારું અને ઓછું સારું હોઈ શકે, ને ઓછું સારું એટલે ખરાબ તો નથી જ. તમારી લગન અને તમારો પ્રયત્ન જ મહત્વનો છે. કોઈ પણ હરીફાઈમાં ત્રણ જ ઇનામ આપવા ની પ્રથા હોય તો ત્રણ આ જ નંબર અપાય. મેડલ મળે એ જ સારા એવું નથી હોતું. એને એ સ્વીકારતા શીખવાડો, પોતાનાં કરતા કોઈ વધું સારું હોય શકે છે, તો એ વ્યકિત નાં સારા દેખાવ (performance) માટે તમારી ખુશી દર્શાવો, એને અભિનંદન જરૂર આપો. તમારી ત્રુટિ પછી એ કોઈ પણ ક્ષેત્ર હોય, રમત— ગમત, સંગીત, જ્ઞાનની પ્રશ્નોત્તરી, કે નાટક હરિફાઈ, નબળાં પાસા ને મજબૂત કરવા મહેનત કરો અને વધું તૈયારી સાથે ફરી ઝંપલાવો.
એક વખત ની હરીફાઈ એ કંઈ આખી જિંદગીનો માપદંડ નથી. તમારી જેમ ઉંમર વધતી જશે, એમ તમે વધુ સમજદાર બનશો, અને જાતે જ તમારી ત્રુટિઓ ને સુધારીને વધુ ને વધુ સારું પરિણામ લાવી શકશો. માટે કોઈની સાથે હરીફાઈ કર્યા વગર જો પોતાની જાત સાથે જ હરીફાઈ કરશો તો ચોક્કસ પણે આજ કરતાં કાલે અને એ રીતે દિવસે દિવસે તમે વધુ ને વધુ આગળ વધી શકશો.
અને આ બધું જ આપણે બાળકને બાળપણથી જ શીખવવાનું છે. કારણ દરેક જગ્યાએ એની ક્ષમતાની કસોટી થશે. પોતાના પરિણામની જવાબદારી થી નિરાશ થવાના બદલે, એને તમારું પીઠબળ બનાવો અને વધુ મજબૂત થતા જાવ. ક્યાંક પાછા પડો તો હતાશ થવાની જરૂર નથી. હારનાં ડર થી પાછીપાની નથી કરવાની. જિંદગીમા આપણને અનેક વાર તક મળતી હોય છે . અને એ તકને ઝડપી લેવા માટે આપણે મહેનત કરવી પડે છે. અને એ મહેનતનું જે પરિણામ આપણને મળે એને ખેલદિલીથી સ્વીકારવું પડે છે. તમે તો સારા જ છો અને તમે ખૂબ જ મહેનત પણ કરો છો પણ એનો અર્થ એવો નથી કે બીજા કોઈ સારા નથી અને મહેનત જ નથી કરતા. કોઈ તમારા કરતા વધુ કે ઓછું હોશિયાર હોઈ શકે છે. તો કોઈ પણ હોશિયાર વ્યક્તિની હરોળમાં આવવાનો પ્રયત્ન કરો. અને હોશિયાર વ્યક્તિની પાછળ ઊભા રહેવું એ હોશિયાર બનવા જેટલું જ જરૂરી છે.
માટે કદી પણ પોતાના બાળક ની કોઈપણ હરીફાઈ નું પરિણામ જોઈને એના ઉપર નકારાત્મક વલણ નાં બતાવો અને હાં, કદી પણ એને એવું ના કહો કે આ પરિણામ ખોટું છે. જે પણ પરિણામ આવે એને હસી ખુશીથી સ્વીકારો, અને બાળક ને કહો કે તું હજુ વધારે સારું કરી શકે છે. આપણે થોડા ધીમે દોડયા તો થોડા પાછળ રહી ગયા. એમાં કશું ખોટું નથી. જે તમારા કરતા આગળ આવે એને ખુશીથી અભિનંદન આપો. એની ખુશીમાં સાચા મનથી ભાગ પડાવો. અને પોતાના બાળકની મહેનતને પણ ઉજવો.
તમારો આ હકારાત્મક અભિગમ બાળકને વધુ મહેનત કરવાની પ્રેરણા આપશે. અને એની મહેનતનું જે પણ પરિણામ આવે એને સ્વીકારવાની તાકાત આપશે. એનો આત્મવિશ્વાસ વધશે. અને એ બાળકના ભવિષ્યનાં દરેક પડકારને, દરેક હરીફાઈને એક તક સમજીને ઝડપી લેશે. એ પોતાની ક્ષમતાને સમજશે, અને દરેક પરિણામનો હકારાત્મક રીતે સ્વીકાર કરશે. એ જિંદગીમાં નિરાશાવાદી નહીં બને, હતાશ નહીં થાય. આપણા કરતા કોઈ વ્યક્તિ એ ક્યારેક સારો દેખાવ ભલે કર્યો હોય પરંતુ મારો દેખાવ ખરાબ તો નથી જ એ વલણ એને આ જિંદગીની હરીફાઈમાં હંમેશા દોડતા રહેવામાં મદદ કરશે. એ કદી પણ પાછી પાની નહીં કરે કે પીઠ નહી બતાવે અને કદી પણ થાકીને બેસી નહિ જાય, નાસીપાસ નહીં થાય.
If it doesn’t Challenge YOU
It doesn’t Change You.
મનીષા શુક્લ (ઓજસ્વીની)