મા, મને બહુ ભૂખ લાગી છે
મને ખૂબ ભૂખ લાગી છે. મમ્મીના પેટમાં હતી ત્યારે જમવાનું એમ જ મળી જતું હતું. જ્યારે હું મમ્મીના પેટમાં હતી, ત્યારે મેં સાંભળેલું કે મમ્મીઓ પોતાનું ફિગર બગડે નહિ માટે માતા બાળકને સ્તનપાન કરાવતી નથી. પણ પેલા ડૉક્ટરઆંટી કેહતાં હતાં કે એક વર્ષ સુધી બાળકને માતાનું દૂધ પીવડાવવાનું હોય છે. સ્તનપાનના બહુ બધા ફાયદા છે. જેમ કે બાળકને ઈન્ફેક્શન થવાના શક્યતાઓ ઘટી જાય છે. માતાનું દૂધ સંપૂર્ણ જંતુમુક્ત હોય છે. વાતાવરણ ગમે તેવું હોય પણ માતાનું દૂધ બાળકને નોર્મલ ટેમ્પરેચર(સામાન્ય તાપમાન) પર મળે છે. માતાનું દૂધ બાળકને પચવામાં સરળતા હોય છે. સ્તનપાનની કોઈ એક્સપાયરી ડેટ (છેલ્લી તારીખ) હોતી નથી, તે કાયમ હાજર હોય છે અને બાળકને ભૂખ લાગે ત્યારે આપી શકાય છે. તેનાથી માતા અને બાળક વચ્ચેનું બોન્ડીંગ વધે છે. બાળકને હૂંફ મળે છે, જે એના માનસિક વિકાસ માટે જરૂરી છે. સ્તનપાનથી બાળકની બુદ્ધિપ્રતિભાનો વિકાસ થાય છે. આવા બાળકોનું ગણિત જેવા વિષયમાં પ્રભુત્વ જોવા મળતું હોય છે.
બાળકને માતાના દૂધમાંથી તમામ મિનરલ મળી રહે છે. બાળકને ચેપી બીમારીઓથી દૂર રાખે છે કેમ કે માતાના દૂધની અંદર કેટલાક એવા ઓક્સીડેન્ટ હોય છે જે બાળકને રોગ સામે લડવાની શક્તિ આપે છે. ડૉક્ટરઆંટી કેહતાં હતાં કે શરૂઆતના દિવસોમાં પીળા કલરનું જે દૂધ આવે એ પણ મારા માટે ખૂબ જ ઉપયોગી છે એને કંઈ કોલોસ્ટ્રમ એવું કંઈ કહેવાય છે જે શિશુના જન્મ પછી તરત લાગતા ચેપના જોખમ સામે રક્ષણ આપવા ખૂબ મહત્ત્વ છે. જેમાં પ્રોટીન ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે.
સ્તનપાન કરાવવાથી માત્ર બાળકને જ ફાયદો નથી પરંતુ માતાને પણ છે. મહિલાને સ્તન અને ગર્ભાશયના કેન્સરથી બચાવી શકાય છે. સ્તનપાન માતાને સ્થૂળતાથી રક્ષણ તો આપે જ છે સાથે તેનું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મારી મમ્મીને આ બધું ખબર હશે ને? બીજી બધી મોર્ડન મમ્મીની જેમ મારી મમ્મી મને ભૂખી તો નહીં રાખે ને? ઘણી મમ્મીઓ કેરિયરની લાયમાં પોતાના બાળકને કેરટેકરના ભરોસે મૂકીને જતી રહેતી હોય છે. બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે માનો પ્રેમ, હૂંફ, માતાનું દૂધ ખૂબ જ જરૂરી છે. નાનું બાળક માતાને એની સુગંધ, એના સ્પર્શથી ઓળખતું હોય છે. મને મારી માતા સિવાય કોઈ અજાણ્યો સ્પર્શ થાય ત્યારે જરાય ગમતું નથી. બહુ જ ડર લાગે છે. એટલેજ પહેલાના સમયમાં મહિનાઓ સુધી પિયર જવાનો નિયમ હતો, જેથી માને પિયરમાં આરામ મળી રહે, એના માતાપિતા, ભાઈ બહેનની જોડે એ વધારે આનંદ કરી શકે, એ બાળકની સાથે રહી શકે, સુવાવડ પછી ઘણાં સમય સુધી સ્ત્રી ક્યાંય અડી નહિ શકતી , માલિશ કરવા વાળી આવતી. આ હોમ સ્પા જ હતું ને? જેથી મા રીલેક્ષ થઈ શકે… અને ઘી અને સૂકામેવાવાળા જાતજાતના ખોરાક ખવડાવવામાં આવતા… પણ હવે તો કેલરી કોન્સિયસ મધર…પૌષ્ટિક ખોરાકથી માતાને સારું દૂધ આવે અને બાળકનું પેટ ભરાય. હાશ… આજે મારું પેટ ભરાઈ ગયું. હવે શાંતિથી ઊંઘી જઈશ. મારી બાજુના પલંગમાં આંટીનો છોકરો પૂરા સમય રડયા જ કરતો હોય છે, મારા નાની કેહતાં હતાં, બાજુવાળાં આંટી જમતાં જ નથી, એટલે એમને દૂધ આવતું જ નથી, હંમેશા માતાએ પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો જોઈએ. જેથી માતાનું દૂધ બાળકને યોગ્ય પ્રમાણમાં મળી રહે અને બાળકને પચવામાં સરળ રહે…પણ મને કેટલા લોકો મળવા આવે છે! અને મને ઊંચકીને અને કિસ કર્યા કરે છે. એક અંકલને તો શરદી થઈ હતી. મને પણ શરદી તો નહીં થઈ જાય ને? ડૉક્ટર આંટી કેહતાં હતાં કે નવજાત બાળકને તરત જ ઈન્ફેક્શન થઈ જાય. એટલે બાળકને અડતાં પહેલાં હાથ ધોવાના હોય છે. અને આપણને કોઈ બીમારી હોય ત્યારે નવજાત બાળકને આપણાથી દૂર રાખવું જોઈએ. પણ અહીં તો જે આવે તે મને ઊંચક્યા કરે છે. પ્રેમ બતાવવાની આ કેવી રીતે?
મારી માની એક ગમતી કવિતા…
વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું
ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ
દેવીયું કનેથી માંગી લીધો મલકાટ
અને મધરાતે માપી સીમાડા સુદૂર,
ચપટીક રજ લીધી નખેતર તણી
અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.
સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,
સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં
જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈં
વારે વારે હસું હસું થાય એનું મુખ
હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું
હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ. —મકરન્દ દવે
ચાલો હવે હું ઊંઘી જાઉં, મારો હાથ પણ દુખે છે. કેમ? હવે હું નહિ સૂઈશ તો મારી મમ્મીને આરામ નહિ મળે, અને એને પણ મારા જન્મતાં વખતે બહુ પરિશ્રમ કર્યો હોવાથી ખૂબ થાક લાગ્યો હશે.
સ્તનપાન માતાના પોતાના માટે, બાળક માટે અને દુનિયા માટે એક વરદાન છે. — પામેલા વિગ્ગીન્સ.