અને શિક્ષણનો અધિકાર કોને?
શિક્ષણ કોણ આપી શકે? પણ, ખરેખર, શિક્ષણ આપવાનો અધિકાર કોને? શિક્ષણનો અધિકાર માત્ર તેને છે જેણે પોતાનું જીવનકાર્ય બાળકને અજ્ઞાનનાં બંધનોમાંથી મુક્તિ આપવામાં માન્યું છે. શિક્ષણનો અધિકાર તેને છે જેણે બાળકની બુદ્ધિને ઘેરતા વહેમો અને ભ્રમોને દૂર કરવાની દીક્ષા લીધી છે. શિક્ષણનો અધિકાર તેને છે જેણે બાળકની પ્રગતિમાં અંતરાયરૂપ થતી જડતાને નિર્મૂળ કરવાનું વ્રત લીધેલું છે.
શિક્ષણનો અધિકાર તો તેને છે જે જ્ઞાનનો જીવંત ભંડાર હોય, જે શીખવા માટે તત્પર હોય અને શીખવવા માટે ઉત્સુક હોય, જેણે જ્ઞાન અને કર્મનો સમન્વય સાધ્યો હોય, જે લીધા કરતાં આપવામાં વધારે માનતો હોય અને આપતાં આપતાં પ્રસન્નતા અનુભવતો હોય.
તેને જ માત્ર શિક્ષણનો અધિકાર છે જે એટલો કરુણામય છે કે દુઃખીનાં આંસુ લૂછીને તે દિલાસો દઈ શકતો હોય, ભગ્ન હૃદયને સાંધી શકતો હોય, નિરાશાને આશામાં પલટી શકતો હોય, પતિતને પાવન કરી શકતો હોય, નોધારાંનો આધાર બની શકતો હોય, શ્રદ્ધાહીનમાં શ્રદ્ધા ચેતાવી શકતો હોય, અવિશ્વાસુમાં વિશ્વાસ જગાવી શકતો હોય, અકર્મીને કર્મયોગી બનાવી શકતો હોય.
શિક્ષણનો અધિકાર કોને હોય? શિક્ષણનો અધિકાર તેને હોઈ શકે છે જે સત્યપ્રિય હોય, શુભપ્રિય હોય, સૌંદર્યપ્રિય હોય, જ્ઞાનપ્રિય હોય, સિદ્ધાંતપ્રિય હોય, વ્યવહારપ્રિય પણ હોય, સમાજપ્રિય હોય. યસમન્નોદ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે શિક્ષણ તો તે આપી શકે જે જ્ઞાની હોય, જે જ્ઞાનાર્થીને “અહં ત્વાં સર્વપામ્પેયો મોક્ષયિષ્યામિ મા શુચઃ।” એવું કહીને અજ્ઞાનરૂપી પાપમાંથી મુક્તિ આપવાની શક્તિ ધરાવતો હોય, નીચામાં નીચી ભૂમિકામાંથી વિદ્યાર્થીને ઉપર ઉઠાવી શકે એવો તો એ પ્રતાપી અને ઊર્ધ્વલક્ષી હોય.
ખરે જ, શિક્ષણનો અધિકાર તો તેને છે જે સુરુચિપૂર્ણ હોય, જેના જીવનનો કોઈ આદર્શ હોય, જેને સંસ્કારિતાનું કોઈ સ્વપ્ન હોય, જેની પ્રવૃત્તિમાં કોઈ પુણ્ય હોય, જેની ભાવનામાં કાંઈ ભક્તિ હોય, જેની અભિવ્યક્તિમાં કોઈ પ્રાણ હોય, જેની અસ્મિતામાં કાંઈ ઉજાસ હોય, જેનામાં તપ હોય, તેજ હોય, ત્યાગ હોય.
શિક્ષણનો અધિકાર તો તેને છે જે સત્ય, શિવ અને સુંદર સમજી શકતો હોય, સરજી શકતો હોય, કોઈ અદકેરું ફૂલ જોઈને પણ જેના હૃદયમાં ઊંડી ઊંડી ઊર્મિઓ ઊછળી જતી હોય, ‘માનવજાત’ કેટલી સુંદર છે!” એવું જેને સાનંદાશ્ચર્ય થતું હોય, આ જીવન જીવવા જેવું છે એવો વિશ્વાસ જેના દિલમાં જાગેલો હોય, બીજામાં જગાવી શકતો હોય, જે સંધ્યા અને ઉષાની રંગભરી કવિતાઓ વાંચી શકતો હોય, બાળકની કાલીઘેલી વાણીમાં, પંખીના કિલ્લોલમાં અને વાછરુના નૃત્યમાં અસ્તિત્વના આનંદનું જે દર્શન કરી શકતો હોય, ઝંઝાવાત અને પ્રલયના ઝપાટામાં પ્રકૃતિનો ઉન્માદ જે પરખતો હોય, દુઃખીઓનાં દુઃખમાં જે જીવનનું કારુણ્ય દ્રવતું જોતો હોય, જે વહેતા ઝરણાનું ગીત ઉકેલી શકતો હોય, જે અગાધ અબ્દિની અમાપ સીમાઓ ઉપર નર્તતી તરકતમ લહરીઓના તાલમાં અને પ્રચંડતમ મોજાંના ઘૂઘવાટમાં ત્રિકાલની બંસરી સાંભળી શકતો હોય, ૠતુઓના રાસને જે ઝીલી શકતો હોય, મંદાકિનીની રંગોળીઓથી રસેલા અનંતના પટ ઉપર અગણિત તારલાની આરતી વિરાટને ઉતારતી જે નિહાળી શકતો હોય.
તેને જ માત્ર શિક્ષણનો અધિકાર છે જે દ્રષ્ટા હોય, ઝાકળને બિંદુએ બિંદુએ જે વિશ્વરૂપ દેખી શકતો હોય, માનવહૃદયને ખૂણેખૂણે પરમતી પરમતાને જે પેખી શકતો હોય, “યતો વાચોનિવર્તન્તે તદ્વામ પરમં મમ” એવા બ્રહ્મને પણ વાણીમાં વર્ણવી શકતો હોય, અચિન્ત્યને પણ ચિન્તવી શકતો હોય.
(ફેબ્રુઆરી ૧૯૬૩માં ગંભીરા ખાતે અને માર્ચ ૧૯૬૪માં આંતરસુંબા ખાતે યોજાયેલ ખેડા જિલ્લાનાં વિનયમંદિરોના આચાર્યોની શિક્ષણપરિષદોમાં શિક્ષણાધિકારી તરીકે પ્ર.ત્રિવેદીએ અંગ્રેજીમાં આપેલ પ્રવચનો “ And Who Shall Teach ? અને What Shall Be The Function The School”
(શિક્ષણના અધિકારનું સ્વપ્ન નવી રાષ્ટ્રીય નીતિ દ્વારા પૂર્ણ થશે એવી આશા સેવીએ.સં.)