રમતાં રમતાં વિજ્ઞાન
“બેન! આ મારા નિશાંતનું કંઈક કરો ને ! આમ એવો હોંશિયાર છે, પણ એની એક જ ટેવ મને હેરાન પરેશાન કરી મૂકે છે, એને કોઈપણ રમકડું આપો… બે ત્રણ કલાકમાં તો એને જુદું કરી જ નાંખ્યું હોય… તમે માનશો? કેટકેટલાં ને કેવાં મોંઘાં રમકડાં હું તેને માટે લઈ આવું છું! બજારમાં કંઈક નવું રમકડું જોઉં એટલે મને મન થઈ જાય કે નિશાંત માટે લઈ જાઉં… એને આપું ત્યારે સમજાવીને કહું પણ ખરી કે ‘તું તોડીશ નહીં પણ રમજે.’ પણ એ સમજે તો ને! એને ફોડીને છૂટું ન કરે તો એ નિશાંત શાનો? એને ક્યાં ખબર છે કે આજે આ બધાં રમકડાં કેટલાં મોંઘાં આવે છે! એની આ ભાંગફોડિયા પ્રવૃત્તિથી તો હું એવી ત્રાસી ગઈ છું બેન!”
એ જ નિશાંત બાલમંદિર શરૂ થાય અને પ્રાર્થનામાં આંખો મીંચી હાથ જોડી ભાવપૂર્વક પ્રાર્થના કરતો હોય. પછી બાળગીતોના તાસમાં ગાવાની મઝા માણતો એને હું જોઉં. બેન વાર્તા કહેતાં હોય ત્યારે તો એ એમાં એવો તન્મય થઈ જાય! એના મોં પર બધા જ ભાવ વર્તી શકાય. એનું લાગણીશીલ હૃદય વાર્તાનાં પાત્રો સાથે એકાકાર થઈ જતું દેખાય. અને પછી વિજ્ઞાનના પાઠનો તાસ આવે ત્યારે!
અરે! બાલમંદિરમાં તો વળી ભણવાનું જ શાનું હોય! રમવાનું, કૂદવાનું, રેતીનાં દહેરાં બનાવી દેવની સંક્લ્પનામાં રાચવાનું હોય. ઇન્દ્રિય શિક્ષણ અને જીવન વ્યવહારનાં સાધનોની સમજ અને શિક્ષણ બધું જ રમતાં રમતાં બાળકો ક્યાં ને કેવી રીતે શીખે તે તેમને ય સમજ ન જ પડે. અને તેમાં ય રમતાં રમતાં વિજ્ઞાનની પ્રવૃત્તિ શરૂ થાય ત્યારે તો નિશાંતને ખૂબ મઝા આવી જાય. એને એવી ગડમથલ પહેલેથી જ બહુ ગમે. એની મમ્મી થાકી કંટાળીને વારંવાર ફરીયાદ કરે કે “એ રમકડાં તોડે છે“ પણ તમે નિશાંતને પૂછયું છે કે ‘તું કેમ રમકડું તોડે છે?’ રમકડું રમવું નથી ગમતું એટલે એ રમકડું નથી તોડતો. પણ એ રમકડું કેવી રીતે ચાલે છે એ જોવાની ઈંતેજારી એ રોકી શકતો નથી. એને તો રમકડાંના Mechanism માં રસ છે. ઈશ્વરે માણસમાત્રમાં જિજ્ઞાસાવૃત્તિ મૂકી છે અને એટલે એ જે કંઈ જુએ એની પાછળનો કાર્યકારણ સંબંધ સમજવા તેનું મન મથામણ કરે છે. કેટલાંક બાળકોને માત્ર રમકડું રમીને સંતોષ મળે છે પણ નિશાંત જેવા પ્રબળ જિજ્ઞાસા ધરાવતાં બાળકોને માત્ર રમીને આનંદ મળતો નથી, તેને તો એનો પૂરો અભ્યાસ કરવો ગમે છે. એટલે એને તોડફોડ નહીં પણ તોડ જોડમાં રસ પડે છે અને એવા નિશાંત જ ભવિષ્યમાં એન્જિનીયર બની શકે છે અને એટલે જ હું હંમેશાં માબાપને કહું છું “બાળકની ભાંગફોડિયા વૃત્તિ પાછળ રહેલી અભિરુચિને ઓળખો, પારખો અને એને વિકસાવવા માટેની અનુકૂળતા કરી આપો, અને ઘણાં મા—બાપ જાગૃત થયાં છે.
મોટેભાગે આપણે રમકડાંનું મૂલ્યાંકન એની કિંમત જોઈને જ કરીએ છીએ. “ગમે તેટલાં મોંઘાં રમકડાં લાવીને આપો. એને છે કશી કિંમત? ઘડીવારમાં છૂટું ન કરે તો મને કહેજો.” નિશાંતને મન પૈસાની ક્યાં કિંમત છે! એને જિજ્ઞાસા સંતોષવી છે. એને ઈંતેજારી છે… કારણ એને વિજ્ઞાનમાં રસ છે.
અમેરિકામાં પેલો કુણાલ રોજ સવારે ઊઠે અને એના પલંગની નીચેનું મોટું ખાનું ખાસ્સાં રમકડાંથી ઠસોઠસ ભરેલું, એ ખોલીને બેસે. ક્યાંય સુધી વિચાર કર્યા કરે ને પછી મને પૂછે… “માસી આજે હું શું રમું?” આપણે માબાપ પણ અધીરાં બની ક્યારેક બાળકોને એટએટલાં રમકડાં વસાવી આપીએ છીએ કે એ પોતે જ એમાંથી શું રમવું એ પસંદ કરતાં મૂંઝાઈ જાય છે. આ પણ એક મુશ્કેલી તો ખરી જ ને! રમકડાં મળવાની પ્રસન્નતાને બદલે મૂંઝવણ. આપણો અધીરો સ્વભાવ પણ ક્યારેક કેવો અવરોધ બનીને ઊભો રહી જાય છે! એના કરતાં એની જિજ્ઞાસાને પોષણ મળે એવાં નાનકડાં પણ હાથવગાં કેટકેટલાં રમકડાં આપણે એને આપી શકીએ! આનો ખ્યાલ તો બાલમંદિરમાં રમતાં રમતાં વિજ્ઞાનના પાઠ જ્યારે ચાર સાડાચાર વર્ષનાં બાળકોને શીખવવામાં આવ્યા ત્યારે જ આવ્યો.
આજે ટેકનોલોજી અને વિજ્ઞાન હરણફાળે આગળ વધી રહ્યું છે અને એટલે બાળક નાનું હોય ત્યારથી જ તેને આ બધાં માટે ખૂબ સજાગ રાખવું જ પડે, ઈશ્વરે એને ભરપૂર જિજ્ઞાસાવૃત્તિ આપી છે એટલે વિજ્ઞાનનાં કેટલા બધા મૂળભૂત સિદ્ધાતો પણ બાળકના મગજમાં સ્થાપિત થઈ જાય તેવું હોય છે! સામાન્ય રીતે આપણી વિજ્ઞાન શીખવવાની રીત પાઠયપુસ્તકમાંથી અભ્યાસ અને એમાં સૂચવેલા માત્ર પ્રયોગો કરવાના, એનો બરાબર અભ્યાસ કરી ગોખી અને પરીક્ષામાં લખીને અઢળક માર્ક્સ મેળવવાના, અને એટલે આપણે માનીએ કે “હું વિજ્ઞાનમાં પારંગત થઈ ગયો” પણ સાચું શિક્ષણ માત્ર પરીક્ષાના માર્ક્સ માટે કે ડિગ્રી મેળવવા માટે નથી. એ જ્ઞાન મેળવી જીવનને વધુ સારું બનાવવા એનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે કરી શકાય એ આવડત કેળવવા માટે છે. માત્ર ચોપડીનું જ્ઞાન એ જ્ઞાન નથી, એ જ્ઞાનથી જીવનનો વ્યવહાર સુલભ થાય તો જ એ જ્ઞાન ખરું, નહીં તો એવા જ્ઞાનનો કાંઈ જ અર્થ નથી. એટલું જ નહીં પણ ચોપડીમાંથી વાંચી કે માત્ર એના પ્રમાણે પ્રયોગ કરીને એને યાદ રાખવાથી કશો જ અર્થ સરતો નથી. એના Concept મગજમાં બરાબર ઊતરવા જોઈએ, સમજાવા જોઈએ. અને જો તે માટે રોજરોજ બાળકોને એ દૃષ્ટિબિંદુથી વિજ્ઞાન શીખવવામાં આવે તો બાળકમાં વિજ્ઞાન માટેની અભિરુચિ અને ભૂખ વિકસે છે.પાણીના ગ્લાસમાં બરફનો ટુકડો મૂકી બાળકને પૂછીએ, કેમ બરફ ડૂબી જતો નથી? બાળકને તરત જ યાદ રહી જશે “બરફ પાણીથી હલકો છે.” એવી જ રીતે એક પાટિયાને ઢળતું રાખી એની ઉપર નાનકડી ગાડી રગડાવીએ. ઢાળ ઓછો વધતો કરતાં તેને ખ્યાલ આવશે “વધુ ઢાળ હોય તો ગતિ વધે, ઓછો ઢાળ હોય તો ગતિ ધીરી હશે.” સફરજન નીચે પડે છે તે કેમ? એ સમજાવવા ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત તેના મગજમાં ઠસી જશે. કાચના ટેબલ પર પેપરક્લીપ કે અંદર લોખંડવાળી ઢીંગલી મૂકી કાચની નીચે લોહચુંબક ફેરવતાં તે પેપરક્લીપ કે ઢીંગલી ચાલવા લાગશે, આ જાદુ જોઈને બાળકને ખૂબ મઝા આવશે અને લોહચુંબક વિષેનું જ્ઞાન મળશે.
ફુગ્ગામાં હવા ભરી ઉપરથી છોડી દઈએ તો ફુગ્ગામાં રહેલી હવા બહાર આવશે અને ફુગ્ગો જેટ વિમાનની જેમ ઊડશે.
પાણીમાં હલકું રમકડું તરે છે, ઉપરથી દબાવવાથી નીચે જશે પણ ફરી દબાણ છોડી દેતાં ઉપર આવી જશે.
બાળકોને એવી જ મઝા બહિર્ગોળ અને અંતર્ગોળ કાચ અને અરીસાથી આવે છે, કારણ કે એમાં જુદાં જુદાં મોટાં—નાનાં પ્રતિબિંબો જોવા મળે છે.
અરે! કથરોટમાં પાણી ભરીને મૂક્યું હોય અને એ સ્થિર થઈ ગયા પછી જ તેમાં એકાદ કાંકરી નાંખીએ કે સહેજ હાથથી હલાવીએ તો અંદર તરંગો પેદા થાય છે, હવા અથડાવાથી તેમાં મોજાં ઉત્પન્ન થાય છે.
આવી તો કેટકેટલી રમતો બાળકો સામે રજૂ કરી શકાય! વિજ્ઞાન ભણવા માટે પાઠયપુસ્તક, નોટ, કાગળ, પેન્સિલ, પ્રયોગપોથી એ બધું જરૂરી જ છે એવું નથી, આપણામાં જિજ્ઞાસાવૃત્તિ તો છે જ. તો આવી જાતજાતની રમતોનું આયોજન કરીને બાળક નાનું હોય ત્યારથી તેને વિજ્ઞાનના કેટલા બધા Concept ની સમજ રમતાં રમતાં આપી શકાય છે!
બાલમંદિરમાં તે વળી વિજ્ઞાનમેળો! આશ્ચર્યકારક લાગતી આ ઘટના, પણ છતાં એ એક યાદગાર વાસ્તવિક હકીકત બની રહી હતી. બાલમંદિરનાં ચાર પાંચ વર્ષનાં બાળકોએ વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કર્યું. ગૌરવભેર આખો પ્રયોગ તેઓ વર્ણવતાં હતાં તે સાંભળીને અને જોઈને તો એમ જ લાગ્યું કે આમાંથી જરૂર કોઈ ને કોઈ ભવિષ્યમાં સારા વિજ્ઞાની બનશે. બાળકના વિકાસનાં બીજ અહીં રોપાય છે. અને પછી જો તેને માવજત મળે તો તે ખૂબ આગળ વધી શકે છે. જુદા જુદા સિદ્ધાંતો પર આધારિત બાળકોની કેટકેટલી રમતોની પાછળ, રમકડાં પાછળ આ વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતો છુપાયેલા હોય છે એ બાળકોને શિખવાની અને માણવાની ખૂબ મજા આવે છે, એટલું જ નહીં પણ એ તેમનાં મગજમાં એવું તો ઠસી જાય છે કે જીવનભર તે ભૂલતાં નથી. “ભાર વિનાનું ભણતર”, “રમતાં રમતાં વિજ્ઞાન કેમ શીખાય!” એનો આ અભૂતપૂર્વ પ્રયોગ બાળકો માટે ખાસ અપનાવવા જેવો છે. વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટેની આ સાચી અને અસરકારક પદ્ધતિ છે.