એક બાળકની મૂંઝવણ
આ સ્પર્ધાત્મક યુગની અસર હેઠળ જીવતા આપણે, બાળકને તેનું જીવન પોતાની રીતે જીવવાની હોંશ હોય છે, તે ભૂલી જઈએ છીએ. આ સંદર્ભમાં એક બાળકની મૂંઝવણ અને તેની મૌન અભિવ્યક્તિને અહીં રજૂ કરેલ છે. વડીલોની ઇચ્છા પ્રમાણે આખો દિવસ પસાર કરતું બાળક, પોતાની મૂંઝવણ આ પ્રમાણે વ્યક્ત કરવા માંગે છે.
આ દિવસ કેવી રીતે ઊગે છે અને રાત ક્યાંથી આવે છે અને જાય છે, કેવી રીતે આ થાય છે તે મને નથી સમજાતું. મને જે કરવાનું હોય છે એ કર્યા વગર દિવસ ક્યાં પસાર થઈ જાય છે એ મને નથી સમજાતું.
મને તો સવારે સાત વાગ્યા સુધી ઊંઘવું હોય છે પણ મમ્મી મને સાડા પાંચ વાગ્યામાં ઉઠાડી દે છે, પરાણે ઊંધમાં જ નવડાવીને નિશાળનાં કપડાં પહેરાવી દે છે અને નિશાળે મૂકી આવે છે. આ નિશાળનો સમય સાત વાગ્યાનો કેમ હોય છે એ મને નથી સમજાતું. હું ત્રીજા ધોરણમાં ભણું છું, મને કુલ છ વિષયો ભણવાના હોય છે, પરંતુ દફતરમાં તો પંદર ચોપડીઓ હોય છે. આ બમણો બોજો કેમ કરીને ઊંચકવો એ મને નથી સમજાતું. પાંચ કલાક નિશાળમાં ભણ્યા પછી મને બહુ ભૂખ લાગી જાય છે, ઘરે આવીને સરસ મજાનું ભોજન લઉં છું પછી મને મારા ભાઈલા સાથે રમવાનું ગમે છે પરંતુ મમ્મી મને પરાણે ટયુશનનું લેશન કરવા બેસાડે છે! નિશાળ પછી ટયુશન કેમ જવાનું હોય છે એ મને નથી સમજાતું.
બે કલાક ટયુશનમાં ભણીને હું ઘરે આવું ત્યારે સાંજના પાંચ વાગી ગયા હોય છે, મને સાંજે સાયકલ ચલાવવાનું, મારી બહેનપણીઓ સાથે રેસ લગાવવાનું બહુ ગમે છે. પરંતુ મમ્મી મને ડાન્સ ક્લાસમાં મૂકી આવે છે. મમ્મી કહે છે ભણવાની સાથે બીજી પ્રવૃત્તિ પણ શીખવી જોઈએ. મારે આટલું બધું કેમ શીખવાનું હોય છે એ મને નથી સમજાતું.
ડાન્સ ક્લાસથી આવીને મને બહેનપણીઓ સાથે રેતીમાં રમવાનું ખૂબ ગમે છે. બહેનપણીઓ સાથે વાતો કરવી તો બહુ ગમે, પરંતુ મમ્મી કહે છે, સાત વાગ્યા પછી ઘરની બહાર જઈએ તો છોકરીઓને બાવો પકડી જાય. બાવો છોકરીઓને જ કેમ પકડી જાય એ મને નથી સમજાતું.
રાતે જમવાનું, પછી નિશાળનું લેશન કરવાનું અને પછી સૂઈ જવાનું. કાલે પાછો આવો જ દિવસ કેમ આવશે એ મને નથી સમજાતું. બહેનપણીઓને મળવા, તેમની સાથે રમવા અને સાયકલની રેસ કરવા માટે રવિવારની રાહ જોવી પડે છે. પરંતુ છ દિવસ પછી એક જ રવિવાર કેમ આવે છે, એ મને નથી સમજાતું.
શું આ ફક્ત મને જ નથી સમજાતું કે પછી બધાં જ બાળકોને નહિ સમજાતું હોય?