આમાં ડોક્ટર શું કરે?
“જો હવે આઈસ્ક્રીમ ખાવાનું નામ લીધું છે ને તો જોઈ લેજે બસ. ડૉક્ટર પાસે કડવામાં કડવી દવા અને ‘ઈંજેક્શન’ ન અપાવુંને તો કહેજે.” “તને તો ‘ઈંજેક્શન’ મારશેને ત્યારે જ તું સુધરશે.” ગુસ્સામાં બોલાયેલાં આ વાક્યો એક મમ્મીનાં છે. તે મમ્મીનું નામ છે સ્મિતાબહેન. તેઓ સુખી—સંપન્ન કુટુંબ ધરાવતાં ગૃહિણી છે. તેમણે “બી.ઍસ.સી. હૉમસાયન્સ” પ્રથમ વર્ગમાં પાસ કરેલ છે. કદાચ તેમને “ચાઈલ્ડ કેર એન્ડ ડેવલપમેન્ટ” જેવો એક વિષય પણ અભ્યાસક્રમમાં રહ્યો હશે.
આવાં તો અનેક ઉદાહરણો આપણા આસપાસના વાતાવરણમાંથી મળી આવશે. બાળકો પર “ડૉક્ટર”ની એટલી બધી ધાક મા—બાપ દ્વારા અજાણતાં જ જમાવી દેવામાં આવે છે કે તેના કેવા મનોવિકાર પેદા થાય છે, બાળકો તેના તરફ કેવું વલણ ધરાવતા થઈ જાય છે; તેના તરફ લક્ષ આપવાનો આપણે ક્યારેય સભાનતાપૂર્વક પ્રયત્ન નથી કરતા.
મમતાબહેન તેના ગ્રુપમાં હંમેશાં એક જ ફરિયાદ કરતાં હોય, “મારા ચિંતુને તો બસ સામાન્ય ઝાડા થયા હોય તો પણ તે ક્યારેક અઠવાડિયા સુધી ચાલે.”
ડૉ.“એક્સ” અમારા “ફેમિલી ડૉક્ટર” છે, તેમણે અમને ડૉ.“વાય” બાળરોગ—નિષ્ણાત પાસે મોકલ્યાં તો તે પણ કંઈ ન કરી શક્યા. ખબર નહીં આજકાલના આ “ડૉક્ટરો” શું ભણ્યા હશે? બાળકના સામાન્ય ઝાડા—ઊલટી પર કાબૂ ન મેળવી શકે, તો બસ થઈ રહ્યું તેમના ભણતરનું.”
મમતાબહેન “ઍમ.ઍસ.સી.” પાસ થયાં છે. “બોટની”માં “લેક્ચરર” બનવાની તેમની ઘણી ઇચ્છા હતી. પણ એકાએક સમૃદ્ધ કુટુંબમાં તેમનાં લગ્ન થઈ જતાં, તેમના ઉદ્યોગપતિ પતિએ તેમને નોકરી કરવાની ઘસીને ના પાડી દીધી. મમતાબહેન પોતે મહત્ત્વાકાંક્ષી હતાં પણ તેમણે પોતાની ઇચ્છા દબાવી દેવી પડી. તેથી તેમનો સ્વભાવ ચીડિયો થઈ ગયો અને જ્યારે મનમાં આવે ત્યારે ચિંતુના બાળ—સુલભ તોફાન માટે પણ તેને “ડૉક્ટર”ની ધમકી દેતાં રહેતાં કે, —“તને તો “ઈંજેક્શન” જ અપાવી દેવાં છે.” પેલાં સ્મિતાબહેનની જેમ. ધીરે ધીરે ચિંતુના માનસમાં “ડૉક્ટર” પ્રત્યે ઘૃણા અને ડર એટલાં બધા દૃઢ થઈ ગયાં કે સામાન્ય મંદવાડમાં પણ તે “ડૉક્ટર”નું નામ સાંભળી, અને તેને નિહાળી વધુ ને વધુ બીમાર પડી જતો. ચિંતુ માટે “ડૉક્ટર” એક ખૂંખાર પાત્ર બની ગયું.
મમતાબહેને તેમના નિર્દોષ ચિંતુના મનમાં “ડૉક્ટર” પ્રત્યેનો એક “ફોબિયા” પેદા કરી દીધો. આધુનિક મનોવિજ્ઞાનીઓ બસ્સોથીયે વધુ પ્રકારના “ફોબિયા” હોવાનું કહે છે. અને તે “ફોબિયા” સામાન્ય રીતે ગેરસમજ દ્વારા અનાયાસે યા તો જાણી જોઈને પેદા કરવામાં આવેલો ભીતિ—વિકાર હોય છે.
આમ, “ડૉક્ટર” ગમે તેટલા સફળ હોય તેમની કારકિર્દીમાં, અને તેમનો વ્યવસાય ગમે તેટલો નામાંકિત હોય, પણ વાલીઓ તેમને તેમનાં બાળકોની ધાકધમકી માટેનું માધ્યમ બનાવે છે, ત્યારે બાળક સાજું થવાને બદલે વધુ ને વધુ બીમાર પડે છે, “ડૉક્ટર”નું નામ સાંભળતાં જ.
ડૉક્ટર તો બાળકનો હિતેચ્છુ છે તેવી સમજ પેદા કરવાનું ક્યારેય ન ભૂલવું જોઈએ.