શિશુ સ્વપ્ન : શિશુ વર્તન ઉકેલની ચાવી
એક દિવસ ઝરમર વરસાદ વરસતો હતો ને વાતાવરણમાંથી અસહ્ય ગરમી તથા ગૂંગળાવી દેનારો બાફ અલવિદા કહી રહ્યો હતો ત્યારે ખુશનુમા વાતાવરણમાં હું અને મારો ચિરંજીવ રુચિર બારીમાં બેઠા બેઠા વાતો કરતા હતા. રુચિર ધો.૩નો વિદ્યાર્થી. વાત વાતમાં મને કહે, “પપ્પા! તમને સપનાં કેવાં કેવાં આવે?” પ્રશ્ન સાંભળીને મને કિંચિત્ આશ્ચર્ય થયું. મારો રુચિર લેખન, વાચન અને નિત્યકર્મમાં ઢીલો(શ્લેંષ્). તેની મમ્મીથી માંડીને વર્ગશિક્ષિકા સુદ્ધાં ટકોર કર્યા કરે કે તમારો રુચિર ખૂબ ધીમો છે. કોઈ કાર્યમાં ઝડપ જ નથી. લખતો હશે તો વચ્ચે વચ્ચે અટકી જશે ને તેની નજર ક્યાંક સ્થિર થઈ ગઈ હશે. ખાતો હશે તો પણ કોળિયો હાથમાં હશે ને તે વાતે વળગ્યો હશે. મેં પણ નિરીક્ષણ કર્યું, તો એ બધી વાતો સત્ય જણાઈ. કોઈપણ કામ તેની પાસે પૂરું કરાવવા માટે તેને દસથી બાર વાર ટકોરવો પડે. હા, તેની સમજણ ઓછી હતી તેવું ન હતું કારણ કે મેં તેને ઘણી વખત ચકાસણી — મૂલક પ્રશ્નો પૂછયા હતા ને સંતોષકારક જવાબ તે આપી શકેલો. પરંતુ કાર્યગતિ તેની ખસૂસપણે મંદ હતી. આ રુચિરે જ્યારે સપના વિષે પૂછયું ત્યારે મને પ્રશ્ન થયો કે લાવને, એને જ પૂછું કે બેટા, તને કેવાં સપનાં આવે છે? પરંતુ મેં ધીરજ રાખી તેને સહજતાથી જવાબ આપ્યો, “બેટા! સપનાં તો મને પણ આવતાં હશે, પરંતુ યાદ નથી રહેતાં. તને યાદ રહે છે?” તેણે તો ઉત્સાહથી ક્હ્યું, હા પપ્પા! મને તો આજે જ સ્વપ્નું આવ્યું હતું! તેના ઉત્સાહને આવકારતા મેં કહ્યું, “રામ (રુચિર), મને તારું સ્વપ્ન સાંભળવું જરૂર ગમે.” ને તે તો વાંકોચૂંકો થતો (આ તેની ખાસિયત છે; તે ક્ષણવાર પર સ્થિર બેસી ન શકે, વાતો કરતા કરતા પણ હલન ચલન જ હોય, એક વખત ડૉક્ટરે પણ કહેલું કે આ રુચિરની ગાડી તો પેટ્રોલ વગરની કાર જેવી છે) કહેવા લાગ્યો…
“હા, પપ્પા, દસ માથાંવાળો રાવણ ક્રોધથી રાતો પીળો થતો, મૂછો મરડતો ધરતી ઉપર પગ પછાડતો આવ્યો ને રામ સામે બરાડા પાડવા લાગ્યો. પછી બંને વચ્ચે યુદ્ધ થયું ને રામ જીત્યા. રાવણ ધરતી ઉપર ઢળી પડયો. બહુ મજા આવી જોવાની, ઢીશૂંગ ઢીશૂંગ…”
બીજું સ્વપ્ન આવ્યું… “નાનચુ બૂમો પાડતી હતી. (નાનચુ રુચિરની માસીની છોકરી, બંને ધો.૩માં સાથે ભણે.) મને જોરથી કહેતી હતી, મને મત આપજે, રુચિયા! મને મત આપજે. તું તો મારી માસીનો છોકરો છો, મારો ભાઈ છો, મને મત આપ.” મેં વચ્ચે પૂછયું, “આ મતનું શું છે રુચિર?” તેણે હસતાં હસતાં કહ્યું, “પપ્પા, અમારા વર્ગની ચૂંટણી હતી, તેથી તે રાડો પાડતી હતી.” “અચ્છા”, મેં કહ્યું…
ત્રીજું સ્વપ્ન… “તમે કેવલ (રુચિરનો નાનો ભાઈ ધો.૧માં ભણે છે.) સાથે ધબ્બાધબ્બી કરતા હતા, હસાવતા હતા, દબાવતા હતા. હું દોડીને તમારી પાસે આવવા ગયો પરંતુ રસ્તો જ ગુંદરનો. હું તો ચોંટી જ ગયો. હાથ ફેલાવી ફેલાવીને તમને બોલાવું પણ તમે તો કેવલ જોડે મસ્તી કરવામાં એવા મશગૂલ કે મારું સાંભળો જ નહિ, સાંભળો જ નહિ. મેં ખૂબ બળ કર્યું પણ પગ ન જ ઊખડયા. અંતે હું રડી પડયો. ત્યાં જ તમે મને ઉઠાડયો.”
આ સાંભળતાં જ મારું મન આંતરખોજ કરવા વળ્યું. મેં પ્રગટ રીતે રુચિરને ધન્યવાદ આપી, વરસાદમાં નાહવા રજા દીધી. મારું મન હલબલી ઊઠયું. મેં રુચિરના વર્તમાન વિષે વિશ્લેષણ આદર્યું. આગળ જણાવ્યું તે મુજબ રુચિર દરેક કામમાં ઢીલો, ધીમો પડે છે. કાર્ય કરતાં કરતાં અચાનક માનસિક રીતે ક્યાંય ખોવાઈ જાય છે, કોઈ કામ સરખી રીતે પૂરું કરી શકતો નથી. પરિણામે બધાના ક્રોધનો શિકાર બને છે. શરીર પણ દુબળું થતું જાય છે, અલબત્ત રમત—ગમતમાં તે સૌથી મોખરે રહે છે. મને થયું કે તેના આ વર્તનનાં બીજ સ્વપ્નમાંથી મળે છે. મેં મારા દૈનિક કાર્યનું પણ નિરીક્ષણ કર્યું તો મને જણાયું કે હું ઘણો વધુ સમય મારા સૌથી નાના પુત્ર કેવલ પાછળ ગાળું છું, તેથી જ કદાચ રુચિરને પોતાની ઉપેક્ષા થતી અનુભવાતી હશે… કદાચ તેથી જ તેના માર્ગ વચાળે ગુંદરનો રસ્તો આવી ગયો હશે. તેના મનમાં પણ મારી સાથે મસ્તી કરવાની ઇચ્છા જાગતી હશે. પરંતુ મસ્તી કરી શકતો નથી, કારણ જ્યારે પણ તે મારી પાસે આવે એટલે મારાથી તેના ભણતરની પડતાલ શરૂ થઈ જાય અને તેને વાંચવા—લખવાનું કામ સોંપી હું ફરી કેવલ જોડે રમવા લાગું છું. આ ઉપેક્ષાએ તેના નૈસર્ગિક વર્તન ઉપર ભારે વિપરીત અસર કરી, પરિણામે તે દરેક ક્ષેત્રમાં પાછો પડતો ગયો. જેમ જેમ તે પાછો પડતો ગયો તેમ તેમ તે ક્રોધનો શિકાર થતો ગયો. અલબત્ત તેના મનમાં પણ અહમ્વૃત્તિ હોય ને તેને પણ મા—બાપના ધ્યાનના કેન્દ્રમાં આવવાની ઝંખના હોય પરંતુ પ્રગટ રૂપે તે શક્ય ન બનતાં, સ્વપ્નમાં તે તેની બહેન નાનચુને મત માટે તડપાવે છે ને આ રીતે તે નાનચુની નજરમાં મહત્ત્વનો બને છે. આ બંને સ્વપ્નનો તાગ મળતાં જ ત્રીજું સ્વપ્ન મને આપોઆપ સમજાઈ ગયું… રાવણ તે બીજું કોઈ નહિ પણ તેની ઉપર વારંવાર ક્રોધ કરનાર હું, તેની શિક્ષિકા અને અન્ય સર્વે. તે સૌને પરાસ્ત કરવાની તેની અદમ્ય ઇચ્છા જ રામ બનીને પ્રગટી હશે.
આ સપનાંએ મને જબરદસ્ત આંચકો આપ્યો ને મારું રુચિર પ્રત્યેનું વલણ આમૂલ બદલવાનો મેં નિર્ણય કરી લીધો.