બાળ ઉછેર, સહિયારી સાધના
એક સમયે, તમારે કેટલાં બાળકો? એ પ્રશ્નના જવાબમાં એક એક નામ યાદ કરી આંગળીને વેઢે બાળકો ગણાતાં. પછી તો તે “અમે બે અને અમારાં બે“નું સૂત્ર આવ્યું. એમાં પણ વધતી જતી મોંઘવારી અને ખાસ કરીને વધતી જતી બાળ ઉછેરની સમજણથી “અમે બે અને અમારું એક જ” એવું સ્વૈચ્છિક રીતે અપનાવાયું. અને આ “અમારું એક” માતા—પિતાના જીવનનું એક માત્ર લક્ષ્ય બની ગયું. એ એક માત્ર બાળક માટે દુનિયાની તમામ ખુશીઓ આપવા માતા અને પિતા રાત—દિવસ એક કરતાં થયાં. છતાં ક્યાંક, ક્યારેક કોઈ ખોટા ખ્યાલ કે ખોટી સમજણથી બાળકના ઉછેરમાં ક્ષતિ રહે છે. તેથી જ બાળ ઉછેર અંગેની કેટલીક સમજણ હજુ માંજવાની અને વધારવાની જરૂર છે.
“આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે.” દેશને ઉત્તમ નાગરિકો આપવાની જવાબદારી આપણાં સહુની એટલે કે સમગ્ર સમાજની છે. માત્ર સગર્ભા સ્ત્રીની સંભાળ રાખવી એટલું જ નહીં, બાળકના જન્મ પછી પણ માતા પોતાના બાળકની યોગ્ય સંભાળ રાખી શકે એવું વાતાવરણ પૂરું પાડવું. એ વ્યવસ્થા કરી આપવી. પિતાને પણ બાળક માટે વધુ ને વધુ સમય આપવાની અનુકૂળતા કરી આપવી જોઈએ કે પછી બાળકને વધુ ને વધુ સમય આપવો જોઈએ એ અંગેની સમજ આપવી જરૂરી છે.
માતા નોકરી કરતી હોય તો બાળ જન્મ નિમિત્તે અને બાળ ઉછેર માટે માતાને રજા મળે છે. કેટલાક દેશોમાં પિતાને પણ બાળ ઉછેર માટે નોકરીમાંથી રજા મળે છે! પરિવારમાં માત્ર માતા અને પિતા બે જ હોય તો આ વ્યવસ્થા ખૂબ જરૂરી બને છે. પણ પરિવારમાં અન્યો પણ બાળકના ઉછેરમાં મદદરૂપ થઈ શકે એમ હોય તો પિતાનું શું કામ? આ પ્રશ્ન અનેકને થતો હોય છે.
બાળક એ માતા અને પિતાના પારસ્પરિક પ્રેમનું પ્રતીક છે. તેથી બાળ ઉછેર સ્વાભાવિક જ માતા અને પિતા બન્નેની સહિયારી જવાબદારી છે. માતૃત્વ એટલે માતાને હૈયે ઊમટતો પ્રેમ જ નહીં. માતૃત્વ એટલે માતા અને પિતા બન્નેને હૈયે ઊમટતો પ્રેમ. આપણે ત્યાં એક સરસ શબ્દ છે “માવતર”. આમાં પણ માતા અને પિતા બન્નેનો સમાવેશ થાય છે, નહીં કે માત્ર માતાનો.
એક દલીલ એવી હોય છે કે, પિતા કમાય છે. આર્થિક ઉપાર્જન કરી બાળક અને પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે. શું એ બાળ ઉછેરમાં મદદ ન કહેવાય?
બાળ ઉછેર એટલે માત્ર ખાવું, પીવું કે ભૌતિક જરૂરિયાતો પૂરી કરવી એટલું જ નહીં પણ બાળ ઉછેર એટલે બાળકનાં હૃદય, મનનો યોગ્ય વિકાસ, અને એટલે કે બાળકના ઉછેર માટે જેટલી માતાની જરૂરિયાત છે તેટલી જ પિતાની પણ જરૂરિયાત છે.
બાળક પોતાના મૂળને સ્પર્શ દ્વારા પારખે છે. માતા સાથે પિતાનો સ્પર્શ બાળકને મળતો રહે એ ખૂબ જરૂરી છે. આમ થવાથી બાળકની સંવેદનશીલતાને પોષણ મળે છે. સાથે સાથે બાળક સલામતીનો અનુભવ કરે છે. માતા અને પિતા બન્નેની હૂંફ મળવાથી બાળકના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. બાળક ખુશ રહે છે. પરિણામે બાળકનો તંદુરસ્ત શારીરિક—માનસિક વિકાસ થાય છે. સારું—નરસું, સાચું—ખોટું જેવાં જીવન મૂલ્યો પણ બાળક માતા—પિતાની દિનચર્યા કે જીવનવ્યવહારને જોઈને જ શીખે છે. તેથી માતાની સાથે પિતાએ પણ પોતાના વિચાર, વાણી અને વર્તન અંગે સજાગ રહેવું ખૂબ જ જરૂરી હોય છે.
એક દલીલ એવી હોય છે કે પિતાને સમય ક્યાં હોય છે? વાત સાચી છે. પરિવારની જરૂરિયાત પૂરી કરવા એ રાત—દિવસ ખૂબ મહેનત કરે છે. તેમ છતાં કેટલીક બાબતો એવી છે જેમાં બાળકને પિતાના સ્પર્શ અને સાથ દ્વારા પ્રેમ અને હૂંફનો અનુભવ થઈ શકે. જેમકે, બાળક સાવ નાનું હોય ત્યારે એને માલિસ કરવું તેમજ નવડાવવું. થોડું મોટું થયે પણ સવારે પથારીમાંથી ઉઠાડતા જ મસ્તી કરવી, બ્રશ કરાવવું, સાથે ન્હાવું વિગેરે. આ રોજિંદાં કાર્યો બન્નેએ કરવાનાં જ હોઈ એમાં ખાસ સમય વેડફાતો નથી. આ કાર્યો કરતી વખતે થતા સંવાદો ઉપરાંત વાર્તા કરવી કે ગીતો ગાવાનું પણ રાખવાથી પિતા અને બાળકનું જોડાણ ગાઢ બનતું જાય છે.
શાળા જીવન વખતે પિતા દરરોજ બાળકને, ભણતર ઉપરાંત, “આજે બીજું શું શું કર્યું?” એવું પૂછીને બાળકના રસ—રુચિ વિશે જાણી, સમજી એને રોકવા કે યોગ્ય દિશા આપવાનું કાર્ય કરી શકે છે. બાળક માટેનો પિતાનો પ્રેમ કિશોરાવસ્થામાં ધીમે ધીમે દોસ્તીમાં પરિણમે એ બાળકના વિકાસમાં હકારાત્મક સાબિત થાય છે. આ ઉંમરે જ બાળક, પિતા પાસેથી હિંમત અને સાહસ જેવા ગુણોને વધુ આત્મસાત્ કરે છે.
ઘણા પરિવારોમાં માતા બાળકને સમજાવવા, પટાવવામાં નિષ્ફળ જાય કે કંટાળે ત્યારે પિતાનો ડર બતાવીને બાળક પાસે ધાર્યું કામ પાર પાડે છે. નાનપણથી જે પિતા બાળક સાથે આગળ જણાવ્યા મુજબ સંબંધ બાંધી શકે છે તે બાળકને માટે વિલન નહીં પણ મિત્ર બની રહે છે. આવા મૈત્રીપૂર્ણ સંબંધોથી બાળકને પિતાની કઠોરતાને બદલે પ્રેમનો જ અનુભવ થાય છે.
દરેક માતા—પિતા પોતાનાં બાળકને દુનિયાની તમામ ખુશીઓ આપવા ઇચ્છતા હોય છે. એમાં ને એમાં ક્યારેક બાળકને ખોટાં લાડ લડાવે કે જરૂર કરતાં વધુ સુખસગવડો આપી પાંગળું બનાવી દે એવું બનતું હોય છે. બાળકને સુખસગવડો આપવાના ઉત્સાહમાં ક્યારેક પિતા પોતાના બાળકને સમય જ ન આપે એવું પણ બને છે. સમય આપવો એટલે, બાળક સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરવી, રમવું, વાર્તા કહેવી, ગીતો ગાવા, ફરવા જવું એવું કંઈ પણ કે જેમાં બાળક સાથે જ હોય.
“કેટલો“ નહીં “કેવો” સમય અપાયો તેનું પરિણામ બાળકના પિતા સાથેનાં વાણી, વર્તન અને વ્યવહારમાં દેખાય છે. અને એટલે જ ભલે બહુ સમય ન મળે, પણ એ મળેલા સમયમાં બાળક જેવા જ બનીને પૂર્ણપણે બાળકમય થઈ જવું જોઈએ.
એક સમયે, શાળામાં બાળકોને દાખલ કર્યા પછી માતા કે પિતાએ ખાસ જવાનું બનતું નહોતું. આજે, માનસ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક સંશોધનોને આધારે શાળાઓ પણ માતા—પિતા બન્ને બાળકના વિકાસમાં ધ્યાન આપે એ અંગે આગ્રહ રાખે છે. ખાસ, પિતા પણ કામની વ્યસ્તતામાંથી સમય આપી શકે એ હેતુથી રવિવારે, રજાના દિવસે પણ મિટિંગનું આયોજન ગોઠવે છે.
બાળકને માટે માતા—પિતાના પ્રેમથી વિશેષ મહત્ત્વનું કશું હોતું નથી. તેમજ બાળકનું મીઠું હાસ્ય, માતા—પિતાનાં બધાં દુઃખ દર્દોને ભુલાવી દે છે. બાળ ઉછેરને જવાબદારી નહીં, આનંદ પ્રક્રિયા તરીકે જોઈશું તો બાળ ઉછેર સરળ બની રહેશે. કેટલાંક યુગલો અને પરિવારો આ અંગે જાગૃત છે પણ હજુ ઘણાં સુધી આ સમજ પહોંચે એ માટે પ્રયત્ન ચાલુ રાખવા જરૂરી છે.
ચલતે ચલતેઃ
બાળ ઉછેર એ બોજ નહીં પણ માતા—પિતાની સહિયારી સાધના છે.