ઘર અને મૂલ્યશિક્ષણ
ઘર એ શાશ્વત શાળા છે. ઘર હકીકતમાં મૂલ્યશિક્ષણની મહાશાળા છે. તે સંસ્કાર સિંચન અને સંવર્ધનની ફળદ્રુપ ભૂમિ છે. વિવેક, સંયમ, વિનય, સુટેવો, સારી રીતભાત અહીં પાંગરે છે. બહારના સંગદોષ સામે ઘર ક્લ્લિો બની સુરક્ષા કવચ પૂરું પાડે છે.
સ્નેહ, સંવાદિતા, હૂંફ, પ્રેમ ઘરમાંથી ન મળે તો બાળક વિકૃત અને અસામાજિક થઈ જાય છે. લઘુતાગ્રંથિયુક્ત બની જશે. માતાપિતા વચ્ચે અંતર વધશે. ઘર અનુસંધાનનું સાધન છે અને સંબંધોની સરવાણી છે. ઘર એ જીવન છે, હરિદ્વાર છે.
જે વ્યક્તિઓ શાળા—મહાશાળા અને મહાવિદ્યાલયોનું શિક્ષણ નથી લઈ શકતી તેઓને પણ મૂલ્યોનું શિક્ષણ ઘરમાંથી આપોઆપ મળી જ જાય છે. આ શિક્ષણ ઘરના વાતાવરણ, માતાપિતાના વર્તન—વ્યવહાર, તેમની માન્યતાઓ, તેમના સંબંધો અને તેમની રીતભાતમાંથી બાળકને પ્રાપ્ત થતું હોવાથી તેના વિશેની સમજ માતાપિતામાં કેળવાય એ ખૂબ જરૂરી છે.
મૂલ્યોનો સીધો સંબંધ માણસની વર્તણૂક, તેની માન્યતાઓ, તેનાં વલણો સાથે છે. તેથી ઘરમાં વડીલો બાળકોમાં જે મૂલ્યોનું સિંચન કરવા ઇચ્છતાં હોય તે મૂલ્યોનું સ્વયં પાલન કરી બતાવવાનું હોય. જેમકે પિતા તરીકે હું જો પોતે જ સાચું બોલું તો ઘરમાં ઊછરતાં બાળકોમાં સત્યના મૂલ્યનું સિંચન થાય. એ જ રીતે અહિંસા, પ્રામાણિકતા, પ્રેમ, દયા, કરુણા જેવાં મૂલ્યોના નક્કર પદાર્થપાઠ નાનપણથી જ બાળકોમાં વિકસાવી શકાય.
મૂલ્યોના શિક્ષણની સૌથી સારી અસરકારક પરિસ્થિતિ ઘરમાંથી જ પ્રાપ્ત થતી હોય છે.
બાળકોના મૂલ્યલક્ષી જીવનવિકાસ માટે ઘર જેવું ઉપયોગી વાતાવરણ બીજે દુર્લભ છે. બાલ્યાવસ્થાથી પ્રૌઢાવસ્થા સુધી તેમ જ ત્યારપછીના જીવનમાં પણ કુટુંબમાં તેનો બૌદ્ધિક, નૈતિક, તેમજ સાંસ્કૃતિક વિકાસ થતો હોય છે. માટે જ કુટુંબને અગાઉ કહ્યું તેમ જીવનની શાશ્વત મહાશાળા — પાઠશાળા કહેવામાં આવે છે.
માતાપિતા તેમજ કુટુંબના અન્ય સભ્યોના નૈતિક આચરણની અને વ્યવહારની બાળકોના આચરણ ઉપર અસર પડતી હોય છે. ક્યારેક ખરાબ આદતોવાળા કુટુંબમાં બાળક વધારે સાત્ત્વિક તેમજ નૈતિક આચરણવાળું બને છે. જો કે તે માટે બાળકે મોટી સાધના કરવી પડે છે. ક્યારેક તેનાથી વિપરીત પરિણામ પણ જોવા મળે છે. સંસ્કારી ઘરનાં બાળકો પણ બગડી જતાં હોય છે.
મનોવૈજ્ઞાનિક સંશોધનોએ સાબિત કર્યું છે કે કુટુંબમાં સ્નેહ તથા ઇચ્છિત સમાયોજનનો અભાવ હોય, માતાપિતા અને બાળકો વચ્ચે વિચારોની આપલે કે વાતચીત ન થતી હોય તો બાળકો અસમર્થ રહે છે. મઘ્યમ વર્ગનાં તથા ઉચ્ચ વર્ગનાં કુટુંબોમાં વધારે પ્રોત્સાહન, સ્વતંત્રતા હોય છે. તેથી તેમનું સામાજિકીકરણ થાય છે. જ્યારે ગરીબ અને દલિત વર્ગમાં ઘણીવાર દમનાત્મક પગલાંનો ઉપયોગ થાય છે. બાળકોને દંડિત અથવા નિંદિત કરવાથી તેમના ઉપર વિપરીત અસર પડે છે. આમ, બાળક જન્મથી જ કુટુંબનો અસભ્ય સભ્ય બને છે. વળી કુટુંબમાં રહીને એકબીજા સાથેનો વ્યવહાર, સંસ્કાર, કુટુંબના સભ્યોનું કર્તવ્ય વગેરે બાબતોથી જાણકારી મેળવે છે.
મનુસ્મૃતિમાં ધર્મનાં કેટલાંક લક્ષણો ગણાવ્યાં છે જેવાં કે ધૈર્ય, ક્ષમા, મનની એકાગ્રતા, અસ્તેય, શુદ્ધિ, ઇન્દ્રિય નિગ્રહ—વિદ્યા, સત્ય અને અક્રોધ. જે મનુષ્યમાં આ મૂલ્યો જોવા મળે તેને સત્પુરુષ અને સત્ચારિત્ર્યવાળો માનવામાં આવે છે, જેનો પાયો કુટુંબમાં રહેલો છે. આ જ તત્ત્વ ભારતીય સંસ્કૃતિની કસોટી છે.
ઘર દ્વારા સહિષ્ણુતાનું મૂલ્ય વિકસાવી શકાય છે. કુટુંબની દરેક વ્યક્તિ થોડું જીવી, ઘણું ન બગાડવાની વૃત્તિ રાખે તો? મૂર્ધન્ય કેળવણીકાર પ્રોફેસર યશવંત શુક્લ કહે છે તેમ : અન્યનાં ખૂદ્યાં ખમાય ત્યાં સુધી ખમવાં, વ્યાપક હિતની દૃષ્ટિથી જોયું ન જોયું કરવું, થોડુંક નુકસાન ભોગવીને પણ સંબંધને જીવાડવો, ચિત્તને ઉદાર બનાવવું ને જીવનની સમજણ વધારીને અન્યની મર્યાદાઓ માફ કરવી એ સહિષ્ણુતા છે.
કવિ હરિશ્ચંદ્ર ભટ્ટે એક કાવ્યમાં કહ્યું છે કે, “વિધિવશ મળ્યાં સૌએ, સૌએ જુદાં, વિધિથી થવું : જીવતર મહીં થોડું જીવી, ઘણું ન બગાડવું.”
જે ઘરમાં સહિષ્ણુતા કેળવાય ત્યાં જીવન જિવાય છે. હવે આપણે ઘર દ્વારા મૂલ્યશિક્ષણ માટે શી પ્રવૃત્તિઓ કે ગતિવિધિ કરવી તે વિશે જોઈએ.
ઘરમાં મૂલ્યશિક્ષણની પ્રવૃત્તિઓ :
મૂલ્યોનું જતન, ઉછેર, પાલન એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. મૂલ્યો તો કુટુંબના તમામ સભ્યોને સ્પર્શે છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં મૂલ્યોના પ્રસ્થાપન માટે કામ કરે તે અનિવાર્ય છે. વડીલો બાળકોના વર્તનમાંથી, તેમની સમજણમાંથી પણ મૂલ્યો શીખતાં હોય છે એટલે સૌ મૂલ્યોના સંવર્ધન માટે અને વિનાશ માટે જવાબદાર છે. આપણાં કુટુંબોમાં અને ઘરોમાં આવું કંઈક કરીએ કે જે દ્વારા મૂલ્યો વિસ્તરે.
૧. સંયુક્ત કુટુંબમાં સંઘ ભાવના, પરિવાર ભાવના અને એકત્વની ભાવના કેળવવી. તે માટે દરેક સભ્ય આ ભાવનાના પોષણ માટે વિચારે, આચરે અને કશુંક જતું પણ કરે.
૨. કુટુંબના વડીલો મૂલ્યો પ્રત્યેની સભાનતા કેળવે અને બાળકોને વાર્તારૂપે સમાજ, રાષ્ટ્ર અને વિશ્વના મહાન માનવોના જીવન પ્રસંગો કહે અને જે તે મૂલ્યો પ્રત્યે તેમના મનમાં હકારાત્મક વલણો કેળવે.
૩. હિતોપદેશની, સંસ્કાર સિંચનની, આદરમાનની વાર્તાઓ બાળકોને કહેવી અને તેનાથી થતા ફાયદા — ગેરફાયદા પણ વર્ણવવા.
૪. તમામ સભ્યોનું વર્તન ઉચ્ચકક્ષાનું હોવા અંગે સભાન રહેવું.
૫. બાળકોની હાજરીમાં માતાપિતા અને વડીલોએ વિવેકપૂર્વક અને મર્યાદાઓ જાળવીને વર્તવું.
૬. બાળકોને ઘરમાં રહેવાની ઇચ્છા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવું. સારું વાંચન, સાહિત્ય આપવું. તેમની સાથે દરરોજ એક કલાક ગાળવો, તેમને સમજવાં, અભ્યાસમાં માર્ગદર્શન આપવું. તેમની ઉંમર અને શરીરની જરૂરિયાતોને પોષે તેવી રમતો અને સાધનો તેમજ ઘરમાં સગવડો પૂરી પાડવી.
૭. બાળકોના વ્યક્તિત્વનો અને અસ્તિત્વનો સ્વીકાર કરવો અને આદર પણ કરવો. તેમનું સન્માન કરવું અને માનવાચક શબ્દોથી બોલવા—ચાલવાનો વ્યવહાર કરવો.
૮. સારા કામ માટે પુરસ્કાર આપવો, પ્રોત્સાહન આપવું અને સાહસનાં કામો કરવા અભિપ્રેરિત કરવાં. તો ખોટાં કામ માટે પ્રતીકાત્મક દંડ દ્વારા સાવધાની રાખવા ચેતવણી પણ આપવી.
૯. બાળકોની પ્રવૃત્તિઓમાં પરોક્ષ—પ્રત્યક્ષ રીતે રસ લેવો. તેમનાં સારાં કામો અને પરિણામોને બિરદાવવાં, શાબાશી આપવી.
૧૦. નિરાશા અને હતાશા અનુભવનારમાં પ્રેરણા ઉમેરવી.
૧૧. બાળકોનું મહત્ત્વ ઘરમાં સચવાય અને અનુભવાય તેવું કરવું.
૧૨. સામાજિક, રાજકીય, વૈશ્વિક અને કુદરતી વર્તનોથી બાળકોને વાકેફ કરવાં. અનિષ્ટ તત્ત્વોથી બચાવવાં અને સત્તત્ત્વો તેમના જીવનમાં ઊતરે તેવી પરિસ્થિતિ સર્જવી.
૧૩. પોતે આચરીને, ભોગવિલાસ અને મોજશોખનો ત્યાગ કરીને બાળકોને સંભાળવાં, ઘરને અનુરૂપ સ્વતંત્રતા આપવી, પોતાના કુટુંબની મર્યાદાઓ પણ જણાવવી. સામાજિક પર્યાવરણથી સભાન રાખવાં. ઉચ્ચશિક્ષણ લેવાની કાળજી રાખવી.
૧૪. ઘરની વ્યવસ્થા, સ્વચ્છતા, સાદગી, નિયમિતતા, આહારવિહાર, આચારવિચાર, આતિથ્યભાવના, સગાંસંબંધીઓ સાથેના વ્યવહાર; નાણાંકીય, વ્યાવસાયિક, ધાર્મિક, આધ્યાત્મિક અને શૈક્ષણિક વ્યવહારોમાં શુદ્ધતા, પવિત્રતા, અહંકાર શૂન્યતા, નિરાડંબપણું, નિઃસ્વાર્થીપણું, નૈતિકતા, પ્રામાણિકતા, મૃદુતા, ૠુજુતા, સચ્ચાઈ, શ્રદ્ધા, આત્મવિશ્વાસ અને વિશ્વાસ કેળવાય તો ઘરમાંથી ઉચ્ચકક્ષાનાં મૂલ્યો જળવાશે અને સર્જાશે.
૧૫. વડીલો દ્વારા જ્ઞાતિવાદ, જાતિવાદ, સંકુચિતતા, વહેમો, અંધશ્રદ્ધા, આંધળું અનુકરણ, વ્યસનો, ખોટા લાભો, ઠાલાં વચનો, વ્યભિચાર, ભ્રષ્ટાચાર, અનીતિ, અત્યાચાર જાણે—અજાણ્યે પણ થવાં ન જોઈએ. આમ ન થવા દેવા માટે પણ તમામે તમામ સભ્યોએ સભાનતા દાખવવી અને કોઈ સભ્ય અસભાન રહે અને ભૂલ કરે, ગુનો કરે તો સમજ આપવી, સંવાદ કરવો, ચર્ચા કરવી, વિવાદ ટાળવો અને ચેતવણી પણ આપવી. ભૂલ કરનારને ભૂલની પ્રતીતિ કરાવવી, એકરાર કરાવવો અને પુનઃ તેમ ન થાય તેની ખાતરી મેળવવી પણ બહિષ્કાર ન કરવો, તેના તરફ તિરસ્કાર દર્શાવવો નહીં, અલગ નહીં કરવા, સાથે રાખીને સુધારા તરફ લઈ જવા. તેની સાથે કોઈ ગ્રહ નહીં બાંધવો.
સારાંશ :
આમ, જેઓ દેશની સંપત્તિ છે તેવાં બાળકોમાં માતાપિતા મૂલ્યોનું આરોપણ કરશે અને બાળકને
સર્વશ્રેષ્ઠ માનવ બનાવી શકશે.