બાળપણમાં જ સાહિત્યપાન
આજનું શિક્ષણ બાળકમાં સાહિત્ય વાચનનો શોખ જગવી શકે તો શિક્ષણનું ધ્યેય સંપૂર્ણપણે સિદ્ધ થયું ગણાશે, કારણ કે સાહિત્યરુચિ અને વાંચન વ્યક્તિને કલ્પનાની પાંખો આપે છે. આવી વ્યક્તિ સ્થળકાળ અને સાધનોની મર્યાદાઓથી બંધાશે નહિ. તે આ મર્યાદાઓને અતિક્રમી જઈ સમાજને આગળ લઈ જશે. તેનામાં સંવેદનતત્ત્વ ભર્યું ભર્યું હશે. જીવમાત્રની પીડા અને મુસીબતોને સમજશે, તેને દૂર કરવા કંઈ પણ કરી છૂટશે. તેનામાં વિકાસની ભૂખ હશે. તેને ભણાવવા મથવું નહિ પડે. તે આજીવન શીખતા રહેવાના રસ્તા ખોળી કાઢશે.
બાળક માટે આ દુનિયા અજાણી છે. તેને પામવા સતત તે મથતું રહે છે. બાળક જેટલું નાનું તેટલું તેની શીખવાની ઇચ્છા ખૂબ જ પ્રબળ. બાળકને સાહિત્ય શીખવવું હોય તો તેની શરૂઆત પણ ખૂબ નાનપણથી જ થવી જોઈએ. નાનપણમાં બાળકને લખતાં વાંચતાં આવડતું નથી પણ તેની શ્રવણશક્તિ ખૂબ જ તેજ હોય છે. બાળક ભાષા સમજે તે પહેલાં સંગીત સમજી શકે છે. આથી બાળકની સાહિત્યશિક્ષણની શરૂઆત કવિતા શિક્ષણ એટલે કે માતાનાં હાલરડાંથી થાય છે. આપણે ત્યાં મા—બાપ થવા કોઈ સજ્જતા આવશ્યક લેખાતી નથી. ખરેખર તો જે સ્ત્રીને હાલરડાં ગાતાં ન આવડે ત્યાં સુધી તેણે માતા બનવાનું વિચારવું ન જોઈએ.
કવિતા શિક્ષણ માટે તે પછીનો મહત્ત્વનો સમય છે બાલમંદિરનો. બાલમંદિરમાં વાંચવા—લખવા પર ભાર મૂકવાને બદલે ગાવા—સાંભળવા ઉપર વધારે લક્ષ્ય આપવું જોઈએ. કમ્યુનિકેશનની મુખ્ય ચાર રીતો છે—વાંચવું, લખવું, બોલવું, સાંભળવું. આ પૈકી પ્રથમ ત્રણ રીતો અંગે આપણને કંઈ ને કંઈ શીખવવામાં આવે છે પણ સાંભળવાની કોઈ કેળવણી આપણને મળતી નથી. બાલમંદિર બાળકની શ્રવણશક્તિ ખીલવી શકે અને તેનામાં સાહિત્યપ્રીતિ જન્માવી શકે. બાલમંદિરની શિક્ષિકાઓને ગીત—સંગીતનું શિક્ષણ આપવું જોઈએ એટલું જ નહિ, જેને ગાતાં આવડતું ન હોય તેવી વ્યક્તિઓને બાલમંદિરના શિક્ષક તરીકે કામ સોંપવું જોઈએ નહિ.
બાલમંદિર પછી કવિતાશિક્ષણનો મહત્ત્વનો તબક્કો શરૂ થાય છે પ્રાથમિક શાળામાં. હવે બાળક માત્ર ગાઈ—સાંભળી આનંદ લેવાની સાથોસાથ સમજતું થયું હોય છે. પ્રાથમિક શિક્ષણ સાથે ગાયનકલા ઉપરાંત સાહિત્યની સમજ હોવી જરૂરી છે.
ચોથા ધોરણમાં અમારે કવિ કલાપીની કવિતા “એક ઘર” આવતી. “એ પંખી પર પથરો ફેંકતાં ફેંકી દીધો…” એ પંક્તિઓ મને આજે પણ યાદ છે. પરંતુ ત્યારે તો કવિતા બિલકુલ સમજાઈ ન હતી. અમારે ત્યાં ભણવામાં આવતી કવિતાઓ સાહિત્યની દૃષ્ટિએ ઊંચા સ્તરની હશે. પણ બાળમાનસથી ઉપરના સ્તરની હશે તેથી તેમાં મજા ન આવતી. ત્યારે મારાં બા અને મારા મોટા પિત્રાઈ તેમના વખતની કવિતાઓને યાદ કરતાં. તેમને તેમનાં પ્રાથમિક ધોરણોની કવિતાઓ બિલકુલ યાદ હતી અને ચોથા ધોરણમાં હતા ત્યારે પાછળનાં ધોરણનાં પુસ્તકો બદલાયાં. તેમાં કવિતાઓ મારાં બા અને ભાઈ યાદ કરતાં તેવી કવિતાઓ બીજાં—ત્રીજાં પુસ્તકોમાં સમાવાઈ. અમે ચાર ધોરણ એક જ વર્ગખંડમાં બેસતાં, શિક્ષક બીજાં ધોરણોને કવિતા ગવડાવતા તે સાંભળી અમને પણ તે કવિતાઓ યાદ રહી ગઈ હતી. ઉદાહરણ તરીકે “જળકમળ છાંડી જાને બાળા…” આ કવિતા અમે ભણેલા નથી છતાં આજે આખી કવિતા યાદ છે.
હું કૉલેજમાં ભણતો હતો ત્યારે મારા ભત્રીજાઓએ સંભળાવેલી પંક્તિઓ આજે પણ યાદ છેઃ
ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ
પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાનાં ઝરણાનાં ગાન.
પ્રાથમિક શાળાના મારા અભ્યાસકાળમાં કવિતાઓમાં ગેય તત્ત્વ ખૂટતું હતું. કવિતાઓ સાહિત્યની દૃષ્ટિએ સારી હતી પણ તેને સમજી—સમજાવી શકે તેવા શિક્ષકો ન હતા.
આઠમા ધોરણમાં હું વિસનગર ભણવા ગયો ત્યારે ગુજરાતી ભાષાની કચાશ ઊડીને આંખે વળગી. મહેસાણા જિલ્લામાં અમારી જેમ પાંચથી સાત ધોરણોમાં ગુજરાતીનાં બે પેપર ન હતાં, છતાં પહેલો નંબર લાવનાર મારું ગુજરાતી ત્યાંના સરેરાશ વિદ્યાર્થી કરતાં પણ બહુ કાચું હતું. આ કચાશ છેક સુધી ચાલુ રહી. દસમા અને બારમા ધોરણમાં કુલ ૭૦ ટકા ગુણ લાવનારા મને ગુજરાતીમાં અનુક્રમે ૫૧ અને ૫૮ ગુણ જ મળ્યા.
દસમા ધોરણના મારા વર્ગશિક્ષક અને ગુજરાતી શિક્ષકે કવિતા અને પાઠ ભણાવવાની સાથોસાથ સાહિત્ય અને સાહિત્યકારોની રસભરી વાતો કરી અને સાહિત્યમાં રસ પડવા લાગ્યો. હું શાળાની સામાન્ય લાઈબ્રેરીમાં સાહિત્યનાં ચોપાનિયાં વાંચતો થયો. છાપાંની સાહિત્યિક કટારોએ આ સાહિત્યરસને પુષ્ટ કર્યો.
સાહિત્યએ મને પાંખો આપી. બચપણમાં માએ વાવેલી વિકાસની ભૂખ પાછી સળવળી. મને ઈજનેરી કોલેજનું વિદ્યાર્થીજીવન ખાબોચિયા જેવું લાગવા માંડયું. હું વડોદરાના મધ્યસ્થ પુસ્તકાલયનો સભ્ય બન્યો. નિયમિત વાંચતો થયો. વાંચનરસ એવો જાગેલો કે પરીક્ષાના દિવસે પણ શિષ્ટ સાહિત્યકૃતિઓનાં પુસ્તકો હેઠાં મૂકવાં અઘરાં પડતાં. સતત આગળ વધવાની ઝંખના પ્રબળ થતી ચાલી. મારી આસપાસનો દાયરો નાનો ભાસતો ગયો. નર્મદા યોજનામાં ઈજનેર થવા ભણવા ગયો હતો, પણ ઈજનેરીની નોકરી નાની લાગવા માંડી, સિવિલ સર્વિસ પરીક્ષા આપીને છેવટે આઈ.પી.એસ. અધિકારી થયો. બચપણમાં માતાપિતા પાસેથી મળેલા પ્રામાણિકતા, સાદગી અને સેવાભાવ ઉપરાંત સાહિત્યે બક્ષેલી સંવેદનશીલતાએ પોલીસ અધિકારી તરીકેની મારી સફળતામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.
મારા જાત અનુભવ ઉપરાંત હું ઘણી એવી વ્યક્તિઓને મળ્યો છું જેમના વ્યકિતત્વમાં, તેમની સફળતામાં સાહિત્યરુચિએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હોય. ઘણી વાર એવું થયું છે કે કોઈ વ્યક્તિની સક્રિયતા, તેના વ્યક્તિત્વથી અંજાઈએ, પાછળથી ખબર પડે કે તેને સાહિત્યકલામાં રુચિ છે.
આપણે આગળ જોયું કે બાળકના કવિતા શિક્ષણની શરૂઆત માતાનાં હાલરડાંથી થાય છે. આપણે એવાં માબાપ તૈયાર કરવાં પડશે જે બાળકમાં સાહિત્યના સંસ્કારો રેડી શકે. કોઈ પણ સ્નાતક અભ્યાસક્રમમાં સાહિત્યનું પેપર અચૂક હોવું ઘટે.
બાળકમાં સાહિત્યના સંસ્કારો રોપવામાં શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા છે. માધ્યમિક શાળાના ભાષાશિક્ષકો જે તે વિષયમાં સ્નાતક થયેલ હોય છે અને તે વિષયો કેવી રીતે ભણાવવા તે બી.એડ્ના માધ્યમથી શીખેલા હોય છે. પ્રાથમિક શિક્ષકો માટેના પીટીસી અભ્યાસક્રમમાં સાહિત્યનો વિષય હોવો જરૂરી છે. ઉપરાંત એ ઉંમરનાં બાળકોને સાહિત્ય કેવી રીતે ભણાવવું, તેઓમાં સાહિત્ય—સંગીત રુચિ કેવી રીતે કેળવી શકાય તેનું શિક્ષણ તેમને મળવું ઘટે. તેઓ કવિતાઓ ગાઈને ભણાવી શકે તે માટે તેમને ગાવા—વગાડવાનું શિક્ષણ પણ આપવું જોઈએ. બાલમંદિરના શિક્ષકો માટે તો આ ઘણી મહત્ત્વની બાબત ગણાવી જોઈએ.
આવી વ્યવસ્થા હોય તો તેનું હાર્દ સમજી તેનો મહત્તમ લાભ લેવાની જવાબદારી આવી કોલેજના શિક્ષકો અને સંચાલકોની છે. આવી કોલેજોમાં સાહિત્યકારોને નિમંત્રી વિદ્યાર્થીઓ સાથે સાહિત્યગોષ્ઠી ગોઠવવી જોઈએ. આસપાસમાં સાહિત્યપર્વ કે એવા કાર્યક્રમો યોજાય તો કોલેજના વિદ્યાર્થીઓને લઈ જવા જોઈએ.
શાળાઓની પ્રાર્થનાઓ પણ કાવ્યપઠન અને શિક્ષણનું માધ્યમ બની શકે તે માટે શાળાઓ પાસે પૂરતી સામગ્રી હોવી ઘટે એટલું જ નહિ, દૃષ્ટિવાન શિક્ષકો અને આચાર્યો તેનો મહત્તમ લાભ લઈ શકે.
બાલમંદિર તથા પ્રાથમિક શાળાઓ માટે બાળગીતો અને ગેય કવિતાઓનું પાઠયપુસ્તકો માટે ચયન થવું જોઈએ. તે પ્રક્રિયામાં જાણીતા કવિઓ અને સાહિત્યકારોની મદદ લેવી જોઈએ. તેમની લાયબ્રેરીમાં ગીતો અને કવિતાઓનાં પુસ્તકો ઉપરાંત તેની કેસેટો, સીડીઓ અને તેને વગાડવાનાં સાધનો પૂરાં પાડવાં જોઈએ.
બાળઉછેર, બાલમંદિરો અને પ્રાથમિક શાળાઓ કાવ્યશિક્ષણનાં અનૌપચારિક માધ્યમો છે. માધ્યમિક શાળામાં વિધિસરનું કાવ્યશિક્ષણ થાય છે. ત્યાં શિક્ષકોનું ચયન ધ્યાન માગી લે છે.
કાવ્ય અને સાહિત્યનું શિક્ષણ ખુલ્લા દિલના, વિકાસોન્મુખ સંવેદનશીલ નાગરિકો તૈયાર કરી સમાજઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેને પર્યાપ્ત અગ્રતા મળવી ઘટે.