માણસને ઉત્ક્રાંતિના વારસામાં અદ્ભુત બુદ્ધિશાળી મગજ ભેટ મળ્યું છે. આ મગજની શક્તિઓનો ઉપયોગ કરતા રહો તો એ ખીલે, અને એને વાપરવાનું બંધ કરો તો એ કરમાઈ જાય. ચાર્લ્સ ડાર્વિને પૃથ્વી પર સજીવ સૃષ્ટિના વિકાસ માટે આ નિયમ ખોળી કાઢેલો — યુઝ ઈટ ઓર લૂઝ ઈટ (ઉપયોગ કરો તે અંગ વિકસે અને વાપરવાનું બંધ કરી દો એ અંગ ધીમે ધીમે નામશેષ થતું જાય). મગજને પણ આ નિયમ લાગુ પડે. બાળકને બાળપણથી જ મગજશક્તિ વાપરવાની ટેવ પાડો તો ઘડપણમાં પણ એ જાય નહીં. આપણે ત્યાં એવી ખોટી કહેણી પડેલી છે કે સાઠે બુદ્ધિ નાઠી. વાસ્તવમાં ઉંમરને અને બુદ્ધિનાશને, કે ઉંમરને અને નબળી યાદદાસ્તને કશો સંબંધ નથી. પણ મોટપણે લાચારી સ્વીકારીને મગજને વાપરવાનું બંધ કરી દઈએ તો એના ઘસારાની પ્રક્રિયા ઝડપી બને. મગજના ઘસારાને લીધે થતા પાર્કિન્સન અને આલ્ઝાઈમર જેવા રોગોમાં પણ જો દર્દીઓ બૌદ્ધિક કસરતો ચાલુ રાખે તો એમની બીમારી આગળ વધતી અટકી જાય છે એવું જોવા મળ્યું છે.

બાળમગજનો વિકાસ

બાળકના મગજને જેટલું બાહ્ય અને આંતરિક ઉત્તેજન પૂરું પાડવામાં આવે એટલા એના ચેતાકોષોની વચ્ચે નિત નવાં જોડાણો વિકસતાં જાય. મગજના વિકાસ માટે એને બહુ—ઇન્દ્રિય અનુભવોની જરૂર પડે. શીખવા અને વિકસવા માટે એની બધી ઇન્દ્રિયોને કામે લગાડવી પડે. એ જેટલા વિપુલ પ્રમાણમાં જુએ, સાંભળે, સ્પર્શે, સૂંઘે અને જીભથી ચાખે એટલાં સંવેદનો એના મગજના કોષોમાં પહોંચે. મગજના કોેષો આ સઘળી માહિતીઓનું સંકલન કરે. એમાંથી અર્થો તારવે. માહિતીઓના સંકલન, પૃથક્કરણ અને સંચય માટે મગજના કોષો વચ્ચે નવાં જોડાણો બને. મગજના જુદા જુદા ભાગો સંગઠિત બને. આમાંથી બાળકની બૌદ્ધિક શક્તિ અને યાદદાસ્ત કેળવાય.

ચેતાજોડાણોનો નાશ

જો બાળકના મગજને ઉત્તેજન પૂરું પાડવાનું બંધ કરી દેવામાં આવે તો એમાં બનેલાં ચેતાજોડાણો ક્ષીણ થવા માંડે. ચેતાજોડાણો બનવાની અને ક્ષીણ થવાની આ પ્રક્રિયા ચોક્કસ ઢબને અનુસરે છે.

બાળકનું મગજ અમુક જનીનિક માહિતીને લઈને પેદા થાય છે. એ અનુસાર એનાં ચેતાજોડાણોની પેટર્ન નક્કી થાય છે. પણ જનીનિક વારસા ઉપરાંત મગજનો વિકાસ વાતાવરણ પર પણ આધાર રાખે છે. જન્મ પછીનાં પ્રથમ બે વર્ષ દરમિયાન બાળકને આપવામાાં આવતા અનુભવો અને ઉત્તેજન અનુસાર એના મગજના કોષોનો વિકાસ થાય છે. બાળક જન્મે ત્યારે એના મગજના વિકાસની રૂપરેખા એના જનીનમાં ગુપ્ત લિપિમાં લખાયેલી હોય છે, પણ જન્મ પછી જો આને અનુરૂપ અનુભવ અને વાતાવરણ એને પૂરાં પાડવામાં ન આવે તો કાગળ પર લખેલું કાગળ પર જ રહી જાય. મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે એ કહેવત અડધી જ સાચી છે. બુદ્ધિશાળી કુટુંબ પરંપરામાં જન્મેલા બાળકને પણ જો બૌદ્ધિક ઉત્તેજન પૂરું પાડવામાં ન આવે તો એેનું મગજ મંદ રહી જાય.

મગજના કોષોની વચ્ચેનાં ચેતાજોડાણો જન્મ પછીનાં બે વર્ષ દરમિયાન આકાર લે છે. વારંવારના અનુભવ અને ઉત્તેજન પછી તે સ્થાયી બને છે અને મગજની સંરચનામાં કાયમી રીતે અંકાઈ જાય છે. પણ શરૂઆતમાં બનેલાં ચેતાજોડાણોને પુનરાવર્તી અનુભવ અને ઉત્તેજનનું પીઠબળ ન મળે તો આ જોડાણો ધીમે ધીમે ક્ષીણ થઈ જાય છે. બાળકના બૌદ્ધિક વિકાસ પર આની વિપરીત અસર પડે છે.

માનવીના મગજમાં લવચીકતાનો ગુણ છે. એ આસપાસના વાતાવરણ સાથે અનુકૂલન કરે છે. ગ્રામીણ વાતાવરણમાં રહેતું બાળક શહેરી વિસ્તારમાં આવે કે ગુજરાતી વાતાવરણમાં ઊછરેલું બાળક અમેરિકા જઈને વસે તો નવા વાતાવરણમાં એ ખૂબ થોડા સમયમાં અનુકૂલન કરી લે છે. એ માત્ર નવી જગ્યાની ભાષા કે ત્યાંના પહેરવેશને જ અપનાવી લે છે એવું નથી, તેના બૌદ્ધિક પડકારોને પણ પહોંચી વળે એવી એની અંદર ખૂબી છે. નવા વાતાવરણની માગ અનુસાર એના મગજમાં નવાં ચેતાજોડાણો પેદા થાય છે. આને મગજની પ્લાસ્ટિસિટી કેz લવચીકતાનો ગુણ કહેવામાં આવે છે. પુખ્ત વ્યક્તિના મગજમાં પણ આ શક્તિ આંશિક રીતે રહેલી છે, પણ બાળકના મગજને તો તે ન જ પહોંચી શકે.
મગજનો લવચીકતાનો આ ગુણ ત્યારે કામ આવે જ્યારે શરૂઆતનાં વર્ષો દરમિયાન એમાં ચેતાજોડાણોને પાયાનો વિકાસ કરવાની તકો પૂરી પાડવામાં આવી હોય. પ્રારંભનાં બાળપણનાં વર્ષોમાં મગજને બિલકુલ ઉત્તેજન પૂરું પાડવામાં ન આવે તો એનો વિકાસ અપૂરતો થાય. આ સંજોગોમાં નવા વાતાવરણની સાથે અનુકૂલન કરવાનો ગુણ એ ખોઈ બેસે. તેમ શરૂઆતનાં વર્ષોમાં બનેલાં ચેતાજોડાણોને વારંવારના બૌદ્ધિક ઉત્તેજન દ્વારા પોષવામાં ન આવે તો પણ એ મગજના વિકાસમાં સ્થાયી ન બને. આ સંજોગોમાં પણ મગજ એની લવચીકતા ગુમાવી બેસે.

બાળક વિકાસશીલ છે. એના મગજને પણ આ વિધાન લાગુ પડે છે. મગજમાં ચેતાજોડાણોનો મહત્તમ વિકાસ પ્રથમ બે વર્ષ દરમિયાન થાય છે. ત્યારપછી પણ એનો વિકાસ ચાલુ રહે છે. દસ વર્ષની ઉંમર સુધી નવાં ચેતાજોડાણો થતાં રહે છે. નવા વાતાવરણ અને નવા અનુભવો અનુસાર મગજના કોષોમાં અનુકૂલન થતું રહે છે. જેમ વૃક્ષોનો વિકાસ એને મળેલા વાતાવરણને અનુરૂપ હોય છે, તેમ બાળકના મગજનો વિકાસ એને મળતા બૌદ્ધિક ઉત્તેજન અને અનુભવ પર અવલંબે છે. મગજની લવચીકતાના ગુણ પર એનો વિકાસ આધાર રાખે છે. સાથે કિશોરાવસ્થા દરમિયાન જે અનુભવોથી એ વંચિત રહે છે એને સંલગ્ન ચેતાજોડાણો આવશ્યક ન રહ્યાં હોય તો એમાં કાપકૂપ થઈ શકે છે. આ ચેતાજોડાણો ક્ષીણ થતાં જાય છે. એનો અર્થ એવો થયો કે બાળપણ દરમિયાન બાળકને આપવામાં આવતાં ઉત્તેજનો અને બૌદ્ધિક અનુભવોનું કિશોરાવસ્થા દરમિયાન સાતત્ય જાળવવું એટલું જ જરૂરી છે.

વંચિત બાળપણ

એક પ્રશ્ન એવો થાય કે બાળપણમાં બૌદ્ધિક વિકાસ માટે જરૂરી વાતાવરણ ન મળ્યું હોય તો આવું બાળક કાયમ માટે મંદ જ રહી જાય? એની ઊણપ સુધારી ન શકાય? પાયાનાં ઘડતરનાં વર્ષો વીતી ગયા પછી પણ સુધારાત્મક ઉપાયો ન કરી શકાય? ઇતિહાસમાં બૅન્જામિન ફ્રૅન્કલિન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, થોમસ આલ્વા એડિસન, વિન્સેન્ટ વાન ઘોધ, ફ્રેન્કલિન રૂઝવેલ્ટ, સ્ટીવન સ્પીલબર્ગ, ફિયોડોર દોસ્તોયેવસ્કી, જ્યોર્જ ઓરવેલ, ટેનેસી વિલિયમ, અર્નેસ્ટ હેમિંગ્વે, ઓપ્રા વિન્ફ્રે જેવા અનેક લેખકો, કવિઓ, ચિત્રકારો, કલાકારો અને સર્જકોના ઇતિહાસમાં ઉદાહરણ જોવા મળે છે, જેમનું બાળપણ સંઘર્ષમાં વીતવા છતાં આગળ જતાં પોતપોતાના ક્ષેત્રમાં ઘણું નામ કમાયા હતા.
માણસનું બાળપણ અભાવોમાં વીતે તો એનો અર્થ એવો નથી કે આગળ જતાં એ પોતાની શક્તિઓનો વિકાસ ન કરી શકે અને એનું જીવન દુઃખ અને તાણમાં જ વીતે છે. દુઃખમય બાળપણ વીતાવનારી વ્યક્તિઓ આગળ જતાં સુખી થઈ શકે છે. બાળપણ ઉપરાંત યુવાનીના સમયના સંઘર્ષો અને તણાવોની પણ માણસના બૌદ્ધિક વિકાસ અને જીવનગાથા પર ઊંડી અસર પડે છે. જીવનભરના અનુભવો પરથી વ્યક્તિના મગજમાં જગતનું માનસચિત્ર તૈયાર થાય છે. એના આધારે એનું વ્યક્તિત્વ ઘડાય છે અને બદલાય છે. અન્ય સાથેના વ્યવહારમાં એના મગજના આ માનસચિત્રની ઘેરી છાપ જોવા મળે છે. બાળપણમાં તરછોડાયેલા લોકો આગળ જતાં કોઈનો વિશ્વાસ કરી શકતા નથી. આવા લોકોનું મગજ સારા અનુભવોની નોંધ નથી લેતું અને પોતાની નકારાત્મક માન્યતાને પોષે એવા અનુભવોથી ઝટ દોરવાઈ જાય છે. બાહ્ય જગતમાં થતા સઘળા અનુભવોમાં એમની માન્યતાનું પ્રતિબિંબ પડે છે. આ એમના મગજમાં બનેલાં ચેતાજોડાણોને આધારે થતી માનસિક પ્રક્રિયા છે. પાછળથી થતા સારા અનુભવો એમનાં ચેતાજોડાણોને બદલી શકતા નથી અને પ્રત્યેક ખરાબ અનુભવ એમના બની ચૂકેલાં ચેતાજોડાણો (અને એની સાથે સંકળાયેલી નકારાત્મક માન્યતા)ને પુષ્ટિ આપે છે.

પડકાર

બાળકના બૌદ્ધિક વિકાસને લક્ષમાં લઈએ તો આપણી સમક્ષ બે પડકારો ઉપસ્થિત થાય છે. બાળપણનાં પ્રારંભિક વર્ષો દરમિયાન એના મગજને ઉત્તેજન મળે તેવા બહુ—ઇન્દ્રિય અનુભવો અને વાતાવરણનો એના માટે પ્રબંધ કરવો જોઈએ. આ પ્રકારના ઉત્તેજનથી એના મગજમાં પ્રચુર માત્રામાં ચેતાજોડાણો વિકસે છે, જે એના મગજના વિકાસ માટે ઉપકારક નીવડે છે. ત્યારપછીનાં વર્ષો દરમિયાન આ ચેતાજોડાણો જળવાઈ રહે તેવું વાતાવરણ અને ઉત્તેજન તેને મળવું જોઈએ.

આજકાલનાં માબાપ અતિ—મહત્ત્વાકાંક્ષી બની રહ્યાં છે. બાળક માંડ છ માસનું થાય ત્યાં એની બુદ્ધિપ્રતિભાનો અસાધારણ વિકાસ થાય એ હેતુથી એને વ્યાવસાયિક કાર્યક્રમોમાં જોતરવામાં આવે છે. આનાં ભયસ્થાનો છે. બૌદ્ધિક ક્ષમતા માટે એને જે તાલીમ કે કાર્યક્રમ આપવામાં આવે તે માટે એનું મગજ તૈયાર હોવું જોઈએ. જમીનમાં ઊગી રહેલા કુમળા છોડને જલદી જલદી મોટો કરવા માટે રોજ એનાં મૂળિયાંથી થોડું થોડું ખેંચીએ તો એના શા હાલ થાય?

બીજી કમનસીબ બાબત એ જોવાય છે કે બાળક બાલમંદિરનાં પગથિયાં છોડીને શાળાકીય શિક્ષણમાં જોડાય પછી એની તાલીમ અૌપચારિક, યાંત્રિક અને નીરસ બની જાય છે. આજનું શાળાકીય શિક્ષણ બાળકોની બૌદ્ધિક પ્રતિભા માટે પોષક નથી. આથી કોલેજની ડિગ્રી લઈને એ બહાર પડે ત્યાં સુધીમાં તો પોતાની રચનાત્મક અને બૌદ્ધિક ક્ષમતાઓ સદંતર ગુમાવી બેસે છે અને ચાવી દીધેલા રમકડા જેવું બની જાય છે. નોકરી કે વ્યવસાય કરીને પોતાનું અને કુટુંબનું ભરણપોષણ કરવાની જ શક્તિ એની અંદર બાકી બચે છે. જે. કૃષ્ણમૂર્તિ કહેતા કે શિક્ષણ બાળકને સારો મિકેનિક બનાવી શકે; પણ અખૂટ જીવનશક્તિનો રચનાત્મક ઉપયોગ કરવાની કાબેલિયત આપી શકે નહિ. શાળા—કોલેજનું શિક્ષણ, કમાવાની ચિંતા અને કૌટુંબિક જીવનની પડોજણો એની બૌદ્ધિક ક્ષમતાનો પૂરેપૂરો ભોગ લઈ લે છે. ભણતી વખતે વ્યક્તિ પોતાની યાદદાસ્ત સારી કેળવાય એની ચિંતા કરે છે, પણ નોકરી કે ધંધો કરનારને એની પડી નથી. શારીરિક કસરત, ઉત્તમ વાંચન, બૌદ્ધિક પ્રવૃત્તિઓ અને કળામાં રુચિ કોઈપણ ઉંમરે માણસની બૌદ્ધિક ક્ષમતા જાળવવા માટે ઉપકારક નીવડી શકે છે. પ્રારંભિક વર્ષોમાં બાળકના બૌદ્ધિક વિકાસ માટે ઉત્તેજક વાતાવરણ પૂરું પાડવાની જવાબદારી એનાં માતાપિતાની છે. ભણતરનાં વર્ષો દરમિયાન તે શાળા અને કોલેજની છે, પણ શિક્ષણની વય પૂરી થતા સુધીમાં વ્યક્તિ જે બૌદ્ધિક ક્ષમતા પ્રાપ્ત કરે છે તેને બાકીની જિંદગી દરમિયાન જાળવવાની જવાબદારી તો એની પોતાની બને છે.