કોવિડ-૧૯ અને સામાજિક સ્વાસ્થ્ય
ઇતિહાસમાં ઘણા કિસ્સા એવા હોય છે જે યાદ રહી જાય અને એની અસર આવનારી પેઢી પર વર્તાયા કરે છે. વિશ્વયુદ્ધ થયું અને એ સમય દરમ્યાન જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો થયો અને આપણે એની આડઅસર વર્ષો સુધી જાપાનના લોકોમાં જોઇ. કોવિડ ૧૯ પણ ક્યારેય ન જોયેલી મહામારીના રૂપમાં આવી અને એવું કહી શકાય કે આવી પરિસ્થિતિ ભવિષ્યમાં આવશે નહિ. “ન ભૂતો ન ભવિષ્યતિ” એના માટે સાચું છે.
આપણે કોવિડ ૧૯ વિશે રોજ કંઇક નવું જાણતા આવ્યા અને ઘણી બધી વાર એવું થયું કે જે આજે આપણે જાણતા હતા એ કાલે ખોટું સાબિત થયું ને ફરી પાછું કંઇક નવું સ્વીકારવું પડ્યું. કોવિડના સમયમાં આજે જે કહેવાય છે તે માત્ર આજ માટે જ સાચું છે, કદાચ કાલનું સત્ય આજ કરતાં અલગ પણ હોય.
કોવિડ૧૯ની આપણા સ્વાસ્થ્ય પર જેટલી શારીરિક અસર થઇ એટલી જ માનસિક અસર પણ જોવા મળી. લોકો જેટલા બીમારીથી નથી મર્યા એટલા માનસિક રીતે હતાશ થવાના કારણે હારી ગયા છે. જેમને કોવિડનો ચેપ પણ નથી લાગ્યો એવા યોદ્ધાઓ લડ્યા વગર જ શહીદ થયા છે. આ દરેક વસ્તુની આપણા સામાજિક સ્વાસ્થ્ય પર પણ અસર થઇ છે.
મનુષ્ય સામાજિક પ્રાણી કહેવાય છે. આપણે ઘણા સામાજિક સંબંધોથી જોડાયેલા છીએ. સામાજિક સ્વાસ્થ્ય મતલબ આપણે કેટલી સારી રીતે અન્ય લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. કોરોનામાં લોકડાઉન અને સોશિયલ ડીસ્ટન્સના કારણે આપણે એકબીજાને મળી શકતા નહોતા અને એની અસર આપણા સામાજિક સ્વાસ્થ્ય પર પણ થઇ છે.
બાળરોગ અને તરુણાવસ્થા નિષ્ણાત તરીકે મારી પાસે બાળકોના સામાજિક સ્વાસ્થ્યને લગતા ઘણા કેસ આવ્યા. જેમકે,
૧. ૮ વર્ષનો વ્યોમ સતત મોબાઇલ ગેમ જ રમ્યા કરે અને જો રમવા કે જમવા બોલાવો તો ચીડ કરે.
૨. ૧૦ વર્ષની આસ્થા કોઇને પણ મળતાં ડરે છે. એને એવું જ લાગ્યા કરે કે એને પણ એ
મળી રહી છે એને કોરોનાનો ચેપ છે.
૩. ૧૨ વર્ષની નિત્યા વારંવાર હાથ ધોયા કરે છે, એને એવું જ લાગ્યા કરે છે કે એના હાથમાં
કોરોનાના જંતુ છે.
૪. ૧૩ વર્ષનો હસમુખ અચાનક જ ઉદાસ રહેવા લાગ્યો છે. એના પેરેન્ટ્સ બહાર નીકળીને કોઇને પણ મળતા નથી કારણકે હસમુખનાં દાદી કોરોનામાં મૃત્યુ પામ્યાં એટલે હવે એના પેરેન્ટ્સ બહાર નીકળીને કોઇ રિસ્ક લેવા માંગતા નથી.
૫. ૧૪ વર્ષની ખુશી છેલ્લાં ૨ વર્ષથી ક્યાંય પણ વેકેશન પર નથી ગઇ અને એટલે એ નાની—નાની વાત પર ઘરમાં ઝગડા કર્યા કરે છે કે તમે મને ક્યાંય ફરવા નથી લઇ જતા.
આવા ઘણા કેસ તમારા પરિવારમાં પણ તમે જોયા હશે તો આ સમયે બાળકોનું સામાજિક સ્વાસ્થ્ય સારું રહે એ માટે પેરેન્ટ્સને ઉપયોગી થાય એવી થોડી ટીપ્સ
૧) બાળકોની સાથે ક્વોલિટી સમય પસાર કરો.
એવું જોવાયું છે કે કોવિડ ૧૯ના સમયમાં વર્ક ફ્રોમ હોમ, સ્કુલ ફ્રોમ હોમ હતું પણ દરેક વ્યકિત પોતાના મોબાઇલ કે સ્ક્રીનમાં વ્યસ્ત હતાં. એકબીજાને ઘરે એક સાથે રહેવા છતાં મળવાનું ઘટી ગયું. એટલે જરૂરી છે કે બાળક સાથે સમય પસાર કરો. એને સ્ટોરી સંભળાવો, એની સાથે બોર્ડ ગેમ રમો, એને નાની નાની પઝલ સોલ્વ કરવા આપો, એને જર્નલ લખતાં શીખવો, એની સાથે તમારા ટફ ટાઇમ અને સારા ટાઇમની વાતો શેર કરો. યાદ રાખો, તમે જેટલો સમય આ બાળકોને અત્યારે આપશો એટલો તમને તમારાં ઘડપણમાં તમારા બાળકો સમય આપશે. યાદ રાખો, આ સમય દરમ્યાન જેટલું બાળક વધારે બોલે અને તમે જેટલું વઘારે સાંભળશો એટલો જ ફાયદો થશે.
૨) એક નિયમિત Schedule બનાવો
પેરેન્ટ્સ ખાસ યાદ રાખે કે બાળકોના સારા વિકાસ માટે પૂરતી ઊંધ ખૂબ જ જરૂરી છે. બાળકોને ૮ થી ૧૦ કલાકની ઊંઘ મળવી જ જોઇએ અને એ માટે રાત્રે વહેલા સૂવું ખૂબ જ જરૂરી છે. જો બાળક રાત્રે વહેલું સૂઇ જાય અને સવારે વહેલું ઊઠે તો સવારના સમયમાં તો ફ્રેશ રહે છે. એવું જોવાયું છે કે એકસાથે ૮ થી ૧૦ કલાક રાત્રીના સમયમાં જે બાળક ઊંધ લે છે તેના શરીરમાં ગ્રોથ હોર્મોનનો સ્રાવ સારો થાય છે, જેનાથી બાળકનો શારીરિક વિકાસ નોર્મલ થાય છે. બીજું કે બાળકોને રાત્રે સૂવાના એક કલાક પહેલાં ક્યારેય પણ મોબાઇલ કે અન્ય સ્ક્રીન જોવા આપવી નહિ. મોબાઇલની સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ તરંગો શરીરમાં મેલેટોનીનનો સ્રાવ ઘટાડે છે, જેના લીધે બાળકોને ઊંધ આવતી નથી.