ચાલને મમ્મી આ કોરોનને ભગાવીએ
છેલ્લાં દોઢ વર્ષથી દરેક વ્યક્તિની એક જ ઇચ્છા છે કે, આ કોરોના ક્યારે જશે. હજુ તો આપણે મોટેરાઓ એને સમજીએ તે પહેલાં તો કોરોનાએ દુનિયા પર પકડ જમાવી લીધેલી. આપણે બધાએ જરૂરી પગલાં લીધાં, ભોગ બનેલા લોકો આઈસોલેશનમાં રહ્યાં, કંઈ કેટલાય લોકોએ દુનિયામાંથી વિદાય લીધી. પણ બાળકો સૌથી દુઃખી થઈ ગયાં… બાળકોને મન તો એ સામાન્ય વાઈરસ જ છે. પરંતુ, તેઓની દુનિયામાં આ વાઈરસે જે પરિસ્થિતિ સર્જી છે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.
કોરોનાના કારણે બાળકોના શિક્ષણ પર થયેલ અસરની વાત કરીએ તો એટલા બધા મુદ્દાઓ છે કે આપણે કદાચ ઊંડાણ સુધી ન પહોંચી શકીએ. બધાં બાળકો જુદા જુદા પ્રકારની લાગણી અનુભવી રહ્યાં છે. બાળકોની શારીરિક, માનસિક અને સંવેદનશીલ બાબતો પર ઊંડી અસર થઈ છે. ઘણાં બધાં બાળકોને બાળમનોચિકિત્સકની સલાહની જરૂર પડી છે. સામાજિક રીતે જોઈએ તો દોઢ—બે વર્ષથી બાળકો ઘરમાં જ પુરાયેલાં છે. ઉંમર ચાહે કોઈ પણ હોય, અસર તો સરખી જ થઈ છે. પરંતુ સવાલ એ છે કે પાયાનું શિક્ષણ અથવા તો ઘડતર જે ઉંમરે મળવું જોઈએ તે ઉંમરે મળી શક્યું નથી. બાળકો સામાન્ય રીતે જન્મથી ૨ વર્ષ સુધી આજુબાજુની દુનિયામાંથી શબ્દો દ્વારા અને સ્પર્શ દ્વારા જુદી જુદી અનુભૂતિ કરતા હોય છે. કોવિડને કારણે બાળકોની આજુબાજુની દુનિયા અને વાતાવરણ સીમિત રહ્યું તે હકીકત છે. તેને કારણ એમના જ્ઞાનેન્દ્રિય તંત્રને અસર તો થઈ જ છે. એના પછી મોટાં બાળકોની વાત કરીએ તો ૨ થી ૭ વર્ષની ઉંમરનાં બાળકો કે જે શરૂઆતનાં વર્ષોમાં સામાજિક રીતે પોતાનો વિકાસ ખૂબ સારી રીતે કરી શકે છે, પોતાની ભાવનાત્મક સંવેદનાઓ જેમ કે ગુસ્સો, લાગણી, નિરાશા, સ્વનિયંત્રણ આ બધી બાબતોને વ્યક્ત કરીને યોગ્ય રીતે યોગ્ય સમયે નિયંત્રિત કરી શકે છે, તેના પર પણ અસર થઈ છે. અને સત્ય તો એ છે કે મમ્મી— પપ્પા અને પરિવારનાં બીજાં સભ્યો પણ આ બાબતથી મૂંઝવણમાં છે અને કંઈક અંશે કંટાળી પણ ગયાં છે. આવા સમયે બાળકોને સંભાળવાં ખરેખર મુશ્કેલ કામ બની ગયું છે. તેનાથી પણ ઉપરની ઉંમરનાં બાળકોની વાત કરીએ તો બાળકો આ ઉંમરે પોતાની શારીરિક ક્ષમતા અને બૌદ્ધિક ક્ષમતાનો સાથે ઉપયોગ કરીને ભવિષ્યનું આયોજન કરી શકતાં હોય છે. આ બાબત પર પણ અસર થઈ છે. વળી બાળકોમાં ગુસ્સાનું પ્રમાણ વધી ગયું છે, જે ચિંતાનો વિષય તો છે જ.
આજે જ્યારે બાળકો કોવિડના સમયગાળામાં ઘરમાં જ પુરાઈ ગયાં તેમાં તેમણે માત્ર સ્કૂલ ઉપરાંત ઘણું ગુમાવવું પડયું છે. જે ઉંમરે સામાજિક કુશળતા, માનસિક નક્કરતા, ભાવનાત્મક સંવેદનાઓ અને બીજા ઘણા બધા પાયાના ગુણો કેળવાવા જોઈએ તેમાં પીછેહઠ તો જરૂર થઈ જ છે.
સરકાર અને બીજી ઘણી બધી સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ પ્રયત્ન તો જરૂર કરી રહી છે. પરંતુ મમ્મીપપ્પાએ શું કરવું? માતા—પિતા મૂંઝાઈ ગયાં છે. બાળકોને આ સમયનો વાસ્તવિક રીતે પરિચય કરાવીને વિશ્વાસ અપાવવો કે અમે પણ તમારી સાથે જ છીએ. એટલે કે આ સંકટનો સમય શાંતિથી પસાર થવા દેવો જ પડશે. બાળકો ઘરમાં જ નાની છતાં મહત્ત્વની ઘણી બધી બાબતો શીખી શકે છે. બીજાં બાળકો સાથે સરખામણી કરીને કે લેબલ આપીને નિરાશામાં ન ધકેલવાં. શિક્ષણની સાથે સાથે બીજાં કૌશલ્યો જેમકે સહકાર આપવો, બીજાની વાતો યોગ્ય રીતે સાંભળવી, યોગ્ય દિશા નક્કી કરવી, યોગ્ય શિષ્ટાચાર, સ્વ આદર આપવો, પોતાની ખૂબીઓ—ખામીઓને ઓળખવી—આવી કંઈ કેટલીય અગત્યની અને જીવન ઉપયોગી બાબતોથી અવગત કરવાનો સમય મળ્યો છે તેવું વિચારીને આગળની દિશામાં વધવાનું છે. ઘણી વખત એવું બને કે બાળકો પોતાની પરીક્ષાઓને જ ધ્યાનમાં રાખતાં હોય અને આવી ઘણી બધી નાની છતાં મહત્ત્વની બાબતોનો ખ્યાલ રાખી શકતાં નથી. અને આ વાત મમ્મી—પપ્પાને પણ ધ્યાનમાં આવતી નથી. તો આ સમયે આ બધા બાળ—ઘડતરનાં મૂળિયાં સિંચવાનો સમય મળ્યો છે એમ માનીને આગળ વધવાનું છે. એક વાત સત્ય છે કે, બગીચામાં જવું, દોસ્તો સાથે મજા કરવી, જન્મદિવસની ઉજવણી કરવી, સાહસિક પ્રવૃત્તિઓ, કુદરતનું સાંનિધ્ય માણવું આ બધી બાબતોથી બાળકો ચોક્કસ રીતે વંચિત રહ્યાં છે, પરંતુ હવે આપણે અલગ રીતે જાગૃતતા લાવીને બાળકોને યોગ્ય રીતે આગળ વધારીને જીવન જીવવાનો જે અવસર મળ્યો છે તેને અપનાવીએ. તેના દ્વારા સમાજ અને દેશની સેવા કરવાનું ગૌરવ લઈએ…