ઇલેક્ટ્રોનિક ઉપકરણો – બાળકો માટે શાપ કે વરદાન?
છેલ્લા એક દાયકામાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વ્યાપ આપણી કલ્પનાની બહાર વધી ગયો છે, તેમાંય કોવિડ—૧૯ના સંક્રમણ બાદ તો ખાસ…! ટી.વી, મોબાઈલ ફોન, સ્માર્ટ ફોન, આઈપેડ, કોમ્પ્યુટર, વિડિયો ગેમ… આવાં હજીયે તો કેટલાંય ઉપકરણો છે જેના નામથી પણ આપણે અજાણ છીએ. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ અનહદ રીતે વધ્યો છે. તમામ ઉંમરની વ્યક્તિઓ—નાના બાળકથી માંડીને વયસ્ક બધાં જ ઉપકરણો વાપરતાં થઈ ગયાં છે.
આ સાધનોએ આપણી જિંદગીને ખૂબ સરળ બનાવી છે.
— ઈલેક્ટ્રોનિક ઉપકરણો કથન, શ્રવણ અને સર્જનાત્મક કૌશલ્યોમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે.
— કેટલીક વિડિયો ગેમ્સ હાથ—આંખનું સંકલન વધારે છે.
— પૂર્વ પ્રાથમિક વયનાં અથવા એનાથી નાનાં બાળકો મોબાઈલ, ટીવીમાં સંગીત સાંભળીને અને કાર્યક્રમો નિહાળીને ઘણું બધું શીખે છે.
— ઈલેક્ટ્રોનિક ઉપકરણોને કારણે દુનિયા ખૂબ નજીક આવી ગઈ છે.
— કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન શિક્ષણનો એક વિકલ્પ મેળવી શકાયો.
— કોમ્પ્યુટર અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો શીખવાની ક્ષમતામાં વધારો કરે છે. આખી દુનિયાના નિષ્ણાતો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા રહી શકે છે.
તેના ફાયદાઓ તો અનેક છે જ. પરંતુ આ ઈલેક્ટ્રોનિક ઉપકરણો બે ધારી તલવાર છે તે સમજવું રહ્યું.
ખાસ કરીને ઊગતી પેઢી—બાળકો અને યુવાનો પર તેની અસર ઘણી ગંભીર અને નકારાત્મક છે. આ ઉપકરણોના અયોગ્ય રીતના ઉપયોગથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઉદ્ભવે છે.
૧. ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો વધારે પડતો—અમર્યાદિત ઉપયોગ
૨. ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો અયોગ્ય ઉપયોગ
આ બંને બાબતો અગત્યતા ધરાવે છે.
નાનાં બાળકોનાં શારીરિક, માનસિક, ભાષાકીય, કોમ્યુનિકેશન, ભાવનાત્મક, સામાજિક, શૈક્ષણિક — વ્યક્તિગત વિકાસમાં અનેક પાસાં પર ગંભીર અસરો પડે છે.
નાનપણથી જ માતાપિતા દ્વારા જ આ ઉપકરણોનો અયોગ્ય ઉપયોગ શરૂ થઈ જાય છે.
દા.ત, — બાળકને ફોન/આઈપેડ/ટીવી બતાવતાં ખવડાવવાનું.
— પોતે કામમાં/આરામમાં હોય તો બાળકને ફોન/આઈપેડ/ટીવી સામે બેસાડી દેવાં જેથી તેમને ડીસ્ટર્બ ના કરે.
— આમ આ ઉપકરણો “બેબી સીટર” તરીકે વપરાતાં થઈ ગયાં છે, જે બાબત જોખમી છે.
— ટ્રાવેલિંગ સમયે કુટુંબના સભ્યો એકબીજા સાથે વાતો કરવાને બદલે/રમવાને બદલે કે બહારની દુનિયા કે લોકોના સંપર્કમાં આવવાને બદલે ફોન/આઈપેડ/કોમ્પ્યુટર પર બેસી રહેતા હોય છે. અને એકમેક સાથે આત્મીયતા કેળવવા, બહારની દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ કરવા કે લોકો સામે વાતચીત કરી નવી બાબતો જાણવાથી વંચિત રહી જાય છે.
— ઘરમાં પણ ફ્રી હોય ત્યારે બધા પોતપોતાના મોબાઈલ પર વ્યસ્ત રહે, જમતી બખતે પણ પોતાના ફોન પર વ્યસ્ત હોય — આ બાબતો કુટુંબીજનોને લાગણીના સ્તરે એકબીજાથી દૂર કરી દે છે. બાળકો એકલવાયાં બને છે. તેના સામાજિક વિકાસ અને સંવાદશક્તિ પર નકારાત્મક અસર થાય છે.
— બાળકો ગાર્ડનમાં/મેદાનમાં મિત્રો સાથે રમતો રમવાને બદલે ઘરમાં ફોન પર કે આઈપેડ પર વિડિયોગેમ રમ્યા કરે છે. હિંસાત્મક રમતો કે પ્રોગ્રામો જુએ છે. મિત્રો સાથે હળવામળવાથી અને રમવાથી જે શારીરિક—માનસિક અને ભાવનાત્મક વિકાસ થાય છે, હારજીત પચાવતાં શીખે છે, કોમ્યુનિકેશન કરતાં શીખે — આ તમામ બાબતો પર નકારાત્મક અસર થાય છે.
હિંસાત્મક વર્તન, અધીરાઈ અને આવેશાત્મક વર્તન પણ વધી શકે છે. કેટલીક વાર સંવેદનાઓ પણ બુઠ્ઠી થઈ જાય છે.
— કેટલીક વાર જાણે—અજાણે તેઓ પોર્નોગ્રાફીની ક્લિપ પણ જોવા માંડે છે. કુમળી વયે માનસિક અપરિપક્વતા હોવાથી આવી ક્લિપ બાળમાનસ પર ઘણી ગંભીર અસરો કરે છે. કારણકે તેમાં તદ્દન અવૈજ્ઞાનિક માહિતીઓ અપાતી હોય છે.
— બાળકની વાંચનશક્તિ Creativity, શીખવાની ક્ષમતા અને ભણતર પર પણ નકારાત્મક અસરો પડે છે. બાળકનો ઘણો સમય પણ આવાં ઉપકરણો પાછળ વેડફાય છે.
— શારીરિક પ્રવૃત્તિઓ ઘટતાં બેઠાડુ જીવન બનતાં શરીર મેદસ્વી બને છે અને તબિયતને લગતા પ્રશ્નો નાની ઉંમરથી શરૂ થાય છે.
— કેટલીક વાર નાનાં બાળકો જો અનાયાસે અત્યંત ક્રૂર, હિંસાત્મક કે જાતીય આવેગો દર્શાવતી ક્લિપ કે પ્રોગ્રામ જોઈ નાખે તો તે ખૂબ ડર, મૂંઝવણ અને બેચેની અનુભવે છે.
— કેટલીક વાર બાળકો—યુવાનો શોપિંગની સાઈટ્સ પરથી આડેધડ વગર વિચાર્યે ખરીદી કરતાં થઈ જાય છે.
— કેટલીક વાર યુવાનો — ટીનેજર્સ ઓનલાઈન જુગાર જેવી પ્રવૃત્તિઓ કરતા થઈ જાય છે.
— અયોગ્ય જાહેરાતોની પણ બાળ અને યુવા માનસ પર ગંભીર અસરો પડે છે.
— દારૂ—તમાકુ—ગુટખા વગેરેની જાહેરાતો આકર્ષક અને લોભામણી હોવાથી યુવાનો તે તરફ આકર્ષાય છે અને વ્યસનો કરતા થઈ જાય છે.
— કેટલીક વાર જાહેરાતોમાં પ્રોફેશનલ સ્ટંટમેન દ્વારા કરાતાં જોખમી સ્ટંટ બતાવે છે, જેને જે—તે પ્રોડક્ટ સાથે બિનજરૂરી અને તદ્દન ખોટી રીતે સાંકળી દીધાં હોય છે.
— કેટલીક વાર આવેશાત્મક સ્વભાવ ધરાવતા અપરિપક્વ યુવાનો—ટીનેજર્સ આવાં સ્ટંટ જાતે કરવા જાય છે અને જીવ ગુમાવે છે કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે.
— જાહેરખબરો નાનાં—મોટાં બાળકો માટે એટલી બધી આકર્ષક બનાવાય છે કે તેને જોઈ જોઈને બાળકની વસ્તુઓ માટેની માંગણીઓ વધતી જાય છે. પછી ભલેને તે વસ્તુ નુકસાનકર્તા હોય. બાળકો ધીમે ધીમે વધુ ભૌતિકવાદી બનતાં જાય છે. સતત થતી માંગણીઓ પૂરી ના થવાથી માતાપિતા સાથેના સંબંધો પણ બગડે છે.
પિક્ચર, વેબસીરીઝ કે જાહેર ખબરોનાં મોડેલોનાં શરીરને જોઈને પોતાના શરીરની સુંદરતા/સૌષ્ઠવ મેળવવા જાતજાતની અવાસ્તવિક અપેક્ષાઓ પોતાની જાત પાસેથી રાખતા થઈ જાય છે. તે માટે અવૈજ્ઞાનિક અને હદ બહારનાં જોખમી પ્રયોગો કરે છે. જેનાથી અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓ ઉદ્ભવે છે. માતાપિતાની જાણ બહાર ઘણી વાર બાળકો Credit /Debit કાર્ડનો ઉપયોગ કરી “Shopping” કરી નાંખે છે. ઘણીવાર શાળા/ભણતરની પ્રવૃત્તિ માટે અમુક એપ્લીકેશન જરૂરી છે તેવાં ખોટાં બહાનાં બતાવી—ખોટું બોલીને પણ ખર્ચો કરી નાખે છે.
સૌથી મોટું જોખમ બાળકો—તરુણો—યુવાનો માટે છે તે ઓનલાઈન નવા નવા મિત્રો બનાવવા.
અજાણ્યા માણસની માત્ર પ્રોફાઈલ જોઈને તેઓ મિત્રતા બાંધે છે. તે વ્યક્તિના ઈરાદા ખરાબ હોઈ શકે છે. તે વ્યક્તિઓ બાળકને પોતાની બોગસ પ્રોફાઈલ બતાવે છે. શરૂઆતમાં ખૂબ સહૃદયતાથી વાતો કરે છે પછી ધીમે ધીમે રૂબરૂ મળવા બોલાવે છે. જે બાળકનાં અપહરણની ઘટનાઓ અને જાતીય શોષણ માટે જવાબદાર હોય છે. કેટલીક વાર માનસિક રીતે એબ્નોર્મલ વ્યક્તિઓ આ રીતે બાળકોનું શારીરિક—માનસિક—જાતીય શોષણ કરે છે. અને બાળકનો જીવ જોખમમાં મુકાઈ જાય છે.
અજાણ્યા માણસોની રિક્વેસ્ટ સ્વીકારીને ઓનલાઈન મિત્રો બનાવવા અત્યંત જોખમી પ્રવૃત્તિ છે.
બાળકો—યુવાનો ઘણી વાર ઓનલાઈન “Trolling” કે “Bullying “નો શિકાર બને છે. તેમના વિશે અમુક કહેવાતા મિત્રો નકારાત્મક—અપમાનજનક પેંસ્ત્ મૂકીને માનસિક હેરાનગતિ કરે છે. તથા અભદ્ર ભાષા, કોમેન્ટનો મારો ચાલાવીને તે બાળક—યુવાનને ખુલ્લેઆમ હેરાન કરે છે.
સોશિયલ મીડિયા પર મુકાતા ફોટા, માહિતી ખરેખર એટલી Private કે Confidential નથી હોતી જેટલી આપણે માનીએ છીએ. કેટલાક હેકર્સ દ્વારા ટેકનોલોજીના માધ્યમથી આ data મેળવી શકાય છે. તેનો જોખમી રીતે દુરુપયોગ થઈ શકે છે. ખાસ તો પોતાના સેક્સી ફોટાઓ અંગત મિત્રો સાથે શેર કરવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે જેનો તે મિત્રો દ્વારા પણ દુરુપયોગ થઈ શકે છે. ઘણીવાર ફેમીલી ટ્રીપ વિશે સોશિયલ મીડિયા પર માહિતી મૂકવાથી ઘરફોડ ચોરો જેવા લોકોને સરળ માહિતી મળી રહે છે કે કયાં કયાં ઘરો બંધ છે. ઘણી વાર ઓનલાઈન નાણાંકીય વ્યવહારોમાં પણ આવડત ઓછી પડે ત્યરે છેતરપીંડી થઈ શકે છે તેમ જ ફોન પર આવતી લોનની લોભામણી જાહેરખબર, અથવા બેંકની ડીટેઈલ્સ માંગતા ફોન પર માહિતી આપી હોવાથી મોટી નાણાંકીય મુશ્કેલીમાં પડી જવાય છે.
ઈલેક્ટ્રોનિક ઉપકરણોની આવી અનેક નકારાત્મક અસરો બાળકો—યુવાનો પર જોવા મળે છે.
આજે વાત ભલે આપણે બાળકો પરની અસરો વિશે કરતા હોઈએ પણ આટલી જ ગંભીર અને નકારાત્મક અસરો માતાપિતાની જિંદગી પર પણ પડે છે. માતાપિતા વચ્ચે ઘટતો જતો સંવાદ, ઓનલાઈન મિત્રોનું વળગણ, કાયમ ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવું, માતાપિતાને અન્ય વ્યક્તિ સાથે અફેર્સ થવાથી લગ્નજીવન ખોરવાઈ જવું — બાળકો પર તેની ગંભીર અસરો પડવી — આવી અનેક નકારાત્મક અસરો ઉંમરલાયક વ્યક્તિઓ પર પડે છે.
સોશિયલ મીડિયા પર પોતાના ફોટા, પોસ્ટ મૂકયા હોય — અને જો ધાર્યા પ્રમાણે “Like ના મળે કે સરસ “Comments” ના મળે તો પુખ્યત વ્યક્તિઓ પણ ભારે નિરાશા અનુભવે છે, હતાશ frustrate થઈ જાય છે. તો બાળકો—તરુણો તો હજી માનસિક રીતે અપરિપક્વ હોય છે. તેમના પર અસર થયા વગર રહે ખરી? દરેક વ્યક્તિ—પુખ્ત હોય કે બાળક તે પોતે સરસ છે/સુંદર દેખાય છે—તેવી કોમેન્ટની સતત આશા રાખતી થઈ જાય છે. જ્યાં સુધી બીજાની પોઝિટીવ કોમેન્ટ ના આવે ત્યાં સુધી પોતાની જાત માટે સતત લઘુતાગ્રંથિ અનુભવતા થઈ જાય છે અને ઉદ્વેગ અનુભવે છે, જે તેના માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર પુરવાર થાય છે.
આમ, ઈલેક્ટ્રોનિક ઉપકરણો બે ધારી તલવાર સમાન પુરવાર થયાં છે. તેની શોધ વ્યક્તિઓને એકબીજાથી નજીક લાવવા માટે થઈ, પરંતુ વાસ્તવિક જીવનમાં તો બધા લાગણીના સ્તરે એકબીજાથી દૂર થઈ ગયા છે. આપણે આ ઉપકરણોને આપણા ગુલામ બનાવવાં જોઈએ તેને બદલે આપણે તેનાં ગુલામ બની ગયાં છીએ. : “ “Cell phone” (Prison) માં આપણે જ કેદી બની ગયાં છીએ…
સેલ ફોને તો આપણી ઘડિયાળની જગા લઈ લીધી…
સેલ ફોને તો આપણા કેમેરાની જગા લઈ લીધી…
સેલ ફોને તો આપણા લેન્ડલાઈનનાં ફોન અને કોમ્પ્યુટરની જગા લઈ લીધી…
પણ આ સેલ ફોન…
આપણાં અંગત સ્વજનો… મિત્રોની જગા લઈ લે તે પહેલાં આપણે જાગીશું ખરાં?