પૂર્વ બાલ્યાવસ્થા વિકાસ અંગેની પ્રશ્નોત્તરી
બાળ સંભાળના પ્રારંભિક વર્ષ માટે માતા—પિતા માટે માર્ગદર્શન.
(પ્રશ્નોત્તરી સ્વરૂપે)
પ્ર—૧ . હું મારા બાળક પાસે બેસીને વાંચવાનું ક્યારથી શરૂ કરી શકું?
જ—૧. પોતાના બાળકની પાસે બેસીને મોટેથી વાંચવું એ ખૂબ જ આનંદદાયક અને મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિ છે. કારણ કે આ પ્રવૃત્તિ બાળકની ભાષા—સજ્જતા અને સર્જનાત્મક કૌશલ્ય માટે પાયાનો પથ્થર બની રહેશે.
પોતાના બાળક સાથે બેસીને મોટેથી વાંચવું એ ગંભીર, સમય માગી લે તેવી કે ગૂંચવણ ભરેલી પ્રવૃત્તિ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રવૃત્તિ માતા અને બાળક બંને જ્યારે આરામ અને નવરાશના સમયમાં હોય ત્યારે જ થવી જોઈએ; ઉતાવળમાં તો જરાપણ નહીં.
નાનાં બાળકો સાથે બેસીને વાંચવાની ટેવ વિકસાવવી એ ગમે તે ઉંમરે થઈ શકે છે. એને માટે ક્યારેય મોડું નથી હોતું.
નાનાં બાળકો જ્યારે પુસ્તક પકડી પણ નથી શકતાં તે પહેલાંથી તેમને ચિત્રોથી પરિચિત કરાવવાં જોઈએ. બાળક ૪ થી ૬ મહિનાનું થાય તે પહેલાંથી જ તેમની સાંભળવાની ક્ષમતા અને વિવિધ માનવ અવાજોને પ્રત્યુત્તર આપવાની તેમજ શાબ્દિક અનુકરણ કરવાની ક્ષમતાનો વિકાસ થઈ જતો હોય છે અને ક્યારેય મોડું નથી હોતું. એ ૪—૬ મહિના દરમિયાન ચોક્કસ શરૂ કરી જ શકાય.
પ્ર—૨. મારા ૬ માસના બાળક સમક્ષ મોટેથી વાંચન કરવાના ફાયદા કયા કયા છે?
જ—૨. તમારા બાળક સમક્ષ બેસીને મોટેથી વાંચવાથી તેના શબ્દ ભંડોળમાં તો વધારો થશે જ પણ સાથે સાથે તેના દ્વારા માનસિક શબ્દ વિકાસ થશે જેનાથી તેની ભાષામાં પ્રવાહિતા પણ જળવાશે. (સરળતાથી ભાષા બોલી/લખી શકશે)
બાળકો સમક્ષ વાંચવું એ ભાવનાત્મક જોડાણ, પ્રેમ, લાગણીનું સંવર્ધન અને માતા—પિતા સાથે ઘનિષ્ઠ જોડાણ દર્શાવે છે અને તેને મજબૂત બનાવે છે.
તેના દ્વારા બાળકની કલ્પનાશક્તિ, અનુકરણ શક્તિના કૌશલ્યનું બંધારણ મજબૂત થાય છે, જેના દ્વારા બાળક નવા વાતાવરણમાંથી નવા અનુભવો દ્વારા શીખે છે જે તેના બૌદ્ધિક વિકાસમાં મદદરૂપ બને છે.
જ્યારે તમે બાળકની સામે હસો છો, ગુસ્સાનો ભાવ દર્શાવો છે, કે મોઢાના વિવિધ હાવભાવ બતાવો છો, ત્યારે તમારા વિવિધ અવાજો સાંભળીને બાળક તેનું અનુકરણ કરે છે, જે તેના સામાજિક વિકાસ અને રમતની આવડતને પ્રેરકબળ પૂરું પાડે છે.
સંશોધકો દ્વારા એ પ્રમાણિત થયું છે કે જો તમે તમારા ૬ માસના બાળક સમક્ષ વાંચવાનું શરૂ કરો છો તો તેનાથી તેઓ જ્યારે ૪ વર્ષ પછી વિધિવત્ શીખવાનું શરૂ કરશે ત્યારે તેમના ભાષાભંડોળ અને વાંચન ક્ષમતામાં ખૂબ વધારો જોવા મળશે.
પ્ર—૩. હું મારા બાળક સાથે કઈ રીતે સકારાત્મક રીતે જોડાઈ શકું?
જ—૩. બાળપણના શરૂઆતના મહિનામાં દિવસ દરમિયાન વારંવાર બાળકની સામે સ્મિત કરવાથી માતા—બાળકની આંખોથી એકબીજાની ઓળખાણ થશે.
જ્યારે વિવિધ પ્રકારના અવાજો દ્વારા માતા બાળક સાથે વાતો કરવાની કોશિશ કરે છે, કે આંખોથી વાતો કરે છે ત્યારે તેનાથી માતા—બાળક વચ્ચે ઘનિષ્ઠ—આંતરિક જોડાણ સંભવે છે. આ શરૂઆતનું જોડાણ (માતા સાથે કે તેની કાળજી રાખનાર વ્યક્તિ સાથે) પાછલાં આવનારાં વર્ષોમાં બાળક માટે સ્વતંત્રતા, સજ્જતાની ક્ષમતા, સામનો કરવાની વ્યૂહરચના અને સ્થિરતા પ્રદાન કરવામાં ખૂબ મદદરૂપ બને છે.
માતા—પિતા જ્યારે બાળકોને રમાડતાં હોય કે હાવભાવથી વાતો કરતાં હોય ત્યારે તેમણે હંમેશાં વધાવવા લાયક શબ્દોનો ઉપયોગ કરીને તેમને પ્રોત્સાહન આપવું જોઈએ.
૬—૮ મહિના સુધીમાં બાળક પોતનાી આસપાસ અજાણી વ્યક્તિને ઓળખવાની ક્ષમતા ધરાવતું થઈ જાય છે, જે ૧૪—૧૫ મહિને ખૂબ તીવ્ર બને છે. ત્યારે માતા—પિતાએ બાળકને સંરક્ષણાત્મક વાતાવરણ પૂરું પાડવું જોઈએ.
આજનાં આધુનિક ડિજિટલ ઉપકરણો સાથે સતત સંપર્કમાં રહેતી માતાઓ બાળકો સાથેના આ મહત્ત્વના માનસિક જોડાણના સમયને ખોઈ નાખે છે. જેનાથી ભવિષ્યમાં બાળકના બૌદ્ધિક વિકાસમાં અડચણ આવે છે. એટલે જ માતાઓને નમ્ર વિનંતી કે તેઓ મોબાઈલ/ટીવી/કોમ્પ્યુટર/લેપટોપ જેવી નિર્જીવ વસ્તુઓને બદલે પોતાનાં બાળકોને પૂરતો સમય આપે.
પ્ર—૪. શું એ મહત્ત્વનું છે કે મારું બાળક કુટુંબના સભ્યો અને ભાઈ—બહેનો સાથે વાતચીત કરે?
(Interaction With siblings)
જ—૪. બાળકની તેના કુટુંબના સભ્યો તેમજ ભાઈ—બહેનો સાથે હળીમળીને થતી સકારાત્મક આંતરક્રિયા (Positive Interaction) દ્વારા આદાન—પ્રદાન, સમસ્યાનું સમાધાન શોધવું, એકબીજા સાથે હળીમળીને રમવું, અનુકરણ કરવું, આંતરક્રિયા કરવી, વગેરે જેવી પ્રવૃત્તિનો હેતુ સિદ્ધ થાય છે. આ કૌશલ્યો તેમની પૂર્વશાળા પ્રવૃત્તિની ઉંમરમાં ખૂબ ઉપયોગી થાય છે. જેના દ્વારા ભવિષ્યમાં બાળક સ્વતંત્ર રીતે અને આત્મવિશ્વાસપૂર્વક પ્રવૃત્તિ કરવામાં સક્ષમ બનશે.
કુટુંબના સભ્યો અને ભાઈ—બહેનો સાથેની શરૂઆતનાં વર્ષોની આંતરક્રિયા તેના ભવિષ્યનાં સામાજિક કૌશલ્યો અને ભાવનાત્મક કૌશલ્યો વિકસાવવામાં પાયારૂપ બનશે.
એવું જરૂરી નથી કે દર વખતે ભાઈ—બહેનો સાથેની આંતરક્રિયા (Interaction) આનંદદાયક જ હોય. ઘણી વાર એવું પણ બને કે બાળક ઉદાસ હોય અને માતા—પિતા પણ તેના ગુસ્સાને કે લાગણીના વિસ્ફોટને શાંત ન કરી શકે, પરંતુ આંતરક્રિયા (Interaction)ની દરેક તક બાળકના ભવિષ્યની સામાજિક કૌશલ્ય અને ભાવનાત્મક કૌશલ્યને મદદરૂપ બનવાની ચાવી જરૂર બની શકે.
માતા—પિતા અને ભાઈ—બહેન બાળકના સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યને ખીલવવા માટે તેના આદર્શ મોડલ બની શકે.
Indian Academy of Pediatrics (IPS) એ પ્રકાશિત કરેલ માર્ગદર્શિકામાંથી સારવીને.