અબ્રાહમ લિંકન અને એમના બાળકો
અમેરિકાના સોળમા પ્રમુખ અબ્રાહમ લિંકને પોતાના જાહેર જીવનમાં જ નહીં, અંગત જીવનમાં પણ અનેક તડકી-છાંયડી અનુભવી હતી. આમ છતાં એમનો પોતાનાં બાળકો માટેનો પ્રેમ સાતત્યપૂર્ણ, સંવેદનસભર અને સમજપૂર્વકનો રહ્યો હતો.
લિંકનને ચાર પુત્રો હતા, રોબર્ટ, વિલિયમ, એડવર્ડ અને થોમસ. આ બાળકો ઘરમાં જ નહીં, પિતાની ઓફિસમાં પણ ઉધામા કરતાં. ઓફિસમાં જઈ કાગળ ફાડે,શાહીઢોળે, પેન તોડે. આમ છતાં લિંકન ન તો ગુસ્સે થાય, ન તો ધમકાવે. વહાલથી તેમ ન કરવાનુંકહે.
એકવાર તોફાને ચડેલાં આ બાળકો ઘરની વાડ પાછળ હાથમાં લાકડી લઇને સંતાઈ ગયાં. એમને રસ્તે જતા માણસની હેટ ઉડાડવી હતી ! એક માણસ એમની લપટમાં આવી ગયો. બાળકોએ આસ્તેથી એના માથા પાસે લાકડી પહોંચાડી દીધી અને સિકતથી હેટ ઉડાડી દીધી. એ માણસ તે લિંકન પોતે ! બાળકો ગભરાયાં. લિંકને વહાલથી એટલું જ કહ્યું, “એવું ન કરીએ બેટા, કોઈ મારી બેસશે’.. આમ કહીને એ તો એમની જોડે રમવા લાગી ગયા અને પછી માંડી વારતા !
એક વખત સુંદર અને સ્વચ્છ કપડાં પહેરીને લિંકન પત્ની સાથે બહાર ગયા. બાળકો ઘેર રહ્યાં. સૌથી નાનો થોમસ માટી ખોદતો રમતો હતો. રમતાં રમતાં માં સાંભરી. રડતો રડતો એમની પાછળ દોડ્યો. ગંદા હાથ અને ધૂળ ભરેલાં કપડાં. એ તો માને વળગવા જતો હતો. માતા મેરીએ દૂર રહેવા કહ્યું અને હાથેય બતાવ્યો. પિતા લિંકને એને તેડી લીધો અને છાનો રાખ્યો.
ગુલામોની મુક્તિના પ્રશ્ને અમેરિકા આંતરવિગ્રહમાં અટવાઈ ગયું હતું. આ વખતે પ્રમુખ લિંકનને યુદ્ધ ઉપરાંત પોતાના બિમાર બાળકોની ચિંતા સતાવતી હતી. યુદ્ધની વ્યૂહ -ચર્ચામાંથી સમય મળતાં જ એ ઇસ્પતાલે બાળકો પાસે પહોંચી જતા. થોમસ તો બચી ગયો. પરંતુ વિલિયમનું અવસાન થયું. લિંકન આ આઘાત ભૂલવા પુસ્તકો વાંચતા. એક વાર શેક્સપિયરના એક નાટકમાંની પિતાની કરૃણ ઉક્તિઓ વાંચીને મૃત પુત્રની યાદ ફરી તાજી થઇ અને એ હીબકે ચડી ગયા.
લિંકનને એનો છેહ્લો પુત્ર થોમસ ખૂબ જ વહાલો હતો. એનું નામ ટેડ. એ તો હંમેશાં પિતાની સાથે જ રહેતો, ચાહે સભા હોય કે સરઘસ, સરહદ હોય કે સંમેલન! ઓફિસની આસપાસ રમ્યા કરે. ઓફિસમાં મોડે સુધી કામ કરતા લિંકન રમતાં રમતાં ઊધી ગયેલા ટેડને ઊંચકીને પથારી પર સુવડાવી દેતા.
વહાલો ટેડ મંદ બુદ્દ્રિનો હતો. બાર વર્ષની ઉમર સુધી એને વાંચતાં- લખતાં ન આવડ્યું. પ્રમુખ લિંકન એને રસ પડે તેવું વાંચી સંભળાવે અને વંચાવે, ભણાવે.
પોતાના પુત્ર માટે અબ્રાહમ લિંકને જગતને કરેલી પ્રાર્થના પ્રેરક અને પ્રભાવક છે.
“હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે, આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. શરૂ શરૂમાં થોડો સમય એને બધું અજાણ્યું અને નવું નવું લાગશે, ત્યારે એની સાથે થોડી રહેમથી વર્તજે એવી મારી વિનંતી છે. આજે સવારે એ ઘરનાં આગલાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને એક મહાન સાહસનો પ્રારંભ કરશે. એમાં કદાચ યુદ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો સમાવેશ પણ થાય. આ જગતમાં વસવા માટે શ્રદ્ધા, પ્રેમ અને હિંમત જોઈએ. જો બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે. હું જાણું છું કે બધા માણસો ન્યાયપૂર્વક વર્તતા નથી. બધા જ માણસો સાચા નથી. પણ એને શીખવજે કે દર એક કુટિલ માણસે એક વીર પુરુષ પણ હયાતી ધરાવે છે. દર એક પ્રપંચી રાજપુરુષની સામે એવો સમર્પણની ભાવનાવાળો રાજપુરુષ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે. એને શીખવજે કે દર એક દુશ્મને એક મિત્ર પણ હોય છે. એને પુસ્તકોની દુનિયાનાં અદ્ભુત દર્શન કરાવજે. એને શીખવજે કે છેતરપિંડી કરવા કરતાં નિષ્ફળ જવું એ અનેક રીતે બહેતર છે. ભલે બીજા બધા એને ખોટાકહેતો પણ એને પોતાના જ વિચારોમાં શ્રદ્ધા રાખવાનું શીખવજે.
જ્યારે સૌ વાયરા પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાને અનુસરવાને બદલે એ એકલો પોતાના માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે. બધાની જ વાત એ સાંભળે પણ સત્યની ચાળણીમાંથી ચાળીને જે સારું હોય એ જ એ ગ્રહણ કરે એમ એને શીખવજે. એના મન-હૃદયને એ સર્વોચ્ચ સાહસ માટે સમર્પી દેપણ આત્મા અને હૃદયનાં દ્રારએ બંધ ન કરે એ જોજે. ટોળાની બૂમોથી એ નમે નહીં, જો પોતાની વાત સાચી લાગે તો એને માટે જીવ સટોસટની લડાઈ આપતાં તે અચકાય નહીંએમ એને શીખવજે.
હે જગત, મૃદુતાથી આ બધું એને શીખવજે. પણ એને લાડ લડાવીશ નહીં, કારણ કે અગ્નિમાં તપીને જ સુવર્ણ શુદ્ધ બને છે. બાળપ્રેમી લિંકનના ચાર પુત્રોમાં એક રોબર્ટ લાંબું જીવ્યો. એ ભણ્યો અને આગળ વધીને સંરક્ષણ ખાતાનો મંત્રી બન્યો. બાકી એડવર્ડ ચાર વર્ષની ઉમરે, વિલિયમ બાર વર્ષની ઉમરે અને થોમસ અઢાર વર્ષની ઉમરે અવસાન પામ્યો
લિકનના મૃત્યુ વખતે થોમસ જીવિત હતો. પિતાના મૃત્યુ પછી બીજે દિવસે એણે કોઇકને પૂછયું, “મારા પપ્પા સ્વર્ગમાં ગયા, નહીં ? તો તો બહ સારું થયું. અહીં આવ્યા પછી તેઓ કદી સુખમાં રહ્યા ન હતા. હવે સ્વર્ગમાં તો એ સુખે રહી શકશે !’ રડતી મમ્મીને કહે, “મમ્મી તું શુંકામ રડે ટે પપ્પા તો વિલિની જોડે સ્વર્ગમાં ગયા છે. તું રડ નહીં, નહીં તો હું પણ રડીશ !