બાળકમાં અશ્રદ્ધા
નાનું છોકરું પોતાનામાં શક્તિ આવી છે એની ખાતરી રાખી તપેલું લઇને માને દેવા જાય છે. મા કહે છે, “ભૂકી દે, તારાથી નહિ લેવાય.”’
છોકરો મહેનત કરી નિસરણીએ ચડવાની શક્તિ મેળવી બે પગથિયાં પછી ત્રીજે પગથિયે ચડવા જાય છે ત્યાં બાપ કહે છે, ““હેઠો ઊતર, હજી ચડ્યા જેવડો નથી. પડીશ તો હાડકાં રંગાઈ જશે.”
છોકરું પોતાની આંગળીની સંભાળ રાખીને શાક સુધારે છે કે પેન્સિલની અણી કાઢે છે. બાપ ખિજાઈને કહે છે, “છરી હેઠે મૂકી દે, પંડેનાનો ને મોટા નું .;કામ કરવા જાય છે ?’”
છોકરું કહે છે, ““હંતો હવે આવડો મોટો ખાડો ટપી જાઉ. હવે તો હં આવડો મોટો પથરો ઉપાડું.” ઘરમાંથી કોઇ કહેશે,’“બાપુ ! મંકોડાની કડ સંભાળજે.”’”
બારણું ન ઊઘડતું હોય ને છોકરું કહેશે,’“લાવો હું ઉઘાડી દઉ.” બધાં એને ભોંઠું પાડીને કહેશે,’“કાંઇ છોકરાથી તે છાશ પિવાતી હશે?”
મોટાંઓ કોઇ મુશ્કેલીના પ્રસંગે કોઇ ગૂંચ ઉકેલતા હોય છે એટલામાં છોકરું આવીને પોતાની દષ્ટિએ કાંઇક માર્ગ બતાવવા બોલે છે. બધાં કહે છે, ““આ જોને, કુંભાર કરતાં ગધેડાંડાદ્યાં !”
છોકરી દાળશાક વઘારવા માગે, બા કહેશે, “દાઝી જઈશ.” છોકરી કહેશે,“’ચોખા સમા કરવા આપો.” બા કહેશે,““ઢોળી નાખીશ, આવડે નહીં.’”
આમ ને આમ કહીને આપણે બાળકમાં તેની જાત પ્રત્યે અશ્રદ્ધા ઉત્પન્ન કરીએ છીએ. બાળકો અમુક વખતે અમુક કામ શીખવા માગે છે. તે વખતનો તેમનો ઉત્સાહ જબ્બર હોય છે. નવું જાણવાની વૃત્તિ અંદરથી આવેલી હોવાથી દરેક કામમાં તેમને રસ પડે છે, ને તેથી તેઓ પોતાનું કામ પૂરેપૂરી એકાગ્રતાથી કરે છે. તે વખતે તેઓ જાતને સંભાળવાની કાળજી રાખી શકે છે. તે વખતે અમુક આમ થાય અને અમુક તેમ થાય, એમ બતાવવામાં આવે છે તો તેઓ ભૂલ ન થાય માટે અસાધારણ ચિંતા રાખીને કામ બજાવે છે. તેમના વિકાસ માટે જોઈતી પ્રવૃત્તિ તેમને મળતી હોવાથી તેમના ચહેરા ઉપર આનંદ હોય છે. શરીરમાં ચેતન હોય છે. પ્રત્યેક પળે તેઓ જેમ જેમ કામ કરતાં જાય છે, તેમ તેમ કામ કરવાની તેમની શક્તિમાં વિશ્વાસ વધતો જાય છે. એ વધેલા વિશ્વાસને લીધે આપણને તે કહે છે, “કરી શકીશ, મને કરવા દો. મને આવડે છે !” અને જો કરવા નથી દેતાં તો ઘણીવાર કજિયા કરે છે, ને માર પણ ખાય છે.
પણ વારંવાર ના પાડવાથી અને નહિ થાય એમ કહેવાથી બાળક પોતાની જાતમાં વિશ્વાસ ખોઇ બેસે છે. પછીથી પોતે કામ કરતાં જ ડરે છે. કામ કરવા જતાં માબાપનું વચન તેને સાંભરે છે ને તે મૂકી દે છે. પોતે એમ જ માને છે કે ચોકકસ પોતાથી નહિ થાય. તેને જો કોઇ કહે છે, “પાટલો લાવ ને.” તો તે ના પાડે છે. પરાણે ઉપડાવે છે તો પાટલો પડી જાય છે. ત્યારે રડે છે. કારણ પૂછતાં જણાય છે કે તે એમ માને છે કે પોતાથી તે ન બની શકે. પોતે કેમ કરી શકે?
મારા અનુભવમાં આવા ઘણા દાખલા આવ્યા છે. તેમાંનો એક બસ થશે. ચંદુભાઈની માએ એનામાં અવિશ્વાસનું ઇન્જેક્શન કરેલું. તેને મેંકહ્યું, ” ભાઈ !ચાલો આ પુલ ઉપર.’”’
તે કહે,““મારાથી નહિ અવાય ડૂબી જાઉ.”
મેં કહ્યું, ““કોણ કહે છે ?””
“મારી બા કહેતી હતી.’”
“ચંદુભાઈ ! પેલો પથરો લાવો.”
“હું નહિ લાવું.’”
“કેમ ?’””
“માંરાથી નહિ ઊપડે.”
“કેમ જાણું?”
“ભારી બા કહે છે કેમારાથી ન ઊપડે.”
“પણહું કહું છું કેઊપડશે. ચાલો, આપણે ઉપાડી જોઈએ.”
છેવટે મેં એની સાથે રહી એ કામ કરી શકે છે એવી તેને ખાતરી કરાવી ત્યારે તે હસ્યો ને પછી વિચારમાં પડ્યો. તે દિવસશી તે છોકરામાં ઘણો ફેરફાર થયો. ગયેલી શ્રદ્ધાનું કિરણ તેનામાં ફરી વાર પ્રગટ્યું. આપણે બાળકોમાં અશ્રદ્ધા પેદા કરી તેમને અશક્ત કરી નાંખીએ છીએ, ખરી રીતે બાળકોમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા એ આપણા પોતાનામાં જ અવિશ્વાસ કે અશ્રદ્ધા છે. આપણે બાળકોમાં વિશ્વાસ રાખવાની હિંમત કેળવવી જોઈએ. થોડી પણ શ્રદ્ધા રાખશું તો જરૂર તેઓ આપણને ખાતરી કરી જ આપશે કે તેઓ ઘણી વધારે શ્રદ્ધાને પાત્ર છે. બાળક નાનું છે પણ મનુષ્ય છે, તે મનુષ્યત્વ ખીલવવા મથી રહ્યું છે. આપણું કામ તેનામાં વિશ્વાસ મૂકી તેને આગળ જવામાં મદદ કરવાનું છે. આપણે બાળકમાં વિશ્વાસ રાખીએ.