સવાલ : બજારમાં બાળકો માટે વિવિધ ઔષધિઓનાં સંયોજનો મળે છે અને એનાથી ધાવણનું પાચન વધારે સરસ રીતે થાય છે એમ જણાવવામાં આવે છે. તો એનાથી એવો ફાયદો થાય છે ખરો ?

 જવાબ : ના ! ધાવણના પાચનમાં કોઇ જ ફાયદો આવાં મિશ્રણોથી થતો નથી. ધાવણ પોતે જ બાળક માટે સૌથી કુદરતી અને સુપાચ્ય ખોરાક છે. એટલે એને પચાવવાની વાત જ હાસ્યાસ્પદ લાગે છે. ઉપરાંત આમાંની  અમુક દવાઓમાં તો દારૂનું પ્રમાણ ૫% થી પણ વધારે હોય છે. જે બાળક માટે નુકસાનકારક સાબિત થઇ શકે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પ્રથમ છ મહિના સુધી બાળકોને માતાના દૂધ સિવાય કોઈ જ પદાર્થ ન આપવો જોઈએ એવું સ્પષ્ટપણે એના પરિપત્રમાં જણાવ્યું છે. એમાં લખ્યું છે કે ઔષધીય મિશ્રણો (Herbal Mixture) પણ છ મહિનાથી નાનાં બાળકોને ન આપવાં (WHO Health Assembly ‘ s Resolution 54.2 ) આ સિવાય અમેરિકન ફૂડ અને ડગ સંસ્થાએ તો એવું લખેલું છે કે જો અત્યંત અનિવાર્ય ન હોય તો ૨ વરસથી નાના બાળકમાં  આવાં ઔષધીય મિશ્રણોનો ઉપયોગ ન કરવો. (સંદર્ભ, નેલ્સન ટેક્સ્ટ બૂક ઓફપીડિયાટ્રીક્સ ૧૭ મી આવૃત્તિ, પાના નં. ૨૫૦૨)

સવાલ : માતાને ઓપરેશન માટે જવાનું છે. બાળક બે મહિનાનું છે અને કક્ત ધાવણ જ લે છે. તો ૬ થી ૭ કલાક પૂરતું એને ઉપરનું શું આપવું ? ગાયનું દૂધ કે એવું કંઇ આટલા કલાકો પૂરતું આપી શકાય ખરું ?

જવાબ : ના ! ઉપર જણાવ્યા પ્રમાણે માતાનું દૂધ ૮ કલાક જેટલો સમય બહાર રાખવા છતાં બગડતું નથી. ઓપરેશનના થોડાક કલાકો અગાઉથી માતા થોડું થોડું ધાવણ એક સ્વચ્છ વાડકીમાં એકઠું કરી શકે. થિયેટરમાં જતી વખતે બાળકને બરાબર પેટ ભરાવી લે. પછી બાળક જો ભૂખ્યું થાય તો આ કાઢીને સાચવેલું ધાવણ આપવું. બને ત્યાં સુધી ઉપરનું કંઇ પણ ન આપવું.

સવાલ : માતાની નીપલ (ડીંટડી) બહાર ન આવતી હોવાથી બાળક સ્તનપાન કરી શકતું નથી. શું કરવું ?

 જવાબ : ક્યારેક છાતીમાં ખૂબ જ ધાવણ ભરાઈ જવાથી માતાની છાતી એકદમ કડક થઇ જાય છે. એ વખતે બાળક છાતીનો કાળો ભાગ તેમજ નીપલ મોઢામાં લઇ જ નથી શકતું. એ વખતે બંને હાથ વડે છાતી દબાવીને ધાવણ કાઢી નાખવાથી રાહત થઇ જતી હોય છે. ગામડાઓમાં ઘણી વખત સગાનાં ત્રણ થી છ મહિનાની ઉંમરનાં બાળકને ધવડાવવામાં આવે છે. મોટું બાળક છાતી જલદીથી ખાલી કરી નાંખતું હોય છે. ક્યારેક પ્લેટ સપાટ નિપલ કે અંદરની તરફ વળેલી નિપલ (રિટ્રેક્ટેડ નિપલ) જો હોય તો પણ આવું જ બને છે. આવા કિસ્સાઓમાં  નિપલ શિલ્ડ નામની રબ્બર નિપલ બરાબર ચોખ્ખાઈ સાથે વાપરી શકાય. દરેક માતા  અને ખાસ કરીને તો જેની પ્રથમ પ્રેગનન્સિ હોય તેમજ અગાઉના બાળકમાં જેને ધાવણ આપવામાં તકલીફ પડી હોય તેવી બહેનોએ સગર્ભાવસ્થા દરમિયાન જ પોતાની બંને નિપલને નહાતી વખતે નિયમિત રીતે બહારની તરફ ખેંચતા રહેવું જોઈએ, જેથી આ નોબત નઆવે.

સવાલઃ ધાવણ આપવાની સાચી રીત કઇ છે ?

જવાબ : નીચે ધાવણ આપવાની સાચી તેમજ ખોટી રીતનું વર્ણન સરખામણીના રૂપમા આપ્યું છે.

ધાવણ આપવાની સાચી રીત                 ખોટી રીત
બાળકનું મોઢું અને હડપચી માતાની છાતીની ખૂબ નજીક છે બાળકનું મોં તેમજ હડપચી માની છાતીથી દૂર છે
બાળકનું મોં ખૂબ જ પહોળું થાય છે. એના હોઠ બહાર તરફ વળે છે. બાળકનું મોં થોડુંક જ ખુલ્યું છે.. એના હોઠ નિપલને પકડે છે
બાળક છાતીનો વધારેમાં વધારે ભાગ મોઢામાં લે છે. બાળક ફક્ત નિપલ જ મોંમાં લે છે.
નિપલ બાળકના તાળવા સુધી પહોંચે છે નિપલ ફક્ત બાળકના હોઠ વચ્ચે જ રહે છે.
છાતીનો કાળો ભાગ ખૂબ જ ઓછો બહાર દેખાય છે. છાતીનો કાળો ભાગ પૂરો બહાર રહે છે.

* માતાની દવાઓ અને સ્તનપાન

માતાને નીચે જણાવેલ દવાઓમાંથી કોઇ પણ ચાલતી હોય તો બાળકને નુકસાન થવાની શક્યતા રહે છે.

 

વધારે નુકસાન પહોંચાડતી દવાઓ સંભાળ પૂર્વક વાપરવાની દવાઓ
કેન્સરમાં વપરાતી દવાઓ એસ્પિરીન
બ્રોમોકિપ્ટીન જુલાબની દવાઓ
ક્લોરામ્ફેનિકોલ ગર્ભનિરોધક ગોળીઓ (અમુક)
કેઇન, તમાકુ, હેરોઈન ઇસ્ટ્રોજન્સ
અર્ગટ, આયોડાઈડ્સ, લીથીયમ મેટ્રોનિડાઝોન
મેથિમેઝોલ, થાયરોઈડની અમુક દવાઓ ઘેનની દવાઓ
ટેટ્રાસાઈક્લીન ગ્રુપની દવાઓ માનસિક રોગોની દવાઓ
સુવર્ણ ક્ષારો, ભારે ધાતુઓવાળી દવા અમુક વિટામિન , અમુક સલ્ફા ગ્રુપની દવાઓ