ના, હું નહીં કરું!
“સુજાતા ! આજે આ લીલું ફ્રોક પહેરજે.” – “ના, નહીં પહેરુ, હું તો સફેદ પહેરીશ.”
“હર્ષદ, ચાલ લેસન કરવા બેસ.” – “નહીં, મારે રમવું છે.”
“રમેશ, આજે બટાટાને બદલે દૂધીનું શાક લે.” – “ના, હુંતો બટાટાનું શાક જ ખાઈશ.
“વિરલ, ત્યાં તડકે ન રમતો.” – “હ… અ… ન… હું તો રમવાનો.”
“સુધા, ચાલ નાહવા.” – “ના, મારે જમવું છે.”
આવા સંવાદો તો ઘર ઘરના સંવાદો છે. મા-બાપ જે સૂચન કરે, તેનાથી વિરુદ્ધ વર્તન કરતાં બાળકો આપણને ઠેર ઠેર જોવા મળે છે. ખાસ કરીને અઢીથી ચાર વર્ષની ઉંમરનાં બાળકોમાં આ પ્રકારનું નકારાત્મક વર્તન વિશેષ કરીને જોવા મળે છે.
બાળકોના આ પ્રકારના નકારાત્મક વર્તનથી મા-બાપો અકળાય છે અને ક્યારેક તેમના આવા પ્રકારના વર્તન માટે સારો એવો મેથીપાક આપે છે. આમ છતાં મેથીપાક આપતાં મા-બાપોને એટલો અનુભવ જરૂર છે કે આ પ્રકારની પ્રસાદીથી બાળકો “સીધી લાઈન’માં આવતાં નથી.
નાનાં બાળકોવાળા ઘરમાં આવાં નકારાત્મક કે વિરુદ્ધ વર્તનો અવાર-નવાર થતાં જોવા મળે છે. બાળકોનાં આવાં વર્તનને મનોવિજ્ઞાનમાં ‘અવળચંડાઈ’ કહેવામાં આવે છે. એવાં બાળકોને અવળચંડો કે અવળચંડી કહેવાથી પ્રશ્નો પતતા નથી એવી પણ દરેક મા-બાપને પ્રતીતિ છે.
દરેક બાળકને આત્મસન્માનની જરૂર હોય છે. તેઓ વડીલો તેમજ મા-બાપ તરફથી આત્મસન્માન ઝંખતા હોય છે. બાળકોનાં નાનાં-નાનાં કાર્યોની પ્રશેસા બાળકોનું આત્મગૌરવ વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જે શિક્ષકો અને વાલીઓ બાળકોનું ‘સ્વમાન’ સાચવવાનો અને તેમનું આત્મગૌરવ વધારવાનો પ્રયત્ન કરે છે તેમને બાળકો ચાહે છે અને તેમનુંકહ્યું તેઓ દોડીને કરે છે.
પણ ઘણાં મા-બાપ તેમજ શિક્ષકો બાળકોનીસાહજિક વૃત્તિઓ અને સ્વાયત્તતાની ઇચ્છામાંથી જન્મેલવર્તનને સમજી શકતાં નથી. તેઓ બાળકોની સાહજિક અવરોધ ઊભા કરે છે. આનાથી બાળકોની લાગણી રુંધાય છે. તેમની ઊર્મિઓને અવરોધતા વડીલો પ્રત્યે મનમાં વિદ્રોહ પેદા થાય છે.
ઘરમાં મોટેરાંઓ જે રીતે સ્વતંત્રપણે વિવિધ કામ કરી શકે છે, તેવાં કામ પોતે પણ કરી શકે છે એવો સંતોષ મેળવવા તેઓ ઇચ્છતાં હોય છે. પરંતુ બાળકોની કેટલીક ઇચ્છાઓ યોગ્ય નથી હોતી અને યોગ્ય હોય તો વડીલો તે સમજી શકતા નથી, પરિણામે વડીલો તેમની સ્વતંત્ર પ્રવૃત્તિમાં દખલ કરે છે અને તેમને તેમ કરવા ના પાડે છે અથવા ઠપકો આપે છે.
આવી દખલ બાળકો માટે ભીષણ વૈફલ્યકારી અનુભવ બની જાય છે. તેનો પ્રત્યાઘાત તે નકારાત્મક વર્તન દ્વારા આપે છે. કેટલાંક ઘરમાં નિયમપાલન, વ્યવસ્થિતતા, ચોખ્ખાઈ વગેરે માટે વધારે પડતો આગ્રહરાખવામાં આવે છે. બાળકોની શક્તિ ઉપરવટનો આગ્રહ બાળકની સ્વાભાવિક અભિવ્યક્તિમાં ભારે રુકાવટ કરે છે.
વડીલોની વધુ પડતી સખ્તાઈ કે અતિશય ધાકથી કચડાઈ રહેલું બાળક છેવટે પ્રત્યાઘાત વ્યક્ત કરે છે. આપ્રત્યાઘાત નકારાત્મક વર્તન તરીકે બહાર આવે છે. બાળકને અણગમતું એવું કશું થતું હોય અને તે મુક્ત રીતેપોતાનો અણગમો વ્યકત ન કરી શકતું હોય, તો તે બધી બાબતોમાં વડીલો કહે તેના કરતાં વિરુદ્ધ વર્તન કરી પોતાના રુંધાયેલા ગુસ્સાને બહાર કાઢી આત્મસંતોષ મેળવે છે.
આમ, નકારાત્મક વર્તન તે જેમના પ્રત્યે બાળકના મનમાં ગુસ્સો કે ધિક્કાર છે, તેમનાં સૂચનો પ્રત્યબળવો કરીને ઘવાયેલા ‘અહમ્ને’ સંતોષ આપવાની એક પ્રયુક્તિ છે. પોતાનું પણ એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે તેનું પ્રસ્થાપન પણ તેઓ આ પ્રકારના નકારાત્મક વર્તન દ્વારા કરે છે.
જ્યારે જ્યારે બાળકના ‘અહમ્’ ઉપર ઘા થાય છે ત્યારે બાળક પોતાના અહમ્ભાવને બચાવવા અને પુષ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. પોતાની આડે અવરોધો કરતાં વડીલો સામે પોતે બળવો કરી શકે છે, એ ભાવ જ તેમના“અહમને’ પુષ્ટ કરનારો અને સંતોષનારો હોય છે.
બાળકોમાં દેખાતી જીદ પણ તેમના ‘અહમ્’ને સ્થાપવા માટેનો જ પ્રયત્ન હોય છે. મા-બાપ તેને તે દષ્ટિએ મૂલવી શકતાં નથી, પરિણામે તેઓ જિદ્દી બાળક પર વધુ સખ્તાઈ કરે છે. એના પરિણામે તેમનું નકારાત્મક વર્તન વધુ વકરે છે.
બાળકનું નકારાત્મક વર્તન એ વડીલોનાં બાળકો પ્રત્યેના અસ્વાભાવિક વર્તનનો પ્રત્યાઘાત છે, એમ વડીલોએ સમજી લેવું જોઈએ. આવા સંજોગોમાં બાળકને મારવાને બદલે પોતે બાળક સાથેના વર્તનમાં ક્યાં ભૂલ-થાપ ખાઈરહ્યાં છે, તે શોધવું જોઈએ.
બાળકને ઘરમાં સન્માન મળે, તેનાં નાનાં નાનાં કામની કદર થાય, તેને ઘરમાં પ્રવૃત્તિઓ કરવાની મોકળાશ મળે તથા તેમની પાસે નિયમપાલન વગેરેમાં એમની શક્તિઓ પ્રમાણે જ અપેક્ષાઓ રખાય તો બાળક “અવળચંડું’ બનવાના પ્રસંગો ભાગ્યે જ બનશે.
આમ છતાં અવડચંડુ બાળક ઘરમાં હોય તો મૂંઝાવાની જરૂર નથી. એ કાયમી વિકૃતિ નથી. એક તબકકો એવો પણ આવશે કે બાળકની અવળચંડાઈ ક્યારે ચાલી ગઈ તેની ખબર પણ નહીં પડે.
બાળકનો અહમ્ પરિપુષ્ટ થશે અને એની વિશિષ્ટ વ્યક્તિમત્તા પ્રસ્થાપિત થશે ત્યારે તેનું નકારાત્મક વર્તન આપોઆપ બંધ પડશે.