પણ હવે શું? (શિશુ કથા)
નાનકરી રીષિકા અને ત્રિશ. બંને બહેનો દાદીમા રેખાબહેન પાસેથી દરરોજ વાર્તા સાંભળે. એક દિવસ રીષિકાએ કહ્યું, “હું વાર્તા કહું?” દાદીમાએ નવાઈ પામતા કહ્યું, “હા.” રીષિકાએ કહેલી બાળવાર્તા માણીએ.
હું ત્રણ—ચાર વર્ષની થઈ. મને કે.જી.માં દાખલ કરવામાં આવી.
મને ત્યાં જરા પણ ગમે નહીં. મારે રમવું હોય ત્યાં મેડમનો હુકમ છૂટે, “ચાલો, ચાલો પ્રવૃત્તિ કરો, આલ્ફાબેટ્સ ઓળખો, કલર ઓળખો, આમ કરો—તેમ કરો. મને તો ગમે નહિ. શું કરવું? ”સાચું કહું? મને ઘરે રહેવું ગમે. ત્યાં બધાં બાળકો શેરીમાં રમતાં હોય. કેવી મજા પડે! દાદા—દાદી સાથે વાતો કરવા મળે, વાર્તા સાંભળવા મળે.
એક દિવસ શું થયું ખબર છે? કે.જી.માં મેડમે મને હોમવર્ક આપ્યું. “એ ફોર… બી ફોર…” મમ્મીએ બધું શીખવ્યું હતું. મને તો યાદ રહી ગયું.
કે.જી. જતાં જતાં રસ્તામાં બધું જોતી હતી. મજા પડી ગઈ! દોડતાં વાહનો, ઊડતાં પક્ષીઓ, રમતાં કૂતરાં, ક્રિકેટ રમતાં બાળકો, ઊંટગાડી, વૃક્ષો ઘણું ઘણું બધું જોયું.
પછી કે.જી. ના ક્લાસમાં પહોંચી ગયાં તો મેડમે સવાલ પૂછયો, “રીષિકા, બોલ જોઈએ… એ ફોર… બી ફોર…”
મને તો યાદ જ ન આવ્યું. એટલે મેં મેડમને કહ્યું, “થોડીવાર રાહ જુઓ. ઘેર તો બધું આવડતું હતું. પણ અત્યારે બધું ભૂલી ગઈ છું. હમણાં યાદ આવે એટલે કહું હો.”
મેડમને આવો જવાબ ગમે ખરો? પણ હું શું કરું? યાદ જ ના આવ્યું!
દાદીમા રેખાબહેને ધીમેથી પૂછયું, “પછી શું થયું?”
તો રીષિકા બોલી, “પછી તો રજા પડી ગઈ. ઘેર આવી. ભૂખ લાગી હતી. મમ્મીને કહ્યું, ભૂખ લાગી છે. તો મમ્મી કહે, “રસોઈ બને છે. તને ભૂખ લાગી હોય તો એપલ આપું?”
મેં કહ્યું, “હા.”
એપલ ખાતી હતી ત્યાં યાદ આવ્યું, “એ ફોર… એપલ, બી ફોર… બેટ, સી ફોર… કેટ!” પણ હવે શું? બોલો, આવું થયું!