કોવિડ – ૧૯ની બાળકો પર અસર
કોરોના વાયરસ અને તેના થકી જોવા મળેલી કોવિડ—૧૯ની બીમારીએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. તદ્દન નવો વાયરસ, સતત પોતાનું સ્વરૂપ બદલતો વાયરસ, તેનાથી ઉદ્ભવતી બીમારીનાં લક્ષણો પણ તદ્દન નવાં નવાં, તેની સારવાર અંગેની પૂરતી વૈજ્ઞાનિક માહિતીનો અભાવ, સારવાર માટેની જરૂરિયાત — જેવી કે પેશન્ટને એકલો રાખવો, સગાંવહાલાં મળી ના શકે તેવી પરિસ્થિતિ, વધતો જતો મૃત્યુદર, કોરોના વાયરસને કાબૂમાં લાવવા માટે લેવાયેલાં જરૂરી પગલાં જેવાં કે — લોકડાઉન, સામાજિક પ્રસંગો — એકમેકને હળવામળવા પર પાબંદી, ઘરમાં જ રહેવું પડે તેવી ઉદ્ભવેલી પરિસ્થિતિ, કામ—ધંધા પર નકારાત્મક અસરો અને ઉદ્ભવેલી નાણાંકીય મુશ્કેલીઓ, બાળકો—માતાપિતાએ સતત મહિનાઓ સુધી ચાર દીવાલોમાં રહેવું પડયું તે પરિસ્થિતિ, મીડિયાનો નકારાત્મક સમાચારોનો સતત મારો, વધી ગયેલો ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ, અભ્યાસ પર અવળી અસરો, ફ્રન્ટલાઈન વર્કરની વધી ગયેલી અભૂતપૂર્વ જવાબદારી અને તેમનાં કુટુંબીજનોની તાણ… આવા ક્યારેય ના જોયા હોય, અનુભવ્યા હોય કે વિચાર્યા હોય તેવા સખત તાણયુક્ત સમયની નકારાત્મક અસરમાંથી બહુ ઓછા લોકો બચી શક્યા છે, તો બાળકો પર તો તેની નકારાત્મક સાયકોલોજીકલ અસર થાય જ ને!
સાયકોલોજીકલ અસરો દરેક બાળકમાં સરખી માત્રામાં હોય કે સરખાં ચિહ્નો હોય તેવું જરૂરી નથી. દરેક બાળકની ઉંમર, તેની પરિપક્વતા, તેને ઘરમાંથી મળેલો માહોલ, પ્રવૃત્તિઓ અને સપોર્ટ, અભ્યાસનું ભારણ, ઘરનું વાતાવરણ, મા—બાપ—કુટુંબીજનોનો વ્યવહાર — આવાં અનેક પરિબળો બાળકમાં જોવા મળતી નકારાત્મક માનસિકતા પર અસરકર્તા હોય છે.
બહુ જ નાનાં બાળકોમાં ઘરની બહાર નીકળવા માટે થોડી જીદ કે કચકચ કરવી, ચીડિયાપણું, થોડું તોફાન વગેરે સ્વાભાવિક રીતે જ જોવા મળી શકે છે. જો બાળકનું ધ્યાન અન્ય પ્રવૃત્તિઓમાં વાળી દેવામાં આવે તો આવી પરિસ્થિતિઓને સરળતાથી હેન્ડલ કરી શકાય છે.
કેટલાંક બાળકોમાં સતત વધુ ડર, મૂંઝવણ, બેચેની જેવાં ચિહ્નો જોવા મળે છે. પોતાને સ્કૂલે કેમ નહીં જવાનું, ઘરની બહાર કેમ ના જઈ શકાય, મિત્રોની સાથે શા માટે ના રમી શકાય? આવા પ્રશ્નો સતત મૂંઝવે છે. ઘણીવાર તેઓ વધુ પડતો ગુસ્સો, જીદ અને આક્રમક વર્તન પણ કરી દેતાં હોય છે. સહેજ મોટાં બાળકોનાં ઘરમાં જો સતત ટીવી પર કે ફોન પર કોવિડને લગતા સમાચારો ચાલતા હોય, ફોન પર પણ કોવિડને લગતા સમાચારો જ ફોરવર્ડ થતા હોય, ઘરમાં વાતો પણ હંમેશાં કોવિડને લગતી જ થયા કરતી હોય ત્યારે બીક વધતી જાય છે. ઘણીવાર બાળક ઘરની બહાર હવે જઈ શકાય તેમ હોવા છતાં નીકળતાં ડરે છે. એકલા રહેવાનું પસંદ કરે છે, નાની નાની વાતો — અવાજથી ડરવા લાગે છે. પોતાના માતાપિતા — દાદાદાદી કે જેમની સાથે બાળક રહેતું હોય તેમને છોડીને કે ઘરમાંથી બીજે જતાં ડરે છે. નાની નાની વાતમાં જલદી રડી પડે છે કે ચિડાઈ જવું, ચંચળતા વધી જેવાં ચિહ્નો પણ જોવા મળે છે.
ઘણીવાર સખત ગુસ્સો કરવો, ભાંગફોડ કરવી જેવાં ચિહ્નો પણ જોવા મળી શકે છે. માતાપિતા જો આવા સમયે બાળકને પૂરતો સમય—ધ્યાન ના આપે તો બાળક ધમાલ—ભાંગફોડિયા પ્રવૃત્તિ દ્વારા ધ્યાન આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે. આવાં બાળકોને જ્યારે સ્કૂલે જવાનું શરૂ થાય ત્યારે સેપરેશન ઍંગ્ઝાઈટી — સ્કૂલે જતા રડવું, સ્કૂલે ના જવા કારણો કાઢવાં જેવાં ચિહ્નો જોવા મળે છે, જે ધીમેધીમે શાળાનો સમય વધારીને તથા માતા—પિતા અને શાળા શિક્ષકો દ્વારા સપોર્ટ અને સહાનુભૂતિભર્યા વ્યવહારથી દૂર કરી શકાય છે.
કેટલીક વાર પુખ્તવયની વ્યક્તિઓ અને બાળકો—તરુણોમાં સતત તાણ ઉપરાંત બેચેનીના હુમલા આવે છે. ખૂબ ડર લાગવો, ધ્રુજારી આવવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા, પોતાને કંઈ થઈ જશે તેવો ડર લાગી જવો જેવાં ચિહ્નો આવે છે. જેને ઍંગ્ઝાઈટી કે પેનિક એટેક કહેવાય છે. આવા સમયે જે—તે વ્યક્તિને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન—કાઉન્સેલિંગ અને દવાઓની જરૂર પડે છે.
બાળકોમાં ઘણી વાર માત્ર શારીરિક ચિહ્નો જોવા મળે છે, જેવાં કે માથું—પેટ—છાતીમાં દુઃખાવો થવો, માથું ભારે લાગે, હાથ—પગમાં અચાનક અશક્તિ લાગે, ઉલટી—ઉબકા થયા કરે વગેરે. આવાં ચિહ્નો માટે શારીરિક બીમારીની તપાસમાં તમામ બ્લડ—યુરિન રીપોર્ટ, સીટીસ્કેન વગેરે તદ્દન નોર્મલ આવે છે. આવી તકલીફને સોમેટોફોર્મ ડીસઓર્ડર કહે છે જેમાં તે બાળક—વ્યક્તિને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને સારવારની જરૂર પડે છે.
કેટલીક વાર તરુણો અને પુખ્તવયની વ્યક્તિઓમાં ચોખ્ખાઈનો વધુ પડતો આગ્રહ, વારંવાર હાથ ધોયા કરવા, સફાઈ કર્યા કરવી, મનમાં મંત્રો બોલવા, ગણતરી કર્યા કરવી, વગેરે ચિહ્નો જોવા મળે છે. આવાં ચિહ્નો ઓબ્સેસિવ—કમ્પલસિવ ડીસઓર્ડરની નિશાની હોઈ શકે જે માટે નિષ્ણાત મનોચિકિત્સક દ્વારા સારવારની જરૂર પડે છે.
કેટલીક વાર મન સતત ઉદાસ રહેવું, નકારાત્મક વિચારો આવવા, વારંવાર રડી પડવું, નાનકડી વાતોમાં ગુસ્સો આવવો, ઉત્સાહ ઓછો થવો, વાતચીત—હળવામળવાનું ઓછું કરી દેવું, ઊંઘ—ભૂખમાં બદલાવ આવવો, ભણતરમાં દેખાવ બગડવો, કે જોખમી પ્રવૃત્તિઓમાં જોડાવું, આપઘાતના વિચારો આવવા કે પ્રયત્ન કરવા — આ પ્રકારનાં ચિહ્નો જોવા મળે છે, જે ડીપ્રેશન નામની માનસિક બિમારીનાં લક્ષણો છે તે માટે પણ નિષ્ણાત મનોચિકિત્સકની સારવારની જરૂર પડે છે.
કેટલીક વાર ખાસ કરીને તરુણોમાં વિદ્રોહી વર્તણૂક અને જોખમી પ્રવૃત્તિઓમાં જોડાવું, જેવાં ચિહ્નો જોવા મળે છે. વ્યસનોના રવાડે ચડવું, જોખમી રીતે ડ્રાઈવીંગ કરવું, કોવિડને લગતી જે સાવચેતીની જરૂર હોય તે ના લેવી, માસ્ક ના પહેરવો, સોશિયલ ડીસટન્સિંગ ના જાળવવું, વગેરે. તે ઉપરાંત, કોવિડ જેવી કોઈ ગંભીર બીમારી છે જ નહીં, અમને તો કંઈ ના થાય, બધા ખોટા ખોટા અમને ગભરાવે છે — જેવી મનોવૃત્તિ રાખવી.
આ પ્રકારના વર્તનથી તેઓ પોતાને અને અન્ય નજીકની વ્યક્તિઓ વડીલોને જોખમમાં મૂકે છે.
ઘણીવાર શારીરિક—માનસિક ડીઝેબિલિટી ધરાવતાં બાળકોમાં લાગણી—વર્તનની સમસ્યાઓ વધી જાય છે. આ ઉપરાંત ઘણીવાર આઘાતજનક બનાવ બની જાય. નજીકની વ્યક્તિનું કોવિડમાં મૃત્યુ થાય ત્યારે જે — તે વ્યક્તિ—તરુણ—બાળક અચાનક સૂન મારી જાય, વાતચીત ના કરે, એકલા બેસી રહે, અચાનક ચોંકી જાય — આવાં ચિહ્નો જોવા મળે છે.
કેટલીક વાર વારંવાર દુઃખદ બનાવ ફરી યાદ આવી જાય, હમણાં તે બનાવ બનતો હોય તેવો ભાસ થાય, સખત ડર અનુભવાય, નિસહાયતાની લાગણી અનુભવાય, વધારે પડતા સજાગ રહેવા લાગે અને જ્યાં દુઃખદ બનાવ બન્યો હોય તે જગ્યા—સ્થળે જવાનું ટાળે.
આવાં ચિહ્નો એક્યુટ સ્ટ્રેસ ડીસઓર્ડર અને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડરનાં છે. તે માટે મનોચિકિત્સકની સારવારની જરૂર પડે છે.
આવા અનેક સાયકોલોજીકલ પ્રશ્નો અને બીમારી કોવિડની મહામારી બાદ કોઈપણ ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. બાળકો—તરુણોમાં કેટલાક અલગ ચિહ્નો પણ દેખાય છે.
કેટલાક સામાન્ય નિયમોને અનુસરીએ તો કોવિડની મહામારીની નેગેટિવ અસરોથી બચી શકાય છે.
સૌથી પહેલાં તો એ સ્વીકારવું જરૂરી છે કે આ સાચા અર્થમાં મહામારી છે જેનાથી બચવા યોગ્ય પગલાં લેવાં જરૂરી છે જેવાં કે માસ્ક પહેરવો, સોશિયલ ડીસટન્સિંગ જાળવવું, વગેરે.
પણ હા, આ પરિસ્થિતિ કાયમી નથી રહેવાની. તેથી વધુ પડતા તે અંગે વિચારો કરી, ડરવાની જરૂર નથી, માત્ર સાવચેતીની જરૂર છે.
ટીવી, ફોન વગેરે પર વારંવાર કોવિડને લગતા નેગેટિવ સમાચારો જોયા કે વાંચ્યા ના કરો. કોવિડની ગંભીરતા—મૃત્યુ વગેરેની ઘરમાં ખાસ તો બાળકો—તરુણોની હાજરીમાં ચર્ચા ના કર્યા કરો.
દરેક વ્યક્તિએ—બાળકે દિનચર્યાનું એક નિયત શિડયુલ રાખવું જરૂરી છે. સૂવા—ઊઠવા—ભણવા—કામ કરવું—રમવું વગેરે પ્રવૃત્તિનું એક શિડયુલ જરૂરી છે.
બાળકોને શક્ય હોય ત્યારે સાવચેતીપૂર્વક ખુલ્લા ઘરના ગાર્ડનમાં, ખુલ્લા મેદાનમાં વગેરે જગ્યાઓએ લઈ જાઓ. તેમને શારીરિક કસરતો, રમતગમત, સાયકિલંગ વગેરે કરાવો.
હવે કોવિડની મહામારી ઓછી થવા લાગી છે ત્યારે નાના ગ્રુપમાં પૂરતી સાવચેતી સાથે થોડું હળવા—મળવાનું રાખો, ખાવા—પીવાનું ટાળવું જરૂરી છે.
ઘરનાં કામકાજ, કબાટોની સફાઈ વગેરે કામો માતાપિતાએ પણ કરવાં અને બાળકોને ખાસ કરાવવાં.
ઈલેકટ્રોનિક ગેજેટ્સનો ઉપયોગ ખૂબ મર્યાદિત રાખવો ઘરના દરેક જણ માટે જરૂરી છે. તે ઉપરાંત બાળકો—તરુણો પર તેના ઉપયોગ અંગે નિયમો નક્કી કરીને દેખરેખ રાખવી બહુ જરૂરી છે.
ઘરમાં અમુક રમતગમત—ક્રાફટ—કે ઘરની પ્રવૃત્તિઓ કુટુંબીજનોએ બાળક—તરૂણની સાથે કરવી જરૂરી હોય છે. જ્યારે અમુક પ્રવૃત્તિઓ બાળક—તરુણને એકલા જાતે કરવા દેવી જરૂરી છે.
રમતગમત, ધ્યાન, મેડિટેશન, શ્વાસોચ્છવાસની યોગ્ય પદ્ધતિ, યોગ—આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ મનને શાંત અને હળવું બનાવવામાં મદદરૂપ થાય છે.
આમ, કોવિડ—૧૯ મહામારીએ સમગ્ર વિશ્વને ભરડામાં લીધું છે ત્યારે માત્ર પૉઝિટિવિટીની વાતોથી નહીં પરંતુ યોગ્ય સાવચેતીનાં પગલાં લેવાથી જ તેની શારીરિક તેમ જ સાયકોલોજીકલ (માનસિક) અસરોથી બચી શકાશે.
માતાપિતાએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સચેત રહી યોગ્ય પગલાં લેવાં જરૂરી હોય છે જેથી તેઓ બાળકોને યોગ્ય અને ઉમદા ઉદાહરણ પૂરું પાડી શકે, તેમ જ બાળકોને પ્રવૃત્ત રાખી શકે.
જો સાયકોલોજીકલ ચિહ્નોની તીવ્રતા વધારે હોય, તે બાળક—તરુણની દૈનિક ક્રિયા, અભ્યાસ વગેરે પર નકારાત્મક અસર કરતાં હોય તો સહેજ પણ સંકોચ રાખ્યા વગર મનોરોગચિકિત્સક અને મનોચિકિત્સકના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક રીતે સારવાર લેવી ખૂબ જ જરૂરી છે, જેથી બાળકના અભ્યાસ,પર્સનાલિટી તથા માનસિક સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરોને નિવારી શકાય. તેવી જ વધતી જતી તરુણોમાંની આત્મહત્યા જેવી દુઃખદ ઘટના નિવારી શકાય.