કક્કો : મૂંઝવણ : ઉપાયો : શીખવાની રીત : સરળતાથી જટિલતા તરફ
શિક્ષણશાસ્ત્રમાં કોઇપણ ક્રિયા શીખવા માટે જે જુદા—જુદા સિદ્ધાંતો અપાયા છે, તેમાંનો એક સિદ્ધાંત છે — સરળથી જટિલ તરફ જવું. એટલે કે પહેલાં સરળ ક્રિયા, કાર્ય (અહીંયા સંબંધમાં વાચન—લેખન) શીખવ્યા પછી ક્રમશઃ જટિલ, અઘરું શીખવવું. શરૂઆતમાં જ જો બાળકને કોઈ અઘરી ક્રિયા શીખવવામાં આવશે, તો તે ઘણી વાર અસફળ થશે. વારંવાર મળતી અસફળતાને કારણે બાળકનો તે ક્રિયા શીખવા માટેનો ઉત્સાહ ઘટી જશે અને અંતે તેને તે ક્રિયા પ્રત્યે અણગમો થશે. આ માટે આ બાબત તરફ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ કે બાળકને સરળ ક્રિયા અથવા તો મૂળ ક્રિયાની પૂરક બની શકતી હોય તેવી સહેલી ક્રિયા પહેલાં શીખવવી જોઈએ. ઉદાહરણ તરીકે, બાળકને શરૂઆતથી જ બે પૈડાંવાળી સાઈકલ ચલાવતાં શીખવવી યોગ્ય નથી, કારણ કે આમ કરવાથી તે અનેક વખત પડશે અને તેને ઈજા થશે. એટલે જ પહેલાં તેને ચાર પૈડાંવાળી સાઈકલ ચલાવતાં શીખવવામાં આવે છે. ધીરે—ધીરે સાઈડનાં બે પૈડાં જરા ઊંચાં લેવામાં આવે છે. જ્યારે તે પૂરું બેલેન્સ રાખતાં શીખી લે છે ત્યાર પછી જ સાઈડનાં બે નાનાં પૈડાં દૂર કરવામાં આવે છે.
આ રીતે બાળકને લખવા માટે હાથમાં પેન/પેન્સિલ આપ્યા પહેલાં, તેને એવી ક્રિયાઓ પૂરતા સમય માટે કરાવવાની હોય છે કે જેથી તેની આંગળીઓના નાજુક સ્નાયુઓ તૈયાર થાય, સક્ષમ થાય. બાળકને લેખન શીખવ્યા પહેલાં શું શીખવવું જોઈએ, તેના માટે ડૉ.અરવિંદભાઈ ભાંડારી લખે છે — “પહેલાં તો બાળકના પંજાના સ્નાયુઓ આવું કામ કરવા માટે તૈયાર થાય તેવાં કામ કરાવવાનાં હોય છે, જેથી તેની આંખ અને આંગળીઓનો સમન્વય સધાય. મણકા પરોવી માળા બનાવવી, ફૂલોની સેર બનાવવી, ચિત્રો કરવાં, પછી અક્ષરોના વિવિધ વળાંક દોરતાં શીખે પછી મૂળાક્ષરોનું લેખન થાય. આ દરમિયાન બાળક મૂળાક્ષર ઓળખી વાંચતાં શીખે એ જરૂરી છે. બાળકના ચિત્તમાં મૂળાક્ષરોની ઓળખ પાકી થાય પછી એ લખતાં શીખે એવો ક્રમ શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિએ યોગ્ય ગણવામાં આવે છે.” (“ફૂલછાબ”, તા. ૨૨—૮—૨૦૦૫, પાના નં.૭)
આપણે ત્યાં અહીં આ સિદ્ધાંતની હજુ ઘણાને જાણકારી નથી. એટલે જ, ખૂબ જ વહેલું, યંત્રવત્ (mechanical), ઔપચારિક શિક્ષણ (formal education) આપવાની ઉતાવળ કરવામાં આવે છે. નાનાં બાળકોને શિક્ષણ આપનાર બાળમનોવિજ્ઞાનથી પરિચિત હશે તો તે જરૂર બાળકોનું ભણતર ભારરૂપ ન બની જાય તેનું ધ્યાન રાખશે.
નાનાં બાળકોને જલદી—જલદી, વહેલું અને એકસાથે ઘણુંબધું ભણાવી દેવાની ઉતાવળને કારણે જ મોટી સંખ્યામાં બાળકોની આગળ જતાં શિક્ષણમાંથી રુચિ તથા ક્ષમતા ઘણી જ ઘટી જાય છે. આ સાથે અનેક બાળકોનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય જોખમાવાનો ભય પણ વધી જાય છે. બાળક સતત તાણ (stress) નીચે રહે છે અને તેનું વર્તન પણ જોખમાય છે. શાળાનાં શરૂઆતનાં વર્ષોની અણઘડ, ખોટી, અવૈજ્ઞાનિક અને ભારરૂપ શૈક્ષણિક પ્રક્રિયા બાળકોના વ્યક્તિત્વને પણ જોખમાવી શકે છે.
નિષ્ણાતોના મતે — જે બાળકોનું ખૂબ નાની ઉંમરે શિક્ષણ શરૂ થાય છે તેઓ પાછળથી ઝળકી શકતાં નથી. ૪ વર્ષની ઉંમરે જે બાળકોએ ઔપચારિક શિક્ષણ લેવાનું શરૂ કર્યું હતું એવાં બાળકો, ૬ વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કર્યું હતું એવાં બાળકોથી મોટી ઉંમરે પાછળ પડી ગયેલાં માલૂમ પડયાં હતાં. શીખવા માટેની જરૂરી એવી જોવાની અને સાંભળવાની શક્તિ પાંચ વર્ષના બાળકમાં સંપૂર્ણ વિકસેલી નથી હોતી. એક અભ્યાસમાં માલૂમ પડયું છે કે સાત વર્ષથી નીચેનાં બાળકોમાંનાં ૭૦ ટકા બાળકોને “ટ” અને “ડ” તથા “ઠ” અને “ઢ” વચ્ચેનો તફાવત સમજવામાં મુશ્કેલી પડે છે.
બાળકોને જ્યારે ખૂબ વહેલું અને વધારે પડતું શીખવવામાં આવે છે તથા તેમની પાસેથી જ્યારે ત્વરિત પરિણામોની અપેક્ષાઓ પણ રાખવામાં આવે છે ત્યારે સતત માનસિક તાણ (tension) નીચે રહે છે. આવી તાણ બાળકોની જિજ્ઞાસાવૃત્તિ ગૂંગળાવી શકે છે અને તેમનો આત્મવિશ્વાસ પણ ડગી જાય છે.
મનોવિજ્ઞાનના અભ્યાસો પ્રમાણે, બાળકોને એક ભાષાના મૂળાક્ષરો ઓળખતાં, તેનાં શુદ્ધ ઉચ્ચારણો શીખતાં, તેને વાંચતાં અને લખતાં, શીખતાં તથા વાંચેલું સમજી શકતાં અને તેના સંદર્ભમાં જવાબો આપવાનું શીખતાં ઓછામાં ઓછાં ત્રણથી ચાર વર્ષ લાગે છે. આ બાબત બાળકની વ્યક્તિગત ક્ષમતા અને ઘર તથા શાળામાંથી તેને મળતા સહકાર પર પણ આધારિત છે. આ માટે જ વિશ્વના અનેક દેશોમાં આઠ—નવ વર્ષથી નાની ઉંમરમાં બાળકોને શરૂઆતનાં વર્ષોમાં માત્ર એક જ ભાષા શીખવવામાં આવે છે.
સામાન્યતઃ ઔપચારિક શિક્ષણની શરૂઆત પાંચેક વર્ષની ઉંમરે એક ભાષાથી કરવામાં આવે તે ઉચિત છે. તેનાં ત્રણેક વર્ષ પછી જ બાળકોને બીજી ભાષા શીખવવી જોઈએ. આ એક અસરકારક અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે. આમ કરવાથી બાળક પર કોઈ “સ્ટે્રસ” નહીં આવે અને તેનું વર્તન જોખમાશે નહીં. આ માટે જ વિશ્વભરના અનેક દેશોમાં નવ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને ભાગ્યે જ એકસાથે બે—ત્રણ ભાષાઓ શીખવવામાં આવે છે.
આપણે આ બાબતમાં બાળકો પ્રત્યે વિશ્વના અન્ય દેશોના લોકો જેટલા સંવેદનશીલ બનવું પડશે. નવ વર્ષથી નાની ઉંમરનાં બાળકો પાસેથી એકસાથે બે—ત્રણ ભાષાઓ શીખવાનો આગ્રહ રાખવો યોગ્ય નથી, કારણ કે દરેક બાળકમાં એટલી ક્ષમતા નથી હોતી. ખામીયુક્ત શૈક્ષણિક પ્રક્રિયાના દબાણથી બાળકોને શિક્ષણ કંટાળાજનક લાગે છે અને તેમની નવું—નવું શીખવાની ઉત્સુકતા ઘટી જાય છે.
જો બાળકોને પહેલાં માત્ર એક જ ભાષા સંપૂર્ણ સાચી, સરળ અને વૈજ્ઞાનિક રીતે શીખવવામાં આવી હશે (આઠ—નવ વર્ષની ઉંમર સુધીમાં) અને પછી જ તેને બીજી ભાષા પણ સાચી અને અસરકારક પદ્ધતિથી શીખવવામાં આવશે, તો બાળક જરૂર ભવિષ્યમાં બંને ભાષાઓ પર સમાન પ્રભુત્વ મેળવી શકશે. અહીં એ કહેવાનું અસ્થાને નથી કે વિશ્વમાં ભાગ્યે જ કોઈ દેશોમાં નવ—દસ વર્ષથી નાની ઉંમરનાં બાળકોને એકસાથે ત્રણ ભાષા શીખવાનું દબાણ થાય છે. વિશ્વના મહત્તમ દેશોમાં જો કોઈ બાળકને ત્રીજી ભાષા શીખવી હોય, તો તે દસ—અગિયાર વર્ષની ઉંમર પછી તેની સ્વેચ્છાએ શીખી શકે છે. અનેક દેશોમાં ત્રીજી ભાષા મરજિયાત હોય છે.
અહીં એક સ્પષ્ટતા કરવી જરૂરી છે — આપણે ત્યાં અહીં એવી ગેરસમજ પ્રવર્તે છે કે નાનાં બાળકોને જેટલી વહેલી (એકસાથે) વધુ ભાષાઓ શીખવીએ, તો તેઓ શીખી લે છે. પણ નવા અભ્યાસો પરથી ધ્યાનમાં આવ્યું છે કે નાનાં બાળકો મોટેરાંઓ કરતાં જલદી વધુ ભાષાઓ શીખી લે છે, પણ તે માત્ર બોલતાં અને સમજતાં; વાંચતાં અને લખતાં શીખવામાં દરેક બાળકમાં ઘણો જ વ્યક્તિગત તફાવત હોય છે. કોઈપણ ભાષાને માત્ર બોલતાં શીખવી અને તે જ ભાષાને વાંચતાં—લખતાં શીખવી, તે બંને વચ્ચે મોટો તફાવત છે. બંને ક્રિયાઓ તદ્દન જુદી જ છે.
હવે આ વાતને ઉદાહરણ સાથે સમજીએ. માની લો કે એક ગુજરાતી કુટુંબ તમિલનાડુના કોઈ શહેરમાં કે ગામમાં જઈને વસે છે; તો તે ગુજરાતી કુટુંબનાં નાનાં બાળકો તેમનાં માતા—પિતા કરતાં વહેલાં, અમુક મહિનાઓમાં ત્યાંનાં તમિલ બાળકો સાથે હળી—મળી જઈ રમી શકશે. ગુજરાતી બાળકો તમિલ બાળકોની ભાષા સમજી લેશે અને થોડુંઘણું, જરૂર પૂરતું તમિલ ભાષામાં બોલી પણ લેશે, પણ તેમનાં માતા—પિતા આમ નહીં કરી શકે. જોકે આ ગુજરાતી બાળકો તમિલ ભાષા શરૂઆતમાં (અમુક મહિનાઓમાં) માત્ર બોલી—સમજી જ શકશે. જો તેમને તમિલ ભાષા વાંચતાં—લખતાં શીખવી હશે, તો થોડાં વર્ષો નીકળી જશે.
આ સાવ સીધી, સરળ વાત કદાચ ધ્યાન બહાર રહી ગઈ છે, તેથી જ તો આપણે ત્યાં અહીં કુમળાં (આઠ—નવ વર્ષથી નાની ઉંમરનાં) બાળકોને એકસાથે બે—ત્રણ ભાષાઓ લખતાં—વાંચતાં શીખવાનું દબાણ કરવામાં આવે છે. જોકે અપવાદરૂપે એવી શાળાઓ પણ છે જ્યાં બાળકોને શરૂઆતમાં માત્ર એક જ ભાષા શીખવવામાં આવે છે, ત્યાર પછી બીજી ભાષા દર બે વર્ષને અંતરે ક્રમશઃ શીખવવામાં આવે છે, જેથી બાળકોને ભાષાઓ શીખવામાં કોઈ ગૂંચવાડો ઊભો થાય નહીં અને તેમની રુચિ દરેક ભાષા શીખવામાં ટકી રહે. આ પદ્ધતિ સરળ છે, સાથે બાળકો માટે આનંદદાયક પણ. જ્યારે ભણાવવાની શૈક્ષણિક પદ્ધતિમાં કોઈ ભૂલ કે અતિરેક હોય છે, ત્યારે બાળકોની રુચિ ભણવામાંથી તદ્દન ઘટી જાય છે. તેઓએ અભ્યાસ પાછળ જરૂર કરતાં ઘણા વધારે કલાકો આપવા પડે છે અને તેમને થાક પણ વધુ લાગે છે. ક્યારેક આવા “સ્ટ્રેસ”ને કારણે બાળકો નિરાશ થઈ જાય છે, તો અમુક બાળકો ખૂબ જ ગુસ્સામાં રહે છે અને ચીડિયાં બની જાય છે. બાળકોના હિત માટે જો આ (નાની ઉંમરનાં બાળકોને એકસાથે બે—ત્રણ ભાષાઓ શીખવવાની) ભૂલને સુધારી લેવામાં આવે, તો બાળકોનો વાચન—લેખન શીખવા માટેનો ઉત્સાહ ઘણો જ વધશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
અભ્યાસો પરથી જણાયું છે કે આપણા દેશમાં બાળકો જરૂર બેથી ત્રણ ભાષાઓ શીખી શકે છે, પણ જો તે નિશ્ચિત સમયાંતરે (એક પછી એક) શીખવવામાં આવી હશે તો જ અને તે પણ માત્ર સાચી, વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે શીખવવામાં આવી હશે, તો બાળકોને તે ગ્રહણ કરવામાં ઘણી જ ઓછી મુશ્કેલી પડશે. દરેક ભાષા શીખવવાની પદ્ધતિ જો સરળ, વૈજ્ઞાનિક અને અસરકારક હશે, તો જરૂર વધુ ને વધુ બાળકો આગળ જતાં એકસાથે બે—ત્રણ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ મેળવી શકશે. નહીં તો, પહેલા ધોરણથી દસ ધોરણ સુધી એકસાથે બે—ત્રણ ભાષાઓ શીખ્યા પછી અનેક વિદ્યાર્થીઓ , તેમની શીખેલી બધી જ ભાષાઓમાં ઘણા નબળા રહી જશે અને તેમના મૌલિક વિચારો કોઈપણ ભાષામાં રજૂ કરવાની આવડત (ability) વિકસાવી શકશે નહીં.
આ માટે જ બાળકો—વિદ્યાર્થીઓ સરળતાથી, રસપૂર્વક ભાષા(ઓ) શીખી શકે તેવા પ્રયત્નો જરૂરી છે.