હું કાંઈ પોપટ છું?
મારું નામ પૂર્વા છે. મારે એક વાત કરવી છે, સાંભળો : હું ને મારી નાની બહેન પલક. એક દિવસ રમત રમતાં હતાં. રમત રમવાની મજા પડી ગઈ. રમતનો જામ્યો હતો રંગ! ત્યાં પડયો ભંગ!
શું થયું હતું ખબર છે? અમારા ફલેટની ડોરબેલ વાગી. મારી મમ્મીએ ડોર ખોલ્યું. મહેમાન આવ્યાં હતાં, એક અંકલ ને આંટી. મમ્મીએ આવકાર આપ્યો. બધાં સોફા પર બેઠાં.
અમે તો અમારી મસ્તીમાં રમત રમતાં હતાં. મહેમાન અને મમ્મી, પપ્પા વાતો કરતાં હતાં. વાતોનાં વડા ચાલતાં હતાં. સાથે—સાથે વડા—પાંવનો નાસ્તો પણ ચાલતો હતો.
એમાં મારી મમ્મી બોલી, “બેટા! પૂર્વા , અહીં આવ તો…” હું તો દોડતી ગઈ મમ્મી પાસે, મમ્મી બોલી, “તને સ્કૂલમાં અલગ—અલગ વિષયો પર બે—ચાર વાક્યો બોલાવે છે ને? તે અંગ્રેજીમાં બોલ જોઈએ. અરે, હા! પેલી પોએમ તો સંભળાવજે જ અને ડાન્સ પણ બતાવજે.”
મમ્મી હુકમ છોડતી રહી. હું તો એમ જ ઊભી રહી હો! મારું મન હતું રમતમાં! કશું જ બોલવાનું મન નહોતું!
ત્યાં પેલાં આંટીએ ડહાપણ ડોળ્યું. આંટીને મારા નામની ખબર હતી. છતાં પૂછયું, “બેટા, તારું નામ?” મને ખબર હતી મારું નામ બોલીશ એટલે પછી પૂછશે જ કે, મમ્મીનું નામ? સ્કૂલનું નામ? એટલે હું કશું જ ના બોલી.
મમ્મીએ ફરી આગ્રહ કર્યો. હું કશું ના બોલી અને રમવા દોડી ગઈ!
પછી મમ્મી અકળાઈને બોલી, “આજે તો કશું ના બોલી. અમસ્તી તો પોપટની જેમ બોલે છે…, પટ્…પટ્…!”
હવે તમે જ કહો હું કંઈ પોપટ થોડી છું? કે પોપટની જેમ બોલું? પોપટ તો ટે…ટે. ટી…ટી… બોલે! પીંજરામાં પુરાયેલો પોપટ મેં પણ જોયો છે હોં..! પાળેલો પોપટ! બિચારો! પઢાવેલું હોય એટલું જ બોલે!
હું તો કેટલું બધું બોલું છું, ગાઉં છું, નાચું છું. હું પોપટ તો નથી જ. હું તો પૂર્વા છું, પૂર્વા . પૂર્વા તો પૂર્વા જેવું જ બોલેને ? તમે જ કહો!