બાળકો અને કવિડ-૧૯ મહામારી
એક યુવાન માતા એમના છ માસના શિશુને રસીકરણ માટે લઈને આવ્યાં. હાલની પરિસ્થિતિમાં માતાએ તો પોતાના ચહેરા પર માસ્ક લગાડેલો જ હતો, પણ બાળકનું નાક અને મોં પણ ઢંકાયેલાં હતાં. બાળક માતાના ચહેરા સામે ટગર ટગર જોઈ રહ્યું હતું. પણ જાણે કે એની આંખોમાં મૂંઝવણ વર્તાતી હતી. આ ઉંમરનાં બાળકનો સામાજિક અને ભાવનાત્મક વિકાસ માતા સાથેના એના જીવંત સંપર્ક પર નિર્ભર હોય છે, એટલું જ નહીં, એનો વાણીવિકાસ પણ માતાના હોઠ, જીભ અને આંખોના હલનચલનનું અવલોકન કરીને થાય છે. જુદા જુદા ઉચ્ચારો કરવા માટે માતા શી રીતે એના ચહેરાના અને મોંના સ્નાયુઓનો ઉપયોગ કરે છે એનું બાળક અવલોકન કરે અને માતાના કંઠમાંથી આવતા ધ્વનિ સાથે એનો સંબંધ જોડીને એ વાણી શીખતું હોય છે. માતાનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હોય તો આ શી રીતે થઈ શકે?
કોરોના વાઈરસ નાનામોટા સૌને અસર કરે છે. ગયા વર્ષે જ્યારે રોગચાળાની શરૂઆત થઈ ત્યારે એ માત્ર વયસ્ક લોકો અને વૃદ્ધોને જ પોતાના શિકાર બનાવતો હતો, પરંતુ છેલ્લા ત્રણેક મહિનામાં બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પેદા થયેલી એની નવી પ્રજાતિઓ પણ અત્યારે આપણા દેશમાં પ્રવેશી ચૂકી છે અને એ નાનાં બાળકોને તેમ જ કિશોરોને પણ રોગનો ભોગ બનાવી રહી છે. સદ્નસીબે પુખ્ત વ્યક્તિઓની સરખામણીમાં બાળકોમાં રોગની ગંભીરતા તથા મૃત્યુની સંભાવના ઓછી જોવા મળે છે. પણ ઘણાં બાળકોને કોવિડ—૧૯નો ચેપ લાગુ પડવા છતાં કોઈ લક્ષણો જોવા મળતાં નથી એ ચિંતાનો વિષય છે, કેમ કે આનાથી બાળકનું નિદાન ચૂકી જવાનું તેમ જ અજાણતાં અન્ય વ્યક્તિઓને એનું સંક્રમણ થવાનું બેવડું જોખમ ઊભું થાય છે.
કોવિડ—૧૯ રસીકરણ કાર્યક્રમની દેશમાં શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ બાળકો તેમજ કિશોરોને હાલમાં તેનાથી વંચિત રાખવામાં આવ્યાં છે, કેમ કે આપણા દેશમાં મળતી કોવિશીલ્ડ અને કોવેક્સિન રસીઓની બાળકો માટેની સલામતીના અભ્યાસો થયા નથી. એ જોતાં બાળકોનું આ રોગચાળા સામે રક્ષણ કરવાની વધારાની જવાબદારી માતાપિતાના શિરે છે.
કોવિડ—૧૯ દેશની લગભગ ૭.૬ કરોડ બાળવસ્તીના શારીરિક, માનસિક, ભાવનાત્મક, સામાજિક તેમ જ શૈક્ષણિક વિકાસ પર અવળી અસરો ઊભી કરશે તેવો અંદાજ છે.
વર્તમાન મહામારીમાં દેશની આરોગ્ય સેવાઓ ઉપર વધારાનું દબાણ ઊભું થયું છે તેમાં બીજા એનક રોગો પાછળ ધકેલાઈ ગયા છે. આખું વર્ષ કેવળ કોરોનાના દર્દીઓની જ સારવાર કરવામાં આવી છે. તેમાં નાનામોટા બીજા રોગો સંભળાતા બંધ થઈ ગયા છે. નાનાં બાળકોમાં હજુ પણ ઝાડાઊલટી અને ન્યુમોનિયા કોવિડ—૧૯ની સરખામણીમાં વધુ ઘાતક છે. પણ એમની ઉપેક્ષા થઈ રહી છે. કોરોનાના ડરથી ડૉક્ટરો દર્દીઓને બને ત્યાં સુધી પ્રત્યક્ષ જોવાનું ટાળે છે. અત્યારે માત્ર ટેલિકન્સલ્ટિંગથી સારવાર કરવાનું ચલણ છે. મોટેરાઓના રોગોમાં આ અભિગમ ચાલે, પણ બાળક માંદું પડે તો પરોક્ષ નિદાન કરીને સારવાર આપવામાં જોખમ રહેલું છે. એકાદ વર્ષથી નાની ઉંમરનું બાળક ખૂબ રડતું હોય તો આ રીતે એનાં નિદાન અને સારવાર કરવાનું ક્યાં સુધી વાજબી ગણાય?
બાળકને ઘરની બહાર લઈ જવાનું એટલું જોખમી છે કે એના સામાન્ય રસીકરણ પર પણ આની અવળી અસર થઈ છે. રોગચાળાએ છેલ્લા બે મહિનાથી રાજ્યનાં નાનાં નાનાં ગામડાઓમાં પણ પ્રવેશ કર્યો છે. કોરોનાની બીજી લહેરે શહેરી આરોગ્ય સેવાઓ અને ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સેવાઓ ખોરવી કાઢી છે. આ સંજોગોમાં સામાન્ય આરોગ્ય સેવાઓ તથા ગર્ભવતી મહિલાઓને મળતી આરોગ્ય સેવા અને બાળઆરોગ્યસંભાળ કાર્યક્રમને પણ લાંબા ગાળાની ચોક્કસ માઠી અસર થવાની.
શાળાઓ છેલ્લાં એક વર્ષ કરતાં વધારે સમયથી બિલકુલ બંધ પડી છે. વિદ્યાર્થીઓને પરીક્ષાઓ વગર ઉપલા વર્ગમાં ચઢાવી દેવાનું સરકારી ફરમાન ગયા વર્ષની માફક આ વર્ષે પણ જારી કરવામાં આવ્યું છે. બાળકોને ડિજિટલ માધ્યમથી ભણવાની મજબૂરી ઊભી થઈ છે. શહેરી બાળકો, શાળાઓ અને શિક્ષકો પાસે મોબાઈલ ફોન, આઈપેડ, ટેબલેટ કે લેપટોપ અને ઈન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ હોય એ માની શકાય, પણ ગ્રામીણ બાળકો, માતાપિતા અને શિક્ષકો પાસે આની શી રીતે અપેક્ષા રાખી શકાય? આખું વર્ષ બધા જ વિષયો અને પરીક્ષાઓ ડિજિટલ ઉપકરણોથી સંચાલન કરવામાં શિક્ષણનું સ્તર શી રીતે જાળવી શકાશે?
શાળાઓ ક્યારે ચાલુ થશે એ હજુ અનિશ્ચિત છે. પરિણામ એ આવશે કે અનેક બાળકો કાયમ માટે શાળા છોડી જશે. રોજગારીના અભાવે કુટુંબોને દારુણ ગરીબીનો સામનો કરવાનો આવશે. બાળકો એના લીધે કુપોષણમાં ધકેલાશે, તેમ એમને બાળમજૂરીમાં જોડાવાની મજબૂરી ઊભી થશે.
શહેરી કુટુંબો માટે પણ નોકરી અને આજીવિકાની અનિશ્ચિતતાના પ્રશ્નો ઊભા થયા છે. એટલે માતાપિતાના ચહેરાઓ ચિંતાગ્રસ્ત બન્યા છે. કુટુંબનું વાતાવરણ તંગ થયું છે. ઘરેલુ હિંસાચાર વધ્યો છે. હતાશા અને આત્મહત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવવા લાગ્યા છે. કુટુંબનાં બાળકોને પણ આનો ચેપ લાગશે. છેલ્લા છએક મહિનાઓથી બાળકોમાં કોવિડ—૧૯ના કારણે ચિંતાતુરતા, હતાશા, નકારાત્મક વલણ અને વર્તન, આક્રમકતા, ચીઢિયાપણું, અકારણ છણકા, માબાપનું કહ્યું ન કરવું, સામા થવું, વગેરે સમસ્યાઓ જોવા મળી રહી છે. ખાસ કરીને ૧૨—૧૭ વર્ષની વયના કિશોરોમાં આક્રમક વર્તન અને હતાશાનું પ્રમાણ વધ્યું છે. આવનારા સમયમાં બાળકો સતત રોગચાળો, સ્વજન મૃત્યુ, લોકડાઉન, શાળાઓ બંધ પડી જવી, વગેરેના ઓથાર તળે જીવતાં બની જશે. આને પોસ્ટ ટ્રૉમેટિક સ્ટ્રેસ ડિઝઓર્ડર કહેવામાં આવે છે. બાળકો પોતાના હાથ ગંદા અને દૂષિત હોવાની આશંકામાં એને અવારનવાર ધોતાં રહેશે. આ પ્રકારની મનોવળગણની બીમારીનો ભોગ નાનામોટા સૌ બની રહ્યા છે.
અનેક બાળકો સરકારી મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બપોરનું અન્ન મેળવતાં હતાં તે અત્યારે બંધ છે. દેશનાં આશરે બે કરોડ ગરીબ બાળકો હાલમાં આ લાભથી વંચિત છે. સંકલિત બાળવિકાસ સેવા યોજના અંતર્ગત ચાલતી આંગણવાડીઓ બંધ પડી છે. પરિણામે સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને બાળકોને લોહતત્ત્વની ગોળીઓ અને પૌષ્ટિક નાસ્તાનું વિતરણ સાવ બંધ છે.
શાળાએ જતાં બાળકો શારીરિક શિક્ષણના વર્ગોમાં હાજરી આપતાં તે અત્યારે બંધ છે. પરિણામે તેઓ શાળારમતો, મેદાની રમતો, દોડકૂદ અને ધમાચકડીમાં ભાગ લેતાં તે અટકી પડયું છે. કોવિડના લોકડાઉનને કારણે બાળકોને સતત ઘરમાં ગોંધાઈ રહેવું પડે છે. આની માઠી અસર એમના કસરત અને શારીરિક સ્વાસ્થ્ય પર પડશે.
શાળાઓમાં બાળકો સામાજિક જીવનના પાઠ પણ ભણે છે. સહજીવનનું જે શિક્ષણ કુટુંબ નથી આપી શકતું તે શાળાઓ પૂરું પાડે છે. બે — બે વર્ષ સુધી શાળાએ ન જનારાં બાળકો આ શિક્ષણ ગુમાવશે અને પોતાના કુટુંબમાં લોકડાઉનમાં એકલવાયું જીવન ગાળતાં થશે. પોતાના સહપાઠીઓ અને મિત્રો સાથે લડવાનું અને સમાધાન કરવાની એમની કેળવણી અધૂરી રહેશે. જૂન માસમાં શાળાઓ ખૂલે એટલે જૂના સંબંધો તાજા કરવાની અને અજાણ્યા સહાધ્યાયીઓ જોડે નવો સંબંધ બાંધવાની જે તક એમને દર વર્ષે સાંપડતી તેનાથી તેઓ વંચિત રહેશે. મોબાઈલ કે ટેબલેટના પડદા પર જે બે—ચાર ભાવહીન ચહેરાઓ દેખાશે એનાથી એમને સંતોષ માનવો પડશે. સાથે મળીને તોફાનમસ્તી નહીં કરી શકાય. શિક્ષકની પીઠ ફરે એટલે એમના ભણી કાગળનું રોકેટ ઉડાડવાની મજા નહીં લઈ શકાય.
બાળકોના જીવનમાંથી વિવિધતા અદૃશ્ય થઈ ગઈ છે. ઘરે રહેવું અને મોબાઈલના પડદા પર ભણવું આ સિવાય બીજી કોઈ નવીનતા કે બદલાવ દેખાતાં નથી. સંગીત, ચિત્રકામ, કરાટે, નૃત્ય, અન્ય કળાઓ અને ભાષાના ઈતર વર્ગો બંધ થઈ ગયા છે. રસ્તા પર બહાર નીકળીને રમતો રમવાનું પણ જોખમી છે.
આ સંજોગોમાં બાળકોને પ્રવૃત્ત અને ચિંતામુક્ત રાખવાનો નવો પડકાર માબાપના માથે ઊભો થયો છે.
બાળકોની સલામતી માટે થોડાં સૂચનો :
નાનામોટા સૌએ પોતાની સલામતી માટે ચહેરા પર માસ્ક પહેરવાનું ફરજિયાત છે. પરંતુ બાળકોની માનસિક જરૂરિયાતો તેમ જ વિકાસનાં ચિહ્નોને લક્ષમાં લઈને વિશ્વ આરોગ્ય સંસ્થાએ પાંચ વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે આ નિયમમાં છૂટ મૂકવાની ભલામણ કરી છે. નાનાં બાળકોને માસ્ક પહેરતાં અને એની કાળજી લેતાં ફાવે એ સંભવ નથી. અમેરિકાનું સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ પણ બે વર્ષથી નાનાં બાળકોને માસ્ક પહેરવાની ના પાડે છે. આવડાં નાનાં બાળકોને માસ્ક પહેરવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
• બાળકોને હાથ ધોઈને સાફ રાખવાની જરૂરિયાત તેમ જ સાચી રીતનું શિક્ષણ આપવું જોઈએ.
• ખાંસી કે છીંક ખાતી વખતે પોતાના નાક અને મોંને ઢાંકવાની આદત નાનપણથી પાડવી જોઈએ.
• એમને ભીડમાં, બજારમાં, ખરીદીઓમાં કે ઉજવણીઓમાં સાથે ન રાખો. હજુ પણ કેટલાંક કુટુંબો પોતાનાં નજીકનાં સ્વજનો અને મિત્રોને એકત્ર કરીને બાળકનો કે પોતાનો જન્મદિવસ ઊજવવાની ભૂલ કરતાં જોવા મળે છે. આ સામાજિક ગુનો છે.
• બીમાર વ્યક્તિઓની ખબર જોવા જવાનું તેમ જ આવા પ્રસંગે પોતાના બાળકને સાથે લઈ જવાનું માંડી વાળો.
• શાળાઓ હજુ અનિશ્ચિત સમય સુધી બંધ રહેવાની છે ત્યારે શાળા અને શિક્ષકોનો વિકલ્પ ઊભો કરવાની જવાબદારી માતાપિતાના શિરે રહે છે. ગ્રામીણ માબાપને બાજુએ રાખીને શહેરી અને ભણેલા — ગણેલા માબાપે આ પડકાર ઝીલી લેવાનો રહેશે. બાળકના અૌપચારિક શિક્ષણમાં હાલની પરિસ્થિતિમાં કચાશ રહી જશે તેની ચિંતા ન કરશો. બાળકો અને સમાજ આવનારા સમયમાં આ મુસિબતને પહોંચી વળશે. પણ એને વાર્તાકથન, વાચન, સંગીત, ચિત્રકામ, ઘરકામ, શારીરિક શ્રમની નાનીમોટી પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ, પ્રકૃતિદર્શન, આકાશદર્શન, ઈત્યાદિની રુચિ કેળવો અને એમાં સતત તમારી સાથે રાખો. એને તમે રસોઈ અને ઘરની સાફસફાઈનાં કામો શીખવી શકો છો.
• મુશ્કેલ સમયમાં તમારા ચહેરા પર તાણ ન ડોકાવા દો. કુટુંબમાં પ્રસન્નતાનું વાતાવરણ જાળવી રાખો. બાળકો સાથે ઘરમાં રહીને ધમાચકડી અને કૌટુંબિક રમતો રમો. ઈન્ટરનેટના માધ્યમથી તમે આવી અનેક મનોરંજક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખોળી શકો છો.
• સતોડિયું, આટાપાટા, ગિલ્લીદંડા, ખો જેવી અનેક જૂની વિસરાયેલી રમતોને, પરસ્પર અડવાના સંજોગો નહિવત્ કરીને તથા શરદી—ખાંસીની બીમારી થઈ હોય તેમને એમાંથી બાકાત રાખીને આ સમયે યાદ કરીને ફરી ચલણી બનાવવામાં માબાપ અને ઘરનાં ઘરડાં મદદરૂપ થઈ શકે છે.
કોવિડ—૧૯ના રોગચાળાએ જેમ ઘરે રહીને કામ અને કારોબાર ચલાવવાની નવી તકો ઊભી કરી છે તેમ શાળાઓ અને શિક્ષકો વગરના, ડિજિટલ માધ્યમથી આપમેળે શિક્ષણ મેળવવાનો એક નવો વિક્લ્પ આપણી સમક્ષ ઊભો કર્યો છે. આવનારો સમય ઓનલાઈન શિક્ષણનો છે. કોરોના રોગચાળાએ આપણને આના માટે તૈયાર થવાની તક પૂરી પાડી છે. આનો શ્રેષ્ઠ લાભ લો.