પ્રસન્નતા
પહેલી વાત પ્રસન્નતાની છે. ઘરમાં પગ મૂકતાં જ બાળકને પ્રસન્ન વાતાવરણ લાગવું જોઈએ. ગૃહસ્થાશ્રમ ચલાવનાર સંસારીજનોને સંસારયાત્રામાં અનેક અડચણો નડે છે. અનેક વાર સંસારની ઉપાધિ અને ચિંતાથી આપણે ઘેરાયેલાં રહીએ છીએ. ઘણી વાર મન ક્ષોભિત થયેલું હોય છે ક્યારેક મન થાકી ગયેલું હોય છે, તો ક્યારેક વાસણ સાથે વાસણ અથડાય અને ખખડાટ થાય તેવું મોટેરાંઓનું અરસપરસનું બન્યું હોય છે. ક્યારેક આપણે નિરાશાના વમળમાં અટવાઈ હતોત્સાહ બન્યાં હોઈએ છીએ. સંસારની સારી—નરસી અનેકવિધ ધૂપછાયા આપણા મન પર પડતી હોય છે. આ બધી વસ્તુસ્થિતિ હોવા છતાં, આપણું ઘર એ બાળકોની વાડી છે, એમનો એ બાગ છે એ ભૂલવું ન જોઈએ. આપણા માનસિક પરિતાપની ઝાળ આ કુમળા રોપને લાગે તો એ કરમાઈ જશે એ વાત ધ્યાનમાં લઈને તેમની ખાતર હંમેશા પ્રસન્નતાનું વાતાવરણ તે શા કામનું? બાળકો બનાવટને તુરત ઓળખી કાઢે છે અને તેથી તેનું ઊલટું જ પરિણામ આવવાનું.
બીજા કોઈ કહેશે કે બાળકોને કૃત્રિમ રીતે ફક્ત પ્રસન્નતાના વાતાવરણમાં ઉછેરવાથી ટાઢતડકો સહન કરવાની તેમનામાં કદી તાકાત આવવાની નહિ. જો તેઓ થોડા એવા દુઃખથી ચીમળાઈ કે કરમાઈ જશે તો આગળ ઉપરના જીવનમાં આવનાર સારામાઠા પ્રસંગો સામે ઝૂઝવાની અને ટક્કર લેવાની તેમનામાં શક્તિ ક્યાંથી પ્રાપ્ત થશે?
બંને મુદ્દાઓમાં થોડું તથ્ય છે. બાળકો બનાવટ તો તત્કાળ ઓળખી કાઢે છે તે વાત તદ્દન સાચી છે. માતાનાં આંખ—નાક રોઈ રોઈને લાલ બન્યાં હોય અને બાળક પાસે આવતાં જ મા સાડલાના છેડાથી તે લૂછી નાખી ઉપરથી હસીને બોલવા લાગે તો બાળક તુરત એ ઓળખી લે છે. માના એ વખતના ખોટા હસવાના પ્રયાસથી પ્રસન્નતાનું વાતાવરણ ઉત્પન્ન થઈ શકતું નથી. તે જ રીતે ચિડાયેલા અને સંતાપ પામેલા પિતાને ઓળખ્યા સિવાય બાળક રહેતું નથી. દૂરથી ચહેરો જોઈને જ બાળક વાતાવરણ કેવું છે તે પામી જાય છે, એટલે માત્ર બનાવટ કર્યે પણ કામ ચાલે નહિ એ વાત ખરી છે. બીજી વાત એ પણ છે કે મોટા માણસો પણ પોતાનાં જ ઘરોમાં હંમેશને માટે બનાવટ કે ઢોંગ કરીને કઈ રીતે રહી શકે? માણસને પોતાના ઘરમાં તો છૂટનું વાતાવરણ જોઈએ જ. સમાજમાં, ઓફિસમાં, બહાર ધંધા વગેરેમાં બધી જગ્યાએ ઢોંગ—બનાવટ કરી મનની લાગણીઓ મનમાં ગળી જઈને ચલાવવું પડે છે. બાળકોની બીકથી, ઘરમાંય જો તે રીતે રહેવું પડે તો માણસને પાગલ બની જવાનો વારો આવે. એક તો માણસને એવું સ્થાન જોઈએ કે જ્યાં એ છૂટથી અને સ્વાભાવિકપણે વર્તી શકે.
વાત સાચી છે. બાળકો ઢોંગ કે કૃત્રિમતા તુરત ઓળખી કાઢે છે એ ખરું છે, તેમ જ ઘર એ છૂટથી અને સ્વાભાવિકપણે વર્તવાની જગ્યા છે તે પણ સાચું છે.
તો પછી પ્રસન્નતાનું વાતાવરણ કેમ રાખવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
આપણે દુઃખ કે મુસીબતમાં હોઈએ અને બગીચામાં જઈ બેસીએ અને તેમાં હસતાં—ડોલતાં ફૂલ જોઈએ અને પંખીઓનું મંજુલ ગાન કે કલરવ સાંભળીએ તો ઘડીભર આપણું દુઃખ ભૂલી તેમની સાથે હસવા લાગીએ છીએ કે નહિ? બાળકોથી ભરેલાં ઘરોનું તેવું જ છે.
“આ છોકરા શા સારુ ગરબડ કરે છે?” એવી વૃત્તિથી તેમના તરફ જોઈએ તો તેમની સાદી વાણી પણ અસહ્ય બને છે અને તેમને ખૂબ જ દબડાવવાની ક્રૂર વૃત્તિ જાગે છે. તેથી વિરુદ્ધ એમને બાલવાડીનાં ફૂલની નજરે જોતાં બધું બદલાઈ જાય છે. સંસારમાંના ભયંકરમાં ભયંકર દુઃખથી આપણે પીડાતા હોઈએ છતાં બાળકોના મીઠા બોલથી ભરઉનાળામાં, સવારની ઠંડી હવાની લહેરખીથી જેવો આનંદ આવે તેવો આનંદ આપણા ત્રસ્ત મનને મળે છે. બાળકો તરફથી પ્રસન્નતાનું વાતાવરણ આપણને મળે છે. અનેકવાર હૃદયની ભયંકર પીડા, ચિંતા, નિરુત્સાહ, અપમાન, ગમે તેનાથી મન હારી ગયું હોય છતાં બાલવાડીમાં જતાં જ, ત્યાંનાં બાળકો આપણા મનને આનંદ આપવા, હંમેશ પ્રસન્ન, હંમેશ તાજાં, સદા ઉત્સાહી, સદા પ્રયત્નશીલ, સદા જિજ્ઞાસુ હોય છે. એ પરિસ્થિતિમાં આપણા સુખમાં જ નહિ પણ દુઃખમાંય તે ભાગીદારી કરી આપણને રીઝવે છે.
એટલે પોતે દુઃખમાં કે કષ્ટમાં હોઈએ તો પ્રસન્ન કેમ રહેવું તેનો ઉત્તર એ જ છે કે બાળકો પાસેથી જ પ્રસન્નતા મેળવવી. તેમને આપણા જડ—દુઃખી વાતાવરણમાં ન ખેંચતાં, આપણે તેમના સુખી વાતાવરણમાં ભળી જવું.
બીજો પણ આ વસ્તુનો ઉત્તર છે. કોઈપણ જાતનું દુઃખ પડયું એટલે ઉદાસ બનીને અથવા ચીડિયા બની મારખૂડ કરવા કે ગુસ્સાગુસ્સી કરવાની ટેવ આપણે કેળવીએ તેવી કેળવાય છે. ઓફિસમાં કંઈ તકલીફ થઈ કે બજારમાં વેપારધંધો બરાબર ચાલ્યો નહિ તો ઘેર આવીને એનો ક્લેશ કરવો, નિરાંતે ખાવું—પીવું નહિ. સાવ અતડાની જેમ વર્તવા લાગવું. બાળક પાસે આવીને કંઈ કહેવા લાગે તો તેને દબડાવવું, આવી બધી ટેવ પાડીએ તો તેવી ટેવ પડે છે. એનો અર્થ એમ કે મનમાંથી સુખદુઃખની લાગણીઓ ઊભરાની જેમ ઢોળાઈ જાય છે. એની એ લાગણીઓને જરા સ્વસ્થપણે વહેતી રાખી શકીએ તો તે ટકે છે. બનાવટ કરવાની જરૂર નથી, પરંતુ મનોવિકાસ ઉપર કાબૂ મેળવી વર્તવાનું શીખીએ તો તે શક્ય બને છે. ઘરમાં જંગલી રીતે રહેવાને બદલે — વર્તવાને બદલે — લાગણી અને વર્તનને સુસંસ્કૃત કરવા પ્રયત્નશીલ બનવું.
આમ છતાં આમાંથી બચવાનો ઉપાય ન જડે, ઝઘડો જામશે તેવું જણાય તો બાળકોને બહાર મોકલી આપીને જંગમાં ઊતરવું. એમ પણ ન બને તો આપણે બહાર નીકળી જવું અને ગુસ્સાના ઊભરા, ઝઘડા પતાવી દેવા. બાળકો પૂરતી તો ઘરમાં શાંતિ રહેવા દેવી. ઘરમાંના ઝઘડા બાળકોના આનંદમાં ઝઘડાનું વાતાવરણ ઊભું કરે છે.
બીજો એક મુદ્દો વધુ મહત્ત્વનો છે. બાળકોને હંમેશાં જ પ્રસન્નતાના વાતાવરણમાં રાખીશું તો તેઓ જગતના કઠોર વાતાવરણમાં ટકવાને કેવી રીતે તૈયાર થશે? તેઓ કૃત્રિમ રીતે ખાસ સમશીતોષ્ણ વાતાવરણમાં ઉછરેલા રોપ જેવા (Hot house plants) નાજુક અને ગરમી કે હવા સહેવા અસમર્થ હોય તો તે શા કામનું?
આનો ઉત્તર આ પ્રમાણે હોઈ શકે. માળી ઉત્તમ આંબા કે કોઈ બીજા વૃક્ષની કલમ કે રોપ લાવી વાવે છે. શરૂઆતમાં કેટલાક દિવસ માળી તેને માટે શણના કોથળાનો છાંયો કરે છે. તેને ગરમી, હવા, વરસાદ, ઠંડી વગેરેથી રક્ષણ આપે છે. એ રોપ થોડા મોટા થતાં, કુદરતની કડકાઈ સહન કરવાની તેમનામાં શક્તિ આવે કે તુરત પેલો છાંયો હટાવી દે છે. એવી જ પરિસ્થિતિ બાળકોની છે. તેમને જગતના જીવનસંઘર્ષથી દૂર રાખી તેમનો સામનો કરવા માટે કાયમના જ અશક્ત નથી બનાવવાં. પરંતુ એ સહેવાની પૂરતી શક્તિ આવે ત્યાં સુધી તેમને સંભાળવાનાં છે. કુમળી અવસ્થામાં સખત આઘાતથી તેઓ કરમાઈ જાય નહિ, સુકાઈ જાય નહિ એનું ધ્યાન રાખવાનું છે. બાળકોને બાળજગતમાંનાં સુખદુઃખો અને અડચણ — મુશ્કેલીઓનો સામનો કરવાનો હોય જ છે. તેમના જગતમાં, આપણા જગતનું બધું જ નાના પ્રમાણમાં હોય છે. બળિયાના બે ભાગ એ ન્યાયે ગુંડાપ્રવૃત્તિ કરતાં બાળકોના ધક્કા સહવાના હોય છે, માન—અપમાન હોય છે, આશા—નિરાશા હોય છે, આકાંક્ષાઓ હોય છે, મૈત્રી હોય છે, મૈત્રી તૂટવાનું દુઃખ હોય છે. આ બધું જ હોય છે. તેમનાં જીવનમાં આપણે વચ્ચે પડીને તેમનું દુઃખ તેમને સહન કરતાં કે તેનો સામનો કરતાં શીખવી શકીશું નહિ, આટલું ન કરીએ એટલું બસ થશે. તેઓ આપણને તેમના સુખ—દુઃખના ભાગીદાર કરવાં ઇચ્છે તો ભાગીદાર થવું અને શક્ય હોય ત્યાં તેમનેય આપણાં સુખદુઃખના ભાગીદાર કરવાં, પરંતુ તેમની લડાઈઓ આપણે લડીને, તેમને જ જાતે મજબૂત થવામાંથી રોકવાં નહિ. આમ થતાં તેઓ ઠંડી—ગરમી સહન ન કરી શકનાર કૃત્રિમ વાતાવરણમાં ઊછરેલ નાજુક રોપ જેવાં નહિ બને. ઘરમાં હંમેશાં પ્રસન્નતાનું વાતાવરણ હોવાથી તેઓ નિષ્પ્રાણ અને નાજુક મનનાં બની જશે એવી ભીતિ રાખવાની જરૂર નથી.
ઊલટપક્ષે પ્રસન્નતાના વાતાવરણમાં તેમનો આત્મા ખીલશે. તેમનામાં રહેલ ઉત્તમ વૃત્તિ અને શક્તિને બહાર આવવાનો અવકાશ મળશે. ટૂંકમાં, એમના મનોવિકાસને પોષણ મળશે.
એટલે આપણું ઘર પ્રસન્નતાના વાતાવરણથી ભરપૂર રહે તેની પ્રથમ કાળજી રાખવી.
તો પછી પ્રસન્નતા કેમ રાખવી?
પહેલી વાત તે એકબીજાના વાંક કાઢવા, એકબીજાની વિરુદ્ધ બોલવું, હંમેશ મતભેદ દેખાડવા, આડોશી—પાડોશી સંબંધે અનુદાર રીતે બોલવું, એ બધું ટાળવું.
નાની નાની વાતમાં ટંટાફિસાદ, એકબીજાને ઉતારી પાડી બોલવું, કટાક્ષ વાણીથી સામાને દુઃખી કરવાં એ પણ છોડવું.
કુટુંબના બધા જ સભ્યોએ એકઠા મળી વાતો કરવી. સૌએ પોતપોતાની વાતો કહેવી એવો રિવાજ રહે તો કુટુંબ માટે એ આનંદની વેળા ગણાય. નાનો મનુ પોતાના બાળ દોસ્તો વિશે કોઈ ગમ્મત કહે, માસી પોતાની શાળાની કંઈક હકીકત સંભળાવે, તો પિતા પોતાના આખાય દિવસના કામકાજના કોઈ અનુભવો, બા પોતાના ઘરની વાતો — એ રીતે સૌની વાતોથી ગમ્મત પડે છે. પરિણામે આખુંય કુટુંબ એકસૂત્રે બંધાઈને પ્રસન્નતાનું વાતાવરણ જામે છે.
બધાંએ મળી કંઈક રમવું. ફડાકા મારવા કે અંતકડી વગેરે રમવું અને એ રીતે જુદા જુદા પ્રકારની નાની—મોટી રમતો, નાનાં—મોટાં સૌ મળીને રમે તો તેનાથી ખૂબ જ સુંદર વાતાવરણ ઉત્પન્ન થાય છે.
તેવી જ રીતે મુસાફરીઓ, ફરવા જવું, કંઈ જોવા જવું વગેરે કાર્યક્રમોથી પણ સારું વાતાવરણ ખડું થાય છે.
ગાવું, બજાવવું, વાર્તાઓ કહેવી, નૃત્ય કરવાં, નાટક કરવાં વગેરે વાતો ઘરનાં લોકો રજામાં એકઠાં મળી યોજી શકે છે.
ટૂંકમાં, માતા—પિતા અને બાળકોનું સંઘટિત જીવન વધતાં અરસપરસ, એકબીજા પાસેથી આનંદ મળે છે અને મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.