નૂતન બાલ શિક્ષણ સંઘ અને યોગનિકેતનના સંયુક્ત ઉપક્રમે આયોજિત “બાલઆનંદોત્સવ”
કોવિડ—૧૯ની મહામારીએ દેશમાં જાન્યુઆરી ૨૦૨૦માં પ્રવેશ કર્યો અને માર્ચ ૨૦૨૦થી દેશમાં લોકડાઉન લાગુ પડયું તેને પગલે જનજીવન સાવ અટકી પડયું. બાળકોના જીવનને પણ આની અસર થઈ. ત્યારથીજ શાળાઓ બંધ થઈ ગઈ છે અને શિક્ષણ ઈન્ટરનેટના માધ્યમથી મોબાઈલ ફોન, ટેબલેટ, આઈ’પેડ અને લેપટોપના પડદા પર ચાલી રહ્યું છે. બાળકો ઘરમાં કેદ થઈ ગયાં છે. સમૂહ જીવન, બાગબગીચા અને પ્રાણીઘરની મુલાકાત, ખુલ્લામાં રમતગમત અને ધમાચકડી—આ બધું એમના જીવનમાંથી અદૃશ્ય થઈ ગયું છે. આ બધી ખોટ શી રીતે પૂરવી એનો માતાપિતા પાસે વિકલ્પ નથી, કેમ કે એમના જીવનને પણ કોરોના આભડી ચૂક્યું છે.
આ બધામાં કોરોનાનાં બે—બે જીવલેણ મોજાઓએ લોકોને ડરતાં કરી મૂક્યાં છે. ચહેરા પરથી માસ્ક ઊતર્યો નથી. વચ્ચે વચ્ચે મહામારીનું રુદ્ર સ્વરૂપ થોડું હળવું જરૂર પડયું છે. એ દરમિયાન બાકીનું જનજીવન થાળે પડે છે, પણ શાળાઓ બંધ જ રહી છે. તેમાં વળી કોરોનાના બીજા મોજાએ તો નાનાં બાળકોને પણ પોતાનો શિકાર બનાવ્યાં. વચ્ચે સરકારે શાળાઓ ચાલુ કરવાનો નિર્ણય કર્યો ખરો, પણ માબાપ પોતાનાં સંતાનોને સ્કૂલે મોકલતાં ડર્યાં.
રાહતના ગાળા દરમિયાન યોગવર્ગો અને જિમ ખોલવાની સરકારે પરવાનગી આપી. આ દરમિયાન ઘણી માતાઓએ યોગનિકેતન ખાતે નાનાં બાળકોના યોગવર્ગ શરૂ કરવાની માગણી કરી. એનાથી મનમાં એક વિચાર સ્ફૂર્યોઃ પાંચથી બાર વર્ષનાં બાળકોને આવરી લઈને એક નવતર યોગશિબિર કરી હોય તો? આમ તો બાર વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે યૌગિક ક્રિયાઓ કરાવવાની મનાઈ છે. વળી પલાંઠી વાળીને, આંખો બંધ કરીને અને શાંત થઈને યોગ કરે તેવું બાળક આંખોને શી રીતે ગમે? બાળકોના યોગને કોઈ નવાં વાઘાં ન પહેરાવી શકાય?
નૂતન બાલ શિક્ષણ સંઘ અને યોગનિકેતનની કાર્યકર્તા બહેનો આગળ આ વિચાર રજૂ કર્યો. પરસ્પરની ચર્ચામાં બાળયોગશિબિરના હેતુઓ, સ્વરૂપ અને પ્રવૃત્તિઓની વિગતવાર ચર્ચા થઈ. સૌથી મહત્ત્વની વાત એ નક્કી કરવામાં આવી કે આ શિબિર દ્વારા—
- બાળકોની મસ્તી અને નિર્દોષતા કાયમ રાખીએ. એમના માથે યોગની આધ્યાત્મિકતાનો બોજ ન ચઢાવીએ.
- એમની ચંચળતા અને રમતિયાળપણાને અકબંધ રાખીએ.
- મનોરંજક પ્રવૃત્તિઓ, ગીતો, વાર્તાઓ, અભિનય અને નાટક દ્વારા એમને પ્રાણીપંખીઓ, જંતુઓનો અને શહેરી જીવનની ઝાકઝમાળમાં ભુલાતી જતી કુદરતનો પરિચય કરાવીએ.
- વિસરાઈ ગયેલાં ગીતો, વાર્તાઓ, અને રમતોને ફરી સજીવન કરીએ.
- હળીમળીને જીવવાનો એક નવતર અનુભવ એમને આપીએ.
- માતૃભાષાનું ગૌરવ વધારવા ગુજરાતી ભાષામાં જ આનંદોત્સવનું સંચાલન કરીએ.
તા.૨૬જુલાઈથી ૩૧ જુલાઈ સુધી દરરોજ સાંજે ૫ થી ૬.૩૦ સુધી ચાલેલી આ શિબિરને “બાલઆનંદોત્સવ” એવું નામ આપવામાં આવ્યું. વોટ્સએપ સંદેશ દ્વારા અસંખ્ય માતાપિતાનો સંપર્ક સાધીને બાળકો અને માતાપિતાનાં નામોની નોંધણી કરવામાં આવી.
રોજેરોજની પ્રવૃત્તિઓનું બારીક આયોજન કરવામાં આવ્યું. શિબિર શરૂ થતાં પૂર્વે જ ચર્ચાઓ અને રિહર્સલ કરતાં કરતાં સ્વયંસેવિકાઓના ચહેરા અને વર્તનમાં મસ્તી છલકાવા લાગી.
પહેલા દિવસે, તા.૨૬ જુલાઈના રોજ ફુગ્ગા ફોડીને, નાચીકૂદીને આનંદોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સાથે સાથે બાળકોએ કાર્યકર્તા બહેનો દ્વારા અગાઉથી તૈયાર કરવામાં આવેલાં પ્રાણીઓનાં મહોરાં ધારણ કરીને પોતપોતાનો પરિચય આપ્યો.
બીજા દિવસે યોગનિકેતનના યોગશિક્ષક કરણભાઈના માર્ગદર્શન હેઠળ બાળકોએ સિંહ, મગર, સસલું, મોર, કૂતરું, દેડકો, વાનર, બિલ્લી, માછલી, જેવાં પ્રાણી—જંતુઓનાં આસનો, એમની બોલી અને શારીરિક ક્રિયાઓ દ્વારા વાતાવરણ ગજાવી મૂક્યું.
પ્રત્યેક દિવસ પ્રવૃત્તિસભર રહ્યો. બાળકોએ ભલી ઉંદરડીની વાર્તા સાંભળી.
જંગલ કેરાં પ્રાણીઓની છૂક છૂક ગાડી ચાલી, મારી બકરી બોલે બેં બેં બેં, વડલા ડાળે, દીકરીને ઘેર જાવા દે, ફેરફૂદરડી, વગેરે ગીતો ગાયાં અને એના દ્વારા પ્રાણીપંખીઓને પોતાની અંદર આત્મસાત્ કર્યાં.
એમને કેટલાં રે કેટલાં, ટોપી ઉતાર, ઘરે જાવ, ગુફામાં જાવ, મ્યાઉં—મ્યાઉં, જિરાફ કહે, ખાવું—પીવું, વગેરે રમતો રમાડવામાં આવી.
ઉંદર, બિલ્લી અને સસલાં જેવાં પ્રાણીઓની એનવેલપ પપેટ બનાવવાની મજા માણી.
એક દિવસ વડોદરાના દિવંગત લેખક શ્રી, સુરેશ જોષી લિખિત “મધુમાલતીનું દુઃસ્વપ્ન” નાટક બાળકોએ અને કાર્યકર્તાઓએ સાથે મળીને ભજવ્યું, જેમાં ઘણાં પ્રાણીપંખીઓની ભૂમિકા હતી.
નાટક તૈયાર કરવામાં વડોદરાના નાટયવિદ્ શ્રી શક્તિ ભટ્ટે માર્ગદર્શન આપ્યું.
વચ્ચે એક દિવસ બાળવાર્તાઓનું મહત્ત્વ તેમ જ બાળઉછેરને લગતા પ્રશ્નોમાં માર્ગદર્શન અંગે બે અલગ અલગ સત્રો ગોઠવવામાં આવ્યાં.
વળી માતાપિતાઓને પણ પ્રાણીપંખી આધારિત યૌગિક ક્રિયાઓનો અનુભવ કરાવવામાં આવ્યો.
શુક્રવારના દિવસે સંગીત શિક્ષક શ્રી મયંક પંડયાએ બાળકો અને માબાપને પ્રાણીપંખી આધારિત ગીતોની રમઝટ કરાવી.
પ્રત્યેક દિવસના અંતે બાળકો અને વાલીઓને તાજો નાસ્તો આપવામાં આવતો, તેમ જ પૂર્ણાહુતિના દિવસે સૌએ મળીને હળવા ભોજન અને આઈસ્ક્રીમનો આનંદ માણ્યો. ભાગ લેનારાં બાળકોની ૫૧ અને એમની સાથે હાજર રહેનારાં માતાપિતાની ૩૫ જેટલી સંખ્યા રોજ નિયમિતપણે જળવાઈ.
કાર્યક્રમના સંચાલન અને સફળતામાં નૂતન બાલ શિક્ષણ સંઘનાં કાર્યકર્તા બહેનોમાં રચનાબહેન, હિનાબેન ભોઈ, કાશ્મીરાબેન, ઈલાબેન, જયશ્રીબેન, મિતાલીબેન, રિદ્ધિબેન, ગાર્ગી તથા યોગનિકેતનનાં દક્ષાબેન, ભૂમિબેન, સંધિબેન, ભાવિશાબેન, મીરાંબેન ઠક્કર, પ્રીતિબેન, હીનાબેન, અંગિરા, ધનલક્ષ્મીબેન, સોનલબેન, નિશાબેન, જયશ્રીબેન, નીલિમાબેન, અનીલાબેન, પૂર્ણિમાબેન તથા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, વડોદરા જિલ્લા શાખાનાં દર્શનાબેનની અને ભાઈઓમાં કરણભાઈ, મયંકભાઈ તેમ જ સતીષભાઈની અગ્રણી ભૂમિકા રહી.
રોજ બાળકો સાંજે પાંચ વાગવાની અને યોગનિકેતન પહોંચવાની ઉત્કંઠાથી રાહ જોતાં અને છેવટના દિવસે એમણે છૂટા પડવાનો અને કાર્યક્રમ સંપન્ન થયાનો ખેદ વ્યક્ત કર્યો એ આ નવતર શિબિરની સફળતાનું માપદંડ ગણાશે. માતાપિતાઓએ પણ પોતાના પ્રતિભાવમાં આ પ્રકારનો આનંદોત્સવ ફરી ફરીને કરવાની લાગણી વ્યક્ત કરી.
આવડા મોટા સમૂહમાં બાળકો, માતાપિતા અને કાર્યકર્તાઓને એકત્ર કરવામાં કોરોના ઊથલો મારવાનો ડર ચોક્કસ હતો, પણ સરવાળે આખો કાર્યક્રમ નિર્વિઘ્ને પૂરો થયો અને કશી દુર્ઘટના બની નહીં એનો સંતોષ રહ્યો.