બાળક માટે કપડાંની પસંદગી
“અરે ! આવો આવો આર્યાબેન ! કેમ આજે મોડું થયું ? “સવારે બહુ ઊંઘ આવી ગઈ હતી ? કે પછી વાનવાળા કાકા મોડા આવ્યા ?*
“બેન/જવા દોને વાત…. અને હવેનાં છોકરાંઓને તો કંઈ કહેવા જેવું જ નથી રહ્યું. તમે માનશો ? અમારી આ આર્યાને કપડાંનો એવો તો શોખ છે કે રોજ સવાર પડે ને દસ પંદર મિનિટ તો “હું આજે શું પહેરું ?’ એનું જ પારાયણ ચાલે. અને એમાં ને એમાં એ મોડી તૈયાર થાય અને વાનવાળા કાકા જતાં રહે… પછી સવારના પહોરમાં કેટકેટલાં કામ પડતાં મૂકીને મારે તેને મૂકવા આવવું પડે. મને તો થાય છે કે આના કરતાં તો તમારે બાલમંદિરમાં પણ ચુનિફોર્મની જ સીસ્ટમ રાખવી જોઈએ. અમારા જેવી મમ્મીઓને તો મગજમારી ઓછી થઈ જાય !…. એને બેત્રણ પંજાબી ડ્રેસ, ચાર પાંચ ફ્રોક બધું જ બતાવ્યું પણ કશું ય પસંદ પડે તો ને ! તેને તો બસ એક જ રટણ ‘માન્યા દીદી કૉલેજ જતાં જીન્સ અને ટી-શર્ટ પહેરે છે તો હું શું કામ છોકરી જેવાં કપડાં પહેરીને જાઉ…’
મેં ઘણી ય સમજાવી કે ‘તારે હમણાં ફંકશનની પ્રેક્ટીસ ચાલે છે અને તારા બેને જીન્સ ટી-શર્ટ પહેરીને જવાની ના પાડી છે. ગરબામાં નીચા નમીને તાળી પાડતા નર્થી ફાવતું. તને બેને કીધું તો છે’ પણ એ તો એની જીદે ચઢી હતી કે ક્યાં તો સોહાબેનની જેમ યુનિફોર્મ પહેરીને જાઉ ને નહીં તો પછી માન્યાદીદીની જેમ જીન્સ અને ટી-શર્ટ. બહેન ! આવડાં છોકરાં ય માને છે ક્યાં ? પાછી કહે છે, “મમ્મી ! માન્યા- દીદી મોટી છે એટલે એને કશું નથી કહેતી, તે જે પહેરે તે પહેરવા દે છે, મને આ ન પહેરાય ને તે ન પહેરાય – જા ને! હું ય હવે મોટી જ થઈ ગઈ છું… હું હવે મને મન થશે તે જ પહેરીશ ને !…’ બાલમંદિરમાં ભણતાં પાંચ પાંચ વર્ષનાં છોકરાંઓને પણ હવે શું થયું છે !
જ્યારે સ્ત્રી પ્રથમ વાર મા બને છે ત્યારે તે તેના બાળકને ફૂલની જેમ સાચવે છે. સવારે ઊઠ્યા પછીનાં બધાં રૂટિન કામોમાં પળે પળે મા બાળકને મદદ કરે છે. બાળક જમવા બેસે એટલે ગળે એપ્રન બાંધી દે અને કોળિયા ભરાવે, પણ તે ક્યાં સુધી ? એ ચાલતું જ રહે તો બાળક સ્વતંત્ર રીતે તેનું પોતાનું પણ કામ કરતાં ક્યારે શીખશે ? પેલાં સ્મૃતિબેન, એમની સંજુ સવા મહિનાની થઈ એટલે એને પહેલીવાર લઈને એમને ઘેર જવાનું હતું, સંજુને પવન ન લાગે એટલે માથે ટોપી, સ્વેટર, પગે મોજાં, ઉપર ઓઢવાનું… બરાબર ગોટમોટ કરી દીધી, સરસ મઝાનું ઝુલઝુલ વાળું કડક ફ્રોક પહેરાવ્યું ને ગૌરવભેર એને પહેલી વાર લઈને ઘેર ગયાં અને મોટરમાંથી ઊતર્યા ને સંજુએ તો જે રડવાનું શરૂ કર્યું. એક્કી શ્વાસે રડ્યા જ કરે… સ્મૃતિબહેનને સાસરે તો બધાં સંજુને રમાડવા હરખભેર રાહ જોતાં હતાં પણ સંજુનું એકધાર્યું રડવાનું ચાલુ થયું ને બધાનો મૂડ મરી ગયો. ને સંજુની પહેલે જ દિવસથી “રડકણી’ એવી છાપ પડી ગઈ. સ્મૃતિબેન બે કલાક તો માંડ ટક્યાંને પાછા પિયર આવી સંજુનાં કપડાં કાઢયાં એવી જ સંજુ શાંત થઈને રમવા લાગી… અને એટલે જ બાળકોને સુંદર દેખાડવા તેને અકળામણ થાય કે તે મુક્તપણે હલનચલન ન કરી શકે તેવાં ને તેટલાં બધાં કપડાં ક્યારેય પહેરાવશો નહીં.
બાળક નાનું હોય એટલે રેતીમાં તો રમવાનું જ. રેતીમાં દહેરા બનાવી એમાં ફૂલ ખોસી દેવની સંકલ્પનામાં રાચવું તેને ખૂબ ગમે છે. એટલે એને વધુ પડતી ચોકખાઈનો આગ્રહ રાખી જકડી ન લેશો. બહુ સાચવશો તો તેનામાં રોગ સામે પ્રતિકારક શક્તિ જ નહીં આવે, એ બધાં વાતાવરણની પણ ટેવ પાવડી જરૂરી છે, પંચમહાભૂતમાંથી જન્મ્યા છીએ ને પંચમહાભૂતમાં ભળી જવાનાં છીએ, તો એને માટે છીત શાને ? બાળકને નિશ્ચિતે રેતીમાં રમવા દો અને મન ભરીને મોઝ માણી લે પછી નવડાવીને ચોક્ખું કરી શકાય.
બાળક માટે કપડાં પસંદ કરતાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. બાળકોની કુમળી- ચામડી અને આપણી ગરમ આબોહવા, હવે તો લગભગ બધાં જ કપડામાં સીન્થેટીક રેસા હોય છે જ સંપૂર્ણ સુતરાઉ કપડાં ક્યારેક ‘તો મળવા ય મુશ્કેલ બને છે ને મળે તો મોંઘા પણ મળે. એમાં પસંદગી પણ પૂરી ન મળે. આજે “લોકો પાસે સમય નથી એટલે ચોળાઈ ન જાય, ધોવાની બહુ મહેનત ન પડે એટલે સીન્થેટીક મીક્સવાળા કપડાનાં ડ્રેસ પસંદ કરે છે, પણ મોટાને તે હજી ય ચાલે, બાળકની નાજુક ત્વચાને તેનાંથી ખાસ્સું નુકસાન થવાનો સંભવ છે. એટલે બાળકને કપડાંથી સારું દેખાડવાનો આગ્રહ જ છોડી દો. “એક નૂર આદમી હજાર નૂર કપડાં’ એ હકીકતમાં તથ્ય હોવા છતાં માણસ કપડાંથી શોભવા કરતાં ય એના મુખ પરની પ્રસન્નતાથી વધુ શોભે છે. ચામડી પર ખૂંચે અને સહન ન થાય છતાં જોનારને સુંદર લાગે એવાં વસ્ત્રો પહેરીને માત્ર પ્રશંસા મેળવવા માટે બાળકને ક્યારે ય એવાં ભભકાદાર વસ્ત્રોની પસંદગી માટે પ્રોત્સાહિત ન કરશો. બાળકના મોં પરનું નિર્દોષ, નિખાલસ સ્મિત જ તેને શોભા આપે છે. એને કોઈપણ નિયમ, નિયંત્રણ કે બંધનોમાં બાંધી ન દો. બાળકને મોકળું આકાશ આપો. અને એટલે જ અમે ખાસ એવું માનીએ છીએ કે બાલમંદિરનાં બાળકોને ગણવેશનાં બંધનો ન રખાય. એને મુક્ત મને ખીલવા, ખેલવા ને પાંગરવા દઈએ, હા… ઘરમાં આવી બડોદીદીનો પ્રશ્ન ઉભો થાય ત્યારે ! ત્યારે એને વહાલથી સમજાવવાની જરૂર પડે છે. આપણા બાળકની ક્ષતિ જણાય ત્યારે મૂંઝાઈ કે અકળાઈ જવાને બદલે એની સાથે વહાલભર્યા સંવાદ અને સમજાવટથી તેને વારી શકાય, વિવાદ કરતાં સંતાનો સાથે સંવાદ હંમેશા કામિયાબ નિવડે છે. કારણ કે બાળકને આપણું વહાલ જોઈએ છે, એને આપણો સહકાર જોઈએ છે, આપણો સમય જોઈએ છે, આપણી સહભાગીદારી તે ઝંખે છે, એને મોકળું આકાશ જરૂર આપો પણ એને એટલું બધું વહાલ ન આપો કે જેથી વહાલની એ અતિવૃષ્ટિથી એ ખીલવાને બદલે મૂરઝાઈ જાય. માની મમતા એના વિકાસમાં અવરોધ બનીને ઊભી ન રહી જાય એ ખાસ ધ્યાન રાખવું પડે.
કપડાંની બાબતમાં હવે બદલાતા સંજોગોમાં આપણે મા-બાપ તરીકે બીજી જાગૃતિ પણ રાખવાની છે. વસ્ત્રપરિધાન થી માણસનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે. તેની સંસ્કારિતાની છાપ પડે છે પણ આજે ચારે બાજુ ટી.વી. અને બોલીવુડનું એવું પ્રદૂષણ ઘેરાવે વળ્યું છે કે બાળકો પણ શરીર વધુ ખુલ્લું રહે એવાં કપડાં વધુ પસંદ કરે છે. આપણી ફરજ એમના રોલ મોડેલ ફિલ્મ કે ટી,વી.ના એક્ટર-એક્ટ્રેસો નહીં પણ આપણે મા-બાપ પોતે જ બનીએ તે જોવાની છે અને એટલે જ બાળક નાનું હોય ત્યારથી જ મર્યાદાશીલ
પોષાકની જ ટેવ પાડવી જોઈએ. આટલા નાના બાળકને તો શીખવીએ કે…
મહેકાજે તે સંસ્કૃતિ
અને બહેકાવે તે વિકૃતિ….
પણ એવા બહેકાવે તેવાં વસ્રો માટે નાનપણથી જ છીત ઊભી કરીએ તો ફેર જરૂર પડે છે, એ માટે તો મમ્મીઓએ જ તેમના પોશાક માટે ખૂબ જાગૃત થવાની જરૃર છે. સારાં ને આકર્ષક દેખાવા કરતાં સંસ્કારિતાની છાપ ઊપસે એ વધુ મહત્ત્વનું છે. એવું ઘડતર બાળકમાં આપણે નાનપણથી જ કરીએ તો કેવું ?…. ગોરો હોય, વ્રત હોય, પ્રસંગ હોય ત્યારે રંગબેરંગી ચણિયા ચોળી અને ઓઢણીમાં એ નાનકડી ઢીંગલીઓ કેવી મીઠી અને રંગબેરંગી પતંગિયાં જેવી ખેલતી ને ફૂદતી જોઈ મન પ્રસન્ન થઈ જાય છે ! પણ એમનાં સ્લીવલેસ બ્લાઉસ અને બેકલેસ બ્લાઉસમાં એ બિચારી ઢીંગલીઓ જે ક્ષોભ અનુભવે છે, માથે બોયકટ હોય અને પીન ન ખોસી શકાય ત્યારે ઓઢણી માથેથી ખસી ન જાય માટે ખેંચાખેંચ કરતી જોઈએ
ત્યારે મનમાં એમ થાય કે આ તે કેવી ફેશન ! બાળક નાનું હોય ત્યારથી જેમ એના ખોરાક માટે આપણે સ્વચ્છ અને પૌષ્ટિકતા માટે જાગૃતિ રાખીએ છીએ તે જ રીતે તેનાં કપડાં માટે પણ જાગૃતિ અને સમજ બહુ જ જરૂરી છે.