બાળક માટે કેવું બાલમંદિર યોગ્ય રહેશે
‘એલાવ ! કોણ ઊર્મિલાબહેન બાલો છો ? બહેન ! હું વડોદરાથી બોલું છું. અત્યારે મારા હાથમાં તમારું જ પુસ્તક “બાળક્ને ઉછેરતાં શીખીએ’ છે. અને હું ખૂબ મૂંઝાઈ છું તેથી આપને ફોન કર્યો છે. તમને ડિસ્ટર્બ તો નથી કર્યા ને ? તમને સમય હોય તો થોડી વાત કરું ? ખૂબ મૂંઝાઈ છું તેથી જ તમને અત્યારે ફોન કર્યો છે…”
“હા, બોલોને બહેન ! એમાં આટલાં મૂંઝાવ છો શું કરવા ?’
“બહેન, “મારી દીકરી અદિતિને મેં અહીંના એક બહુ સારા કહેવાતા બાલમંદિરમાં દાખલ કરી છે. એમાં એડમિશન મેળવવું એ તો બહુ જ મુશ્કેલ કામ હતું અને માંડમાંડ એ એડમિશન મળી ગયું એટલે હું ખૂબ ખુશ થઈ ગઈ. કેટકેટલા લોકો મને કહેવા લાગ્યા કે તું ખરી નસીબદાર તે તને અહીં એડમિશન મળ્યું. મારા માટે તો મારી દીકરીનું આ સ્કૂલમાં એડમિશન એ એક ગૌરવની વાત બની ગઈ અને મેં નિરાંતનો શ્વાસ લીધો, “ચાલો હવે એક મોટી ચિંતા તો ટળી’ પણ બહેન ! એના ટીચરની રોજ ફરિયાદ આવે છે કે અદિતિ સ્કૂલમાં ખૂબ રડે છે. સ્કૂલમાં રહેતી નથી.’ અને મને રોજરોજ ટકોરે છે કે એને સમજાવો, એ રોજ આટલું બધું રડે તો હું બીજાં છોકરાંઓને પણ કેવી રીતે સાચવી શકું ?’
જોકે એમની વાત પણ સાચી છે કે અદિતિ રડે તો બીજાં છોકરાંઓ પણ ડિસ્ટર્બ તો થાય જ ને ?
“બહેન “સ્કૂલ ખૂલ્યે કેટલા દિવસ થયા ?’
“સોમવારે ખૂલી. આજે શુક્રવાર એટલે પાંચ દિવસ થયા. કાલે શનિ અને રવિવારે તો રજા, એટલે એક અઠવાડિયું તો પૂરું થઈ જ ગયું. એનાં બહેન એ જ ફરિયાદ કરે છે કે “એક આખું અઠવાડિયું થઈ ગયું ને એ હજી સ્કૂલમાં સેટ ન થાય તે કેમ ચાલે ? એને તમે સમજાવો.’
અને મને આ વાત સાંભળી આશ્ચર્ય થયું… બાળકો માટે સારી કહેવાતી આ સ્કૂલમાં બાળકના સ્વભાવને સમજે, બાળકની બાળસહજ ટેવોના ખ્યાલવાળી કોઈ વ્યક્તિ જ નહીં હોય ! પહેલાં તો બાલમંદિર હતાં જ નહીં અને એટલે બાળક પાંચ વર્ષ સુધી માનો છેડો પકડી એના વહાલને, હૂંફને, પ્રેમને માણી શકતું, ઘરના ખૂણેખૂણે તે મુક્તપણે રમી શકતું, માને સતત અનેક પ્રશ્નો પૂછી શકતું અને એટલે એના હૃદયને ખૂબ ‘હાશ’ રહેતી. એને સ્નેહ મળતો અને સલામતી લાગતી. એટલે રડવાનો કે કકળાટ કરવાનો તો પ્રશ્ન જ ન રહેતો. પણ હવે તો માની મમતાને એ પૂરી માણીય ન શકે એ પહેલાં તો એને બાલમંદિરમાં મોકલી દેવામાં આવે છે. એમાં પાછી મુશ્કેલી – ઇંગ્લિશ મીડિયમની ઘેલછા ! હજી બાળક એની માતૃભાષામાં જ એના હદયની સંવેદના કે વાત અભિવ્યક્ત કરવા જેટલું સક્ષમ પણ ન થયું હોય ત્યાં તેને ઇંગ્લિશ મીડિયમમાં મૂકી દેવાય. એને કૅટલી મૂંઝવણ થાય ! તેની કલ્પનાય આપણે કરીએ છીએ ખરાં ! અરે ! ઈશ્વરે માનવમાત્રમાં એવી તો જિજ્ઞાસા મૂકી છે કે બાળક પળેપળે માને પ્રશ્નો પૂછતું રહે છે. અને એટલે જ ક્યારેક તો મા એવી થાકી જાય છે, કંટાળી જાય છે અને કહે છે, “એને ચાલતાં અને બોલતાં નહોતું આવડતું ત્યારે સારું હતું, અત્યારે તો એ ઘડીય મારો કેડો મૂકતો નથી અને આખો વખત પ્રશ્નો પૂછુયા જ કરે છે, અરે ! હું ઘરનું કામ ક્યારે કરું ?’ અને ત્યારે મારે આવી માતાઓને કહેવું પડે છે, “તમે હાથ અને પગથી તમારું કામ કરો, પણ બાળક સાથે વહાલથી અને રસથી તમે વાતો કર્યા જ કરો. બાળકને તમારો સમય જોઈએ છે.’
પહેલાં તો ઘરમાં દાદા-દાદી હતાં. બીજાં ભાઈ-બહેન હતાં, એટલે બાળક એકલું પડી જતું નહીં. પણ હવે! હવે એ વડીલોની જવાબદારી લેવાનું અઘરું બની જાય છે. અને કુટુંબ નિયોજનના આ યુગમાં એક કે બે જ બાળક હોય. બાળક ઘરમાં એકલું અકળાઈ ન જાય અને એટલે અઢી ત્રણ વર્ષનું થતાંમાં તો બાલમંદિરમાં દાખલ જ કરી દેવામાં આવે છે પણ ત્યાંય જો મમ્મીને શરૂઆતમાં થોડા દિવસ સાથે બેસવા દે, તો બાળક આમ રડે નહીં. આટલું નાનું બાળક કંઈ એમ એકાએક મા વિના રહેતું હશે ! પણ આ તો શિસ્તના પાઠ ભણાવવાના હોય. મા સાથે બેસે તો પછી એ છૂટું જ ક્યાંથી પડે !
બાળકને માથે તો બેવડો ત્રાસ. એક તો એકાએક માથી બે-ત્રણ કલાક છૂટા પડવાનું. બાલંમદિરમાં સાવ નવું વાતાવરણ. એમના ટીચરને બાળકનો પ્રેમ એટલે શું એ ખબર હશે ખરી ! ઊંચી એડીના બૂટ, છુટ્ટા વાળ, જીન્સ અને શર્ટ કે પછી સ્કર્ટ પહેરેલી એ મૉડર્ન દેખાતી ટીચર જ બાળક જેવી લાગે છે તો એ બાળકના હદયમાં તો ક્યાંથી વસી શકવાની ? બાળક તો નાદાન અને નિર્દોષ. એ તો સતત ચારે બાજુ એની માની આંખમાંથી નીતરતું વહાલ અને એની પ્રેમભરી હૂંફ ઝંખે છે, એને એની મા જેવી વહાલસોયી ટીચરની જરૂર છે. એવી ટીચર આજે આપણને કેટલી જોવા મળે છે ? આવી છોકરડા જેવી ટીચર પાસે બાળક ક્યા વિશ્વાસથી નિશ્ચિંત બની, સ્વસ્થ બની બાલમંદિરના વાતાવરણમાં ગોઠવાય ! આપણે આપણી જાતને જ બાળકની જગ્યાએ મૂકી જોઈએ તો આપણે પણ મૂરઝાઈ જઈએ ને મૂંઝાઈ પણ જઈએ. આના કરતાં તો બાળક ઘરે મા પાસે સારું, પ્રસન્ન રહી શકે અને ઘણું ખીલે. બાળકને માથી એકાએક છૂટું પાડવાથી ક્યારેક કેટકેટલી મુશ્કેલીઓ ઊભી થયેલી મેં જોઈ છે, અનુભવી છે. આવી જ એક સ્કૂલમાં બાળકને આમ માથી છૂટું પાડવામાં આવ્યું. ઝાંપેથી જ બાળકને અંદર સોંપાઈ જાય. બાળકને એટલો બધો આઘાત લાગ્યો, એ એટલું બધું રડ્યું કે ખેંચાઈ ગયું અને સાત વર્ષ સુધી બોલી ન શક્યું. સ્પીચ થેરાપિસ્ટ અને સાઇકૉલૉજિસ્ટની કેટલી બધી ટ્રીટમેન્ટ પછી છેક સાત વર્ષે તેનું ઠેકાણું પડ્યું. જીવનમાં શિસ્ત જરૂરી ખરી, પણ બાળકને એ રાતોરાત ન શીખવી શકાય. બાળક સંવેદનશીલ તો હોય જ ને ! અને હોવું પણ જોઈએ અને એટલે મેં અદિતિની મમ્મીને ખાસ કહ્યું, “બહેન ! તમે ફિકર ન કરો, તમારી દીકરી રડે છે તે ખોટું નથી, તમે તેના ટીચરને ખાસ કહેજો કે ક્યાં તો તમને ત્યાં થોડુંથોડું બેસવા દે અને નહીં તો એ રડે તો તેને ધીરેધીરે સમજાવી એના મનને બીજી પ્રવૃત્તિમાં વાળો.’ અને એમાંય પાછું ઇંગ્લિશ મીડિયમ. બાળક એને જે કહેવું હોય, વ્યક્ત કરવું હોય તે કેવી રીતે કરે ! એની સાહજિકતાને તો તમે સાવ જ છીનવી લો છો. અરે ! સ્ટ્રેસથી આટલું બાળક ગાંડું ન થઈ જાય ! મેં મારા પૌત્રને બાલમંદિરમાં મૂક્યો જ ન હતો, અને ઘરે જ એની ડૉક્ટર મમ્મીએ કક્કો બારાખડી અને એકથી સો સુધી શીખવ્યું ને છેક છઠ્ઠા વર્ષે પહેલા ધોરણમાં ગુજરાતી સ્કૂલમાં દાખલ કર્યો. મનમાં બીક હતી કે તે સ્કૂલમાં ગોઠવાઈ શક્શે? બાલમંદિર તો મોકલ્યો નથી, પણ આશ્ચર્ય થાય તેવી રીતે તે પહેલા જ દિવસથી સ્કૂલમાં ગોઠવાઈ ગયો. એટલું જ નહીં પણ પાંચ વર્ષ સુધી એને એની માની હૂંફ અને પ્રેમ એવાં તો મળ્યાં કે એનામાં સતત પ્રસન્નતા, સંતોષ, આત્મવિશ્વાસ, નીડરતા આવ્યાં અને ભણતરમાં પણ રસ પડવા લાગ્યો. હજી આજે બાવીસ વર્ષે પણ જીવનમાં વિકાસ પામેલ એ પોઝિટિવ એટિટ્યૂડ એની પ્રગતિમાં એના ભણતર અને ઘડતરમાં ખૂબ ઉપયોગી થાય છે.
“ઉતાવળે આંબા ન પાકે’, રાતોરાત સંતાનને પંડિત કેવી રીતે બનાવી દેવાય ! મારું બાળક સર્વગુણસંપન્ન બને એવી મહત્ત્વાકાંક્ષા દરેક માને હોય જ. અને એને કારણે જ એ બાળક પાછળ રાતદિવસ એકાકાર કરી એને ટોપર બનાવવા મથે છે. પણ એનેય મર્યાદા તો હોય ને ! એ મહત્તવાકાંક્ષાના અતિરેકમાં એ બાળક જ છે એવું ભૂલી જઈને એના બાળપણને આપણાથી કેવી રીતે છીનવી લેવાય ! એને બાલસહજ રીતે રડવાય દેવું પડે. રમવાય દેવું પડે ! તોફાન પણ કરવા દેવું પડે. એને આપણે રૉબોટ નથી બનાવવાનું, એને આપણે જીવંત માનવ બનાવવાનો છે. આપણી બે આંગળી સરખી હોતી નથી તેવી જ રીતે એક માનાં બે બાળક સરખાં હોતાં નથી, એટલું જ નહીં પણ એક જ બાળકની બે પળ પણ સરખી નથી હોતી અને એટલે બાળકની પળેપળને પારખતાં શીખવું જ પડે. એ જેટલું મા માટે, પિતા માટે મહત્ત્વનું છે એટલું જ શિક્ષક માટે પણ મહત્ત્વનું છે અને એટલે જ સારી તો એ જ કે જ્યાં શિક્ષકને “બાળક એટલે શું” એની સાચી સમજ, ધીરજ અને પાકટતા હોય, ઊંચી ફી અને આંખને અને મનને આંજી દે એવી ભૌતિક સુવિઘાથી સ્કૂલ કે બાલમંદિરનું મૂલ્યાંકન ન કરી શકાય. બાળક ત્યાં કેટલું પ્રસન્ન રહી, ખીલી ને પાંગરી શકે છે તેનાથી જ તેનું મૂલ્યાંકન કરી શકાય.