બાળકો સાથે વાતચીત
: ૧ :
બેબી : “ગિજુભાઈ ! તમે નાના છો, ને હું મોટી છું.”
ગિજુભાઈ : “ના, બેબી ! હું મોટો છું; તું નાની છે.”
બેબી “ના. તમે નાના છો; હું મોંટી છું.”
બેબીબેન શંકરભાઈની કાખે બેઠી હતી. તે પોતે પહેલાં તો મારી ઊંચાઈની સામે જોઈ પોતાને નાની દેખતી હતી, પણ કાખે બેઠી બેઠી તે મારા જેવડી કે મારાથી ઊંચી દેખાતી હતી. તેના મનમાં થયું કે અત્યારે પોતે મારાથી મોટી છે અને તે બોલી : “ગિજુભાઈ ! તમે નાના છો, ને હું મોટી છું.”
* * *
પણ પછી તો હું ખાટલા પર બેઠો હતો ત્યારે બેબી આવીને મારા ગળે બાઝી; મારા વાંસા
પર લટકી. મેં તેને કહ્યું : “બેબી ! તું તો મોટી છે અને હું નેનો છું. તું મારા પર ન ચઢ.’”’
બેબી : “ના, હું નાની છું, તમે મોટા છો.”
ગિજુભાઈ : “પણ તું કહેતી હતી કે તુ મોટી છો અને હું નાનો છું, એનું શું ?”
બેબી : “ના; હું નાની છું, તમે મોટા છો.’”
અત્યારે બેબી સાચે જ મને મોટો દેખતી હતી અને મને તે મોટો કહેતી હતી.
બાળકો કેવાં પરિમાણો સમજે છે ? તેમના મનમાં કેવી રીતે સાપેક્ષપણું આવે છે ?
: ૨ :
નિમુબેન : “ ગિજુભાઈ ! બાબુભાઈ આજે રોતા હતા તે મેં એમને છાના રાખવા માટે બોર આપ્યાં.”
“ગિજુભાઈ : “બાબુભાઈ કોણ ?”’
નિમુબેન : “ઓલ્યા, અમારી ગાડામાં આવે છે એ.”
ગિજુભાઈ : “પણ બોર શું કામ આપ્યાં ?”
નિમુબેન : “રોતા હતા તે છાના રાખવા.”
હું વિચારમાં પડયો. મને સમજાયું કે નિમુબેનનું પ્રેમાળ હૃદય બાબુભાઈનું દુ:ખ સહન કરી શક્યું નથી તેથી તેણે પોતાનાં બોર તેને આપ્યાં હતાં.
બાળકો પોતાના હૃદયને તૃપ્તિ આપવા, બીજાને દઈને શાંત કરવા, પોતાનાં પ્રિય એવાં બોર આપી શકે છે. મોટાંઓ બાળકો જેવાં થઈ શકતાં હોત તો ?