મમ્મી—પપ્પા
ઇપ્પા, ચોકલેટ, બિકિકટ….એમ બોલતાં દેવીબેન હંમેશ બાથરરૂમમાંથી બહાર આવતાં દેખાય. સવારે ઊઠતાંની સાથે બાથરૂમમં જઇ, દેવીબેન ઉપર મુજબના ઉદ્ગારો કેમ કાઢતાંની સાથે નવાઇ અમને સૌને થતી. પ્રથમ તો દેવીબેનના શબ્દકોશને સમજવા પ્રયત્ન કર્યો. “બિકિકટ” એટલે બિસ્કિટ. આમ તો આ ત્રણેયનો સ્વાદ બાળકોને ખૂબજ આકર્ષે છે. ગમે તેવા તોફાન—મસ્તીમાં પણ “ચોકલેટ” શબ્દ કાને પડે તો બાળક બધું જ ભૂલીને આપણી પાસે ઊભું રહેશે. રીસાયેલ બાળક પણ “ચોકલેટ” શબ્દથી આજ્ઞાંકિત થઇ આપણી પાસે અચૂક આવશે.
તો દેવીબેન બાથરૂમમાંથી બહાર આવતાં જ એમની પ્યારી ચીજોને યાદ કેમ કરે છે? આ કોયડાની સમજ તો દેવીબેનનાં મમ્મી જ આપી શકે.
રાતના પથારી ભીની કરવાની દેવીબેનને ટેવ હતી. મમ્મીને આ અંગે ખૂબ ચીડ ચડતી. કોઇક વખત આ ચીડ ચિંતામાં પણ ફેરવાઇ જતી. પરંતુ સમજુ મમ્મીએ દેવીને કોઇ જાતની ધાકધમકી આપવાને બદલે આ અંગે ઉપાયો શોધવા વિચાર્યુ. પથારી ભીની કરવી અને ધાક આપવી આ બંનેનો ગાઢ સંબંધ છે. એટલે “ધમકી” આ ચિંતાનો ઉપાય નથી. બીક યા ધમકી બાળકને બીકણ યા ગભરાટિયું કરી મૂકે છે. અને આવી બાળકની ટેવ કદાચ એની નર્વસ સિસ્ટમનું કાયમી સ્વરૂપ પણ લઇ લે. આવી સમજથી મમ્મી પોતાના બાળકને સમજવા પ્રયત્ન કરવા લાગી. આ અંગે મમ્મીએ એક કીમિયો શોધ્યો. દેવીબેન જોડે એક શરત કરી. દેવીબેન જો પથારી ભીની નહિ કરે અને બાથરૂમમાં જ જશે તો મમ્મી દેવીબેનને આઇસ્ક્રિમ, બિસ્કિટ અને ચોકલેટ ઇનામમાં આપશે. દેવીબેન તો આ સાંભળી આનંદમાં આવી ગયાં અને પોતાને મનગમતી ચીજોનાં નામ લઇ ફેર —ફુદરડી ફરવા લાગ્યાં. રોજ બાથરૂમમાંથી નીકળતાં મમ્મીએ આપેલ વચનની યાદ આપવા દેવીબેન બિસ્કિટ, ચોકલેટ વગેરેનું ઉચ્ચારણ કરતાં.
બાળકની પરિસ્થિતિ સમજી એને કેવો વળાંક આપવો એ સમજવા જેટલી આવડત ભણેલાં માતા—પિતાને તો હોવી જ જોઇએ. બાળક જન્મ્યું છે એટલે મોટું થવાનું જ છે એવા ખ્યાલથી મોટા કરાતા બાળકનું વ્યકિતત્વ ગ્રંથિયુકત બને છે જેને છેવટે લાંબા ગાળે અન્ય વ્યકિત વા જૂથ વા સમાજ સાથે અનુકૂળ થવામાં ઘણી જ મુશ્કેલી અનુભવવી પડે છે.
મમ્મીએ શોધેલ કીમિયો એ તો એક પ્રકારની “લાલચ” કહેવાય. અને પછી “લાલચ” જ હરકોઇ ટેવનો એક માત્ર ઉપાય છે એવું ફલિત થાય એમ ઘણાને લાગે છે. પણ “લાલચ” કરતાં બાળકને એક પ્રકારનો માનસિક સંતોષ આપવાનો છે. એક બે દિવસ વચન આપ્યા પ્રમાણે બાળકને એ વસ્તુ આપવી પણ ખરી પણ પછી એની ટેવને વળાંક મળી જાય તો બાળકની નર્વસ સિસ્ટમ સાથે શરીરનતંત્ર ગોઠવાતું જાય. પ્રત્યેક બાબતમાં “લાલચ” એ જ નિયમ ન હોઇ શકે. બાળક સાથે તો “નૂસખા” જ ઉપાય છે.
મમ્મી અને પપ્પાનો આ દિશામાં મહત્વનો ફાળો છે. સાવ મામૂલી દેખાતી બાબતનું ફળ લાંબે ગાળે જોવા મળે છે. પથારી ભીની કરવાની ટેવ સમય જતાં બંધ થઇ જશે અથવા બાળકને રોજ ધમકાવવાથી અથવા શિક્ષા કરવાથી આ ટેવ દૂર કરી શકાશે એમ માનનારાં માતા—પિતા જાણે કે અજાણે બાળ—વ્યકિતત્વના વિકાસ સાથે ગંભીર રમત રમી રહ્વા છે. જે માતા—પિતા શિક્ષાનો આશ્રય લે છે એમને પોતાના બાળક પ્રત્યે પ્રેમ નથી એમ નથી પણ બાળકને સુધારવાનો કદાચ આ ટૂંકો માર્ગ છે એમ તેમનું માનવું હશે. બાળઉછેર એ લાંબાગાળાની માવજત માગી લે છે. આ માટે ટૂંકા માર્ગ શોધનારાએ પોતાની ધીરજ અને સમજનો વ્યાપ સુધારવો જાઇએ.
દેવીબેનની મમ્મીનો માર્ગ એ “લાલચ” નો માર્ગ નથી પરંતુ અમુક સ્વીકૃત વ્યવહાર અપનાવવા માટેનું પ્રતિપોષણ (feedback) છે. આની જરૂર આપણા વ્યવહારમાં ખૂબ જ છે. બે થી ત્રણ વર્ષના બાળકને એની મનગમતી વા ભાવતી ચીજ જ પ્રતિપોષણ પૂરું પાડી શકે. દશ વર્ષના બાળકને ચોકલેટ કે બિસ્કિટ પ્રતિપોષણ પૂરું ન પાડી શકે.
દેવીબેનનાં મમ્મીની કાળજી અને સંભાળપૂર્વકનું દેવીબેન સાથેનું વર્તન મમ્મી તરીકેની ભૂમિકાનું દર્શન પૂરું પાડે છે.
દેવીબેન ચોકકેટ વગેરેની બૂમો પાડતાં તુર્ત જ ટેબલ પર ગોઠવાઇ જાય. બાળકો પણ કેવાં ચાલાક હોય છે !
પોતાના એક કાર્યને પાર પાડી મમ્મી—પપ્પાની નજર ચૂકવનાર બાળક ઓછું ચાલાક નથી હોતુ! આનંદમાં ચોકલેટ, બિસ્કિટની યાદ આપીને ડાહ્વા, ડમરાં દેવીબેન ટેબલ પર એકદમ કેમ ગોઠવાઇ ગયાં? આનું કારણ દાંત સાફ કરવા બ્રશ હાથમાં લેવાનો ક્રમ દેવીબેનને તોડવો છે. મમ્મી દાંત સાફ કરવાનો સતત આગ્રહ સેવે છે. દેવીબેન બાથરૂમમાંથી બહાર આવે અટલે એમના હાથમાં મમ્મી બ્રશ મૂકતી જ હોય છે. અને દેવીબેન બેધ્યાન બનતાં હોય છે. આ પણ દેવી—મમ્મીનો નિત્યક્રમ થઇ પડયો છે. આ વ્યવહારમાં મમ્મીનો ઘણો સમય જાય છે. પણ મમ્મી તો દેવીબેનની જ ને ! એ દેવીબેનની ચાલાકી જાણે છે. એટલે દેવીબેનને સમજાવી, પટાવી વૉશબેસીન પાસે નાનકડું ટેબલ લાવી દેવીબેનને બેસાડે, દેવીબેનનું મોઢું અરિસામાં બતાવે, દેવીબેનને ગમતા રંગનું રંગીન, નાનકડું બ્રશ એમના હાથમાં મૂકે અને પછી નાનકડી ટયૂબમાંથી પેસ્ટ લગાડી આપે અને આમ રમતાં દેવીબેનને દાંત સાફ કરવા કહે. નાના બાળકને અનુકૂળ થવાની બધી જ કાળજી મમ્મી લે. એને બેસવા માટે નાનકડું ટેબલ, એને ગમતા રંગવાળું બ્રશ—આ બધું એક રીતે તો બાળકને સારી ટેવ પાડવા માટેની પ્રક્રિયા છે પણ એ માટે બાળકને અનુકૂળ થવાનો મમ્મીનો વ્યાયામ જોવા જેવો છે. “દેવી, હવે હું તારાથી ખૂબ કંટાળી ગઇ છું હોં. હવે જો બ્રશ નથી પકડયુંને તો એક પડશે”— આવા શબ્દો બોલવાને બદલે મમ્મી પોતાનું વર્તન જ એવી રીતે ગોઠવે છે કે બાળક રમતાં રમતાં ઇચ્છેલું કાર્ય કરે છે. ખૂબ જ ધીરજથી મમ્મી દેવીના દાંત સાફ કરવાની કાળજી લે છે. આમ તો બ્રશ પરની પેસ્ટ દેવી ખાઇ જતી હોય છે પણ મમ્મી માને છે કે ધીરે ધીરે મોઢું સાફ કરવાની ટેવ પડતી જસે. આવા નિત્યક્રમથી કંટાળવાને બદલે ખૂબ જ ધીરજ અને પ્રેમથી મમ્મી આ વ્યવહારને સંતોષથી અમલમાં મૂકતી હોય છે. દેવીને ટેબલ પર ઉંચકીને ગોઠવવી વગેરે બાબતો આમ તો ધીરજ અને સમય માગી લે છે પણ ધીરજ અને સમય બાળકને ઉપયોગી થવામાં મદદરૂપ થાય છે. છેવટે સમય બગડતો નથી પરંતુ આ “સમય” તો વ્યાજ સાથે ઊગી નીકળવાનો છે, એ કોઇ પણ મમ્મી—પપ્પાએ ભૂલવું ન જોઇએ.
આ પ્રક્રિયા પછી દેવીબેનનો દૂધ પીવાનો વારો આવે. દેવીબેનને દૂધ પીવું ન ગમે કારણ એની આસપાસ બેઠેલાં મમ્મી—પપ્પા ચ્હા પીતાં હોય છે. મમ્મીનો આગ્રહ દેવી માટે દૂધનો. દૂધ અને ચ્હા માટે દેવી—મમ્મીનો સંઘર્ષ શરૂ થાય. બાળકની આડાઇ સાથે આ મમ્મી કયારેય અડાઇ કરતી નથી એ જ બધાને માટે એક ધ્ષ્ટાંત પૂરું પાડે છે. સમજાવટ, પતાવટ, નાનકડી વાર્તા કહી, બાળકનું બીજે ધ્યાન દોરી અથવા દૂધમાં બૉર્નવીટા નાખી ચ્હાના જેવો રંગ કરી આપીને મમ્મી દેવીને દૂધ જ પીવડાવે. આમ સમગ્ર સંઘર્ષ એક પ્રકારના પ્રેમમાં ફેરવાતો જોવાની મમ્મીને મજા પડે.
જોનારને કોઇક વખત એમ પણ થાય કે આવા લાડ તે શે પોસાય! આવો સમય બગાડવો પાલવે કેવી રીતે!
ખરેખર, આ સમય બગાડયો છે એમ ન કહેવાય. સાચી રીતે તો આ એક પ્રકારનું “રોકાણ” છે. જેનું વ્યાજ અને વળતર માતપિતાને ભવિષ્યમાં પોતાના સંતાનના પાંગરેલા વ્યકિતત્વમાં જોવા મળશે.