“એય કાગડા, મારું મૂઠિયું લઇ ગયો તો ને? — મને આપ.” દેવીબેનનો કાગડા સાથેનો આ વાર્તાલાપ સાંભળી મમ્મી વિચારવા લાગી કે કાગડા પાસે દેવી શું માંગે છે? થોડી વાર પછી દેવી સાથેની વાર્તામાં મમ્મીને જાણવા મળ્યું કે બે — ચાર માસ પહેલાં મુંબઇમાં કાગડો દેવીના હાથમાંથી મૂઠિયું લઇ ગયો હતો. આજે દેવીબેન એમના મોસાળ—અમદાવાદમાં કાગડા પાસે મૂઠિયું પાછું માંગી રહ્યા છે! મૂઠિયાની વાત યાદ આવી અને દેવીબેને કાગડા પાસે મૂઠિયાની ઉઘરાણી કરી. મમ્મી દેવીની બાળ દુનિયાના વિચારમાં પડી ગઇ. બાળવ્યવહારમાં હરહંમેશ પોતાને અનુકૂળ કરવામાં મમ્મી બાળકને ટકોર કર્યા કરે છે તેને બદલે એને સમજીને પોતે જ અનુકૂળ થાય તો? દેવીની મમ્મીને આ પ્રશ્ન થયો.
એક દિવસ દેવી ખૂબ જીદમાં આવી. મમ્મીએ સામે બેઠેલ હૂપ (વાંદરો)ને બતાવી દેવીને બીક બતાવી — “જો, તોફાન કરીશ તો આ હૂપ તને ઊંચકીને ઝાડ પર લઇ જશે.” — આવી ધમકી મમ્મીએ ઉચ્ચારી. ધીમેથી દેવીએ પૂ્‌છયું : “મમ્મી, પછી એ હૂપ શું કરે? મમ્મીએ કહ્યું કે એ હૂપ દેવીને ઝાડ પરથી નીચે ફેંકી દે. આમ છતાં દેવીબેનની જીદ ચાલુ રહી. મમ્મીએ હૂપને હાકલ કરી. થોડી વારે દેવીબેને મમ્મીને પૂછયું : “મમ્મી, તારો હૂપ કેમ બોલતો નથી?” મમ્મી શું બોલે! હૂપની બીક બતાવવા જતાં મમ્મીની મૂંઝવણ વધી ગઇ. દેવીની જીદને જીતવામાં મમ્મી નિષ્ફળ નીવડી.
મારા એક મિત્ર એમના બાબા પર ગુસ્સે થઇ ગયા. “બેવકૂફ, એક લગાવી દઇશ.” એમ કહીને બાબાની સામે આંખો કાઢી. પણ બાબાએ સાહજિકતાથી પૂછયું : “પપ્પા, તમે બેવકૂફ છો? મમ્મી બેવકૂફ છે?” — આવા પ્રશ્નો એકી સાથે બાબાએ પૂછી નાખ્યા. પપ્પા બિચારા કશું જ બોલી શક્યા નહિ. અને બાબો પણ પોતાની અસલ રમત રમવામાં મશગૂલ થઇ ગયો. પપ્પા બેવકૂફની દુનિયામાં એકલા પડી ગયા!
બાળકો સાથે મોટેરાં જેવો જ વ્યવહાર કરતાં મોટેરાં કેવી ભોંઠપ અનુભવે છે? બાળકોની દુનિયા અનોખી છે. બાળક તત્ક્ષણની દુનિયામાં જીવે છે. ભૂતકાળ અને ભવિષ્યકાળની દુનિયા એને સ્પર્શતી નથી. તત્કાળ જે અનુભવ થાય છે તેનો જ અનુભવ બાળક કરતું હોય છે. બાળકોની દુનિયામાં ખરેખર તો આપણે મોટેરાં એક Immigrant જેવા જ છીએ અને Immigrant Visa સિવાય આપણે એમના પ્રદેશમાં પ્રવેશીએ છીએ એટલું જ નહિ પણ પાછા સત્તા દ્વારા જોહૂકમી કરવા જઇએ છીએ.
બાળજગતને સમજીને આપણો વ્યવહાર ગોઠવીએ તો આપણને પોતાને જ મદદરૂપ થઇશું. બાળકને અનુકૂળ થવું ઘણું અઘરું છે પણ અનુકૂળ થતાં આવડે તો બાળક સાથેનું આપણું જીવન ખૂબ સમૃદ્ધ થઇ શકે. બાળક આપણને અનુકૂળ થાય તેના કરતાં પૂરી સમજથી આપણે જ બાળકને અનુકૂળ થઇએ તો બાળકને લગતા અનેક પ્રકારના તનાવમાંથી આપણે મુક્ત થઇ શકીએ.
હંમેશા સ્નાન કર્યા પછી તુરત જ દેવી ઘરમાં ક્યાંક સંતાઇ જાય. ભીને શરીરે ગમે ત્યાં સંતાતી બેબી પર મમ્મી ચીડાતી. એક તો ભીને શરીરે રહેવાથી શરદી થાય અને ગમે ત્યાં સંતાવાથી પાછું શરીર પણ ગંદું થાય. અને પુનઃ સ્નાન માટે દેવીને ખેંચવી પડે. આ મથામણમાં એક ઓરડામાંથી બીજા ઓરડામાં દેવીને શોધવા જતી મમ્મી કંટાળી જતી. પણ છેવટે મમ્મીએ કીમિયો શોધી કાઢયો. જેવી દેવી બાથરૂમમાંથી દોડી ક્યાંક સંતાઇ જાય કે તુરત જ “દેવી કાં ગઇ, દેવી કાં છે…” એમ બોલતી મમ્મી પાસે હાજર થઇ બોલતી : “મમ્મી, હું આ આવી…” — આમ એક અકળામણને મમ્મીએ ધીરજથી “સંતાકૂકડી” ની રમતમાં ફેરવી નાંખી, દેવી — મમ્મીનો આવો સંઘર્ષ એક હળવી રમતમાં ફેરવાઇ ગયો.
આમ દેવીબેનના વ્યવહાર સાથે અનુકૂળ થવાનો વ્યવહાર મમ્મી પોતની સમજ પ્રમાણે ગોઠવતી ચાલી.