મમ્મી—પપ્પા
મમ્મી અને દેવીબેનના પારસ્પરિક વ્યવહાર પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે બાળઉછેર એ એક નાજુક અને સાથે સાથે સર્જનાત્મક વ્યવહાર છે. બાળક તો એની નજીકની દુનિયામાં ગોઠવાય જવાનો સતત પ્રયત્ન કરતું રહે છે. બાળક આ વ્યાયામમાં તેની શારીરિક અને માનસિક નાજુકતાને લીધે મોરાંના વ્યવહાર ધોરણ અનુસાર ભૂલ કરવાનું, નુકસાન પણ કરી બેસવાનું,આ બધાની પાછળ બાળકનો આશય તો સ્વતંત્ર રીતે પોતાની આસપાસની દુનિયા સાથે સંતોષજનક વ્યવહાર શોધવાનો જ રહે છે.
આપણા સમયપત્રક મુજબ બાળકનો વ્યવહાર ગોઠવવાનો આપણો પ્રયાસ મોટેભાગે નિષ્ફળ જાય છે. આથી જ આપણો ધીરજ ગુમાવીએ છીએ. આપણા સમય પ્રમાણે આપણે આપણુ કામ આટોપવાનું હોય છે. બાળકને આ બધાની કશી જ ચિંતા હોતી નથી. એ તો એની ગતિ અને મુનસફી પ્રમાણે જ વર્તવાનું.બાળકની ગતિને કુનેહપૂર્વક અનુકૂળ થઇ,ધીરે ધીરે આપણા સમયપત્રક તરફ વાળવાનું કાર્ય—નાજુક હોવાં છતાંયે—માતાપિતાએ કરવાનું છે.
બાળઉછેર એ સાહજિક છે અને કુદરતી રીતે બાળક મોટું થતું જાય છે. આ તો એક નૈસર્ગિક ક્રમ છે માટે આ અંગે બહુ ચિંતિત થવાની જરૂર નથી. આવો ખ્યાલ રાખીને વર્તાવ કરનારા માતાપિતા પોતાના જ કાર્યમાં મશગૂલ હોઇ, બાળકો પાછળ પૂરતો સમય આપી શકતાં નથી એટલે બાળકો તો કુદરતી રીતે જ મોટાં થાય, એમા બહુ ચિંતા કરવાની જરૂર નથી એવા મંતવ્યથી સંતોષ માનતાં હોય છે. રસોઇ, નોકરી વગેરે સાંસારીક બાબતોમાં કાળજી રાખવી પડતી હોય છે, તેવી જ કાળજી — બલકે ખંત અને ધીરજ બાળઉછેરમાં રાખવાનાં હોય છે. આપણી ગતિ અને લય પ્રમાણે બાળકને ગોઠવવાની ઉતાવળમાં બાળકની નૈસર્ગિક ગતિ અને લયનું ઉલ્લંઘન કરવાનમાં બાળકના શારિરિક અને માનસિક વિકાસ—નિયમનું ઉલ્લંઘન કરીએ છીએ એ ન ભૂલવું જોઇએ.
બળજોરીથી બાળકનો ઉછેર અને વિકાસ સધાશે નહિ.
આ વિચારના સંદર્ભે પાછા દેવીબેન અને તેની મમ્મીની વાત પર આવીએ. દેવીબેન ત્રણ વર્ષનાં થયાં ત્યાં સુધી મમ્મીનાં કાળજી અને ધીરજ જોયા છે. આ ગાળો જ બાળકના ઉછેર માટે અગત્યનો છે. આ ગાળા દરમિયાન બાળક સ્વતંત્ર રીતે ઊભું થતાં, ચાલતાં, થોડું બોલતાં અને સાથે સાથે વ્યવહારને થોડું સમજતું પણ થાય છે. આથી આપણાં કાર્યો સાથે તાલ મિલાવવા બાળક પ્રયત્નશીલ થતું રહે છે. પણ તાલ અને લયની ઝડપ એ રાખી શકતું નથી. બાળક અનુકરણ પણ કરે છે. આવાં અનુકરણોમાં પણ બાળકને અવરોધનો સામનો કરવો પડે છે. ઘરનું ભૌતિક વાતાવરણ એ એક મોટો અવરોધ છે. દાખલા તરીકે દેવીબેનને અરીસામાં જોઇને બ્રશ કરવા માટે અથવા વોશબેસીન પાસે બેસાડવા માટે સાધન જોઇએ. આ માટે મમ્મી સતત જાગૃત છે. એ કાળજીથી દેવીને નાનકડા ટેબલ પર બેસાડે છે. પકડતાં ફાવે અને હાથમાં સરળતાથી રહી શકે તેવું નાનકડું બ્રશ, ઉપરાંત દેવીને જે રંગ પસંદ પડે તાવા રંગનું બ્રશ, ટયૂબ પણ હાથમાં પકડી શકાય તેવી નાનકડી—આ બધી ગોઠવણ મમ્મીની બાળક પ્રત્યેની કાળજીનું ઉદાહરણ છે. ભૌતિક અવરોધોને દૂર કરી બાળકને સરળતા કરી આપવા ઉપરાંત એ આકર્ષાય એટલે એની પસંદગીવાળા ટૂથ—બ્રશ અને ટયૂબ પૂરાં પાડવાં એ વહેવાર આમ તો સામાન્ય છે. મમ્મીના પ્રયાસો છે. મમ્મી બાળકને પોતાની સાથે અનુકૂળ થવા કયારેય ફરજ પાડતી નથી. બાળકનાં લય અને ગતિ સમજી પોતે ગોઠવાઇ જાય છે.
અન્યથા વ્યવહાર જુદો રહે છે.ભૌતિક સુવિધા વિના બાળકને મોઢું સાફ કરવાનું કહેવામાં આવે અને સગવડના અભાવે બાળક મોઢું સાફ કરવામાં નિષ્ફળ જાય, પાણી ઢોળે, પ્યાલો હાથમાંથી પડી જા્ય, ચોકડીમાં જતાં લપસી પડે. આ બધી મુશ્કેલીઓનો વિચાર કર્યા સિવાય મમ્મી—પપ્પા બાળક પાસે મોઢું સાફ કરવાનો આગ્રહ રાખે અને બાળક એમ ન કરે તો પછી ધોલ—ધપાટ પણ કરવામાં આવે. આવા અજ્ઞાની વ્યવહારથી બાલકને કેવો અન્યાય કરી બેસીએ છીએ ! બાળક સાથેનો વ્યવહાર કરનાર મમ્મી—પપ્પા અપરાધી છે. બાળકો પોતે કોર્ટ ચલાવતાં હોય તો મમ્મી—પપ્પા સામેના મુકદ્દમામાં મમ્મી—પપ્પા વિરુદ્ધ ચુકદો આપી સખત સજા ફટકારે.
દેવીબેનની સ્નાનક્રિયા પણ સાવ સામાન્ય બાળક જેવી જ છે. એમને સ્નાન માટે તૈયાર કરવાં, બાથરૂમમાં બેસાડવાં આ બધું સમય અને ધીરજ માગી લે છે. કયા કામને અગ્રીમતા આપવી એ મમ્મી અગર પપ્પાએ સમજવા જેવું છે. મમ્મી સામાન્યતઃ તો પોતાના કામને જ મહત્વ આપતી હોય છે અને બાળકને પોતાનું કામ સચવાઇ રહે તે રીતે ગોઠવવાનો આગ્રહ રાખતી હોય છે. અહીં દેવીબેનની જ માવજત કરવાના એક માત્ર ધ્યેયને ધ્યાનમાં રાખનાર મમ્મી, દેવીબેન માટે એક જ અલગ નાનકડું ટબ તૈયાર કરે છે. આ સાથે દેવીબેન માટે લાવેલ રમકડાંને સ્નાન કરાવવા દેવીબેનનો સાથ લે છે. પાણીથી ભરેલ ટબમાં એક પછી એક રમકડું દેવીબેન મૂકે, “દેવીબેન, પેલા બતકભાઇને પકડો, એ કયાં ચાલ્યા ગયા? પેલા કાચબાભાઇને નવડાવી લો.” એમ મમ્મી બોલતી જાય અને દેવીબેન આનંદમાં આવી પાણી ઉડાડતાં જાય. દેવીબેન ગમે તે રમકડાંને પકડી લાવ્યાં હોય પણ મમ્મી પાણીમાં તરી શકે એવાં રમકડાં દેવીબેન પાસે શોધાવે અને પાણીમાં મુકાવે. કાચબો, મગર, માછલી, બતક વગેરે પ્લાસ્ટિકનાં રમકડાંને મમ્મી ઓળખાવતી જાય અને પાણીમાં મુકાવતી જાય. આ ગમ્મતથી દેવીબેન પણ બધાંને નામથી ઓળખતાં જાય. આમ રમકડાંને સ્નાન કરાવી ગમ્મતમાંથી દેવીબેનને પણ સાથે સ્નાન કરાવી લે. સ્નાન કરતાં કરતાં એમનાં રમકડાં વિષે દેવીબેન મમ્મીને કહે : “મમ્મી, બતકબાઈ પેલે ખૂણે જતા રહ્યા, માછલીબેન ક્યાં ગયા?” આમ બોલીને પાછાં ઊભાં થઈ દેવીબેન રમકડાંને ડુબાડી પણ દે. “મમ્મી, મગરભાઈ તો પાણી નીચે પડી ગયા.” મમ્મી દેવીબેનને સુધારે અને કહે “એ તો ડૂબી ગયા.” આમ ગમ્મત કરતાં મમ્મી કહે : “ચાલો દેવીબેન કાચબાભાઈ, માછલીબેન કરતાં આપણે વહેલાં નહી લઈએ.” અને દેવીબેન પણ ઉત્સાહમાં આવી બોલી ઊઠે —“ચાલો મમ્મી.”
દેવીબેનની સ્નાની પ્રક્રિયા એ સમયનો બગાડ નથી. બલ્કે મમ્મીનો આડકતરો શિક્ષણનો પ્રયોગ છે. સ્નાનની ટેવ તો બાળકને પાડવી જ છે. નાના બાળકને આરોગ્યના પ્રાથમિક પાઠો શીખવવાના જ છે તો પછી એ પાઠોનું સરળ શિક્ષણ ઘરથી જ કેમ ન થાય? એક માતા સો શિક્ષકોની ગરજ સારે છે—એવું સૂત્ર ઘણી વખત લોકો બોલે છે પરંતુ દેવી—મમ્મીનું ધ્ષ્ટાંત આ સૂત્રનો વ્યવહારમાં બતાવે છે. આરોગ્ય અને સ્વચ્છતાનો ક્રમ જીવનવ્યવહારમાં સરળતાથી ગોઠવવામાં મમ્મી અને પપ્પા ખૂબ સારો ફાળો આપી શકે છે. બીક—ધાકનો આશ્રય સમગ્ર પ્રક્રિયાને વિકૃત કરે છે.
દેવીબેનની સ્નાનની પ્રવૃતિ એક શૈક્ષણિક પ્રવૃતિ છે. મમ્મી એક પ્રકારનો બાથરૂમ—પાઠ આપે છે. રમકડાંની પસંદગી, પ્રાણીઓની ઓળખ,પાણીમાં કયાં પ્રાણીઓ રહી શકે તેની સમજ વગેરે એક પ્રકારનો સ્નાન—પાઠ છે.
જે સાધન વા રમકડું બાળકને હાથવગું છે તેની સમજ આપવી એ બાળક માટે એક મોટી શૈક્ષણીક પ્રક્રિયા છે. આવી પ્રક્રિયામાંથી એક પ્રકારનો શબ્દભંડોળ પણ બાળક પાસે આવે છે. ભાષાપ્રયોગ પણ સરળતાથી બાળક પકડતું જાય છે. પાણીની નીચે મગરભાઇ ગયા એમ કહેવાને બદલે મમ્મી કહે, “એ તો ડૂબી ગયા” આ શબ્દપ્રયોગ પછી દેવીબેન બોલતાં થઇ ગયાં. શિક્ષણ—પ્રક્રિયાનો એક નમૂનો મમ્મીએ રમતાં રમતાં રજૂ કર્યો છે.
વહેલામાં વહેલી તકે બાળકને “બાલમંદિર” માં મૂકવા ઉત્સુક માતાપિતાએ પૂર્વતૈયારી રૂપે પોતાના ઘરને પ્રથમ તો બાલમંદિરમાં ફેરવવાની જરૂર છે. શિક્ષણ આપવું એટલે લખતાં—વાંચતાં કરવું એમ નહિ, પરંતુ આસપાસની દુનિયાને, પોતાની જરૂરતને સમજવી વગેરે બાબાતનો ખ્યાલ ઘર આંગણે જ આપવો એ શિક્ષણનું પ્રથમ સોપાન છે. ઘરનો વ્યવહાર જ શિક્ષણમય છે. બાળક સવારના પોતાની પથારી છોડે અને રાતના પથારીમાં પડે ત્યાં સુધીનો સઘળો વ્યવહાર બાળક માટે તો શિક્ષણનો જ વ્યવહાર છે; જો ઘરમાં મમ્મી કે પપ્પા આવા શિક્ષક બને તો!
ભણેલા ગણેલ મમ્મી—પપ્પા આવા વ્યવહાર ને શૈક્ષણીક બનાવી બાળકના શારીરિક અને માનસિક વિકાસમાં અગત્યનો ફાળો આપી શકે.
મમ્મી—પપ્પાની આ જ પ્રમુખ ભૂમિકા છે. બાળઉછેર એ એક સર્જનાત્મક પ્રવૃતિ છે. આવી પ્રવૃતિ જો મમ્મી—પપ્પા નહિ હાથ ધરી શકે તો બાળમંદિરો તો કેવી રીતે કરી શકવાનાં છે? બાળમંદિરો બાળકનું સમાજસ્વરૂપ ઘડવામાં મદદરૂપ થઇશકે પરંતુ સમાજ સ્વરૂપનું પ્રથમ વૈયકિત સોપાન જો અધૂરું રહે તો સમાજસ્વરૂપ ઘાટ લઇ શકે નહિ વૈયકિત સ્વરૂપનો ઘાટ આપવાનું કામ મમ્મી અને પપ્પાનું છે.
બધું જ બાળમંદિરો કરશે એવી પંગુ ભાવનાવાળાં મમ્મી—પપ્પાએ જાગૃત થવાની જરૂર છે. નોકરીઆત મમ્મી—પપ્પાને આવા ચાળા ન પરવડે એમ કહેનાર મમ્મી—પપ્પાને પોતાના જ સંતાનના ચાળ ભવિષ્યમાં કેવા ભારે પડે છે તેનાં ધ્ષ્ટાંતો સમાજમાં શોધવાં પડે તેમ નથી !