એક બાળકની કેફિયત
હું એક દસ વર્ષનો બાળક છું. બાળકોને ભણવામાં તકલીફ પડે છે તે અંગે ચિંતા–વિચાર કરવા તમે બધાં મા-બાપો અને શિક્ષકો એકઠા થયાં છો, ત્યારે હું ઘેર પરીક્ષા માટે લેસન કરવા બેઠો છું. મારા મનની કેટલીક વાતો તમને લખી મોકલું છું.
મારા માર્ક્સ ઓછા આવ્યા ત્યારે, મારા અક્ષર મારા પિતાને ઉકલ્યા નહી ત્યારે, અને મને ચોપડીમાંની વાતો ન સમજાય ત્યારે મારા શિક્ષકે મારાં મા-બાપને કહ્યું : “તમારો દીકરો ભણવામાં નબળો છે.” મતલબ કે મને લખતાં, વાંચતાં, ગણતાં ઓછું આવડે છે.
ઝાડ ઉપર ચડતાં મને સારું આવડે છે, તરવાનું હું દસ જ દિવસમાં શીખી ગયો; લખોટીની આંટ મારી પાક્કી છે; મારા અક્ષર કરતાં મારા ચિત્રો વધારે સારાં થાય છે, અમારા રસોડામાં શું-શું ક્યાં–ક્યાં છે તેની મારા ભાઈઓ કે પિતા કરતાં યે મને વધારે ખબર છે, પણ આ બધું આવડે તે આવડ્યું નથી કહેવાતું.
બાળ મંદિરમાં મારાં ગીતો માટે મને વખાણવામાં આવતો, પણ હવે ઘરમાં નાચતો નાચતો ચાલું છું કે ગાતો ગાતો વાંચું છું ત્યારે રમતિયાળ ગણાઉં છું – હોશિયાર નહિ.
મને ગીતો ગમે છે, ચિત્રો ગમે છે, રસ્તે આવતાં-જતાં લોકો જોતાં બેસવું ગમે છે, ગલુડીયાં સાથે દોડવું ગમે છે. આ બધું શું કહેવાય? આવડ્યું? કે ન આવડ્યું !
મારે સુથાર થવું છે. મારી નિશાળ મને હથોડી આપતી નથી. “ગણિત આવડ્યા વગર સારા સુથાર નહિ થઈ શકાય“ એમ મારા પિતા કહે છે. પણ હથોડી વગરનો એકલો ગણિતવાળો સુથાર શું ઘડવાનો? જોકે આ વાત વધારે નહી કરું. સુથાર થવાનું કહું ત્યારે બધા હસે છે : “અલ્યા, માસ્તરનો દીકરો સુથાર શું કામ થાય છે? એન્જીનિઅર થા ને?”
મેં આ બધું કહ્યું તેથી તમે કાંઈ ચિંતા કરવા ન લાગી જશો. અમે બાળકો, તમારી શિક્ષકો અને મા-બાપ ની મુશ્કેલીઓ સમજીએ છીએ. તમને બાળપણ ભુલાઈ ગયું હોય તે સમજાય તેવું છે [હું યે નાગરિકશાસ્ત્રનો પાઠ ભુલી જાઉં છું] અને તમને સૌને આવડે કે ન આવડે તમે સમજણા હો કે અણસમજણા, તમે અમને ગમો છો, તમે અમને વહાલાં લાગો છો.
( પ્રત્યાયન : બાળ શિક્ષણ – વિશેષાંકમાંથી સાભાર)