• બાળકને સતત, એકસરખી રીતે અને સ્થિરતાપૂર્વક ચાહે, પરંતુ થોડી વાર પ્રેમ દર્શાવો અને પછી તેના પ્રત્યે દુર્લક્ષ સેવો એવું અથવા તો તેના ઉપર ગુસ્સે થાઓ એવું કરતા નહીં.
  • બાળકો ઉપર પ્રેમ રાખો, પરંતુ તેઓ પામર, અસહાય, પરાવલંબી બને, તેઓ આવડત વિનાનાં અને તેથી બિન સલામતીવાળાં ભીરુ બને તેવો લાગણીવેડાથી ભરેલો, ડહાપણનો અભાવ સૂચવતો પ્રેમ રાખવાની ભૂલ કરતાં નહિ.
  • બાળકમાં વ્યક્તિત્વ છે; તેને પણ દ્રષ્ટિબિંદુ હોય છે. સ્વતંત્ર વિચાર, સ્વતંત્ર જરૂરીયાત હોય છે એ સ્વીકારી વર્તો.
  • બાળક બીજાં બાળકો સાથે અને મોટેરાંઓ સાથે રહે, ત્યારે તે નાનાં-મોટાં સહુની સાથે સમાગમમાં આવે, તેને સમાજ જીવન મળે, તેની સંઘવૃત્તિ સંતોષાય તેની કાળજી રાખશો.
  • આસપાસ જે બનતું હોય તેમાં બાળકને પણ સ્થાન આપો; એને કાંઈ કરવાનું ન હોય તેવી પરિસ્થિતિ યોગ્ય નથી.
  • બાળકની ટીકા ન કરો; તેને ઉત્તેજન આપો.
  • બાળક હાજર હોય ત્યારે તેમની પ્રશંસા કે નિંદા બીજાઓ પાસે કરો નહિ.
  • નિર્ભયતા અને સાહસને ઉત્તેજન આપો. બને ત્યાં સુધી તેને ના કહેશો નહિ. ખાસ જરૂર હોય તો જ તેને અટકાવો.
  • મોટેરાંના મૂલ્યોની આશા બાળકો પાસે રાખશો નહિ. તેમજ વિચારની તેમજ તર્કની બાબતમાં પણ બાળકો પાસેથી મોટાઓ જેટલી અપેક્ષા રાખો નહિ. શબ્દોની અને વિચારની દુનિયા એ બાળક માટે નવી દુનિયા છે.
  • બાળકની શક્તિના પ્રમાણમાં તેને કામ સોંપો. આથી તે કુટુંબનો જવાબદાર સભ્ય બનશે, તેનામાં જવાબદારીની ભાવનાનો પ્રવેશ થશે અને તેનું સ્વમાન સચવાશે.

 

[ લેખકના પુસ્તક :”આપણાં બાળકોને ઓળખીએ “માંથી સાભાર]