માણસજાત સુખ અને સગવડની જન્મજાત ચાહક છે, સરેરાશ માણસ તો જીવે જ છે સુખ અને સગવડ માટે! આ માટે એણે આદિકાળથી સાધનો શોધ્યાં છે, સરજ્યાં છે ને સજાવ્યાં છે. ઉપયોગી સાધનો દ્વારા એણે પોતાનું અને સુખ—સગવડ વચ્ચેનું અંતર ઘટાડયું છે. જે સાધન ઉત્તમ એટલે કે ખૂબ ઉપયોગી હોય તેને પોતાની નજીક રાખ્યું છે, ઘરમાં વસાવ્યું છે.
ઉત્તમ સાધન એ કહેવાય કે જે સહેલાઇથી પ્રાપ્ત થતાં હોય અને હાથવગાં હોય, તેને કામે ચડાવવામાં નહીંવત્‌ શ્રમ કરવો પડતો હોય અને નભાવવામાં પણ ખાસ ખરચ ન થતો હોય. ઉત્તમ સાધન પોતે સાધનમાત્ર છે તેવી લઘુતાગ્રંથિથી મુક્ત હોય. સુખ—સગવડ માટેનું ઉત્તમ સાધન તેના પ્રયોજકને કશા જોખમમાં મૂક્યા વિના, સોંપાયેલ કામ પાર પાડી આપતું હોય છે. એકથી વધુ બાબતે ઉપયોગમાં આવી શકતા સાધનને તો ઉત્તમોત્તમ — બેટર ધેન ધ બેસ્ટ — કહી શકાય.
માણસજાતની સુખ—સગવડ માટેના ઉત્તમ સાધનના આવાતેવા માપદંડોને અપનાવીએ તો એમ લાગ્યા વિના રહેતું નથી કે જગતમાં બાળકોથી વધુ ઉત્તમ એકેય સાધન હોઇ શકે નહીં. બાળકો દ્વારા માનવજાતને અનેક સુખ—સગવડો સુલભ બને છે. ઘણાં કામો એવાં હોય છે કે જે બાળક નામના સાધન દ્વારા જ સહેલાઇથી સિદ્ધ થઇ શકે!
આમ તો રોજિંદા વપરાશની ચીજો લોકો સમયસર ખરીદીને ઘરમાં વસાવતા હોય છે, પણ કેટલીક વાર જે ચીજની તત્કાળ જરૂર હોય તે ખલાસ થઈ ગયેલ હોય એવું બની શકે — જેમ કે મીઠું, મેળવણ, મીઠો લીમડો, દિવાસળીનું બાકસ, લોટ, હજામત કરવાની પતરી, ફ્યુઝ બાંધવાનો વાયર, બામ, જંતુનાશક દવા છાંટવાનો પમ્પ — આવી કેટલીય ચીજોનું મહત્ત્વ તે જરૂર વખતે ઘરમાં ન હોય ત્યારે જ સમજાય છે. તે તત્કાળ મેળવવા માટે પડોશી પાસે જ જવું રહ્યું. આટલા માટે એમને ત્યાં જતાં મોટેરાંને તીવ્ર મનોવેદના થાય, માનહાનિનો ભય રહે, આ વખતે તેમને હાથવગું સાધન બાળક કામ લાગે છે ને ફરમાવે છે : ‘ચંપી, જા તો બેટા, મેનામાસીને કે’ને કે ચપટીક ચાની ભૂકી આપે.’ સંભવ છે કે એ જ વખતે મેનામાસીનો મુન્નો અંગુઠો ચૂસતોક આવે ને કહે — ‘ છે ને હેં… મારા પાપાએ કીધું છે કે આજનું છાપું આપો! ’
બાળક નામનું ઉપયોગી ઉત્તમ સાધન ખબરપત્રી જેવી પોતાની સ્ફૂર્તિ અને સૂઝથી પડોશ—પ્રદેશના સમાચારોનો ધોધ ઘરમાં વહાવતું હોય છે : ‘છે ને હેં… મનુભાઇના સ્કુટરમાં પંચર પડયું… રેવાદાદી રોવે છે… ઉમિયો આપણને ઉધારિયા કે’ છે’ — આવા તાજા ને ચટાકેદાર સ્થાનિક સમાચારો ગમે તેવું માતબર અખબાર આપી શકે નહીં. આથી બાળક રેડિયો—ટીવી કરતાં વધુ ઉપયોગી લાગે તે સહજ છે.
બાળકો તરુણ વયના નાયક—નાયિકાનાં પણ પ્યારાં ને સલામત સાધન બને છે. ભરબપોરે ગલીને નાકે ઊભેલો નાયક પાળેલા પોરિયાને ફરમાવે છે : ‘જા, આ નોટ માયાને આપી આવ.’
‘છાયાદીદીને નથી આપવાની, પહેલાંની જેમ?’ પોરિયો પૂછે છે.
‘ના. ને માયા આપે તે ચોપડી લઇને સીધો મારી પાસે આવ’ નાયક કહે છે.
નવયુવા નાયક—નાયિકાની વચ્ચે થતી વાતચીતમાં મૂંગા ને અલિપ્ત માધ્યમ તરીકેનું સાધન પણ બાળકો જ! નાયિકાની કેડે બેઠેલા બાળકનો ગાલ રસ્તે સામે મળેલ નાયક પંપાળીને પૂછે : ‘મુન્નુ, ચાલો ઠંડું પીએ.’ ‘અમને મોડું થાય. કાલે આવે ટાણે બગીચે આવજો..’
બાળકો પોતાનાથી નાનાં ભાંડુઓને સાચવવા માટે કામ લાગે છે. એમની આવી સેવા થકી બચતા સમયમાં પડોશમાં પંચાતે જઈ શકાય છે. બહાનાં કાઢવા માટે બાળકનું નામ રામબાણ સિદ્ધ થાય છે. ‘કેમ આવ્યા નહીં ? ’ — ના જવાબમાં તમારે ત્યાં આવતા ’તા ને ત્યાં બેબી ઊંઘરેટી થઈ, કે કજિયે ચડી એવું કહી શકાય છે. પોતાને ભાવતી વાનગી મમ્મી કે પપ્પા બાળકને નામે ઘેર લાવે છે ને બાળકને ઝડપથી ધરાવીને પોતે ઝાપટી શકે છે. અ—સંતો બાળકને વહાલ કરવાનો દેખાવ કરીને સાંસારિક સુખની ઝાંખી કરી લે છે!
હોટેલમાં, ફેક્ટરીમાં, ખેતરમાં ને સરકસમાં કામ કરીને બાળક ઘરની આવક વધારે છે. તેઓ ભીખ માંગીને કે ચોરી કરીને કે તડફંચી કરીને ઘરોને ટેકો કરે છે. તેઓ રાજકીય સરઘસોમાં સૂત્રો પોકારવા માટે ખપમાં આવે છે : ‘બાળમજૂરી મુર્દાબાદ!’ ક્યારેક પતિ કે પત્ની પરનો ગુસ્સો ઠાલવવા માટે બાળક હાથવગું સાધન સિદ્ધ થાય છે. તેઓ વાંસા પર કહો ત્યાં સુધી ચળ કરી દેતાં હોય છે! મોટેરાં કોઇ સંબંધીને મોઢામોઢ ન કહી શકે તેવાં વચનો, વડીલો પઢાવે તે રીતે, જેને કહેવામાં આવે તેને સંભળાવી દેવામાં ઉપયોગી થાય છે : ‘તમે અમારે ઘરે નાસ્તા કરો છો પણ અમે આવીએ ત્યારે ચા યે ના આલો! ’
નોકરિયાતો આકસ્મિક રજા (સી.એલ.) લેવાના કારણમાં બાળકની બીમારી દર્શાવી શકે છે. મમ્મી બાળવિકાસની મિટિંગમાં જાય ત્યારે બાળક ઘર સાચવે છે. બાળક ખેતરમાંથી પંખી ઉડાવવા કે ઢોર ચારવા કે તગેડવા કામે લાગે છે. યુવાન પુત્રીને સંભવિત જમાઇ સાથે ફરવા જવા મોકલતી વખતે બાળક વોચમેન તરીકે કામ લાગે છે. સૂચના મુજબ બાળક મહેમાનને હેરાન કરે છે અને તેઓ જાય ત્યારે બક્ષીસ લેવા હાજર રહે છે. બજારમાંની રેંકડીએથી કેટલી પાણીપૂરી મોંમાં ખોસી તે ગણવા માટેનું ભરોસાપાત્ર ગણકયંત્ર બાળક છે. બસ કે ટ્રેનમાં જગા રોકવા માટે, પચાવવા માટે કે રહેમરાહે મેળવવા માટે બાળક ઉપયોગી થાય છે. બાળકને કશુંક ખરીદવા માટેની ક્યુ (કતાર)માં ઊભા રાખીને નિરાંતે ગુટખા ચગળી શકાય છે. ઘેર આવેલા મહેમાનોનું મનોરંજન કરાવવા માટે બાળકને એક્ટિવેટ કરાય તો તે પ્રિ—રેકોર્ડેડ શ્લોક, ગીતો કે સંવાદો અભિનય સાથે રજૂ કરે છે. બાળકના નામે ખોટા સોગંદ ખાઇને ખોટી વાતને વહેવારમાં વટાવી શકાય છે : ‘મારા બચુડાનાં સમ, હું એ ટાણે ગામમાં જ નો’તો!’
વિભક્ત પરિવારમાં પતિ—પત્ની વચ્ચેના અબોલા તોડાવવાનું ભગીરથ કાર્ય પાર પાડવા માટે બાળકથી વધુ ખાનગી, સલામત કે કાયદેસર બીજું કયું સાધન હોઇ શકે?
‘જા, તારા પપ્પાને કહે કે થાળી પીરસાઇ ગઈ છે.’
‘હું નઈં કઉં. જા’
‘કહી આવને ડહાપણ ડહોળ્યા વગર ! ’
‘મને ખબર છે, તમે નથી બોલતા તે ! ’
‘કોણે કહ્યું નથી બોલતા ? ’
‘ તો… તું જ જમવા બોલાવી લે ને !’
‘ એ… સાંભળ્યું? કહું… છું… ચાલો !’
— બસ પછી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી !
ડૉ. એસ. આર. રંગનાથ ભારતીય ગંથ્રાલયશાસ્ત્રના પિતા તરીકે સન્માનિત છે. એમણે ગ્રંથાલયના ઉત્તમ સંચાલન માટે પાંચ સચોટ સૂત્રો આપ્યાં છે, તેમાંનું પહેલું સાદું છતાં અર્થઘન છે ‘ઉ’. પુસ્તકો ઉપયોગ માટે છે — બુક્સ આર ફોર યુઝ. એ જ રાહે, ગૃહસંચાલનની સરળતા અને સફળતા માટે સાદું છતાં અર્થઘન સૂત્ર ઠેર ઠેર અજમાવાતું હોય છે : બાળકો ઉપયોગી સાધન છે !