કોઈ પણ વ્યક્તિની પ્રગતિ કે નામના મેળવવામાં શિક્ષકનું સ્થાન મહત્ત્વનું છે. કોઈ પણ વ્યક્તિને ઊંચા શીખર પર પહોંચાડવામાં શિક્ષકનો અમૂલ્ય ફાળો હોય છે. પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને શિક્ષણ યાત્રા પૂર્ણ કર્યા સુધી ઘણાં બધાં શિક્ષકોની ભૂમિકા મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. એ તેના માનસપટ પર કાયમ અંકાયેલો હોય છે. અને તે સમયે સમયે તેને યાદ કરતો રહે છે.

શિક્ષક એ દિવાદાંડી સમાન હોય છે. તે વિદ્યાર્થીઓને શૂન્યથી શરૂ કરીને સર્જન સુધી પહોચાડીને વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ રેલાવવાનું કામ શિક્ષક કરતાં હોય છે.

શિક્ષક પ્રાથમિક શાળા હોય કે મોટી મોટી યુનિવર્સિટી હોય પણ તે વિદ્યા જ્ઞાનની સાથે સાથે સંસ્કાર જ્ઞાનનો પ્રકાશ ફેલાવીને સમાજ ઉપર પ્રતિબિંબ પડતું જોઈ શકાય છે.

શિક્ષક સમાજનો શિલ્પિ સમાજનું ચણતર—ભણતર—ઘડતરનો ત્રિવેણી સંગમ સિધ્ધ કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકના માથે છે. સમાજમાં શિક્ષકોનું આજે માન—સન્માન છે. ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ પણ આવી વિભૂતિ અધ્યાપક—સાયન્ટિસ્ટ હતા. તેઓને રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમાહરોહમાં પૂછવામાં આવ્યું કે આપના પરિવારમાંથી કોને આમંત્રણ આપ્યુ છે. ત્યારે તેઓએ કહ્યું કે આમ તો મેં કોઈને આમંત્રણ આપ્યું નથી. પણ મારી ઈચ્છા છે કે મને જે ગુરૂજનોએ ભણાવ્યો છે તેવા તમામ શિક્ષકોને આ શપથગ્રહણ સમારોહમાં બોલાવો. આ જ બતાવે છે કે શિક્ષકોનું સ્થાન ક્યાં છે?

શિક્ષકની ભૂમિકાઃ

મને શિક્ષિત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર શિક્ષકોની સૂચિ બહુ લાંબી છે. પ્રાથમિક શિક્ષણથી માંડી પી.ટી.સી ના અભ્યાસ સુધી ઘણાં બધાં શિક્ષકોની ભૂમિકા રહી છે.

સમયે સમયે ઘણાં બધાં શિક્ષકોનો સહકાર, માર્ગદર્શન અને સલાહ સૂચનો મળેલ છે. આ બધા શિક્ષકોને સદાય યાદ કરીને મારા ભૂતકાળને વાગોળતો રહું છું. આ બધુ યાદ કરું છું ત્યારે મારો વિદ્યાર્થીકાળ મારા માનસચિત્ર પર આબેહૂબ નજરે નિહાળી શકુ છું. ત્યારે આ પંક્તિ યાદ આવે છે.

“સમય હોય છે, ત્યારે સમજાતું નથી.
સમજાય છે, ત્યારે સમય હોતો નથી.”

વિદ્યાર્થી કાળના સમયમાં શિક્ષકોએ આપેલ સલાહ સૂચનો કડવા ઘૂંટડા સમાન લાગતા હતા. પણ આજે સમજાયું કે અત્યારે હું શિક્ષક તરીકે શિક્ષણ યજ્ઞમાં જોડાવાની તક આપી તે મારા ગુરૂજનોને આભારી છું. તે બધાં ગુરૂજનોનો ૠણી રહીશ. પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને પી.ટી.સી ના અભ્યાસ સુધી ઘણાં બધાં મારા પ્રિય શિક્ષક છે. પણ સૌથી પ્રિય શિક્ષક નારાયણભાઈ પટેલ છે.

શાળામાં માનનીય હતાઃ

હું મારું પ્રાથમિક શિક્ષણ મારા વતન જોરજાડીના મુવાડા ગામમાંથી પૂર્ણ કરી મારા જ ગામમાં માધ્યમિક શિક્ષણ માટે ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળામાં ધોરણ આઠમાં એડમિશન લીધું અને ત્રણ વર્ષ સુધીનું શિક્ષણ મેળવ્યુ. ત્યાં માધ્યમિક શાળાના આચાર્ય નારાયણભાઈ પટેલ સાહેબનો અનુભવ થયો. તેઓ આચાર્ય તરીકે હતા. પણ તે સૌના માનનીય હતા. અમારા ગામના તેમજ આજુબાજુના ગામના બાળકો તેમજ ગુજરાત સમાચાર સંચાલિત હોસ્ટેલમાં પણ બહાર ગામના બાળકો પણ હતા. ગુજરાતી અને અંગ્રેજી વિષયના તેઓ શિક્ષક હતા. તેમના ભણાવેલા પાઠ અત્યારે પણ મારા માનસપટ અંકાયેલા છે. અમારા ગામમાં અને આજુબાજુના ગામમાં પણ લોકપ્રિય હતા. તેઓ સતત વાલી સંપર્ક કરીને બાળકોને શિક્ષણમાં રસ લેતા કરતા હતા. તેથી લોકો તેમનું માન જાળવતા હતા. અત્યારે નિવૃત્તિકાળ સમય પસાર કરી રહ્યાં છે. છતાં તેમને શાળા તેમજ ગામના કે વ્યક્તિગત પ્રસંગમાં યાદ કરીને આંમત્રિત કરવામાં આવે છે.

આદર્શ શિક્ષક તેમજ આચાર્યઃ

માધ્યમિક શાળામાં આચાર્ય તરીકે હતા. પણ, તેઓ સંચાલન કરવામાં પાવરધા હતા. તેમના થકી અમારી માધ્યમિક શાળાનું સર્જન થયેલું. તેઓ આદર્શ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓમાં પ્રચલિત બનેલા, એમના જીવનમાંથી પ્રેરણા લઇ મેં પણ આદર્શ વિદ્યાર્થી બનવાની પ્રેરણા મેળવેલી. અમારી માધ્યમિક શાળામાંથી ઘણા બધા આદર્શ વિદ્યાર્થી બની શકતા હતા. આજે પણ ભૂતપુર્વ વિદ્યાર્થીઓ સારા નાગરિક્ તરીકે સામજમાં સ્થાન પામ્યા છે. અને સમાજસેવા કરી પામ્યા છે. અને સમાજસેવા કરી રહ્યા છે. જે અમારા આ ગુરૂજનના કારણે શકય બન્યું છે.

સમય પાલનના આગ્રહીઃ

કોઇ પણ ક્ષેત્રમાં સમય પાલનનું ઘણું જ મહત્ત્વ હોય છે. સમય પ્રમાણે કોઇ પણ સંસ્થા ન ચાલે તો તેનો વિકસ થતો નથી. અને તેનો સંચાલક્ ખાસ સમયનું પાલન કરનાર હોય તો, તેની સાથે સંકળાયેલ કર્મચારીઓ પણ સમય પાલન કરતા હોય છે.

“યથા રાજા તથા પ્રજા”

જેવો રાજા હોય તેવી પ્રજા હોય, અમારા અચાર્ય નારાયણભાઇ પટેલ સમયના ખાસ આગ્રહી અને કડક વલણના હતા. પોતે પહેલાં પાલન કરતા અને બીજા વ્યકિતઓ તેમને જોઇને સમય પાલન કરતા હતા. એમના સમય પાલનની મારા જીવન પર ખૂબ જ અસર થઇ છે. હું પણ સમયની કિંમત સમજતો થયો છું.

શિસ્તના આગ્રહીઃ

કોઇ પણ ક્ષેત્રમાં શિસ્તનું ઘણું જ મહત્ત્વ છે. શિક્ષણ કે કોઇ પણ સંસ્થામાં શિસ્ત ન હોય તો તેનો વિકસ થઇ શકતો નથી. શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થાઓમાં શિસ્તના પાઠ શીખવવામાં ન આવે તો, કોઇ પણ સંસ્થા નિર્જીવ બની જાય છે. એ વ્યકિતઓમાં શિક્ષણ હોય પણ સંસ્કાર હોતા નથી. આ શિસ્ત થકી જ બાળકોમાં લાવી શકાય છે. અમારા આ શિક્ષકે શીખવી જીવનમાં ઉતારવા કહેતાં, શિસ્ત થકી ઘણાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સમાજમાં આગવું સ્થાન ધરાવે છે.

બાળકોને શાળાકીય જીવનથી શિસ્ત શીખશે નહી તો, તે સમાજમાં સારો નાગરિક્ બનશે નહી. તે બાળકોને સતત કહેતાં અને બાળકો શિસ્તનું પાલન કરતા. અને તેની અસર આજે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જોવા મળે છે.

ખરેખર….“શિસ્ત વગરની સંસ્થા નહી..
શિસ્ત વગરનુ શિક્ષણ નહી.”

હંમેશા સક્રિયઃ

કોઇ પણ સંસ્થા સાથે જોડાયેલ વ્યકિત સક્રીય ભૂમિકા ભજવે નહી તો સંસ્થા કે સમાજનું પતન થઇ જાય છે. સતત કાર્યશીલ અને પ્રવૃતિમય વ્યકિતઓ જ વિકસ કરી શકે છે.

“આળસ એ જીવતા મનુષ્યની કબર છે.”

અમારા શિક્ષકની ભૂમિકા સક્રીય શિક્ષક તરીકેની હતી. તેઓ શાળા સમય સિવાયના સમયમાં બાળકોને શિક્ષણ આપતા, શિક્ષણમાં નબળા બાળકોને આગળ લાવવામાં એમનો સિંહ ફાળો હતો. શાળાના સમય પહેલાં એમનો તાસ ચાલુ થઇ જતો હતો. બાળકો પણ એમના તાસની રાહ જોતા. તેઓ બાળકોને સક્રીય રાખતા અને તેનું પરિણામ બોર્ડની પરીક્ષાના પરિણામમાં જોઇ શકાતું હતું.

સાદું અને કરકસરયુકત જીવનઃ

નારાયણભાઇ પટેલ સાહેબ સાદું જીવન જીવતાં હતાં. તેમનું વ્યકિતત્વ પ્રભાવશાળી હતુ. પણ સાદાઇ તેમના જીવન સાથે વણાઇ ગયેલી હતી. તેઓ લેંઘો અને ઝભ્ભો પહેરતા હતા. બાળકો પર સાદા જીવનની ઘણીખરી અસર પડી હતી. અને બાળકો પણ સાદાઇ તરફ વળ્યા હતા. બાળકોને થતું કે હાઇસ્કૂલના આચાર્ય અને ઊંચો પગાર કમાતા હોવા છતાં સાદું જીવન જીવી રહ્યા છે. તો,આપણે પણ સાદું જીવન જીવવું જોઇએ. એમના જીવનમાંથી બાળકો શીખ્યા હતા.

સાહેબના કરકસરયુકત જીવનને ઘણા શિક્ષકો અને માણસો કંજુસાઇ સમજતા હતા. સાહેબ કંજુસાઇ કરે છે. ઘણાં ખરા બાળકોને પણ થતું કે સાહેબ આટલો બધો પગાર કમાય છે છતાં કંજુસાઇ કરે છે. પણ મને પછી સમજાયું કે ખરેખર સાદુ અને કરકસરયુકત જીવન જીવવામાં મજા છે. તે ફેશનેબલ જીવન જીવવામાં નથી. મને પણ સાદું અને કરકસરયુકત જીવન જીવવાની પ્રેરણા સાહેબના જીવન પરથી મળી છે.

સાચો માર્ગ અને ઉચ્ચ વિચારસરણીઃ

આજનો યુગ એ સાચા માર્ગનો રહ્યો નથી. અત્યારે તમે સારું અને સાચું કરવા જાઓ તો તમને ઘણાં વિધ્ન આવે છે. સાચો માર્ગ કોઇને ગમતો નથી.
“સારા કામમાં સો વિધ્ન,”

સારું કામ કરો તો ઘણી મુશ્કેલી આવતી હોય છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને હઇસ્કૂલ ટોપ ઉપર લાવવમાં સાહેબની મહત્વની ભૂમિકા હતી.
ઉચ્ચ વિચારો ધરાવતા હોવાથી કુદરત પણ સાથ અપતી હોય છે. બાળકોને શિક્ષણ થકી અને સમાજને આગળ લાવવા ખૂબ જ પ્રયત્નશીલ રહ્યાં હતા.
ચાણકયે સાચું જ કહ્યુ છે…

“શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઓર નિર્માણ ઉનકી ગોદમે પલતે હૈ”

નિવૃત અને તંદુરસ્ત જીવનઃ

કર્મચારી વયના કારણે નિવૃત થાય છે. પણ માનસિક રીતે તે પ્રવૃતિશીલ હોય છે. તેનું ઉતમ ઉદાહરણ સાહેબ છે. નિવૃતિ પછી પણ અમારા ગામ તેમજ આજુબાજુના ગામના લોકો સાથે સંપર્કમાં રહીને પ્રેરણા અને માગદર્શન આપતા રહે છે. તેઓ તંદુરસ્ત જીવન જીવી રહ્યાં છે. ભગવાનને એવી પ્રાર્થના કે તેઓની તંદુરસ્તી જળવાઇ રહે અને સમાજ અને સંસ્થાને સતત માર્ગદર્શન અને રાહબર પૂરું પાડતા રહે તેવી આશા રાખું છું.

ઉપસંહારઃ

બાળકોને સચોટ અને યોગ્ય માર્ગદર્શન આપવું તે દરેક શિક્ષકની પ્રાથમિકતા હોવી જોઇએ, અમારી શાળામાં શિક્ષણ રૂપી જ્યોતને ઝળહળતી રાખનાર નારાયણભાઇ પટેલ આજીવન શિક્ષક રહ્યાં.

મારા જીવનમાં પ્રકાશ ફેલાવનાર એ શિક્ષકને કેમ ભૂલું? તેમના જીવનમાંથી પણ હું ઘણું શીખ્યો છું. તેમના નિયમિતતા, ધગશ, શિસ્ત, ચીવટ, સાદગી, નિખાલસતા, વિદ્યાર્થીઓ પ્રત્યે તેમનો પ્રેમ, બીજાને મદદરૂપ થવાની તેમની ભાવના જેવા ગુણોથી હું ખૂબ પ્રભાવિત થયો છું. તે ગુણોને સદાય મારા જીવનમાં ઉતારવા માટે પ્રયત્નશિલ રહું છું. આજે શિક્ષણનો વ્યવસાય કમાણીનું સાધન બની ગયો છે. ત્યારે નિસ્વાર્થભાવે જીવનપથ ઉજાવનાર મારા સેવાભાવી આદર્શ ગુરૂને કેમ ભૂલી શકુ?