એવું મનાય છે કે આધુનિક પેઢીનાં બાળકોની બુદ્ધિમત્તા આગલી પેઢી કરતાં ઘણી વધી ગઈ છે. નવી પેઢીને કૅલ્ક્યુલેટર અને કૉમ્પ્યૂટર જેવાં વૈજ્ઞાનિક સાધનોની કૃત્રિમ બુદ્ધિ (આર્ટીફિસિયલ ઈન્ટેલિજન્સ)પણ મદદે આવે છે. દરેક માબાપ એવું ઇચ્છે છે કે એમનું સંતાન આગવું બને, પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા મેળવે, ડૉક્ટર કે ઈજનેર બને, નાસામાં કામ કરે અને દુનિયામાં પોતાનું ને માબાપનું નામ રોશન કરે. બાળક નાનું હોય અને ભાખોડિયાં ભરતું હોય ત્યારથી જ માબાપ એની અંદર બુદ્ધિના ચમકારા શોધતાં થઈ જાય છે.

પણ માત્ર બુદ્ધિશાળી હોવું પૂરતું નથી. મનોવિજ્ઞાનમાં છેલ્લાં ૨૫ વર્ષમાં એક નવા પ્રકારની પ્રતિભાની વાત કરવામાં આવે છે. આ પ્રતિભાને ભાવનાત્મક પ્રતિભા અથવા ઈમોશનલ ઈન્ટેલિજન્સ કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના મનોવિજ્ઞાની ર્‌યુવેર બાર—ઑન આ ઈમોશનલ ઈન્ટેલિજન્સ શબ્દના જનક છે, પરંતુ જ્‌હૉન માયેર અને પીટર સેલોવી નામના બે અમેરિકી મનોવિજ્ઞાનીઓએ ૧૯૯૦માં “ઈમેજિનેશન, કૉગ્નિશન ઍન્ડ ઈન્ટેલિજન્સ” નામની જર્નલમાં એક શકવર્તી લેખ પ્રગટ કર્યો ત્યારપછી દુનિયાનું ધ્યાન એના તરફ વિશેષરૂપે આકર્ષિત થયું છે. ડેનિયલ ગોલમેન નામના એક મનોવિજ્ઞાનીએ ૧૯૯૫માં એક પુસ્તક લખેલું, જેનું શીર્ષક હતું “ઈમોશનલ ઈન્ટેલિજન્સ, વ્હાય ઈટ મૅટર્સ મૉર ધેન આઈ. ક્યૂ.”. આ પુસ્તકની લાખો નકલો આજદિન સુધીમાં વિશ્વભરમાં સઘળે ઠેકાણે વેચાઈ ચૂકી છે. બુદ્ધિપ્રતિભા એટલે કે આઈ. ક્યૂ.ના સ્થાને ઈમોશનલ ઈન્ટેલિજન્સની નવીન વાતને વધારે લોકપ્રિય બનાવવાનો શ્રેય આ પુસ્તકને જાય છે.

બુદ્ધિશક્તિ અને લાગણી શક્તિ એ બેમાં પાયાનો તફાવત છે. વ્યક્તિ પોતાની લાગણીઓને ઓળખે, અન્યની લાગણીઓને પણ પારખે અને સમજે, પોતાની લાગણીઓની સ્વસ્થ અભિવ્યક્તિ કરી શકે, એકબીજા સાથેના વ્યવહારમાં સારીમાઠી લાગણીઓને કાબૂમાં રાખી શકે, અને તેમનો સકારાત્મક રીતે ઉપયોગ કરી શકે એને ભાવનાત્મક પ્રતિભા કહેવામાં આવે છે. ખાસ કરીને બીજાની લાગણીઓને સમજીને તદનુરૂપ વ્યવહાર કરવો એ ખૂબ મોટી આવડત છે. લાગણીઓ નિરપેક્ષ છે, પણ એમનો ઉપયોગ અને એમની અભિવ્યક્તિ શી રીતે કરવામાં આવે છે એના આધારે એમનું સારી અને માઠી એમ બે પ્રકારમાં વર્ગીકરણ કરવામાં આવે છે. ગુસ્સા જેવી લાગણીઓ અતિ બળવાન હોય છે. એના પર કાબૂ રાખવો અત્યંત કઠિન છે. એને વશમાં રાખવો અને એકમેકના સંબંધ કે હાથમાં લીધેલા કામ પર એની બૂરી અસર ન થવા દેવી એ આવડત છે, જે જૂજ લોકોમાં જોવા મળે છે, પણ પોતાના લાગણીતંત્ર પર એ કાબૂ રાખી શકતાં નથી. વાતવાતમાં એ આક્રમક બની જાય છે. પોતાની વિફળતાને એ છુપાવી શકતાં નથી. હતાશા, ગુસ્સો અને આક્રમકતા એ આજની પેઢીના શત્રુઓ છે. જીવનમાં સુખી થવા માટે અને સફળ બનવા માટે લાગણીઓ પર નિયંત્રણ મેળવતાં શીખવું ખૂબ જરૂરી છે. વાત માત્ર પોતાની લાગણીઓ પૂરતી મર્યાદિત નથી, અન્યની લાગણીઓને સમજવી અને એને આદર આપવો એ પણ ભાવનાત્મક પ્રતિભાનું એક મહત્ત્વનું અંગ છે. આને સમાનુભૂતિ (empathy) કહેવામાં આવે છે. પોતાની અને અન્યની લાગણીઓને સમજનાર અને તેને અનુરૂપ વ્યવહાર કરનાર વ્યક્તિ સંબંધોની ગૂંચને તરત ઉકેલવાની આવડત ધરાવે છે. કઠિન પરિસ્થિતિમાં એ હારતી નથી અને પોતાના કામને તેમજ ધ્યેયને વળગી રહેવાનો ગુણ ધરાવતી હોય છે. લાગણીઓ પર નિયંત્રણ ધરાવનાર વ્યક્તિ પોતાના વર્તન—વ્યવહારને કાબૂમાં રાખી શકે છે. આજના સમયમાં બાળકને આ શીખવવું જરૂરી છે. એ કેવળ “પુસ્તકિયો કીડો” બને તે ન ચાલે. પાઠયપુસ્તકો ગોખી કાઢે, ગણિતના દાખલાઓ પળવારમાં ઉકેલી કાઢે, અઘરા શબ્દોની જોડણીઓ કડકડાટ બોલી બતાવે અને પરીક્ષામાં ઊંચામાં ઊંચી રૅન્ક લાવી બતાવે એ પરીક્ષામાં સારા ગુણ લાવવા માટે, શાળા કે કૉલેજમાં પ્રવેશ મેળવવા માટે તેમ જ નોકરી—વ્યવસાયમાં આગળ આવવા માટે આવશ્યક હોઈ શકે છે, પણ જીવનમાં સુખી અને સફળ બનવા માટે કામનું નથી.

સારીમાઠી લાગણીઆોનો ઉદ્‌ભવ સામાજિક પરિસ્થિતિ અનુસાર થતો હોય છે. માણસનું વર્તન એનું લાગણીતંત્ર નક્કી કરે છે. બાળકને એની લાગણી અને એના વર્તનની વચ્ચેનો સંબંધ નક્કી કરવાની આવડત શીખવાડવી જોઈએ. ગુસ્સા જેવી ઉગ્ર લાગણીનો ભોગ બનીને વ્યક્તિ પોતાના વર્તન—વ્યવહાર પર કાબૂ ગુમાવી બેસે છે. એના તત્કાળ અને લાંબા ગાળાનાં માઠાં પરિણામો એણે ભોગવવાં પડે છે. જો આ પરિણામોને નજર સમક્ષ રાખીને વ્યક્તિ પોતાનું વર્તન ગોઠવે તો આવાં પરિણામોથી એ ઊગરી શકે છે. એટલે બાળકને એના ઘડતર અને ઉછેરનાં વર્ષો દરમિયાન લાગણીઓ અને વર્તાવની વચ્ચેનો સંબંધ જોડતાં શીખવવું ઉપયોગી છે. સાથે સહાનુભૂતિ કે અનુકંપા જેવી લાગણીઓ પરસ્પરના સંબંધમાં શી રીતે સહાયકારી થઈ શકે છે તેનો એને ખ્યાલ આપવો જોઈએ. દાખલા તરીકે, બાલવાડીમાં જતા ચાર વર્ષના બાળકને એ ધ્યાનમાં આવે છે કે એના ક્લાસના અન્ય કોઈ બાળકનું મોં પડેલું છે અને એના ચહેરા પર દુઃખ દૂર થઈને ખુશી પાછી આવી કે નહીં એની ખાતરી કરી શકે છે. આ ગુણ સહજ નથી, બાળકની અંદર તેનાં માબાપે કેળવવો રહે છે.

સંવેદનશીલતા અને લાગણીશીલતામાં તફાવત છે. કોઈનું દુઃખ જાઈને હૃદય દ્રવી ઊઠે, અનુકંપા પેદા થાય તે સંવેદનશીલતા છે. બાળકમાં આ ગુણ ઇચ્છનીય છે. પણ નાની નાની વાત પર માઠું લાગી જાય, આંખમાં આંસુ આવે અને રીસ ચઢી જાય તે લાગણીશીલતા કે લાગણીવશતા છે. આ ગુણ નબળાઈસૂચક છે. પણ બીજાનું દુઃખ જોઈને રુંવાડું ન ફરકે તે ન ચાલે, આવી વ્યક્તિઓને આપણે જાડી ચામડીના ઈન્સાન કહીએ છીએ. જે બાળકો શ્રીમંતાઈમાં ઊછરે છે તે આવાં બની શકે છે. ચીજવસ્તુઓની વગર માગે છોળ થાય તો તે બાળકને સ્વકેન્દ્રી અને સ્વાર્થી બનાવી મૂકે છે. સમાજમાં અનેક બાળકો અભાવની પરિસ્થિતિમાં ઊછરી રહ્યાં છે. આનો બાળકને ખ્યાલ આપવો જોઈએ. જરૂરિયાતમંદ બાળકો અને વ્યક્તિઓને મદદરૂપ થવાનો ગુણ દરેક બાળકમાં નાનપણથી જ કેળવવો જરૂરી છે.

સંવેદનશીલતા અને લાગણીશીલતા એ આપણા મોટા મગજના જમણા ગોળાર્ધનું કાર્ય છે. છોકરાઓની સરખામણીમાં છોકરીઓ વધારે લાગણીશીલ અને સંવેદનશીલ હોય છે. ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં નામના મેળવેલી વ્યક્તિઓ ઘણીવાર સામાજિક સંબંધો અને લાગણીઓની બાબતમાં નબળા હોવાનું જોવા મળે છે. વિજ્ઞાન અને ગણિત તર્ક સાથે સંકળાયેલા વિષયો છે. તર્ક સંબંધિત કામગીરી આપણું ડાબું મગજ કરે છે. બાળકોની પૂર્વપ્રાથમિક શિક્ષિકાઓ જમણા મગજથી પ્રેરિત હોવી જોઈએ. જે એમની સાથે લાગણીથી કામ કરી—કઢાવી શકે. પિતા કરતાં માતા બાળકની જરૂરિયાતો અને લાગણીઓને વધારે સારી રીતે સમજી શકે છે. બાળકની નાની અમથી તકલીફ જોઈને માતાની આંખોમાંથી આંસુ નીકળી આવે છે, જ્યારે પિતા બાળક સાથે કઠોર વર્તાવ કરી શકે છે. મા આવું ન કરી શકે. બાળકને ભૌતિકશાસ્ત્રી, ગણિતજ્ઞ કે સંશોધનકાર બનાવવું હોય તો એના ડાબા મગજનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ આપવી જોઈએ. સેલ્સમેન, સંગીતજ્ઞ કે ચિત્રકારો જમણા મગજથી કામ કરનારા હોય છે. સામાજિક ઉછેર અને શાળાશિક્ષણ દરમિયાન બાળકોની અંદર રહેલી કલાત્મક ક્ષમતાઓને કચડી નાંખવામાં આવે છે. આવું શિક્ષણ એમના જમણા મગજ માટે પોષક નથી. દરેક માબાપ પોતાના બાળકને ડૉક્ટર કે ઈજનેર બનાવવા ઇચ્છે છે; તે સંગીત કે કળાના ક્ષેત્રમાં નામના કાઢે એવી મહત્ત્વાકાંક્ષા આજના સમયમાં જોવા મળતી નથી. વિજ્ઞાનને અને લાગણીતંત્રના સ્વાસ્થ્યને સીધો સંબંધ નથી.

મનોવિજ્ઞાનીઓના મતે જ્ઞાનાત્મક શક્તિ અને ભાવનાત્મક પ્રખરતાની વચ્ચે ફરક છે. ભાવનાત્મક ક્ષમતામાં સામાજિક સંબંધ તેમજ વ્યક્તિત્વને લગતાં પાસાઓનો સમાવેશ થાય છે. આત્મ—વિશ્વાસ, પરગજુપણું અને સામેનાને માન આપવું તે ભાવનાત્મક પ્રતિભા સૂચવતા ગુણો છે. જ્ઞાનાત્મક શક્તિનો અંદાજ બાળકની યાદદાસ્ત, શબ્દભંડોળ, ગાણિતિક આવડત, ભાષા, સમસ્યાઓનો ઉકેલ કાઢવાની શક્તિ તથા અમૂર્ત વિચારશક્તિની ચકાસણીના આધારે કાઢવામાં આવે છે. પણ એનાથી બાળકની લાગણીક્ષમતાનું માપ નીકળતું નથી. ઈમોશનલ ઈન્ટેલિજન્સ ક્વોશન્ટ (ઈ. ક્યૂ.) કહેવામાં આવે છે. પણ એનાથી બાળકની લાગણીક્ષમતાનું માપ નીકળતું નથી. ઈમોશનલ ઈન્ટેલિજન્સ આંકડામાં માપી શકાતી નથી. છતાં વ્યવહારમાં છેલ્લાં થોડાં વર્ષોમાં ઈમોશનલ ક્વોશન્ટ (ઈ. ક્યૂ.) શબ્દ ચલણી બન્યો છે. આઈ. ક્યૂ. અને ઈ. ક્યૂ. એ બે અલગ ક્ષમતાઓ જરૂર છે, પણ વ્યક્તિની પ્રતિભામાં બન્નેની પરસ્પર પૂરક ભૂમિકાઓ રહેલી છે.

બાળકની લાગણીશક્તિનો વિકાસ કરવાનું કામ માબાપ જ ઉત્તમ રીતે કરી શકે છે. એની ભાવિ સુખાકારી, સ્વસ્થતા તેમજ સફળ જિંદગી માટે મહત્ત્વ એની જ્ઞાનાત્મક બુદ્ધિપ્રતિભાનું છે તેટલું જ ભાવનાત્મક બુદ્ધિશક્તિનું છે. એનું મહત્ત્વ ઓછું ન અંકાવું જોઈએ. બુદ્ધિશાળી માબાપનાં સંતાનો લાગણીતંત્રનું નિયંત્રણ ન પણ શીખી શકે. બાળક સાથે અત્યંત કઠોર કે તોછડું વલણ ધારણ ન કરાય. બાળકને માબાપે પોતાના નિર્ણયો જણાવવા જોઈએ. એનાં કારણો સમજાવવાં જોઈએ. એમને સ્વતંત્ર બનવામાં સહાયતા કરવી જોઈએ. જાતનિર્ણય લેતાં કરવાં જોઈએ. પોતાનાં કાર્યો અને નિર્ણયો માટે જવાબદાર બનાવવાં જોઈએ. ઘરમાં, સ્કૂલમાં અને સામુદાયિક સ્તરે જવાબદારીઓ સોંપવી જોઈએ. એને જરૂરિયાતમંદોનાં સેવાકાર્યોમાં જોડવું જોઈએ. આનાથી એ સ્વતંત્ર બને છે. એનો આત્મવિશ્વાસ વધે છે. એની અંદર આત્મસન્માનની લાગણી પોષાય છે. એની કલ્પનાશક્તિને પ્રોત્સાહન મળે છે. એની અંદર સહાનુભૂતિ અને સામાજિક અનુકૂલનના ગુણો કેળવાય છે. આ સઘળા ગુણો ભાવનાત્મક પ્રખરતાના પોષક છે.

માબાપ તરીકે બાળકની નકારાત્મક વર્તણૂકને વધારે પડતું મહત્ત્વ ન આપો. એને બદલે એના સારા ગુણો અને વર્તનની કદર કરો. એની સિદ્ધિઓને વખાણો. એને એની સફળતા, નિષ્ફળતા, સારી કે માઠી લાગણીઓ વ્યક્ત કરવા માટે પ્રોત્સાહિત કરો. કોઈ હિસાબે એને એની લાગણીને દબાવવાની કે સંતાડવાની કુટેવ ન પાડો. અને એનો ગુસ્સો પણ સ્વસ્થ રીતે વ્યક્ત કરવા દો. આ માટે માબાપ તરીકે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડો. તમારી પોતાની લાગણીઓની પણ એમની સાથે ખુલ્લા દિલથી વાત કરો. આ રીતે જ એ બીજાઓની લાગણીઓને સમજતાં, સ્વીકારતાં અને એનો આદર કરતાં શીખશે. લાગણીતંત્રની સ્થિરતા ધરાવતાં બાળકો સંબંધોની ગૂંચ તેમજ જીવનની સમસ્યાઓને ઉકેલવાની આગવી સૂઝ ધરાવતાં હોય છે.

જીવનના પડકારો અને મુશ્કેલીઓનો સ્વસ્થ બનીને મુકાબલો કરવા માટે એમનું લાગણીતંત્ર સાબૂત હોવું જોઈએ. કૂવામાં હોય તે હવાડામાં આવે એ ન્યાયે બાળકની અંદર ભાવનાત્મક પ્રતિભાશક્તિનો વિકાસ કરવાની આકાંક્ષા ધરાવનાર માબાપે પ્રથમ પોતાની અંદર આ ક્ષમતાની ખાતરી કરવી જરૂરી છે. જ્ઞાનાત્મક ક્ષમતા વારસામાં ઊતરી શકે છે, પણ ભાવનાત્મક પ્રતિભા તો બાળકની કેળવણીનો વિષય છે.