બાળકોનાં કામો માત્ર શારીરિક — હાથપગનાં જ હોય છે એમ નથી. તેઓ પોતાના મનને પણ આખો દિવસ કસતાં હોય છે. આપણે કોઈ ગંભીર કોયડા ઉકેલતા હોઈએ ત્યારે આપણું મગજ થોડા કલાક કામ કરતાં થાકી જાય છે. બાળક સામાન્ય રીતે આંખે જુએ છે, કાને સાંભળે છે, સ્પર્શ કરી કરીને ઓળખે છે, એ બધું તેને માટે સામાન્ય જોવું, સાંભળવું કે અડવું નથી. તેને માટે તો તે બધું નવા નવા કોયડા ઉકેલવા રૂપ છે. આંખથી તે કશુંક જુએ છે ત્યારે તે શું છે, કેટલે છેટે છે, આવે છે કે જાય છે, વગેરે અનેક કોયડા ઉકેલવા તેની બુદ્ધિ એક ધ્યાન થઈને મંથન કરે છે. આપણું બોલવું સાંભળે છે ત્યારે તેની બુદ્ધિ આપણા ભાષણમાંથી ભાષાના ભેદો ઉકેલવા મથી રહી હોય છે. કયા ઉચ્ચારનો કયો અર્થ એ શોધવું, આગળ સાંભળેલા શબ્દના સ્મરણ સાથે તેને સરખાવતાં રહેવું, અનુમાનમાં ભૂલ થાય ત્યારે અંદરથી અકળાવું અને છેવટે ભૂલ સુધારી લેવી એ રીતે તેનું મંથન ચાલતું રહે છે. વળી આપણે તો અનેક પ્રકારની સીધી અને વક્ર ઉક્તિઓ કરતા હોઈએ છીએ, તેમાં અનેક અલંકારો અને રસો વાપરતાં હોઈએ છીએ. તે બધું સમજી સાંભળેલ ભાષણનો યથાર્થ અર્થ સમજવો — આ તેને માટે કેટલું માનસિક પરિશ્રમનું કામ છે! કોઈ ગણિતશાસ્ત્રી ગણિતનાં ઉદાહરણો ગણે કે કોઈ લેખક નિબંધ લખે કે કોઈ શોધક શોધખોળ પાછળ પડયો હોય એનાથી જરા પણ ઓછો બૌદ્ધિક પરિશ્રમ બાળક કરતું નથી.

વધારામાં કાનથી સાંભળી તેવી જ ભાષા પોતાની જીભમાં ઉતારવાની બાળકને હોંશ છે. જીભને વાળી વાળીને જુદા જુદા ઉચ્ચારો કરતાં શીખવું, પછી શબ્દો અને વાક્યો બોલવાં, અને એમ ક્રમે ક્રમે આપણા જેવું જ અનેક રસો અને અલંકારોથી ભરેલું બોલવું અને પોતાના મનમાં ઊઠતા વિચારો તેમાં ઉતારવા — આ બધું બાળકને માટે એકધારા અને તીવ્ર પરિશ્રમરૂપ છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે આવો પરિશ્રમ સતત થોડો વખત કરવાથી બાળક થાકી જાય છે અને થાકને લીધે ઊંઘી જાય છે. સૌને અનુભવ છે કે શરીરનાં કામોનો થાક લાગે છે તેના કરતાં બુદ્ધિનાં કામોનો થાક ચડી જાય તેવો હોય છે.

માતાઓ અને બાલશિક્ષિકાઓ જો મોન્ટીસોરીની આ વાત સમજી જાય તો બાળકો પ્રત્યેની તેમની નજર કેટલી બધી બદલાઈ જાય! તેઓ તેમનાં મંથનોને રમત ગણી હસી કાઢે નહિ કે તોફાનો ગણી દાબે નહિ. પરંતુ પૂર્ણ સહાનુભૂતિથી તેમનું અવલોકન કરે. તેમના પરિશ્રમ દરમિયાન તેઓ વખતોવખત નાની નાની સિદ્ધિઓ પ્રાપ્ત કરે ત્યારે હર્ષથી તેમને વધાવે, અભિનંદન આપે. ક્યારેક ખરી તકે ખરી મદદ સહેજ સાજ પહોંચાડી તેમને ઉત્તેજન પણ આપતા રહે.

ડૉ. મોન્ટીસોરીની આ દૃષ્ટિનો ખ્યાલ ન હોવાથી આપણાં કુટુંબોમાં અને બાલવાડીઓમાં બાળકોની કેવી દુર્દશા થાય છે તે વિચારવા જેવું છે. માતાઓ ઇચ્છે છે કે કોઈ આવે જાય ત્યારે તેમનાં બાળકો ડાહ્યાંડમરાં થઈને મૂંગાં બેસી રહે. હિલચાલો કે ચાળાઓ ન કરે, મોટાઓ કંઈક હસવા જેવી વાતો કરે તો પણ તેઓ હસે નહિ, અને વચ્ચે બોલે તો નહિ જ. શાળઓમાં પણ બાળકો વચ્ચે બોલે, પૂછે કે હસે કે ટીકાટિપ્પણી કરે તો શિક્ષકો તે સહન કરી શકતાં નથી. તેમાં બાળકોએ તોફાન કર્યું, ઉદ્ધતાઈ બતાવી, શિસ્તનો ભંગ કર્યો, શિક્ષકનું અપમાન કર્યું એમ તેમને લાગી જાય છે!

પછી બાળકો મોટાં થાય ત્યારે તેઓ બીકણ અને શરમાળ બને તેમાં કોનો દોષ? તેઓ કોઈપણ કળાહુન્નર વગરનાં અને ખરે વખતે ખરાં કામ કરવાની સૂઝ વગરનાં થાય તેમાં પણ કોનો દોષ?

મેડમ મોન્ટીસોરી પોતાના પ્રાથમિક શાળા વખતના એક શિક્ષકનો રમૂજી દાખલો ટાંકી આ વિચાર આપણને સમજાવે છેઃ એ શિક્ષક શિસ્તના બહુ જ આગ્રહી હોઈ બાળકોને વર્ગમાં પૂતળાની જેમ કલાકો સુધી બેસાડતા, અને પછી અમે સૌ હોંશિયાર અને બહાદુર બનીએ તે માટે જાતજાતનાં કથા પુરાણોનાં દૃષ્ટંતો અમારી પાસે બહુ જ ગંભીરભાવથી કહેતા.

એ રીતે એક વાર ઘણી બધી વીરાંગનાઓની કથાઓ અમારી પાસે તેમણે કરી પછી અમને તે કથાઓ યાદ કરાવવા માટે તેમાંથી અમને પ્રશ્નો પૂછતા જાય. વળી વચ્ચે અમને પૂછતા જાય; “કેમ મારી વહાલી દીકરીઓ, તમે આવી વીરાંગનાઓ થશો ને? થજો, થજો, જરૂર થજો હોં!”

એક વાર તેમણે નાની મેરીઆને (મોન્ટેસોરીને) પણ ભારે આશાપૂવર્ક આવો પ્રશ્ન પૂછયો : “બોલ; બેટા! તારે પણ એવી વીરાંગના થવું છે ને?”

મોન્ટીસોરી કહે છે, હું તો આ બધી વાર્તાઓ ગોખી ગોખીને હેરાન થઈ ગઈ હતી. એટલે મેં તો તે ભલા શિક્ષકને કહી દીધું : “ના, ભાઈ સાહેબ! મારે એવી વીરાંગના થવું નથી. હું વીરાંગના થાઉં તો બિચારી નિશાળની નાની નાની છોકરીઓને પાછી મારી એક વધારે વાર્તા મોઢે કરવી પડે!”

મોન્ટેસોરી તો એક શિક્ષિકા સાથે એક વિજ્ઞાની પણ રહ્યાં. તેઓ કહે છે. કોઈ છોકરો કે છોકરી સાહસવીર થાય એમ આપણે ઇચ્છતાં હોઈએ તો તેમને તે માટેની સાચી તાલીમ આપવી જોઈએ. પ્રથમ તેમનાં શરીરો મજબૂત અને ચપળ થાય તે માટે તેમને રમતગમત અને વ્યાયામ કરવાની ટેવ પાડવી જોઈએ. વળી તેમનામાં સાહસ કરવાની હિંમત તો જ આવે, જો દુઃખિતો પ્રત્યે તેમની લાગણી કેળવાઈ હોય. તેથી તેવા લોકો વચ્ચે જઈને તેમને મદદરૂપ થવાની પણ તાલીમ આપવી જોઈએ. એમ કરવાને બદલે જૂના જમાનાના શિક્ષકો શું કરતાં હોય છે? તેઓ બાળકોને પૂતળાની જેમ બેસાડી રાખે છે, ચૂંચાં કરવા દેતા નથી, તેમના શરીરને જકડાવી નાખે છે. અને પછી તેમના કાનમાં મોટા મોટા મલ્લો અને યોદ્ધાઓની કહાણીઓ ભરે છે. મોન્ટેસોરીનું માનવું ખરું છે કે આ તો બાળકોને સાહસી અને વીર બનાવવાની નહિ પણ એથી ઊલટા જ બનાવવાની કેળવણી થઈ!

લેખકના પુસ્તક : “બાલવાડી”માંથી સારવીને