હે જગત! મારા સંતાનને આંગળી ઝાલીને દોરજે. આજે તેણે શાળાએ જવાનો આરંભ કર્યો છે. એને પુસ્તકોની અદ્‌ભુત દુનિયાનાં દર્શન કરાવજે. આકાશમાં ઊંચે ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગીતો ગાતી મધમાખીઓ અને લીલા ડુંગરો ઉપર ઝૂલતાં પુષ્પોનું શાશ્વત તત્ત્વ શોધવા એને થોડી નિરાંતનો સમય આપજે, મારી લાગણી તને વધુ પડતી લાગે, પણ…

હે જગત! બની શકે એટલું તું કરી છૂટજે,
કારણ કે એ મારું નાનકડું સંતાન છે.

— અબ્રાહ્ન લિંકન

               
બાલવાડી/આંગણવાડી કે બાલમંદિરના વર્ગો એ નિશાળ નથી પણ નિશાળના શ્રીગણેશ કરાવનાર છે, પ્રાથમિક શાળાના પ્રથમ વર્ગમાં પ્રવેશવાનું પહેલું પગલું છે. બાલવાડી/આંગણવાડીમાં બાળક સહજ રીતે માતા—પિતાથી વિખૂટા પડી નવા વાતાવરણમાં કેવી રીતે પોતાની જાતને ગોઠવવી એ માટે પ્રયત્નશીલ હોય છે. આવા સમયે એની વહારે કોણ આવે?

“રાત્રી સપના જોવા મળે છે અને દિવસો સપના સાકાર કરવા માટે છે.” એવું કોઈનું કથન ખૂબ સાર્થક થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ — ૨૦૨૦ અગાઉથી કેટલીય રાત્રીઓના સપનાઓ જોયા પછીનો, સપનાંને સાકાર કરતો દિવસ છે. એ સૂર્યોદય લઈને આવી છે અને પેલા નાના બાળપુષ્પની વહારે થઈ છે. ગુજરાતમાં “મૂછાળી મા” ગિજુબાઈ બધેકાએ ૧૯૨૦માં પહેલ—વહેલું બાલમંદિર શરૂ કર્યું ત્યારથી જ તેના મંડાણ શરૂ થઈ ગયા હતા. એ પછી ઘણા બધા પ્રયત્નો અને પ્રયોગો જુદી—જુદી સંસ્થાઓ અને સરકાર દ્વારા થતા ગયા. જેમ કે પહેલાં પ્રાથમિક શાળામાં શાળાકીય પૂર્વતૈયારીનો સમય ટૂંકાગાળાનો હતો. હવે, એ પૂર્વતૈયારી માટે એક આખું વર્ષ મળશે. આ વર્ષમાં બાળકને આંગણવાડી/બાલવાડી/બાલવાટિકાની કક્ષાની થોડી ઊંચા પ્રકારની પણ વધુ સઘન પ્રવૃત્તિઓ આપવાથી બાળકનું પાયાના વર્ષોમાં ખૂબ મજબૂત ઘડતર થશે અને જેનાં પડઘા આપણને પાછળના કે ઉપલા ધોરણના કે જીવનના શિક્ષણમાં જોવા મળશે.

નાનાં બાળકોની સંભાળ અને શિક્ષણ જન્મથી આઠ વર્ષ સુધીની ઉંમરનાં બાળકોને આવરી લે છે. સમગ્ર વિશ્વનાં સંશોધનો બતાવે છે કે બાળકોનાં સર્વાંગી વિકાસ માટે શરૂઆતનાં વર્ષો ખૂબ મહત્ત્વનાં હોય છે. શરૂઆતનાં વર્ષો બાળકોમાં જોવા મળતાં કૌશલ્યો, ક્ષમતાઓ અને વર્તણૂંક માટે પાયાના વર્ષો છે.

આંગણવાડી/બાલવાડી/બાલવાટિકાનાં  ત્રણ  વર્ષો  અને  પ્રાથમિક  શાળાના પહેલા  અને બીજા ધોરણના બે વર્ષોને ભેગા કરીને પાંચ વર્ષો પાયાના વર્ષો (Founder Years) તરીકે મૂકાતા હવે, બાળશિક્ષણ, ઘડતરનો પાયો ખૂબ મજબૂત બનશે.

આ વર્ષો બાળકના મગજના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનાં છે. આ વર્ષો દરમ્યાન ઈન્દ્રિયો તથા સ્નાયુઓની ક્રિયાઓને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ દ્વારા બાળકના મગજનો વિકાસ ખૂબ સારો થાય છે, એવું સંશોધનો જણાવે છે.

ત્રણથી છ વર્ષનો ગાળોબાલમંદિર/આંગણવાડી/બાલવાટિકા

  • બાળકના ઘર અને બાલવાડી/બાલવાટિકાને જોડતી કડી છે.
  • શાળાએ જતાં પહેલાંની પૂર્વતૈયારી છે.
  • પહેલાં ધોરણ અને આગળના શિક્ષણ માટે બાળકને તૈયાર કરનાર છે.
  • બાળકના સર્વાંગી વિકાસ એટલે કે શારીરિક વિકાસ, માનસિક વિકાસ, સર્વાંગિક વિકાસ, ભાષા વિકાસ, સામાજિક વિકાસ અને રચનાત્મક વિકાસ ઉપર ધ્યાન આપશે.
  • બાળક રમત—ગમત રમવાનાં સાધનો, વાર્તાઓ, અભિનય, નૃત્ય, સંગીત, માટીકામ, પાણીની રમતો દ્વારા પોતાની કલ્પનાઓ અને જિજ્ઞાસાઓને સંતોષશે.
  • બાળક નવા વાતાવરણ સાથે સમાયોજન સાધશે.
  • બાળકના આત્મવિશ્વાસનો પાયો બાંધશે.
  • બાળકના સહકાર અને મેત્રીભાવના વિકસિત કરશે.

 

બાલમંદિર/બાલવાટિકા બાળકના જીવન ઘડતરનો પાયો છે. શ્રી મનુભાઈ પંચોલી “દર્શક”ના મત મુજબ આ ગાળો “શાંતિના વાવેતર”નો છે. એ પાયા ઉપર વિશ્વશાંતિના બીજ વવાય છે. એ પાયા ઉપર બાળક શાળામાં પ્રયોગ પામી શિક્ષણ અને જીવનનાં અનેક ક્ષેત્રોમાં આગળ વધશે.

આંગણવાડી/બાલવાટિકાનો તબક્કો પૂરો થતાં બાળક ઔપચારિક શિક્ષણ મેળવવા તૈયાર થાય એવી ભૂમિકામાં આવે. આ બાલવાડીથી પ્રાથમિક શાળામાં પ્રવેશવાનો નાજુક સમયગાળો જો હર્યો—ભર્યો મળે તો બાળક શાળામાં ટકી જશે.

આ શાળા શિક્ષણ માટે બાળકને ધાવણની ભાષા—માતૃભાષામાં, સ્વ—બોલી દ્વારા ઘરોબો બંધાશે તો એને ગમશે—ફાવશે. બાળકની જિજ્ઞાસા સંતોષાય, એની શોધ—ખોળની વૃત્તિને સંતોષ મળે, એની પાંચ ઈન્દ્રિયોનો ભરપૂર ઉપયોગ થાય અને એના કર્ણને તૈયાર કરે તેવી પ્રવૃત્તિઓ જેવી કે જોડકણાં, ગીતો, અભિનયગીતો, ઊખાણાં, વાર્તાઓ, નાટકો, રંગબેરંગી કાગળની પ્રવૃત્તિઓ, સરખામણીની પ્રવૃત્તિઓ, ભેદ—પરખની પ્રવૃત્તિઓ, પઝલ, સ્મૃતિ રમતો, મેદાનની રમતો, નાના—નાના પ્રયોગો, જાડું—પાતળું, લાંબુ—ટૂંકું, ઊંચું—નીચું, ઉપર—નીચે, આગળ—પાછળનો ભેદ સમજાય તેવી પ્રવૃત્તિઓ, સ્વ—ઓળખ થાય. દેશ—રાષ્ટ્ર ભક્તિ વધે તેવી પ્રવૃત્તિઓ, પ્રકૃત્તિપ્રેમ વધે તેવી પ્રવૃત્તિઓ, આત્મવિશ્વાસ વધે તેવા પ્રકારની પ્રવૃત્તિઓ મળી જાય તો મજા—મજા પડી જાય. બાળકના હાથ—પગના સ્નાયુઓના વિકાસ માટે રેતી, પાણી, માટી, હિંચકા, લપસણાં, ઊંચક—નીચક, જંગલજીમ મળી જાય તો બાળક જમવાનુંય ભૂલી જાય! પણ, પૌષ્ટિક નાસ્તાની/જમવાની પણ જરૂરિયાત તો ખરી જ ખરી! રંગ અને પીંછી મળે તો એકપણ બાળક ચિત્રકાર બનવામાંથી પાછું નહિ પડે!

શાળા શિક્ષણમાં બાળક સ્વાવલંબી બને તેવી પ્રવૃત્તિઓ જેવી કે બટન બીડવા, દોરી બાંધવી, ગાંઠ મારવી, મહેમાનોને પાણી આપવું, કચરો વાળવો, પોતું મારવું, કપડાંની ગડી વાળવી, બૂટ—ચંપલ ગોઠવવા, બૂટ પોલિસ કરવી, શાક ફોલવું વગેરે જોડાય તો “સોને પે સુહાગા” થઈ જાય.

સાથે—સાથે અક્ષરજ્ઞાન અને અંકજ્ઞાન (રમતાં—રમતાં) બની જાય તો બાળકોની શાળામાં પોતાની માનસિક—શારીરિક ભૂખ સંતોષાય.

આખરે, જ્યારે બાળકને બાળક સાથે બાળક બની શકે એવા શિક્ષક દ્વારા આંનદમય શિક્ષણ પ્રાપ્ત થાય ત્યારે શાળા શિક્ષણ બોજ, ભાર, કંટાળો ન બનતાં સુખનો સૂરજ ઊગાડે છે. આ સંદર્ભે કલ્પના કરતાં બાળગીતની આ કડી યાદ આવે છે.

નાનાં અમે બાળકો કાલે મોટાં થાશું

સારાં સારાં કામ કરીને નામને દીપાવશું…

બાલદેવો ભવ

— મંત્રી, નૂતન બાલશિક્ષણ સંઘ, વડોદરા

— લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા

નવેમ્બર ૨૦૨૦ ના જીવન શિક્ષણ સામાયિકની બાલ મૂર્તિના સંપાદક રચનાબેન દવે અને  જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, વડોદરાના અધ્યાપક યાહ્યા સપાટવાલાનો છપાયેલ લેખ.