પહેલી ઓગસ્ટ ૧૯૨૦ના ઐતિહાસિક દિને કોઈપણ જાતની મોટી ધમાલ કે જાહેરાત વિના ભાવનગરમાં કાળા નાળા પાસે શ્રી આર.કે.મોદીના મકાનમાં ૪૦ બાળકોવાળી શિક્ષણ જગતમાં નવીન પ્રસ્થાન કરતી એક શાળાનું ભાવનગરના કેટલાક પ્રતિષ્ઠિત નાગરિકોની હાજરીમાં ઉદ્‌ઘાટન થયું.

ભાવનગરમાં શરૂ થયેલી આ નાનકડી શાળાના વડના ટેટામાં રહેલાં બીજ જેવી અખૂટ શક્યતાઓ રહેલી હતી, એનો એ વખતે કોઈને ભાગ્યે જ ખ્યાલ હોય

એ બાલમંદિરના સ્થાપક હતા, યુનિવર્સિટીની કોઈ ડીગ્રી વિનાના, શિક્ષણશાસ્ત્રની કોઈ મહાવિદ્યાલયમાં પદ્ધતિપૂર્વકની તાલીમ લીધા વિનાના , વ્યવસાયે વકીલ, પણ વકીલાત છોડી ૧૯૧૬થી દક્ષિણામૂર્તિમાં અધ્યાપક તરીકે જોડાઈ, એ સંસ્થાના સ્વયંસેવક બની અન્ય સ્વંયસેવકોની જેમ અલ્પ વેતને ફરજ બજાવતા નાનાભાઈ ભટ્ટના સાથી ગિજુભાઈ બધેકા “મુછાળીમા”.

બાલમંદિરના દૃષ્ટિવંત સર્જક ગિજુભાઈને બાળકોના તારણહાર તરીકે વખત જતાં આખું ભારત ઓળખશે એની તો આ બાલમંદિરની સ્થાપના વખતે કોઈને કલ્પના સરખી પણ નહિ હોય. પણ આજે જ્યારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ—૨૦૨૦માં એના પડઘા પડે છે ત્યારે આખું ગુજરાત ગર્વ અનુભવે છે. આ બાલમંદિરે પૂર્વ પ્રાથમિક શિક્ષણની એક નવી પરંપરા જ ઊભી કરી દીધી. બાળશિક્ષણના ક્ષેત્રમાં મૂલ્યવાન ક્રાંતિકારી પ્રદાન કર્યું.

“બાલમંદિરમાંથી શિક્ષાનો નાશ કરીને જગતમાંથી હિંસાનું, દબાણનું અને જુલમનું તત્ત્વ કાયમને માટે નાબૂદ કરવું છે. નવો યુગ સ્વરાજ્યનો છે. તેમાં હિંસા નહિ હોય તો પછી શાળામાં શિક્ષા ક્યાંથી રહેશે? કેમ રહેવી જોઈએ?” આવું ગિજુભાઈએ બાલમંદિરના શિક્ષકોને ઉદ્દેશીને કહ્યું હતું. આજે આ વાત આપણને રાષ્ટ્રીય નીતિ—૨૦૨૦માં જોવા મળે છે કે બાળકોને કોઈપણ પ્રકારની શિક્ષા મળવી ન જોઈએ, ન શારીરિક કે ન માનસિક. જો કે આ મુદ્દો અગાઉની નીતિઓમાં પણ સામેલ હતો જ.

ગિજુભાઈની શિક્ષણની ફિલસૂફીનો મુખ્ય વિચાર છે “સ્વાધીનતાનો.” “સ્વાધીનતા” શબ્દને આપણે “સ્વાવલંબન” શબ્દથી વિશેષ સ્પષ્ટ રીતે સમજી શકીશું. બાળકને બધું પોતાની જાતે કરવું છે. પાણી જાતે લેવું છે, કપડાં જાતે પહેરવાં છે, બૂટ—ચંપલ જાતે પહેરવાં છે, વગેરે વગેરે. આ બધી બાબતો શીખવવામાં અને તે અંગેની વ્યવસ્થા એમના બાલમંદિરમાં જોવા મળતી. રાષ્ટ્રીયનીતિમાં બતાવ્યા મુજબ આંગણવાડીના કેન્દ્રોને ઉચ્ચ ગુણવત્તાવાળાં ભૌતિક સંસાધનો, રમત—ગમતનાં અદ્યતન સાધનો પૂરાં પાડવામાં આવશે. જેનો અર્થ છે કે બાળકો પોતાની રીતે, યોગ્ય રીતે એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા પણ હશે ગિજુભાઈએ નાના મોટા બાલપ્રવાસો, પશુ—પંખીના ઉછેર, વૃક્ષો અને વનસ્પતિના પરિચય, આકાશના નક્ષત્રનો પરિચય, પતંગિયા ઉછેર, પક્ષીઓના માળા શોધવા અને ઈયળોનું અવલોકન કરવું — આવી અનેકવિધ પ્રવૃત્તિઓથી પોતાના બાલમંદિરને ભરી દીધું હતું. આ માટે પોતે તેના જાણકાર બન્યા. એને માટે બાલસાહિત્યમાં આ વિષયનાં પુસ્તકો પણ લખ્યાં અને લખાવ્યાં.

રાષ્ટ્રીય નીતિમાં જે બતાવવામાં આવ્યું કે બાળકોનું અધ્યયન પૂછપરછ આધારિત, શોધ આધારિત, ચર્ચા આધારિત અને અવલોકન આધારિત પદ્ધતિ સાથે જોડાય તો એ સંદર્ભે આપણે સમજી શકીએ છીએ કે ગિજુભાઈની આ બધી પ્રવૃત્તિઓ કેટકેટલી સાર્થક નીવડશે. એની સાથે સાથે બાળકના નૈતિક વિકાસ અને શીખવાની વૃત્તિ કેટલી પોષક બનશે. ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જોડીને બાળકો જીવનમાં તેને ઉતારી શકે. અર્થાત્‌ ૠષિમુનિઓના તપોવનમાં પ્રકૃતિને ખોળે ઊછરેલી ભારતીય સંસ્કૃતિને આ બધી વાતો માફક જ આવી જાયને?

ગિજુભાઈના બાલમંદિરમાં નાસ્તાની પ્રવૃત્તિ પણ શિક્ષણના પોષણના એક અગત્યના ભાગરૂપે ચાલે. ગિજુભાઈ નાસ્તામાં મૂક પ્રયોગકાર તરીકે બાળકો વચ્ચે રજૂ થતા અને તેમની અજબ જેવી હૈયા— ઊક્લતથી નવા—નવા કીમિયા કાઢતા. તેમાં બાળકોનો આનંદ અને વિકાસ બંને થતા. રાષ્ટ્રીય નીતિમાં આ બાબત સંદર્ભે સ્પષ્ટતા છે કે બાળકો કુપોષિત અથવા અસ્વસ્થ હોય ત્યારે શ્રેષ્ઠ રીતે શીખવામાં અસમર્થ હોય છે

ગિજુભાઈની શિક્ષણ પદ્ધતિમાં બાલમંદિરમાં વાર્તા ખૂબ જ અગત્યનું અંગ. વાર્તામાં ગિજુભાઈ એક નાનકડા ટેબલ પર બેસે, સામે બાળકો બેઠાં હોય ને વાર્તા ધીમે ધીમે ચાલુ થાય. વાર્તાનાં પાત્રો એક પછી એક ઊપસતાં આવે અને બાળકોની સામે ખડાં થાય. ગિજુભાઈ હાવભાવથી શબ્દ રચનાથી પાત્રોને એવાં સજીવ બનાવી દે કે દરેક બાળક એ વાર્તાનું નાટક ભજવતું થઈ જાય. વાર્તા પૂરી થાય પછી જ બાળકોને ગિજુભાઈ દેખાય, ગિજુભાઈને બાળકો દેખાય! રાષ્ટ્રીય નીતિમાં શાળા શિક્ષણના બધા તબક્કામાં વાર્તાકથન દ્વારા અધ્યયન, વિવિધ વિષયો સાથેનો અનુબંધ બાંધીને શિક્ષણ આપવામાં આવશે. (આજ સુધી કોઈએ ન આપ્યું હોય એવું “વાર્તાનું શાસ્ત્ર”—પુસ્તક આપી દીધું.)

ગિજુભાઈના બાલમંદિરમાં સંગીતશિક્ષણને વિશેષ સ્થાન હતું. “કલા કારીગરીનું શિક્ષણ” પુસ્તકમાં વિગતથી બધી વાતો આલેખી છે. ગીતો, બાલગીતો, લોકગીતો, તાલભર્યા ગીતો, દાંડિયા રાસ મુખ્ય હતાં. પછીથી નાચ અને નૃત્યગીત, કૂચ અને રાસડા ઉમેરાયાં. ગ્રામોફોન, રેકાર્ડ, શાસ્ત્રીય સંગીત અને જોડકણાં પણ એમની નજરમાંથી છટકી શક્યાં ન હતાં. ચિત્તની શાંતિ, જીવનનો આનંદ અને વિકાસપ્રદ અભિવ્યક્તિ માટે સંગીતનો ઉપયોગ ગિજુભાઈએ કર્યો. આ બધું ભાષાશિક્ષણમાં પણ મદદરૂપ થતું જ. સંગીત ઉપરાંત ચિત્રશિક્ષણ, માટીકામ, સિવણ અને ભરત—ગૂંથણ, રંગોળી, વગેરે કલાઓનો પણ શિક્ષણ અને બાળકના વિકાસમાં ભરપૂર ઉપયોગ કર્યો. રાષ્ટ્રીય નીતિમાં સૂચવવામાં આવ્યું છે કે કલા દ્વારા શિક્ષણના વર્ગખંડમાં થતા અધ્યયનને વધુ આનંદપ્રદ બનાવવા માટે રોજબરોજના વર્ગવ્યવહારમાં સામેલ કરવામાં આવશે, જેથી અધ્યયન અને અધ્યાપનમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો જોડીને વિદ્યાર્થીઓના જીવનમાં તેને ઉતારી શકાય.

બાલરમતોની બાળકોને આકર્ષવાની શક્તિ અને બાળકોનો વિકાસ કરવાની તેની સબળતાથી ગિજુભાઈ આકર્ષાયા હતા. “છોકરાં રે”, “હો રે”, “છોરો આવ્યો”, “શું શું લાવ્યો?” જેવી રમતો ગિજુભાઈએ પહેલે દિવસથી જ શરૂ કરી હતી. તેઓ માનતા કે બાળકોનો શિક્ષકો સાથેનો પ્રેમભર્યો સંબંધ ઉભો કરવામાં અને બાળકોના જીવનમાં શારીરિક તથા માનસિક વિકાસ કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. રમતોથી બાળકો—બાળકો વચ્ચેના સંબંધો પણ પ્રેમ અને આનંદભર્યા બને છે.

માનવ—માનવ વચ્ચેના સંબંધને વધુ માનવતાભર્યો બનાવે છે. રમતો નાનકડા બાળજીવનને આત્મવિશ્વાસથી ભર્યું ભર્યું પણ બનાવી મૂકે છે.

રાષ્ટ્રીયનીતિમાં નોંધવામાં આવ્યું છે કે રમતગમતનો ઉપયોગ સંઘભાવના, સહકાર, સ્વ—પહેલ, સ્વાવલંબન, સ્વ—શિસ્ત, જવાબદારી, નાગરિકતા વગેરે જેવાં કૌશલ્યો વિકસાવવા માટે કરવામાં આવે છે. રોજિંદા વર્ગ વ્યવહારમાં રમતગમત દ્વારા શિક્ષણને સામેલ કરીને વિદ્યાર્થીમાં જીવનભર શારીરિક રીતે સક્ષમ રહેવાનો, જીવનભર નિરોગી અને સ્વસ્થ રહેવાનો અભિગમ કેળવવામાં આવશે. ગિજુભાઈ દૃઢપણે માનતા કે જ્યાં સુધી મા બાપ શાળાના સિદ્ધાંતનો વિરોધ કરશે ત્યાં સુધી શાળાઓ નિષ્ફળ છે, જ્યારે તેઓ શાળાને અનુકૂળ વર્તી ઘરમાં શાળા કરશે ને શાળામાં ઘરના જીવનનાં, મનનાં વગેરે તત્ત્વો દાખલ થશે ત્યારે શિક્ષણકામ ખૂબ આગળ વધશે. આ માટે તેઓ મા બાપની સભા કરતા. માતાઓની, પિતાઓની સભા ભરતા.

રાષ્ટ્રીય નીતિમાં પણ બતાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને અન્ય ક્ષમતાઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે વાલીઓને સંવેદનશીલ બનાવવામાં આવે.

આ સિવાય માતૃભાષા શિક્ષણ, પરીક્ષાના વિકલ્પો, દિવ્યાંગ બાળકો, વિદ્યા વિસ્તાર જેવાં કેટલાંય પાસાઓ ઉપર તેમનું ખેડાણ જોવા મળે છે.

આર્ષદૃષ્ટિ અને સૂક્ષ્મવિવેક, આ બે ગિજુભાઈનાં આગવાં બળ હતાં, જેનું તૈયાર ભાથું ગુજરાતને મળ્યું છે તેનો સ્વાદ હવે લગભગ વિશ્વએ ચાખી લીધો છે. હવે આપણા સૌની ફરજ છે કે તેનું અમલીકરણ યથાયોગ્ય સ્વરૂપે થાય અને સાચા અર્થમાં બાલદેવોની ઉપાસના થાય અને એમનું આગવું સૂત્ર “બાલદેવો ભવ” સાર્થક થાય.