મનીષ સાતમા ધોરણમાં ભણે છે… અને એને કૂતરો લેવો હતો. એણે જીદ કરી. પપ્પા મમ્મીએ લઈ આપ્યો. પણ કૂતરાએ એક દિવસ મનીષને બચકું ભરી લીધું. મનીષે ૩ ઇન્જેક્શન લેવાં પડયાં, અને હવે મનીષને કૂતરાનો ડર બેસી ગયો..રાજ દસમા ધોરણમાં ભણે છે એણે વોડાફોનની એડવર્ટાઈઝ્માં આવતો પગી કૂતરો પાળ્યો છે, જે એમણે ૩૫૦૦૦માં ખરીદ્યો હતો. એનું નામ રોકી છે. હવે પૂરી ફેમિલીને અમેરિકા જવાનું છે. રાજને રોકી વગર ચાલે એવું નથી, અને એ રડયા કરે છે.

સાન્યાએ ગોલ્ડાન રીટવાઈર કૂતરો પાળ્યો છે. કૂતરાને ખૂબ વાળ છે. કૂતરો પૂરો સમય સાન્યા જોડે જ રહે છે. સાન્યા સૂઈ જાય પછી એ એની ગાદીમાં જ સાન્યાની બાજુમાં સૂઈ જતો હતો. સાન્યાને ઘડી ઘડી શરદી થઈ જતી હતી અને હવે એને શ્વાસ ચડતો અને ઉધરસ પણ આવતી હતી. તપાસ કરતાં જણાયું કે એને અસ્થમાનો રોગ લાગુ પડયો છે કારણ કે એને કૂતરાના વાળની એલર્જી છે

કૂતરો બધાને ગમતો હોય છે. મૂવીમાં, ઈન્ટાગ્રામ પર , સ્નેપચેટ પર જોઈને આપણને બધાંને મન થતું હોય છે, પણ કૂતરાને રાખવામાં સમય અને પૈસા બંનેનો વ્યય થતો હોય છે.

તમને ખબર છે કૂતરો રાખવાનો કેટલો ખર્ચ થાય છે?

કૂતરા અલગ અલગ બ્રાન્ડના હોય છે અને એની કિંમત ૧૦૦૦૦થી લઈને લાખ રૂપિયા સુધી હોય છે.

કૂતરાને બહાર મળતું ડોગફૂડ આપવાથી એની હેલ્થ બને છે એના સારા વાળ ઊગે છે. ડોગફૂડ મોંઘું હોય છે.

કૂતરાને વેક્સીન આપવી પડે છે.

કૂતરો માંદો પડે ત્યારે એને ડૉક્ટર પાસે લઈ જવો પડે છે. એની દવા અને ડૉક્ટરના પૈસા થાય છે.

કૂતરાના વાળમાં ઘણીવાર ઈન્ફેક્શન થઈ જાય છે. અમુક દિવસે એને પ્રુોંડ્ડેંસ્સ્િોંંન્ઙલ્ પ્ઙરુલેુંરુ માં નવડાવવો પડે છે જેનો એકવાર નવડાવાનો ૫૦૦—૬૦૦રૂપિયા જેટલો ખર્ચ હોય છે.

કૂતરા માટે ચેન, કપડાં, રમકડાં કે રેઈનકોટ, એની કોઈ પણ એસેસરીઝ મોંઘી હોય છે.

કૂતરાને ટોઈલેટ માટે કે આપણી સૂચનાઓ સાંભળે એના માટે ટ્રેઈન કરવા માટેના એક્સપર્ટ હોય છે, જે હજારોમાં ચાર્જ કરતા હોય છે.

કૂતરાને રેગ્યુલરલી સવારે અને સાંજે ટોઈલેટ માટે લઈ જવું પડે છે, એના માટે રાખેલ વ્યક્તિ પણ પૈસા લેતી હોય છે.

તમે બહાર જાવ ત્યારે કૂતરાને હોસ્ટેલમાં મૂકવો પડે છે અને એના ચાર્જ પણ ૫૦૦ થી ૬૦૦ રૂપિયા રોજના હોય છે.

કૂતરાને ઘણો સમય આપવો પડે છે, એમને કંપની ગમતી હોય છે એટલે તમારે એની સાથે રમવું પડતું હોય છે.

તમારે થોડા કલાક બહાર જવું હોય તો એની જમવાની વ્યવસ્થા કરવી પડતી હોય છે તથા એનો ટોઈલેટનો સમય સાચવવો પડે છે.

ઘણીવાર કૂતરો બહુ જ ભસવા માંડે છે, જેથી આપણી ઊંઘ બગડતી હોય છે.

ઘણા લોકોને કૂતરો ગમતો નથી હોતો, એવા લોકો તમારે ત્યાં આવવાનું ટાળતા હોય છે.

કૂતરો નાના હોય ત્યારે એમને ટોઈલેટની સમજ નથી હોતી અને આખું ઘર ગંદું કરતા હોય છે.

કૂતરાના વાળ બહુ ખરતા હોય છે, આખા ઘર અને સૂવાની ગાદીમાં પણ વાળ જોવા મળે છે.

કૂતરામાંથી ઘણીવાર વાસ આવતી હોય છે, જે ઘરમાં પણ ફેલાતી હોય છે.

કૂતરાને પાળવું એટલે એક નાના છોકરાને મોટું કરવું. ઘણી જવાબદારીનું કામ છે. તમારે સ્કૂલે જવાનું હોય, ભણવાનું હોય ત્યારે તમારે આ એક વધારાની જવાબદારી સમજી વિચારીને લેવી જોઈએ, એમ મારું માનવું છે.

મને કેમ ખબર છે કારણ કે મારા ત્યાં કૂતરો છે, અને મારે ત્યાં કૂતરો એટલે છે કારણ કે મારા દીકરાએ જીદ કરી પણ મને કૂતરા માટેની ઉપર બતાવેલ માહિતી હતી નહિ. કૂતરો ત્યારે લેવો જોઈએ જ્યારે તમને પૈસા ખર્ચવાનો પ્રોબ્લેમ ના હોય. ઘરની દરેક વ્યક્તિ એની જવાબદારી લઈ શકે એમ હોય.

હા, કૂતરા જેટલું વફાદાર કોઈ નથી… એની સાથે રમવાની પણ બહુ મજા આવે, પણ એની સાથે આવતી જવાબદારીની તમારી તૈયારી હોય તો જ લેવો.