બાલયુગમાં હવામાં તરનાર ખાસ શબ્દસમૂહમાં “બાળકોનો આનંદ” તો જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે ઠેબે આવે એવો સમૂહ છે.

“બાળકોને આનંદી રાખો એટલે બસ.” “માબાપ અને શિક્ષકો બાળકોનો આનંદ સાચવી શકે તો ૯૯ટકા કામ કર્યું કહેવાય.”

“બાળકોને આનંદી રાખો તો દેવ પણ પ્રસન્ન રહેશે.”

આવાં આવાં અનેક વાક્યો જ્યાં ત્યાં કાને સંભળાય છે.

કિંડરગાર્ટન પદ્ધતિએ બાલયુગ બેસાડયો ને તેની મુખ્ય ચાવી તરીકે “બાળકોનો આનંદ” માગ્યો.

આજે દરેક બાળશિક્ષણ પદ્ધતિ બાળકોનો આનંદ તો માગે જ છે.

શા માટે? શિક્ષણ ને બાળઉછેરનું ધ્યેય શું બાળકોને આનંદી કરવાનું છે? બાળકોને સુખી કરવાનું છે કે તેમનું શ્રેયસ સાધવાનું છે?

જવાબમાં બાલશિક્ષણના ફિલસૂફો કહેશે : “આનંદ, સુખ અને શ્રેયસ એક બીજાનાં વિરોધી કે વિસંવાદી નથી. સુંદર વિકાસ સધાય તો શ્રેયસ  સધાયું. વિકસતું બાળક આનંદી, પ્રસન્ન ને પ્રાણવાન દેખાય છે. અવિકસતું બાળક દુઃખી, ચીમળાયેલું, મલિન ને ક્ષીણપ્રાણ દેખાય છે. આનંદ તો અપ્રતિહત વિકાસનું બાહ્યતઃ  દેખાતું લક્ષણ છે. માટે જ બાલવિકાસ માગનાર બાલઆનંદ માગે છે.

પણ “બાળકોનો આનંદ” માગે છે એટલે શું? શું શિક્ષકને માબાપે બાળકોને આનંદ આપવા નીકળવું, એમ કહેવા માગે છે?

ના, ના. બાળકો આનંદી ને પ્રફુલ્લિત દેખાય એમ માગે છે?

બગીચો સાચવનાર માળી પાસે આપણે શું માગીએ છીએ? બાગનાં ઝાડફૂલ પ્રફુલ્લ અને તાજાં દેખાય એમ માગીએ છીએ. માળી આ ઝાડફૂલને પ્રફુલ્લ કેમ રાખે છે? તે થોડો જ પ્રફુલ્લ રાખવા માટે ઝાડની ડાળને કે ફૂલની પાંખડીને પંપાળે છે? તે તો મૂળમાં પાણી નાખે છે. માટીમાં કસ ન હોય તો ખાતર નાખે છે, ક્યારો ગોડે છે, ઝાડ ઉપર તેને ખાઈ જનાર કીડા હોય તો તેને કાઢી નાખે છે. તે જાણે છે કે ઝાડ તો પોતાની મેળે પોષણ ચૂસી લેશે, પોષક દ્રવ્યોને પચાવશે ને પછી એની મેળે વધશે.

બાળકોનો આનંદ એટલે તેમને લાડ લડાવી તેમને રાજી કરવાપણું નહિ જ.

બાળકોનો આનંદ એટલે તેમને રમાડી, તેમની પાસે વિદૂષક બની તેમને આનંદ આપવાપણું નહિ જ.

બાળકોનો આનંદ એટલે તેમને રમકડાં, કપડાં, ઘરેણાં કે ખાવાનું આપી કૃત્રિમ આનંદ ઉપજાવવાપણું નહિ જ.

બાળકોનો આનંદ એટલે બાળક કહે તેમ આપણે તેના ગુલામ બની કર્યા કરવું ને તેને સ્વચ્છંદી થવા દેવું એ પણ નહિ.

આપણે બાળકોને આનંદ આપવાનો નથી પણ તેમનો આનંદ સાધવાનો છે.

બાળકોનો આનંદ કેમ સધાય?

બાળકોની તંદુરસ્તી સાધીએ, એટલે પચાસ ટકા આનંદ સાધ્યો.

બાળકોનું શરીર સ્વચ્છ હવાપાણી માગે છે; પથ્યકર નિયમિત ખોરાક માગે છે; શરીરને કસવા ને વધારવા શારીરિક પ્રવૃત્તિ માગે છે.

એ બધું આપો ને જુઓ. બાળક આનંદ કિલ્લોલથી ઘર ભરી દેશે.

બાળકની માનસિક તંદુરસ્તી સાધીએ એટલે સો ટકા આનંદ પૂરો સધાયો.

બાળકનું મન દુનિયા જાણવા માગે છે; દુનિયા સાથે હાર્દિક સંબંધ બાંધવા માગે છે; પોતાની બુદ્ધિએ શોધેલું ને લાગણીને સંતોષનારું એવું કાંઈક કાંઈક કરવા માગે છે.

બાળકને એ બધું કરવા માટે યોગ્ય વાતાવરણ આપીએ,  છૂટ આપીએ; એને આપણી નીચે ચગદી ન નાખીએ અને બાળકની નીચે આપણે ચગદાઈ ન જઈએ.

બાળક ઉચ્ચ સાત્ત્વિક આનંદથી ઘર ભરી દેશે. બાલયુગ એ જ આનંદ માગે છે.