કેળવણી એટલે
આમ તો રોજબરોજની ચર્ચાઓમાં, વર્તમાનપત્રો અને સામયિકોમાં તથા ભાષણોમાં આ શબ્દ વારંવાર આપણા કાને અથડાયા કરે છે ! પરંતુ એ શબ્દ કાનથી હૃદય સુધી પહોંચતો નથી… અને તેનું સાચું અર્થઘટન આપણું સંકુચિત મન કરી શકતું નથી… પરિણામે આજે આપણે એનાં મીઠાં ફળ ચાખવાથી વંચિત છીએ ! વાસ્તવમાં કેળવણી શું છે તે સમજવામાં આપણે ભૂલ કરી બેઠા છીએ. બાળક પાંચ વર્ષનું થાય એટલે કંકુ ચંદલો કરી, શ્રીફળ વધેરી અને નિશાળના વર્ગની ચાર દીવાલો વચ્ચે તેના વજન કરતાં વધારે પુસ્તકોની વચ્ચે બેસાડી તેની બાળસહજ ચેષ્ટાઓ, કલ્પનો અને અરમાનોને શિક્ષકની ધાકધમકી અને પુસ્તકોના થપ્પા વચ્ચે દાબી દેવાની પ્રવૃત્તિને શું આપણે કેળવણી કહીશું? કે આપણા બાળકને ચારિત્ર્ય, સંસ્કર, સદ્ગુણ વગેરેથી પર રાખીને ફકત ગણિત, વિજ્ઞાન કે અંગે્રજી ભણાવી ડોકટર, વકીલ અને પ્રોફેસર બનાવવાની આપણી ઘેલછાને આપણે કેળવણી નામ આપીશું?
એક બાબત સ્પષ્ટ અને વાસ્તવિક છે કે જ્યાં સુધી શિક્ષકો, વાલીઓ કે શિક્ષણ સાથે સંકળાયેલ દરેક વ્યકિત કેળવણીની સાચી સંક્લ્પના નહીં સમજે ત્યાં સુધી ભારતનો દરેક ક્ષેત્રમાં વિકસ શકય નથી. આજનું નાનું બાળક આવતીકાલનો એક આદર્શ અને ઉમદા નાગરિક બનવાનો છે. માટે જ્યાં સુધી નાનપણથી એ બાળકમાં સાચી કેળવણીનાં બીજ રોપાંયેલાં નહીં હોય તો દેશનો પાયો એટલો નબળો રહેવાનો જ !
આજની પ્રવર્તમાન શિક્ષણસંસ્થાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ચારિત્ર્યઘડતર અને માનવ નિર્માણ માટેનું શિક્ષણ અમુક જાગૃત સંસ્થા સિવાય ભાગ્યે જ જોવા મળે છે !
કેળવણી શબ્દને બાળકના સર્વાંગી વિકસ સાથે સંબંધ છે. કેળવણીનું મુખ્ય ધ્યેય માનવઘડતરનું છે. કેળવણી શબ્દ ચારિત્ર્ય, સદાચાર, સદ્ગુણ વગેરે સાથે નિસ્બત ધરાવે છે; ફકત પુસ્તકો, શિક્ષકો, વર્ગખંડ, કે બ્લેકબોર્ડ સાથે નહીં.
સ્વામી વિવેકાનંદ કહે છે,“વ્યકિતના સંપૂર્ણ વ્યકિતત્વનું પ્રગટીકરણ એટલે કેળવણી.” દરેક વ્યકિતની અંદર ઘણું બધું છુપાયેલું છે. ઘણી સુષુપ્ત શકિતઓ તેનામાં દબાયેલી પડી છે — તેની આ શકિતને બહાર લાવી તેનો સંપૂર્ણપણે વિકસ કરવાનું કમ કેળવણીનું છે. આ જિંદગીમાં દરેક પરિવર્તન અને સંઘર્ષ સાથે બાથ ભીડીને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે એવી સમર્થ શકિત અને ખુમારી જે વ્યકિતને આપી શકે તે જ સાચી કેળવણી છે.
એક વ્યકિત સ્નાતક થયા પછી પણ પોતાનું ગુજરાન ચલાવવા રોજ જુદી—જુદી ઓફિસોમાં નોકરીની શોધમાં ધક્કા ખાય છે ! કોઇ ધંધો કે વ્યવસાય કરવાની તેનામાં આવડત નથી! જો આટલાં વર્ષો પછી પણ તેનામાં પોતાના પગ પર કેવી રીતે ઊભા થવું એ કૌશલ્યનો વિકસ નથી થયો, તો આટલાં વર્ષ તેણે સ્કૂલ, વર્ગખંડ અને ચોપડીઓના ઢગલા વચ્ચે વ્યર્થ વિતાવ્યાં છે !
આજના પ્રવર્તમાન સમયમાં જે શિક્ષણ આપવામાં આવે તે વ્યકિતને પોપટિયા જ્ઞાનથી ભરીને જીવનની વાસ્તવિક પરિસ્થિતિ અને એને સમજવાની કોઠાસૂઝથી દૂર રાખે છે. સાચી કેળવણી એટલે કોઇપણ વ્યકિત જિંદગીનાં કોઇપણ ક્ષેત્રમાં, કોઇપણ સંઘર્ષ કે મુશ્કેલી વચ્ચે પણ અડીખમ ઊભા રહેવાનું સામર્થ્ય બક્ષે એવું સર્વાંગી વિકસનું શિક્ષણ.
કેળવણીનું બીજું કામ વ્યકિતમાં ચારિત્ર્ય, સંસ્કાર, અને સદ્ગુણોનું સિંચન કરી કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેનાં તેનાં કર્તવ્ય અને ફરજનું તેને ભાન કરાવવાનું છે. પ્રાચીન સમયમાં ૠષિમુનિઓ પોતાના શિષ્યોને વિદ્યાદાનની સાથે—સાથે તેનામાં વિનય, વિવેક, અને નમ્રતાના ગુણોનો વિકસ થાય તેવું શિક્ષણ પણ આપતા. આજના સમયમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનાં થોથાં ઊથલાવીને ડૉક્ટર કે એન્જિનિયર બનેલી વ્યકિત પોતાના કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજ સમજતી નથી અને સ્વાર્થી બની જાય છે. એટલે જ તો આજના કહેવાતા શિક્ષિત લોકો ભ્રષ્ટાચાર, દગાખોરી અને કૌભાંડોથી આપણા દેશને પાયમાલ કરી રહ્યા છે! શું તેઓએ સ્કૂલમાં રાષ્ટ્રગીત, પ્રતિજ્ઞા અને દેશભકિતનાં ગીતોનું શિક્ષણ નથી લીધું? રોજ શાળાએ જઇ જગતના મહાપુરુષોનાં જીવનચરિત્રો અને બોધકથાઓ શું નથી વાંચેલી? ભારત મારો દેશ છે… બધાં ભારતીયો મારાં ભાઇબહેન છે… આ દેશના કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે… આવી પંકિતઓ આપણે સૌએ હોંશે—હોંશે ગાઈ છે… પણ એનું ફળ આપણને આવું શા માટે મળે? આનો અર્થ એ કે સાચી કેળવણી શું છે તે હજી આપણે સમજી શકયા નથી.
આપણા દેશને ડૉક્ટરો, વકીલો અને ઊંચી ઉપાધિ મેળવેલી વ્યકિતઓ જેઓ સ્વાર્થી છે અને દેશદાઝ કે રાષ્ટ્રહિતની ભાવનાથી દૂર છે તેવી વ્યકિતની જરૂર નથી. પણ… જરૂર છે એવી વ્યકિતઓની જેના દરેક વિચારમાં રાષ્ટ્રનું કલ્યાણ અને હિત રહેલું હોય, રગેરગમાં દેશદાઝ અને સાચી રાષ્ટ્રભાવના અને ખુમારીનું લોહી વહેતું હોય… ત્યારે જ આપણે સાચી કેળવણી મેળવી છે એમ કહી શકીશું… તો ચાલો, સાચી કેળવણીને આત્મસાત્ કરી દેશની દરેક વ્યકિતનું માનવઘડતર અને ચારિત્ર્ય ઘડતર કરી કેળવણી શબ્દની ચરિતાર્થતા સિદ્ધ કરવાનો સહિયારો પ્રયાસ કરીએ… વંદે માતરમ્ !