વંદનાબહેન છો કે ઘરે?” માલતી બહેને બૂમ પાડી. વંદનાબેને દરવાજો ખોલ્યો. “આ આજે અમે નવું ઓવન લીધું અને પીઝા બનાવ્યા, એટલે ખાસ તમને ચખાડવા લાવી છું.” માલતીબહેને કહ્યું. એમના ગયા પછી વંદનાબહેન અને સોનલ બંને પીઝા ખાવા બેઠાં. થોડુંક ખાધા પછી વંદના બહેન કહે, “સાવ સ્વાદ વગરના પીઝા બનાવ્યા છે. ચીઝ તો જાણે નામ માત્રનું નાંખ્યું છે. આના કરતા તો આપણાં પુડલા સરસ બને છે.”

આ વખતે શિવાંગીની વર્ષગાંઠ ઊજવવાની નહોતી. કારણ ઘરમાં બાની તબિયત સારી નહોતી. શિવાંગીના પપ્પાની ઓફિસમાં એમનાં સહકાર્યકર અંકિતાબહેનને શિવાંગીની બર્થ ડે યાદ હતી. આથી ઓફિસે જતી વખતે શિવાંગીને વર્ષગાંઠની શુભેચ્છાઓ આપવા માટે ઘરે આવ્યાં. આવતી વખતે રસ્તામાંની એક દુકાન પરથી બે ત્રણ રમકડાં અને બે વાર્તાની ચોપડીઓ લઈ આવ્યાં.

“જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ શિવાંગી. ક્યાં છે મારી કેક? આંટીનો ભાગ યાદ કરીને રાખ્યો છે ને?” અંકિતા આંટીએ કહ્યું. વર્ષગાંઠની ભેટ જોઈને શિવાંગી ખૂબ જ ખુશ થઈ ગઈ. એ જલદી જલદી અંદર જઈને અંકિતા આંટી માટે કેક અને બટાકા વડા લઈ આવી. આન્ટીના ગયા પછી શિવાંગી પોતાની ભેટ ખોલવા બેસી ગઈ. શિવાંગીએ એની બધી જ ભેટ ખોલી અને જોતાંવેંત જ કહ્યું, “મમ્મી આમાંની બે ગિફટ તો મારી પાસે છે અને આ બંને ચોપડીઓ પણ મારી પાસે છે.”

શિવાંગીની મમ્મી તોરલબહેને કહ્યું, “મને શું કહે છે? તારી અંકિતા આંટીને ફોન કરીને કહે. આવી સસ્તી જગ્યાએથી ભેટ ઉઠાવી એના કરતાં તો ખાલી હાથે આવી હોત તો સારું થાત.” શિવાંગીએ ગુસ્સામાં એમાંની એક ચોપડી ફાડી નાંખી અને એ રડવા લાગી. આખરે તોરલબહેને અંકિતાને ફોન કર્યો અને એની ભેટ બદલી લાવવા માટે કહ્યું. બીજે દિવસે જતી વખતે અંકિતા ઘરે આવી અને જે બે ભેટ શિવાંગી પાસે હતી તે પાછી લઈ ગઈ અને શિવાંગીએ જે એક ચોપડી ફાડી હતી તે પણ પાછી લીધી અને કહ્યું, “સોરી બેટા, તું રડીશ નહીં. મને ખબર નહોતી કે તારી પાસે આ ચોપડીઓ છે.”

સમરભાઈ એમના સાત વર્ષના દીકરા જીગરને લઈને એમના મિત્રને ત્યાં ગયા હતા. એમના મિત્રનો દીકરો સાગર પણ લગભગ જીગરની જ ઉંમરનો હતો. સાગરનાં મમ્મી માલવિકાબેન બંને બાળકો માટે આઈસક્રીમ લઈ આવ્યાં. બંને બાળકોમાં રમતાં રમતાં ઝઘડો થયો. અને બંને હાથમાં જ આઈસક્રીમ લઈને એકબીજાની પાછળ દોડવા લાગ્યા. દોડતી વખતે સાગરના હાથમાંથી આઈસક્રીમ ભૂલથી સમરભાઈના પેન્ટ ઉપર ઢોળાયો. “તે કેમ મારા પપ્પાનું પેન્ટ ખરાબ કર્યું?” જીગરને ગુસ્સો આવ્યો, અને એણે પણ એના હાથમાંનો આઈસક્રીમનો કપ સાગરના ઘરના સોફા પર ઊંધો વાળ્યો. આ ધમાચકડી જોઈને સમરભાઈ બોલ્યા, “ચાલો, બહુ રમ્યા અને બહુ લડયા બંને જણા અને બંને જણાએ પોત પોતાનો આઈસક્રીમ ઢોળીને બદલો પણ વાળી દીધો. ચાલો હવે આપણે છૂટા પડીએ.” આમ કહીને સમર ભાઈ એમના દીકરા જીગરને લઈને પોતાના ઘરે જવા નીકળ્યા.

આ બધા પ્રસંગ પરથી આપણે શું તારણ કાઢીશું? જ્યારે આપણાં માટે કોઈ યાદ કરીને કંઈ પણ લાવે તો આપણે સૌથી પહેલાં એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ. માલતીબેન કેટલા ઉત્સાહથી વંદનાબેન માટે પીઝા લઈ આવ્યાં હતાં. વંદના બેને પીઝા ખાધા પછી જો માલતીબેનને ફોન કરીને થેંક્યું કીધું હોત અને કીધું હોય કે પીઝા સરસ બન્યા છે, એમને ખૂબ જ ભાવ્યા તો માલતીબેનને કેટલું સારું લાગત. અને સોનલને વગર શીખવાડે એક સુંદર બોધ મળત. બાળકો તમારું જોઈને જ બધું શીખે છે. એમને અલગથી કહેવા કરતાં તમે એ પ્રમાણે વર્તન કરો તો બાળક સામે એક સારું દૃષ્ટાંત બની જાય છે. તમે ફોન કરો ત્યારે તમારી સાથે બાળકને પણ આભાર માનવા કહો.

શિવાંગીની વર્ષગાંઠ ભલે ઊજવવાની નહોતી પરંતુ અંકિતા બહેનને એ યાદ હતી. એ ઘરેથી થોડાં વહેલાં નીકળ્યાં, ભેટ લેવા દુકાને ગયા અને વર્ષગાંઠની શુભેચ્છા આપવા સવાર સવારમાં શિવાંગીના ઘરે આવ્યાં. એ તો બાળક છે પરંતુ શિવાંગીની મમ્મી તોરલબહેને એને આ વાત સમજાવવી જોઈએ. સૌથી પહેલાં તો શિવાંગીએ અંકિતા આન્ટીનો આભાર માનવો જોઈએ. અને એ આન્ટીને કહી શકે છે, “તમારી ભેટ ખૂબ જ સરસ છે. પરંતુ મારી પાસે એવી જ ભેટ છે. તો જો તમને વાંધો ના હોય અને જ્યારે પણ તમને સમય હોય ત્યારે બદલી શકાય?”

એ જ રીતે સાગરનાં માતા પિતાએ એમના દીકરાને “સોરી” કહી માફી માંગતાં શીખવવું જોઈએ. કારણ આઈસક્રીમ ભૂલથી સમરભાઈનાં પેન્ટ પર ઢોળાયો અને ભૂલ થાય તો માફી માંગી લેવામાં કોઈ નાનપ ના હોવી જોઈએ. એ જ રીતે સમર ભાઈએ એમના દીકરા જીગરને પણ એની બદતમીજી માટે અને ગુસ્સા માટે માફી માંગવા કહેવું જોઈએ.

આ બધી આદતો તો આપણે બાળકને જેટલી નાની વયે પાડીશું, જેટલી જલદી પાડશું એટલું જલદી બાળક વિનમ્રતા શીખશે. મેં આજનાં માતાપિતાને સોશિયલ મીડિયા પર મિત્રોની કોઈ પણ પોસ્ટને લાઈક કરતાં જોયા છે. એમાં વાનગી તો તમને માત્ર જોવા જ મળે છે. અને એ પણ વાનગીના ફોટા એડિટ કરેલા. ઘણી વાર સામી વ્યક્તિએ પહેરેલો ડે્રસ તમને જરા પણ નાં ગમે છતાં તમે એમની તારીફના શબ્દો લખો છો. એજ વાત રોજના જીવનમાં ઉતારવાની છે. કોઈનો આભાર માનવાથી કે માફી માંગવાથી તમે નાનાં નથી થઈ જતાં. તમારી મહેનતની કોઈ કદર કરે તો તમને જરૂર સારું લાગે અને એના માટે ફરી મહેનત કરવાની ઈચ્છા થાય.

નાનાં બાળકોને સમજાવવું જોઈએ કે જ્યારે તું ચિત્ર દોરે છે અને અમે એની તારીફ કરીએ છીએ તો તને કેવું સારું લાગે છે? આવું શીખવવાથી બાળક કદર કરતાં શીખે છે. અને જે કદર કરી જાણે છે તે કદર મેળવે પણ છે. એવી જ રીતે પોતાની ભૂલ કબૂલવી એ પણ હિંમતનું કામ છે. દોષનો ટોપલો બીજાં પર ઢોળવાથી તમે નિર્દોષ નથી થઈ જતાં. તમે બાળકને વિનમ્રતાનું દ્રષ્ટાંત આપશો, તમે પોતે વિન્રમ બનશો તો બાળક પણ વિનમ્ર બનશે. કોઈ પણ મદદ કરે પછી ભલે એ પરિવારનો સદસ્ય હોય કે મિત્ર કે કોઈ અજાણી વ્યક્તિ… આભાર જરૂર માનો. એ જ રીતે તમારી ભૂલ સ્વીકારો અને માફી માંગો.

કવિ કલાપીની એક પંક્તિ છે…

સૌંદર્યપામતાં પહેલાં સુંદર બનવું પડે.

એ રીતે તમે પોતે વિનમ્ર બનશો તો સામી વ્યક્તિ પાસેથી આદર મેળવશો.

સૌદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે