નર્સરીમાં આવતાં દરેક માતા — પિતાને માટે, મારો પ્રથમ આગ્રહ શરૂઆતનાં ૪ થી ૫ વર્ષો ઘરે જ શિક્ષણ આપવું એવો રહ્યો છે. હજુ તો ૨ થી ૨૧/૨ વર્ષનું બાળક થાય, એટલે સારી અને મોંઘી સ્કુલ શોધવાની શરૂઆત થાય. બાળક અને માતા — પિતા ઈન્ટરવ્યુની તૈયારી કરે. બાળકને માટે સમજણ વિનાનું ભાર સાથેનું ભણતર અને માતા — પિતાને માટે… ખૂબ બધી ચિંતા, સ્ટ્રેસ, આર્થિક બોજો અને અનિશ્ચિત ભવિષ્ય પછી, સમયાંતરે સારી સ્કુલમાં એડમિશન મળી જાય, માતા — પિતા નિરાંત અનુભવે છે. બાળકો પર શિક્ષણના બોજાની એક સફર શરૂ થાય છે. સ્કુલ, લેસન, ટયુશન, પરીક્ષાઓ, સ્પર્ધાઓ, અન્ય પ્રવૃત્તિઓ વચ્ચે ભીંસાતું બાળક સહજ અને સ્વાભાવિક આનંદથી વંચિત રહી જાય છે. મોટા ભાગનાં માતા — પિતા એવું સ્પષ્ટ માને છે કે, સ્પર્ધામાં ટકી રહેવા માટે અને સફળતા માટે બાળકોને આ સહન કરવું જ પડે. ભલે, દુનિયાની દૃષ્ટિએ તે સફળતા છે, પરંતુ બાળકની દૃષ્ટિએ શિક્ષણ શું છે? તેનું મહત્ત્વ, શિક્ષણની શૈલી આ બધું માતા — પિતાએ સમજવા જેવું છે.

દરેક માતા — પિતા પોતાના બાળકના ભવિષ્ય માટે આશાવાદી હોય છે. તે ખોટું પણ નથી. પરંતુ જે આશા જન્મી તેની સાથે ઢગલો અપેક્ષાઓ જોડાયેલી છે. સારું શિક્ષણ ભવિષ્ય માટેનો પાસપોર્ટ હોવાથી સારી સ્કુલમાં એડમિશન અનિવાર્ય બની જાય છે. પછી, એક પછી એક અપેક્ષાઓ ખડકાતી જાય છે. સતત અને સખત અભ્યાસ, પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ, સ્પર્ધાત્મક પરિક્ષાઓ, ટયુશન ક્લાસની દોડધામ… આ બધું સહજ થતું રહે છે. માની લો કે, સફળતા મળી ગઈ, એટલે “ભવિષ્ય ઉજ્જ્વળ છે”, એવું માનીને માતા — પિતા આનંદ અનુભવે છે.

સવાલ એ છે કે માતા — પિતાની શિક્ષણ પાછળની આ વિચારધારા સચોટ છે? આ વિચારધારા સાચી છે તે વિષે ન વિચારતાં એટલું તો જરૂર કહી શકાય કે બાળક પાસેથી વધારે પડતી અપેક્ષાઓ અને આશા ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. સત્ય તો એ છે કે શિક્ષણની આ રેસ બાળકને ખૂબ નુકસાન કરે છે. તે ખરું કે ભવિષ્ય ઉજ્જ્વળ બનાવવું જ જોઈએ. પરંતુ, ભવિષ્યના લક્ષ્યાંક માટે બાળકને વર્તમાનમાં જીવવા નથી મળતું તે નક્કર બાબત છે. બાળક બાળપણથી જ સહજતા અને સંવેદના ગુમાવે છે. પરીક્ષાને જ કેન્દ્રમાં રાખીને મોટાભાગનાં બાળકો “બાળપણ શું છે?” તે વાત ભૂલી જાય છે. બાળસહજ ગુણો જિજ્ઞાસા, સંવેદના, મસ્તી — તોફાન, રમતો, અલ્લડતાં બધું જ ગૂમ થઈ જાય છે.

આજે શિક્ષણના પ્રચંડ દબાણ હેઠળ બાળકો સહજતાથી નહીં, ઝડપથી તાણમાં મોટાં થઈ રહ્યાં છે. ભવિષ્યના લાભની પ્રાપ્તિ માટે બાળકને બાળપણના તેના આ હક્કથી વંચિત રાખીએ છીએ. બાળપણ બહુ મૂલ્યવાન છે. શિક્ષણની આ રેસમાં તેને શા માટે આપણે કચડી નાંખીએ છીએ? પરીક્ષાના માર્ક્સ બાળકના સમગ્ર અસ્તિત્વને નીચોવી નાંખે છે.

બીજી આપણી માન્યતા એ પણ છે કે શિક્ષણમાં સફળતા મળે તો આર્થિક કે સામાજિંક સફળતા મળી જ જાય છે. દેશની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને આ વાત નકારી શકાય તેમ નથી. પરંતુ, શિક્ષણને માત્ર ને માત્ર આટલા પૂરતું મર્યાદિત રાખવું એ શિક્ષણનું અવમૂલ્યન નથી? પ્રારંભિક વર્ષોમાં શિક્ષણનો હેતુ બાળક પોતાનામાં રહેલા અનંત વિશ્વની શોધ કરે તે હોવો જોઈએ. સાથે સાથે બાળકની પ્રતિભાને શોધી તેને પોેષણ આપવાનો હોવો જોઈએ. બીજમાંથી જેમ વટવૃક્ષ બનવાની ક્ષમતા તેમ બાળકોનો જન્મ અનંત ક્ષમતા હેતુ થતો હોય છે. બાળકો આપણું પરમ ધન, વૈભવી વારસો અને ઉજ્જ્વળ ભાવિ છે.

કહેવાય છે કે, અસ્ત થયા વિના સદાયે પ્રકાશતો સૂરજ એટલે શિક્ષક… આવા જ શિક્ષકો બાળકોમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડી શકે છે. ભાર વગરના ભણતર દ્વારા ખૂબીપૂર્વક આવા શિક્ષકો બાળકોના ઘડતરમાં સિંચન કરીને યોગ્ય દિશા દ્વારા વિકાસ કરી શકે છે. આ અભિગમ અપનાવવો જરૂરી છે.

આજની સ્કુલો બાળકને માટી જેવું માને છે જેને કોઈ પણ બીબામાં ઢાળી શકાય તેમ હોય. અહીં માતા — પિતા અને શિક્ષકો કુંભારની ભૂમિકા ભજવી બાળકને કેવો ઘાટ આપવો તેનો નિર્ણય કરે છે. ખરી વાત છે, પરંતુ એ બાબત પણ ન ભુલાવી જોઈએ કે જેમ, દરેક માટીના સ્વ—ગુણ ધર્મો હોય છે, તેવી રીતે દરેક બાળકમાં અલગ અને અનોખી ક્ષમતા હોય છે. આ સત્યને આ સમયમાં અવગણીને આપણે આપણી ઈચ્છા મુજબ તેઓના ભવિષ્યનું આયોજન કરીએ છીએ. જેને કારણે બાળકનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંને મર્યાદિત રહી શકવાની સંભાવના રહેલી છે. અહીં માતા — પિતા અને શિક્ષકોએ બીબાઢાળ અભ્યાસને વળગી ન રહેતાં બાળકોના માનસ સાથે અનુકૂલન સાધીને તેઓની સાથે તાદાત્ય રાખવું. પરંતુ સવાલ એ છે કે શિક્ષણની આ રેસ બાળકોની શક્તિઓને કુંઠિત તો નહીં બનાવી દે ને…? જેવી તેમના મૂળને વિસ્તારવાની તક મળતી નથી. જો બાળકને શિક્ષણમાં, સમાજમાં અને જીવનમાં સફળ બનાવવું હશે તો આ રીતે સ્ટ્રેસમાં જિવાડીને તો નહીં જ બનાવી શકાય.

આ રીતે ભાર આપીને તે કદાચ હતાશ થઈને ફસડાઈ પડશે કે આપઘાત કરી બેસશે. અને આપણી આ ભાવિ પેઢી સામર્થ્ય વગરની અને નબળી પુરવાર થશે. “શિક્ષક સંવેદનાની યુનિવર્સિટી છે…” અને, માતા — પિતા બાળકોના સર્જનહાર છે. બાળકને રેસનો ધોડો ન બનાવતાં આકાશ જેટલી અખિલાઈ આપવા માટે તેઓમાં ધૈર્ય અને શ્રદ્ધા સ્થાપિત કરવાં જોઈએ. આપણે અઘીરા કે ઉગ્ર બનવા કરતાં શિક્ષણ પ્રત્યેના અભિગમમાં ધરમૂળથી ફેરફાર કરવો જ રહ્યો. બાળકના ઉજ્જ્વળ ભવિષ્ય બનાવવાના મોહમાં તેઓના વર્તમાનનો ભોગ ક્યારેય ન લઈએ.  તેના બદલે જિંદગીને સારી રીતે જાણવાની તક આપીએ. આમ કરવાથી બાળક સંવેદનશીલ બનશે અને આ તબક્કામાંથી પસાર થશે ત્યારે બાળક શિક્ષણ, સામાજિક સફળતા, આર્થિક સફળતા, સલામતી આ બધું જ સહજતાથી મેળવી શકશે. જોકે, વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં ઘરખમ ફેરફારો અને પરિવર્તન આવતાં જાય છે જે, આવકારદાયક અને પ્રશંસનીય છે. જે આપણા સૌના હિતમાં જ છે. માતા — પિતા પણ પોતાનાં બાળકોના ઉત્કર્ષ માટે આ અભિગમનો શક્ય તેટલો અમલ કરવાના નમ્ર પ્રયાસ કરે.