મારા એક મિત્રે મને કહ્યું : “મારો નાનો ભાઈ અમે ઘરમાં કોઈ બે માણસો નજીક આવીને વાત કરતાં હોઈએ છીએ ત્યારે દૂરથી કાન માંડે છે, પોતાનું કામ છોડે છે, કામ કરવાનો દેખાવ કરે છે, ઘણી વાર બહાનાં કાઢી પાસે આવી જાય છે અને ઘણી વાર કાંઈ શોધતો હોય કે ચિત્રો જોતો હોય એવો ડોળ કરી સાંભળવાનો પ્રયત્ન કરે છે. મારે આ બાબતમાં શું કરવું?”         મેં તેને કહ્યું : “એનો ઉપાય તમારે ખાનગી વાત ન જ કરવી, અથવા તમે ખાનગી વાત નથી જ કરતા એવું જણાવવું, એ નથી. હરહંમેશા ત્રીજાને નુકસાન પહોંચાડવાની કે કાવાદાવાની કે ખટપટની કે એવી વાત એટલે ખાનગી વાત, એવો ખાનગીનો અર્થ નથી જ. બે માણસે જાણવાનું હોય તે ત્રીજાને તેની સાથે લેવાદેવા ન હોય, તેમાં તેનું હિત ન હોય, અથવા તે જાણવાથી ત્રીજાને હાનિ હોય, અગર તે વાત ત્રીજાના હિતની હોય પણ તેને જણાવવાથી અહિતની હોય, તેવી વાત ત્રીજા પૂરતી ખાનગી ગણી શકાય. તેવી વાત ખાનગીપણે જ થવી જોઈએ. દરેક ધંધામાં એવી વાતો છે જ કે ત્રીજાને જણાવવાની ન જ હોય. દરદીઓ દાક્તર પાસે પોતાની વાત કરી જાય તે ખાનગીપણે જ થાય, ને ખાનગી જ રાખવી જોઈએ, એવી એ ધંધાની સભ્યતા છે. કોઈએ અન્યને કોઈ વાત વિશ્વાસથી કહી હોય તો તે વાત પણ ખાનગી જ છે. નિર્દોષમાં નિર્દોષ વાત પણ બેને માટે કે બેની વચ્ચે હોય તો તે ખાનગી જ છે. દીકરીને તેની બા જીવનની અગત્યની વાતો ખાનગીમાં જ કહી શકે. ગૃહપતિઓએ છાત્રોને ખાનગીમાં જ બોલાવવા જોઈએ. દરેક કાર્યવાકને પોતાના કાર્ય સંબંધે કામદારો સાથે કામપૂરતી ખાનગી વાત કરવાની હોય જ છે. આમ અનેક વખતે અનેક પ્રકારની વાતો ખાનગી હોય છે, ને બેશક તે ખાનગીપણે જ કરવી જોઈએ. જ્યાં સામા પક્ષને જણાવવું એ જ ધર્મ હોય ત્યાં ખાનગી રાખવું એ જેમ પાપ છે, તેમ જ જ્યાં બેથી ત્રીજા માણસે ન જાણવાની વાત હોય ત્યાં ત્રીજાને જણાવવામાં કે ત્રીજો જાણે એમ વાત કરવામાં પાપ છે. બાળકોને એટલો સામાજિક આચાર શીખવવો ઘટે. જ્યારે ઉપરના પ્રકારની કોઈ પણ વાત હોય ત્યારે આપણે તેને કહેવું : “આ વાત ખાનગી છે. જરા બહાર જાઓ.” બાળકને આપણે જુદી જુદી રીતે ખાનગી વાત એટલે કેવી વાત એનો અનુભવ આપવો જોઈએ. તેના પોતાના અંગત પ્રશ્નો તેની સાથે ચર્ચતી વખતે “આ વાત ખાનગી છે; બીજાને જણાવવા જેવી નથી; તારે પોતાને જ કામની છે” એમ કહી ખાનગી વાતનું સ્વરૂપ જણાવી શકીએ. ઘરમાં એવા ઘણા પ્રસંગો બને કે જેમાંથી ખાનગી વાત કઈ ને જાહેર કઈ તેની સમજણ બાળકને આપવાની તક લઈ શકીએ. બાળકને એટલો ખ્યાલ આપ્યા પછી તેને કહેવાય : “જુઓ; બીજાની વાત આપણને જરૂરી નથી; તેને પોતાને જ કામની છે. માટે તે સાંભળવાની આપણને દરકાર ન હોવી જોઈએ. ને છતાં આપણે ઘણી વાર કાન માંડીએ છીએ. ચોર પેઠે લપાઈને વાત સાંભળીએ છીએ, એ સારું નથી; એ ખાનદાની ન જ કહેવાય; ખાનદાનનું બાળક એમ ન કરે. જેમ આપણે ખાનગી વાત હોય છે તેમ બીજાને પણ હોય છે. જો આપણી વાત બધા જાણે એમ આપણે ઇચ્છતા ન હોઈએ, તો બીજાની વાત જાણવાની ઇચ્છા કરવી તે અયોગ્ય જ છે.”

દુનિયાની ઘણી વાત ખાનગી રહે છે. કારણ કે જો તે બહાર પડે તો તેમાંથી જોખમ ઊભું થાય છે. ઘણી વાર તેવી વાતો સાથે જોડાયેલાને ખાનગી રાખવાની શરત કરવી પડે છે, અગર તો બીજી મુશ્કેલીઓ વેઠવી પડે છે. જો બહારનો લોકભય ન હોય તો ઘણી વાતો બહાર પડે ને તેનાથી ઘણાઓને ઘણું કિંમતી એવું જ્ઞાન મળે. લોકભયને લીધે એવું મહામૂલ્ય સાહિત્ય છૂપું રહે છે. પરંતુ માત્ર બહારના ભયને લીધે જ વાતો ખાનગી રાખવી પડે છે તેમ નથી; બહારનો ભય હોય તો પણ કેટલીએક વાતો એવી પવિત્ર છે, એટલી બધી મહત્ત્વની છે, એટલા ઊંડા રહસ્યની હોય છે કે તેના જેઓ અધિકારી ન હોય તેઓ ન જાણે, તે માટે તેને ખાનગી જ રાખવી જોઈએ. આ ન્યાયે ઘણી વાર મોટાંઓના જીવન પરત્વે સાવ નિર્દોષ અને અતિ ભવ્ય વાતો પણ બાળકોથી ગુપ્ત રાખીએ છીએ, અને રાખવી જ જોઈએ. એમાં બાળકોનું કશું અપમાન નથી. એમાં એમનાથી કશી ચોરી પણ નથી. એમાં ખોટા દાખલાઓ દેખાડવા જેવું પણ નથી. આમ જ જીવનના બધા વિભાગોમાં રક્ષણ કરવા યોગ્ય ઘણું છે કે જે બાળકો આગળ ખુલ્લું મૂકી ન શકાય.

બાળકોને પણ જીવન છે. તેમને ખાનગી વાતો હોય છે. તેઓ આપણાથી ગલીચ કે ગંદી વાતો છાનીછપની કરે છે, કારણ કે તેઓ માને છે કે જો તેની ખબર આપણને મોટાંઓને પડશે તો આપણે તેમને વઢશું અગર મારશું. જો આપણે બાળકોનો વિશ્વાસ મેળવી શકીએ, જો આપણે “આવી વાત ન જ થાય, કરીશ તો મારીશ” વગેરે કહીને તેમને ખાનગી તરફ દોર્યો ન હોય તો તેઓ આપણી સાથે ઘણી ઘણી વાતો સાફ કરશે. જ્યાં સુધી બાળકોને મન તેમની વાતો સાવ નિર્દોષ છે, કરવા જેવી છે, ન ઢાંકવા જેવી છે, ત્યાં સુધી આપણે તેને ગુપ્ત રાખવા જેવી ન બનાવીએ. એમાં આપણી શરમ કે અશ્લિલતા ન ભાળીએ. આ વાતો બાદ કરીએ તો પણ બીજી ઘણી વાતો છે કે જે બાળકો એકાંતમાં ગુપ્તપણે કરવા માગે છે, તેમાં તેઓ વાતને ઢાંકવા જ માગે છે એવું નથી હોતું. કેટલાંએક બાળકો એવાં શરમાળ, એટલાં મોંસતા હોય છે કે તેઓ કહેવા જેવી વાતો પણ આપણને કહી શકતાં નથી, અથવા તો ખાસ સંતાડયા કરે છે. કેટલાંએક નાજુક પ્રકૃતિનાં બાળકો જેમાં પોતાનું નામ કામ વગેરે અન્યથી ઢાંકે છે, તેમ જ તેઓ પોતાની વાતો પણ છુપાવે છે. આવાં બાળકો વાતસંતાં કહેવાય. જરાક ઉત્સાહ આપી આપણે તેમને આપણી પાસે લઈશું તો તેઓ પોતાની બધી વાત આપણને કહેશે. અપરિચયને લીધે પણ બાળકો આપણાથી પોતાની વાતો ખાનગી રાખે છે. ઘણી વાર આપણાથી બાળકોની વાતો તરફની બેકદર પણ તેમને આપણાથી દૂર રાખે છે, ઘણી વાર વાત કહેવાનો પ્રસંગ જ આવ્યો હોતો નથી તેથી વાત મનમાં ને મનમાં પડી રહે છે, ને ખાનગી રહ્યાનો દેખાવ થાય છે. ઘણી વાર ઉઘાડા દિલની વાત કહેનાર બાળકને આપણે પાછું પાડેલું હોય છે, તેથી પણ તે વખતથી તે આપણાથી ખાનગી રાખે છે. બાળકમાં આ બધી વાતો આપણે ઉદારતાથી ચલાવવી જોઈએ. તેની ખાનગી વાતો માટે સન્માન રાખવું જોઈએ. તેમાં વચ્ચે ન પડતાં તેનું પાવિત્ર્ય ગંભીરતાથી સ્વીકારવું જોઈએ. જો આપણે બાળકોની વાતો જાણવા આપણું વર્તન છૂપી પોલીસ જેવું નહિ રાખીએ અને તેમને ખાનગી વાત કરવાની છૂટ આપીશું, તો આપણને જાણવા જેવું તેઓ આપણને ઉઘાડે દિલે કહેશે જ. તેઓ ખાનગી — અખાનગી વચ્ચેનો ભેદ સમજશે જ. તેઓ આપણી ખાનગી વાતને પણ માન આપશે જ, તથા કાન માંડીને સાંભળવાનું મન કરશે નહિ.