કોણ સાંભળશે?
મારું નામ કવિતા છે. “રસ ઉત્પન્ન કરનારી વાણી” એવો મારા નામનો એક અર્થ થાય. હવે, મારી વાત કોઈ સાંભળતું જ નથી, તેનું શું? મારી વાતમાં રસ નથી એવું પણ નથી. પણ કોઈ પાસે સમય જ નથી. હું તમને માંડીને વાત કરું.
મારી ઉંમર ૮ વર્ષની છે. એક દિવસ હું ને મારાં મમ્મી બસમાં બેસીને મામાને ઘેર જતાં હતાં. શહેરની હદ છોડીને બસ હવે રોડ પર દોડવા લાગી પૂરપાટ. સાથે ઝાડ, થાંભલા, વાડી, ખેતર પૂરપાટ દોડતાં હોય તેવું લાગે. એમાં વાડી વિસ્તાર આવ્યો. મેં મોર જોયા. હું બોલી ઊઠી, “મમ્મી, મમ્મી જો… જો… મોર!” પણ મમ્મી તો મોબાઈલમાં મસ્ત. હું બીજી વાર બોલી ત્યારે મમ્મીએ નારાજ થઈને પૂછયું. “શું છે કવિતા બેટા?” મેં કહ્યું, “વાડીમાં મોર હતા. પણ જતાં રહ્યાં.” તો મમ્મી બોલી, “એમાં નારાજ શું થાય છે.” પાછી મારી સામે મોબાઈલ ધરીને બોલી, “તારે મોર જ જોવા છે ને? આ મોબાઈલમાં ઢગલાબંધ મોર જોવા મળશે. અરે, સફેદ મોર પણ જોઈ શકાશે. બેટા, મોબાઈલમાં બધું જ મળે.” મમ્મીની વાત પૂરી થઈ. ત્યાં સુધીમાં હું ઝોકે ચડી. મમ્મી મોબાઈલમાં મસ્ત.
ઘણી વાર રાત્રે હું પપ્પાને કહું, “પપ્પા, વાર્તા કરો ને.” પપ્પા જવાબ આપે “આજે થાકી ગયો છું”. હું કશું બોલું નહીં પણ જોયા કરું. પપ્પા મોબાઈલમાં મસ્ત હોય. હેડફોન લગાવીને મોડી રાત સુધી જાગે.
એક દિવસ સવારમાં પપ્પા મમ્મીને કહેતા હતા, “તું મોબાઈલમાં પેલી વેબ સિરીઝ જોજે. સરસ બનાવી છે.” એટલે મને સમજાયું, પપ્પાને વેબ સિરીઝની સ્ટોરીમાં રસ છે, મને વાર્તા કહેવામાં નહીં.
ઘરમાં મારાં દાદીમા પણ છે. હું તેમની પાસે જાઉં. દાદીમા વહાલ કરે, વાર્તા કરે ને વાતો કરે. પણ ત્યાં એક તકલીફ એ છે કે મારે જે વાત કરવી હોય તે હું દાદીમાને કહી શકતી નથી. કારણ કે દાદીમાને સંભળાતું નથી. તમને સમજાયું ને? જે સાંભળી શકે છે તેમની પાસે સમય નથી અને સમય છે એ સાંભળી શકતાં નથી.
મારા વડીલો! કવિતાની વાત સાંભળીને ગિજુભાઈનાં વિધાન યાદ આવે છે.
ઘડીભર રાજદ્વારી પ્રપંચ છોડી દે, ને
તારા બાળક સાથે રમ…
ઘડીભર સમસ્ત જગતને ફેંકી દે, ને
તારા બાળક સાથે રમ…
અહીં મને એટલું ઉમરેવાનું મન થાય છે…
ઘડીભર મોબાઈલ મૂકી દે,
ને તારા બાળકને સાંભળ…