રિયા દસમા ધોરણમાં ભણે છે. રિયાની મમ્મીનું કહેવું હતું, રિયા હમણાંથી સ્કૂલે જવાની જ ના પાડે છે. હમણાંથી ભણવામાં પાછળ રહેવા માંડી છે અને ખૂબ જ તોફાની થઈ ગઈ છે. સ્કૂલમાંથી ખૂબ ફરિયાદ આવે છે. છોકરા સાથે ફરે છે. કંઈં પણ કહું તો સામે બોલવા માંડે છે.

રિયાની મમ્મી પણ બહુ મૂડમાં હોય એવું લાગ્યું નહીં. જ્યારે એમની સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું કે અમારા છૂટાછેડાનો કેસ ચાલુ છે. એમનું કહેવું હતું કે રિયા પહેલાં ભણવામાં બહુ જ હોંશિયાર હતી, બહુ જ શાંત છોકરી હતી પણ જ્યારથી આ છૂટાછેડાવાળું શરૂ થયું ત્યારથી બદલાઈ ગઈ છે. ત્યારથી ભણવામાં પાછળ રહેવા માંડી છે. રિયા સાથે વાત શરૂ કરી. પૂરી હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે એના પપ્પા બેંકમાં મેનેજરની પોસ્ટ પર હતા અને બે વરસ પહેલાં એમની બોમ્બે ટ્રાન્સફર થઈ હતી. રિયા એના પપ્પાની વધારે નજીક હતી અને પપ્પાની બહુ લાડકી પણ હતી.

પહેલાં થોડા મહિના સુધી તેના પપ્પા દર શનિ—રવિ સુરત એમની જોડે રહેવા આવતાં અને રિયાને બહુ જ લાડ કરતા અને રિયાને મજા પડતી. પૂરું અઠવાડિયું રિયા શનિ—રવિની રાહ જોતી. પછી ધીરે—ધીરે એના પપ્પાએ સુરત આવવાનું બંધ કરી દીધું. રિયા ફોન કરે ત્યારે આવીશ કહે, રિયા ખૂબ રાહ જોતી પણ એના પપ્પા આવતાં નહીં. રિયા ખૂબ રડતી.

રિયાનાં મમ્મીએ કીધું કે રિયાના પપ્પા એની જ બેંકમાં કામ કરતી એક પરિણીત સ્ત્રીના પ્રેમમાં પડી ગયા હતા. રિયાની મમ્મીને જ્યારે ખબર પડી ત્યારે એમના માથે આભ તૂટી પડયું. પછી તો જ્યારે પણ એના પપ્પા સુરત આવે ત્યારે પતિ—પત્ની વચ્ચે ખૂબ જ ઝઘડા થતા. પપ્પા—મમ્મી ખૂબ જ દલીલો કરતાં. બન્ને એકબીજાના ચારિત્ર પર છાંટા ઉડાવતાં. ગાળાગાળી થતી અને એના પપ્પા સોમવારે પાછા મુંબઈ જતા રહેતા. લડાઈમાં તો એવી વાત પણ આવતી કે છૂટાછેડા થાય તો રિયાને કોણ રાખશે? થોડા સમય પછી રિયાને ખબર પડી કે એના પપ્પા પેલાં બહેન જોડે લગ્ન કરવાના છે અને એમને રિયા જેટલી ઉંમરની એક છોકરી પણ છે જે રિયાના પપ્પા જોડે રહેવાની છે એટલે એના પપ્પા રિયાને રાખવાની ના પાડતા હતાં રિયાને ખૂબ દુઃખ થયું. જ્યારે મેં રિયા જોડે વાત કરી ત્યારે એણે કીધું કે, “મારા પિતાએ કોઈ બીજી સ્ત્રીને મારી મમ્મીના હક આપ્યા છે, પોતાની છોકરી છોડીને બીજાની છોકરીને અપનાવી રહ્યા છે, મને ખૂબ જ ગુસ્સો આવે છે અને એટલે જ હું ભણી નથી શકતી. મને ક્લાસમાં પણ બહુ જ ગુસ્સો આવે છે. છોકરાઓ સાથે દોસ્તી કરવાથી મારું મન શાંત થાય છે.

તમને ખબર છે, મારી મમ્મી પણ બહુ બદલાઈ ગઈ છે. મમ્મી ચીડચીડી થઈ ગઈ છે. નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે. પૂરો સમય ઘરે બેસી રહે છે અને એક વાર તો એણે આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો છે અને ત્યાર પછી અમને નાની એમના ઘરે લઈ ગયાં છે.” રિયાની મામીને રિયા અને એની મમ્મીનું પિયરમાં આવવું ગમ્યું નથી એટલે એ વારે—તહેવારે રિયાની મમ્મીને ટોણાં માર્યા કરે છે. રિયાને એના મામાના છોકરા રવિ જોડે ઓરડામાં ભાગીદારી કરવી પડે છે જે રવિને પણ ગમતું નથી અને રિયાને પણ ગમતું નથી.

રિયાનું કહેવું છે કે, “હવે મારે ભણવું નથી. મારે ક્યાંકદૂર જતા રહેવું છે. જ્યારે જ્યારે હું મારા પપ્પા વિશે વિચારું છું ત્યારે મને જિંદગી જીવવા જેવી લાગતી નથી. મારી મમ્મી મારી જોડે વાત નથી કરતી. હવે મારી મમ્મી નોકરી કરવા જાય છે. અમારે પૈસાની પણ બહુ તંગી છે. મારી આખી જિંદગી બદલાઈ ગઈ છે.”

 

રિયાને હું શું જવાબ આપું?

આપણે એવું વિચારતા હોઈએ કે પુરુષ અને સ્ત્રીને એકબીજા સાથે ફાવે નહીં તો જિંદગીભર સાથે રહેવાની જગ્યાએ અલગ થઈ જવું જોઈએ અથવા તો તમે જેને પ્રેમ કરતાં હોય એવું કોઈ પાત્ર મળે તો એની સાથે જિંદગી જીવવી જોઈએ પણ જ્યારે આપણે માતા—પિતા બની જઈએ છીએ ત્યારે બાળકના દૃષ્ટિકોણથી વિચારવું પડે.

શું બાળક પિતા વગર કે માતા વગર એની નોર્મલ લાઈફ જીવી શકે છે? હા માતા—પિતા જો મરણ પામે તો કદાચ બાળક સ્વીકારી લે કે એ કોઈના હાથની વાત નથી પણ પિતા કે માતા જ્યારે બાળકને છોડીને કોઈ બીજા પાત્ર સાથે જોડાય ત્યારે બાળકની માનસિક પરિસ્થિતિ કેવી હશે? પિતા કે માતા પોતાને છોડીને બીજા કોઈ બાળકનાં માતા—પિતા બને ત્યારે બાળક કેવી રીતે સમાયોજન સીધશે?        હવે છૂટાછેડા થવા એ ખૂબ જ સામાન્ય બની ગયું છે ત્યારે છૂટાછેડા લેતાં પહેલાં માતા—પિતાએ બાળક સાથે કાઉન્સલિંગ કરવું બહુ જરૂરી છે પણ જ્યારે માતા—પિતા છૂટાછેડા લેતાં હોય ત્યારે માતા—પિતાની પણ માનસિક પરિસ્થિતિ એવી નથી હોતી કે એ લોકો બાળકનું વિચારી શકે. માતા અને પિતા બંને જણ પોતપોતાની જરૂરિયાતમાં અટવાયેલાં હોય છે, ગુસ્સામાં હોય છે, દુઃખી હોય છે. તો વાંક કોનો? રિયા જેવી વ્યક્તિને હું જોઉં ત્યારે એવું થાય કે ૧૫ વર્ષની બાળકી પોતાને કેવી રીતે સંભાળતી હશે?

જે ઘરોમાં માતાપિતાના ઝઘડા ચાલતા હોય એવા દરેક માતાપિતાએ પોતાનો અહં, ગુસ્સો, પોતાની જરૂરિયાતોને થોડા સમય માટે બાજુમાં મૂકીને બાળકોની સાથે વાત કરવાની ખૂબ જ જરૂર છે. બાળકો એ તમારી જ જવાબદારી છે, એમને તમારી જરૂર છે, એમની દુનિયા તો તમે જ છો… એવું નહિ?